આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!
વિવેક મનહર ટેલર

વસંતરંગ – નિરંજન ભગત

વસંતરંગ લાગ્યો !
કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો

ડાળે ડાળ કળીઓ શું જોબનમાં ઝોલતી,
આંબાની મ્હોરેલી મંજરીઓ ડોલતી,
કોયલ શી અંતરની આરત ખોલતી!
વાયરાની વેણુમાં મત્ત રાગ વાગ્યો!

પગની પાનીએ રંગ મેંદીનો રેલતી,
કાને કેસૂડાંનાં કુંડળ બે મેલતી,
કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
વસંતરંગ લાગ્યો !

– નિરંજન ભગત

વસંત જાદુગર છે. ચિત્રકાર જે રીતે કોરા કાગળ પર બે-ચાર લસરકા મારે અને કાગળની શિકલ જ બદલાઈ જાય એ રીતે વસંતનો રંગ લાગતાં જ આખી સૃષ્ટિ નવપલ્લવિત થઈ ઊઠે છે. કુંજે-કુંજે ડાળીઓમાં પ્રાણ જાગી ઊઠ્યો છે. કળીઓ મત્ત થઈ ડોલે છે, આંબો મંજરીઓથી લચી પડ્યો છે અને કોયલ એના હૈયાની આરત ઊઘાડતી હોય એમ સૂરાવલિઓ રેલાવી રહી છે. જાણે વાંસળી કેમ ન વાગતી હોય એવી મસ્તીમાં પવન ફૂંકાઈ રહ્યો છે. પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!

2 Comments »

  1. Kajal kanjiya said,

    March 13, 2020 @ 4:15 AM

    वाहहहहह

  2. pragnajuvyas said,

    March 13, 2020 @ 1:22 PM

    ‘ વસંતરંગ ‘ કવિશ્રી નિરંજન ભગતના મસ્ત ગીતે સરળ શબ્દોમાં રમ્ય છબી આંકી આપી.
    કુંજમાં અકેલ કોણ ફાગનૃત્ય ખેલતી?
    મેં કોના તે રાગમાં વિરાગયાગ ત્યાગ્યો?
    વસંતરંગ લાગ્યો !
    ડૉ વિવેકજીએ આસ્વાદમા કહ્યું -‘પ્રકૃતિ આખી ફાગના રાગમાં નર્તન કરતી હોય એવામાં ભલભલા વિશ્વામિત્રનું તપોભંગ થઈ જાય તો બિચારા નાયકની તે શી વિસાત!’
    નિરંજન ભગત યંત્રવાદિની પ્કડમાંથી છૂટીને રોમાંટિક નિરંજન સાથે અનુસંધાન સાધે છે
    યાદ આવે મા. હીરા રામનારાયણ પાઠકનુ કાવ્ય…
    આજ તવ પત્ર!
    -તવ પ્રેમ-્પ્રેમોદાર
    નીલનિખિલ નભનિતાર
    કૌમુદીમુદા શુભ્રોજ્જ્વલ સર્વ!
    મલયવાસંતી સ્વલ્પ વાયુમલકાટ,
    પિપ્પલ પલ્લવ પલ્લવ ફરકાટઃ
    બસ, આજ તારે પત્ર,
    મન મન મુખરિત!
    થાવા ચાહે મુકુલિત!
    ઉર અણુએ અણુએ અંકુરિત
    આપનો કૃપાપ્રસાદ – અનુગ્રહ,
    ગુલમોર – વસંતરંગ સંગ્રહ.
    રંગરસ ઉર કુર્નિશ બજાવી,
    શત શત વાર,
    ધારે ધારે નિરાધાર,
    સજની! સલામ!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment