તું ન ચાહે તો પછી એને કોઈ ચાહે નહીં,
જિન્દગીને એ રીતે અળખામણી કરશું અમે.
– બરકત વિરાણી ‘બેફામ’

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સાહિત્ય સમાચાર

સાહિત્ય સમાચાર શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




નયનનાં મોતી

 

બંને આંખ મીંચી હાથ ઊંચે લંબાવીને કાવ્યપાઠ કરે ત્યારે લૌકિકમાંથી અલૌકિક બની જતા આ માણસનો અવાજ પણ આ દુનિયાની પેલે પારના કોઈક અગોચર પ્રદેશમાંથી આવતો લાગે. મુશાયરાનું સંચાલન કરતા આ માણસને જેણે જોયો નથી, એણે કદી કોઈ મુશાયરાને માણ્યો નથી! એમના મુખે કવિતા સાંભળવાની ઘટના પોતે જ એક કવિતા હતી. કવિતાની અંદર ઓગળી જઈને પ્રગટતો આવો કવિ ભાગ્યે જ જોવા મળશે.

નયન હ. દેસાઈ.

જન્મ- ૨૨ ફેબ્રુઆરી ૧૯૪૬, નિધન- ૧૨ ઓક્ટોબર, ૨૦૨૩.

જન્મભૂમિ વાલોડ પણ કર્મભૂમિ સુરત. કદકાઠીએ ટૂંકા પણ આદમી મુઠ્ઠીઊંચેરા. તમને મળે અને તમારા નામથી તમને ન ઓળખે કે ખભે હાથ મૂકીને તમારા અસ્તિત્ત્વને પ્રેમના દરિયામાં ડૂબાડી ન દે તો એ નયન દેસાઈ નહીં. અભ્યાસ માત્ર SSc સુધીનો પણ કવિતામાં જાણે કે ડૉક્ટરેટ. વેદનાત્રસ્ત અને વેદનાગ્રસ્ત મનુષ્ય એમની કવિતાનું કેન્દ્રબિંદુ. પ્રકૃતિ એમની કવિતાનો વ્યાસ. જીવનની શરૂઆતમાં હીરા ઘસતા તે આજીવન કાચા હીરા જેવા કેટલાય કવિઓને પાસા પાડતા રહ્યા. ગીત અને ગઝલમાં પ્રયોગો કરવાની જાદુઈ હથોટી. પ્રયોગશીલતા ક્યારેક પ્રયોગખોરી પણ બની રહેતી. પણ ગીત-ગઝલમાં જેટલું વૈવિધ્ય એ એકલા હાથે લઈ આવ્યા એટલું જવલ્લે જ કોઈ કવિ લાવી શકે. નયન દેસાઈએ ગુજરાતી કવિતારાણીને જેટલા અછોઅછોવાનાં કર્યાં છે એટલા બહુ ઓછા કવિઓએ કર્યા છે. ઉર્દૂના પણ ઉસ્તાદ. નયનભાઈને તમે એકલા મળો કે કવિસંમેલનમાં કે સભામાં- આ માણસ હવાની જગ્યાએ કવિતા શ્વસતો હોવાની ખાતરી થયા વિના નહીં રહે.

રમેશ પારેખની જેમ એમનું નામ પણ છ અક્ષરનું જ. અને ર.પા.ની જેમ જ એમના ખોળામાં પણ ગુજરાતી કવિતા ખૂબ રમણે ચડી હતી, પણ કમનસીબે તળગુજરાતના આ ઓછા કદના કવિ ગુજરાતી કવિતામાં મોખરાનું સ્થાન છતી લાયકાતે પામી શક્યા નહીં… આ કમનસીબ તે નયન દેસાઈનું નહીં, ગુજરાતી કવિતાનું જ.

લયસ્તરો પર એક અઠવાડિયા સુધી નયન દેસાઈની કવિતાની અલગ અલગ મુદ્રાઓથી પરિચિત થઈએ અને કવિને ભેગા મળીને યથોચિત શબ્દાંજલિ આપીએ.

Comments (10)

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

Comments (3)

લયસ્તરોની સોળમી વર્ષગાંઠ પર…

*

ગુજરાતી કવિતા અને કાવ્યાસ્વાદની સર્વપ્રથમ અને સહુથી વિશાળ વેબસાઇટ આજે ષોડશી થઈ…

સોળ વર્ષ પહેલાં આજના દિવસે અમેરિકામાં ધવલ શાહે આ વેબ્લોગની શરૂઆત કરી… એક-એક કરતાં આજે એક હજારથી વધુ કવિઓની ૪૮૦૦ જેટલી રચનાઓ ગુજરાતી કવિતાપ્રેમીઓને અમે પીરસી શક્યાં છીએ એનો આનંદ… વિશેષ આનંદ એ વાતનો છે કે સાહિત્યરસિક મિત્રોની સાથોસાથ સિદ્ધહસ્ત કવિઓએ પણ અમારા આ પુરુષાર્થને મોકળા મને બિરદાવ્યો છે. લયસ્તરો આજે ઑનલાઇન ગુજરાતી કવિતાનું પ્રતિષ્ઠિત સરનામું બની શક્યું છે એનો હર્ષ હૈયામાં સમાતો નથી.

સોશ્યલ મિડીયાઝની ભરમાર વચ્ચે વેબસાઇટ્સ ગઈ ગુજરી બનવાને આરે હોવા છતાં લયસ્તરોના ચાહકો આજ સુધી અમારી પડખે ને પડખે જ રહી અવિરત હૂંફ પૂરી પાડી રહ્યા હોવાથી અમારું અસ્તિત્ત્વ હજી ટકી રહ્યું છે… સ્વીટ સિક્સ્ટીનના આ નવલા-નાજુક વળાંકે અમે સહુ આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ…

૨૦૨૦નું આખું વર્ષ કોરોના ૧૯ના વૈશ્વિક રોગચાળાની નાગચૂડમાં વેડફાઈ ગયું. વૈશ્વિક મહામારી વૈશ્વિક નિરાશા પણ લઈને આવી છે… તો આવા સમયે સોળમી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે કોરોના રોગચાળાની ઉદાસી વ્યક્ત કરતી કાજળકાળી કવિતાઓ રજૂ કરવાના બદલે અમે હાસ્ય-વ્યંગ્યની હળવી રચનાઓનો રસથાળ લઈને રવિવારથી આપ સહુ સમક્ષ ઉપસ્થિત થઈશું… કારમા કોરોનાકાળમાં પળભર માટે પણ આ કવિતાઓ આપના ચહેરા પર થોડી પ્રસન્નતા આણી શકે તો અમારું સદભાગ્ય…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો સહૃદય આભાર..

-ડૉ. ધવલ શાહ, મોના નાયક, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર
(ટીમ લયસ્તરો)

Comments (93)

આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ

લયસ્તરો દ્રારા કવિતાના આનંદનો ગુલાલ કરવાના ઉદ્યમને આજે 15 વરસ પુરા થાય છે. કવિતાની હુંફમાં આટલો પસાર કરવાનો અવસર થયો એ ઈશ્વરનો ઉપકાર જ ગણાય. આ અવસરે હું લયસ્તરોની ટીમ – મોના, તીર્થેશ, વિવેક અને મારા – તરફથી સઘળા કવિઓ, સ્નેહીજનો અને વાચકોનો આભાર માનું છું.

મા ગુજરાતીને ઇન્ટરનેટ પર પ્રસરતી જોવાનો આનંદ બહુ મોટો છે. ગુજરાતી કવિતા રોજે રોજ બદલાઈ રહી છે અને વિસ્તરી રહી છે. વધુને વધુ લોકો પોતાના સાંસ્કૃતિક (અને સાહિત્યિક) મૂળિયાંની શોધમાં ગુજરાતી ભાષા તરફ પાછા ફરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય, નાટકો, ફિલ્મો બધું ઓસરવાને બદલે ઉભરાતું જાય છે. ઉમદા કામ કરવા સક્ષમ એવું નવું લોહી ગુજરાતી ભાષાપ્રવાહમાં ઉમેરાતું જાય છે. આ બધું એક ચમત્કારથી ઓછું નથી.

દર વર્ષે લયસ્તરોની વર્ષગાંઠ કંઈક નવું કરીને ઉજવવાનો ક્રમ અમે આ વખતે પણ ચાલુ રાખીશું. આવતું અઠવાડિયું આપણે સૂફી કવિતાઓની સાથે પસાર કરીશું. એનો પહેલો મણકો આવતી કાલે આવશે. તો આજે શું? આજે લયસ્તરોની પંદરમી વર્ષગાઠ નિમિત્તે હું તમારી સાથે કવિતાની મને ગમતી પંદર વ્યાખ્યાઓ રજુ કરું છું, ‘કવિતા એટલે શું?’ એ અનુત્તરણીય પ્રશ્નનો જવાબ શોધવામાં એ હાથવાગી થશે એવી આશા સાથે 🙂

કવિતા માનવીનો પોતાના હોવાપણાની સામેનો વિદ્રોહ છે. – જેમ્સ બ્રાન્ચ કાબેલ

કવિતા એક પડઘો છે જે એક પડછાયાને નાચવા માટે આમંત્રિત કરે છે. – કાર્લ સેન્ડબર્ગ

જે અનુવાદમાં ખોવાઈ જાય છે એ કવિતા હોય છે. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે હકીકતની વ્યાખ્યા. – ઇડિથ સીટવેલ

કવિતા કે ગીત એ તમે સમજી શકો એવી ચીજ નથી, એ એવી ચીજ છે જે તમને સમજી શકે છે. – વિન્ની ધ પૂ(એ.એ. મિલ્ને)

કવિતા એ રોજનીશી છે જમીન પર રહેતા જળચરોની, જે હવામાં ઉડવાની ઈચ્છા રાખે છે. – કાર્લ સેન્ડબર્ગ

ખરી કવિતા એ જે સમજાતા પહેલા જ સમજાઈ જાય. – ટી. એસ. ઇલિયટ

કવિતા અવાજના આશીર્વાદથી જન્મેલું ચિત્ર છે. – સિમોનિડીસ

કવિતા મૌનનું અનાથ બાળક છે જેને શબ્દોએ દત્તક લીધેલું છે. – ચાર્લ્સ સિમિક

મારું માથું કોઈએ વાઢી લીધું હોય એવું લાગે, ત્યારે હું માનું કે એ કવિતા છે. – એમિલી ડીકીનસન

કવિતા એ જિંદગીનો પુરાવો છે. એ બળતી જિંદગીની ખરતી રાખ માત્ર છે. – લેનાર્ડ કોહન

જીવનમાં યાદ રાખવા જેવું જે કશું છે એ કવિતા છે. – વિલિયમ હાઝલીટ

કવિતા એ સુખ અને સત્યનું ચોખટુ બેસાડવાની કળા છે. – સેમ્યુઅલ જ્હોનસન

કવિતા એટલે જિંદગીને ગળચીથી પકડી લેવાની કરામત. – રોબર્ટ ફ્રોસ્ટ

કવિતા એટલે આત્માની માતૃભાષા. – ઉમાશંકર જોશી

લોહીનું  શ્યાહી  માં  રૂપાંતર  એટલે  કવિતા. – હરીન્દ્ર  દવે (આભાર: કેતન યાજ્ઞિક)

Comments (54)

લયસ્તરોની ચૌદમી વર્ષગાંઠ પર….

ગુજરાતી કવિતાની સૌપ્રથમ અને સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરોએ ૦૪-૧૨-૦૨૦૧૮ના રોજ ચૌદ વર્ષનું સીમાચિહ્ન સર કર્યું. ૧૪ વર્ષ, ૯૫૦થી વધુ કવિઓ અને ૪૩૦૦થી વધુ પૉસ્ટ્સ…

ચૌદ વર્ષે તો રામનો વનવાસ પણ ખતમ થઈ ગયો હતો… પણ લયસ્તરો પર ચાલતો આ કવન-વાસ કદી પૂરો ન થાય એમ અમે ઇચ્છીએ છીએ…

કાવ્ય અને કાવ્યાસ્વાદની આ યાત્રા આપ સહુ વાચકમિત્રોના એકધારા સ્નેહ અને સદભાવ વિના શક્ય જ નહોતી…. આપ સહુનો પ્રેમ આ જ રીતે મળતો રહેશે એવી આશા સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર..

-ડૉ. ધવલ શાહ, ડૉ તીર્થેશ મહેતા, ડૉ. વિવેક ટેલર, મોના નાયક
(ટીમ લયસ્તરો)

Comments (16)

“શબ્દો છે શ્વાસ મારા”ની બારમી વર્ષગાંઠ પર…

શું આપ ગુજરાતી ભાષાને ચાહો છો? તો અત્યારે જ ક્લિક કરો….

http://vmtailor.com/archives/4625

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – શબ્દો છે શ્વાસ મારા (vmtailor.com) આજે નિયમિત બ્લૉગિંગના એક-બે નહીં, ૧૨-૧૨ વર્ષ પૂરાં કરી આજથી તેરમા વર્ષમાં શુભપ્રવેશ કરે છે… ૧૨ વર્ષ, ૫૭૦ જેટલી પૉસ્ટ્સ, અને ૧૩૦૦૦થી વધુ પ્રતિભાવોની આ મુસાફરી આપ સહુના સ્નેહ વિના શક્ય જ નહોતી… તો આવો, આજે ફરી એકવાર આપના પ્રેમની વર્ષા કરવા ભૂલ્યા વિના સમય ફાળવીને મારા આંગણે પુનઃ પધારો…

આપના આશીર્વચન અને સ્નેહકામનાઓની પ્રતીક્ષામાં…
-વિવેક

Comments (11)

‘લયસ્તરો’ની સફર ના તેર વર્ષ પૂરા

‘લયસ્તરો’ની સફરને આજે તેર વર્ષ પૂરા થાય છે.

તેર વર્ષ એટલે ૪૭૦૦થી ઉપર દીવસો. એટલા દીવસોમાં વહેંચી ૪૦૦૦થી વધારે કવિતાઓ.’લયસ્તરો’ની આ સફર કલ્પનાતીત છે. ગુજરાતી કવિતાને – અરે ગુજરાતીને જ- વેબ પર કોણ પૂછવાનું એવું કહેવા વાળા ઘણા હતા. એની સામે કવિતાને દિલોજાનથી ચાહનારા ને માણનારા ઓછા હતા. પણ જે હતા એ બધા દિલદાર હતા. એ ચંદ લોકોના પ્રેમથી પોષઇને ‘લયસ્તરો’નો છોડ ઉછરી ગયો જે આજે તો વટવૃક્ષ થયો છે. તહેદિલથી અમે એ બધા શુભેચ્છકો, વાંચકો, કવિઓ અને મિત્રોનો આભાર માનીએ છીએ.

માર્ક ટ્વેને એક વાર કહેવુ પડેલું, “The reports of my death are greatly exaggerated.” ગુજરાતી ભાષાના ગુજરી જવાના સમાચાર એવી જ રીતે ખોટા પડ્યા છે એનો સૌથી વધારે આનંદ છે. લાયબ્રેરીઓના ઘૂળીયા કબાટોમાં છેલ્લા શ્વાસ લેતી ગુજરાતી આજે ષોડશીના જોમ સાથે વેબ અને વોટ્સએપ પર વટથી ફરી રહી છે એ પણ કંઇ ચમત્કારથી ઓછી વાત નથી.

અણગણિત કવિઓ -અને ખાસ કરીને નવી પેઢીના કવિઓ- રોજેરોજ મા ગુર્જરીને જે જતનથી નિતનવીન નૈવેદ્ય અર્પણ કરી રહ્યા છે એ ગર્વની વાત છે. ગુજરાતી કવિતામાં નવા પ્રયોગો ખૂબ થઈ રહ્યા છે. બીજી ભાષાઓ સાથે આદાન-પ્રદાન પણ વધતું જાય છે. આ બધુ જોઇને ગુજરાતી હોવાનો કેફ એટલો વધારે ચડે છે.

દર વર્ષે ‘લયસ્તરો’ની વર્ષગાંઠની ઉજવણી કશુંક અલગ કરીને કરવાનો ક્રમ આ વખતે પણ ચાલુ રાખવાનો પ્રયાસ છે. આ વખતે આપણા લોકગીતોના ખજાનામાંથી થોડા રત્નો એક અઠવાડિયા સુધી રોજ રજુ કરવાનો વિચાર છે. સામુહિક ચેતનાથી ઘડાયેલા લોકગીતોની તો પોતાની જ આગવી મઝા અને મીઠાશ છે. તો આવતી કાલે મળીશુ આપણા લોકગીતોની સફરના પહેલા મુકામ સાથે.

Comments (24)

ઈર્શાદગઢ : ચિનુ મોદી અને ‘ખારાં ઝરણ” વિષે…

આજે શ્રી ચિનુ મોદી આપણી વચ્ચે નથી રહ્યા… પંદરમી ઑગસ્ટ, ૨૦૧૬ના રોજ ચિનુકાકા વિશે અને એમના સંગ્રહ “ખારાં ઝરણ”વિશે લખેલો એક સમીક્ષાત્મક લેખ આજે પ્રસ્તુત છે:

આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઇચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી.

સ્વર્ગની લાલચ ન આપો, શેખજી !
મોતનો પણ એક મોભો હોય છે.

એક જણ સાચું રડે તો બહુ થયું,
મૌન ક્યાં આખી સભાનું જોઈએ ?

મુસીબત પડી એ તો સારું થયું,
સ્વજનને તો સરવાનો મોકો મળ્યો.

– આમાંથી કોઈ પણ શેર કવિના હસ્તાક્ષરનો મહોતાજ નથી. ગુજરાતી ગઝલ પરંપરાના આ અમર શેર કોઈ આપણી સામે વાંચે કે તરત જ આપણી નજર સમક્ષ ગુજરાતી ગઝલનો એક મજબૂત અને અડીખમ યુગસ્તંભ આવી ઊભો રહી જાય.

જી હા. ચિનુ ચંદુલાલ મોદી. ઈર્શાદ. મહેસાણામાં વિજાપુર ગામમાં ૩૦-૦૯-૧૯૩૯ના રોજ જન્મેલા ચિનુ મોદી વિજાપુર, ધોળકા અને અમદાવાદ ખાતે ભણ્યા. બી.એ., એમ.એ, એલ.એલ.બી., અને પી.એચ.ડી. ચિનુ મોદીના સ્વભાવમાં બળવાખોરી પહેલેથી જ આમેજ હતી. પિતાજી ઇચ્છતા કે એ આઇ.એ.એસ. બને, પણ સાહેબ બન્યા ગુજરાતી શિક્ષક. પહેલા લગ્ન ૧૯૫૮માં જ્ઞાતિ બહાર. બીજા લગ્ન ૧૯૭૭માં હિંદુ છોકરી સાથે. ગુજરાતી કવિતાને સાવ શીર્ષાસન સમો કાયાકલ્પ કરાવનાર ‘રે’ મઠના પાયામાંના એક.

‘રે’મઠના અન્ય સાહસિકોની જેમ જ ચિનુ મોદી ‘ઈર્શાદ’ નો ગુજરાતી ગઝલના નવોન્મેષમાં અમૂલ્ય ફાળો છે. ગઝલને બીબાઢાળ બનતી અટકાવનાર સજાગ પ્રહરીઓમાં એ મોખરે આવે. ગઝલો ઉર્દૂમાં પણ લખે પરંતુ બે ભાષા પરની હથોટી કદી સીમા વળોટતી ન ભાસે એ એમની સિદ્ધહસ્તતા. ચીલાચાલુ રદીફ-કાફિયાથી દૂર રહી, આડંબરી ભાષાથી હટીને, લપસણા વિશેષણોમાં લપસ્યા વિના, પુનરાવર્તન અને પુનરોક્તિના ભયસ્થાનોથી અળગા ચાલતા ચિનુ મોદીની ગઝલો એ ગુજરાતી ભાષાની સવારની ચા સમી તાજગી છે. ગઝલમાં તસ્બી અને ક્ષણિકા જેવા કાવ્યપ્રકારોના એ સર્જક છે.

સિદ્ધ સર્જક કદી જમાનાએ નક્કી કરેલા રસ્તે આંખ મીંચીને ચાલતો નથી. ચાલુ રચનાની વચ્ચે જ ચિનુ મોદી આપણી ધારણાને જમીનદોસ્ત કરતી ગુંલાટી મારી શકે છે… શોભિત દેસાઈ કહે છે, ‘રદીફ-કાફિયા અથવા શે’રની ગૂંથણી કે અન્ય નક્કર છાપ ઊભી કરવાના સજાગ પ્રયાસને લીધે ગઝલ પર નજર પડતાંની સાથે કવિની ‘બ્રાંડ’ પકડાઈ જતી હોય ત્યારે ચિનુ મોદી ‘ઈર્શાદ’ કોઈની પણ અસર; અરે ! ખુદ પોતાની પણ અગાઉની ગઝલોની અસર ન ઝીલતા હોવાને કારણે કાયમ નવી જ બાની લઈ આવે છે. સતત આશ્ચર્ય આપવા એ ઈર્શાદની ગઝલનો સ્વભાવ રહ્યો છે.’ પ્રયોગ અને પરંપરાનું એ મજાનું ફ્યુઝન કરી જાણે છે… જાણીતા અભ્યાસુ-વિવેચક-સંપાદક શકીલ કાદરી ચિનુ મોદી વિશે કહે છે, ‘પ્રયોગશીલ કવિઓમાં ચિનુ મોદીનું પ્રદાન નોંધપાત્ર ગણાવી શકાય એમ છે. એમણે ગઝલોમાં વિશેષ સિદ્ધિ પ્રાપ્ત કરી છે. પરંપરાગત ઉર્દૂ-ફારસી છાપવાળી ગઝલોથી મુક્ત એવી ભાષા દ્વારા એમણે કાફિયા-રદીફના ચુસ્ત બંધન અને સચોટ ધારદાર અભિવ્યક્તિથી ગઝલનો મિજાજ જાળવ્યો છે.’

જોકે ગઝલસમ્રાટ તરીકેની ઓળખ ભૂલાવે એવાં બળકટ ગીતો પણ કવિએ આપ્યાં છે. ઉદયન ઠક્કરનો જાણીતો શેર ‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ ચિનુ મોદી જેવા વિરાટ કવિને સ્પર્શી શકે એમ નથી. કવિતાના સ્વરૂપોના ખેડાણની બાબતમાં ચિનુ મોદીની સમકક્ષ એમની સમકાલીન ગઈકાલ કે આજની પેઢીના કોઈ પણ કવિ ઊભા રહેવાનું વિચારી પણ નહીં શકે. ગઝલ, સૉનેટ, છંદોબદ્ધ, અછાંદસ, ગીત, દીર્ઘ કાવ્ય, ખંડ કાવ્ય, પારંપારિક આખ્યાન, આધુનિક આખ્યાન, પદ્ય નાટકો, પદ્યસભર વાર્તાઓ – કવિએ જે સફળતા અને સાહજિકતાથી નાનાવિધ કાવ્યસ્વરૂપોમાં હૃદયંગમ સ્વૈરવિહાર કર્યો છે એ ન ભૂતો, ન ભવિષ્યતિ છે.

લબ્ધપ્રતિષ્ઠ કવિ-વિવેચક ચન્દ્રકાન્ત શેઠ લખે છે, ‘ચિનુભાઈની કવિતા એટલે ચાંચલ્યની કવિતા, પણ એમાં ગાંભીર્ય ને ગહરાઈ પ્રચ્છન્ન રીતે રહેલાં સહૃદયને તુરત જ પકડાય –પરખાય !’

એક વિહંગાવલોકન કરીએ કવિના સર્જન પર :

કાવ્યસંગ્રહ: વાતાયન, ઊર્ણનાભ, શાપિત વનમાં, દેશવટો, ક્ષણોના મહેલમાં, દર્પણની ગલીમાં, ઈર્શાદગઢ, બાહુક, વિ-નાયક, કાલાખ્યાન, અફવા , ઈનાયત, એ, સૈયર, શ્વેત સમુદ્રો, નકશાનાં નગર, પર્વતને નામે પથ્થર, હથેળી

નાટક – ડાયલનાં પંખી, કોલબેલ, હુકમ માલિક, જાલકા, અશ્વમેઘ

નવલકથા– શૈલા મજમુદાર (આત્મકથાનક) , ભાવચક્ર, લીલા નાગ, હેંગ ઓવર, ભાવ અભાવ, પહેલા વરસાદનો છાંટો

વાર્તાસંગ્રહ – ડાબી મૂઠી, જમણી મૂઠી

વિવેચન – મારા સમકાલીન કવિઓ, બે દાયકા ચાર કવિઓ, ખંડકાવ્ય સ્વરૂપ અને વિકાસ

ચરિત્ર – કૃષ્ણલાલ શ્રીધરાણી

સંપાદન – ગુજરાતી પ્રતિનિધી ગઝલો, ચઢો રે શિખર રાજા રામના, ગમી તે ગઝલ

અનુવાદ– વસંતવિલાસ ( મધ્યકાલીન ફાગુકાવ્યોનો અનુવાદ)

ચિનુ મોદી કેવી બહુમુખી પ્રતિભા છે એ આ યાદી પર નજર નાંખતાવેંત સમજી શકાય છે.

‘બાહુક’ આધુનિક ખંડકાવ્ય છે તો ‘વિ-નાયક’ શિખરિણી છંદમાં પચાસ ષટકસ્વરૂપે લખાયેલું ત્રણસોપંક્તિનું દીર્ઘ કાવ્ય છે. ‘કાલાખ્યાન’ પ્રેમાનંદની આખ્યાનશૈલીનો સાદ્યંત સફળતાથી કરવામાં આવેલો સાક્ષાત્કાર છે. ‘ડાયલનાં પંખી’ પદ્યમાં લખેલા એબ્સર્ડ એકાંકી નાટકોનો સંગ્રહ છે. ‘ડાબી મૂઠી, જમણી મૂઠી’ પદ્ય-સભર વાર્તાઓ છે.

ગઝલની સાથે કવિનો ઘરોબો કંઈક આકસ્મિક રીતે થયો છે. પ્રારંભિક કવિજીવનમાં છંદોબદ્ધ સૉનેટ્સ અને ક્યારેક ગીતો એ જ એમનું લક્ષ્ય હતું. ચિનુ મોદી કહે છે, ‘ગઝલ સાથે નિકટવર્તી સંબંધ બંધાવાનાં બે નિમિત્ત કારણ: મનહર અને આદિલ. મનહર મોદીએ કોલેજમાં મુશાયરો રાખ્યો હતો ત્યારે સહજભાવે કવિને કહ્યું હતું: ‘તું પણ ગઝલ લખ ને.’ અને એમ ચિનુ મોદી ગઝલ સાથે મનમાં પણ નહોતું ને અવિનાભાવી સંબંધાયા.

ચિનુ મોદીની ગઝલોનો પોતીકો જ અવાજ છે. એમના શેર જેટલા સરળ ભાસે છે એટલા જ એ ઊંડા પણ હોય છે. ચિનુભાઈ ગઝલ નથી લખતા, જિંદગી લખે છે માટે જ એમના શેર દરેકને પોતાની આત્મકથાના પાનાં જેવા લાગે છે. એમના જ શબ્દોમાં કહીએ તો, ” ગઝલ એ હું આત્મકથાની અવેજીમાં લખું છું એટલું જ નહીં, ગઝલના રદીફ-કાફિયા મારે માટે શ્વાસ અને ઉચ્છવાસ જેટલા જ સહજ અને અ-નિવાર્ય બન્યા છે. હજી પણ પ્રત્યેક ગઝલ શરૂ થાય ત્યારે કાબો લૂંટી જશે એવો ડર લાગે છે. ગઝલથી વધારે છેતરામણું સ્વરૂપ ન સોનેટ છે, ન ખંડકાવ્ય છે. અ-છાંદસ, ગીત અને ગઝલ મને સૌથી છેતરામણાં કાવ્ય સ્વરૂપ લાગ્યાં છે.”

રમેશ પુરોહિત કહે છે, “ગઝલના આંતર-બાહ્ય તત્ત્વને સમજીને, ગઝલના રંગના ખુમારને જાણીને, ગઝલના મુલાયમ મિજાજને પિછાનીને, ગઝલના બયાનને પચાવીને, શબ્દોની છટકબારીઓ વાસીને, ચમત્કૃતિઓના શણગારોને નવાં રૂપ આપીને સભાનતાપૂર્વક નવી ગઝલોથી ગુર્જરીગિરાના અસબાબને અભિવ્યક્તિના નવોન્મેષોથી ચાર ચાંદ લગાવી દેનારા શાયરોમાં મોખરાનું નામ છે ચિનુ મોદી.”

એ સાચી વાત કરે છે અને ચેતવે પણ છે કે આ વાતો સાચી છે એટલે એ સારી હોવાની શક્યતા ઓછી છે.

આપણા માટે સમજદારી નથી
મારી વાતો સાચી છે, સારી નથી.

પોતાની ગઝલો વિશે ચિનુ મોદી પોતે કહે છે, ‘શ્રી ચિનુ મોદીની ગઝલો બે ભાગમાં વહેંચાય છે : ‘ઈર્શાદ’ થયા પહેલાં અને પછી.’ જાણીતા કવિ-વિવેચક હેમંત ધોરડા એમના બહુચર્ચિત પુસ્તક ‘તાણાવાણા’માં ઈર્શાદ થયા પહેલાંના અને પછીના કવિને તાણા અને વાણા અલગ કરીને રસસ્પદરીતે રજૂ કરે છે.

આટલી પૂર્વભૂમિકા પછી ચિનુ મોદીના ઇનામી ગઝલસંગ્રહ “ખારાં ઝરણ’ તરફ વળીએ. સંગ્રહ વિશે વાત કરતાં પહેલાં આટલી પ્રસ્તાવના એ માટે જરૂરી લાગી કે આ સંગ્રહ ચિનુ મોદીની ખરી ઓળખ નથી. ઈર્શાદ થયા પહેલાંની અને પછીની ગઝલોના બે તબક્કા પૂરા થાય છે એ પછીનો આ ત્રીજો નવતર તબક્કો છે. આ ગઝલો નથી ચિનુ મોદીની, નથી ઈર્શાદની, આ ગઝલો છે ચિનુ મોદી ઈર્શાદની. એકંદરે ડાબા હાથે લખવામાં આવી હોવાનો ભાસ કરાવતી આ રચનાઓની મજબૂતી બહુધા કવિના બહોળા અનુભવ અને કસબને આધારિત છે.

“ખારાં ઝરણ” ગઝલસંગ્રહમાં સિત્તેર ગઝલો સામેલ છે. ગાલગાગાના વત્તા ઓછા આવર્તનોને રમલ છંદ તરીકે ગણીએ તો સિત્તેરમાંથી 52 ગઝલો માત્ર રમલ છંદમાં છે. રમલ સિવાયના છંદો પર નજર કરીએ તો બાકીની રચનાઓમાં કવિએ લગભગ આઠ જેટલા જ છંદોમાં નહિવત્ ખેડાણ કર્યું છે. કવિના અગાઉના સંગ્રહોનું પણ પૃથક્કરણ કરીએ તો માલુમ પડે છે કે બે તૃત્યાંશથી પણ વધુ ગઝલોમાં કવિને રમલ જ માફક આવ્યો છે, જે રીતે સંસ્કૃત વૃત્તોમાં શિખરિણી ફાવ્યો ને ફળ્યો હતો એ જ રીતે. કવિની સિદ્ધિ અને શક્તિ જોતાં એ કદાચ ગુજરાતી ગઝલનું કમનસીબ લાગે છે.

છંદબાહુલ્ય કે એક જ છંદ પ્રત્યેની પ્રીતિને બે રીતે જોઈ શકાય. એક, કે કવિને અલગ અલગ છંદોની ચેલેન્જ બહુ માફક આવતી નથી. બીજું, કવિની જે-તે છંદમાં માસ્ટરી છે. ચિનુ મોદીના કેસમાં કદાચ બંને વાત સાચી છે. પણ જો માત્ર ખારાં ઝરણની વાત કરીએ તો કદાચ પહેલી પૂર્વધારણા જ વધુ સાચી જણાય છે. કેમકે આખા સંગ્રહમાં અમર થવા સર્જાયેલા શેર નહિવત જ હાથ ચડે છે. એક જ છંદમાં કવિ પક્ષપાતપૂર્વક ખેડાણ કરતા હોય ત્યારે એ છંદની તમામ શક્યતાઓ એ ચકાસી જુએ, છંદની બંને હાથે પરીક્ષા લે અને અગાઉ જોવા મળ્યાં ન હોય એવા કાફિયા કે એવી અનૂઠી રદીફો સાથે કામ લઈ વાંચતાવેંત કે વિચારતાવેંત આફરીન પોકારી જવાય એવી રચનાઓ કવિ આપે એ સહજે અપેક્ષિત છે પણ ખારાં ઝરણમાં આ અપેક્ષા સાંગોપાંગ પાર પડતી જણાતી નથી.

“ખારાં ઝરણ”માંથી પસાર થતી વખતે મકરન્દ દવેએ ગઝલ માટે જરૂરી જે ચાર પરિબળ – આગવી અભિવ્યક્તિ (અંદાજે-બયાઁ), સૌન્દર્યબોધ (હુસ્ને-ખયાલ), સંગીતમયતા (મૌસિકી) તથા આધ્યાત્મિકતા (મારિફત) – ગણાવ્યા હતા એ ડગલે ને પગલે વેરાયેલાં નજરે ચડે છે.

એકાક્ષરી કે વાતચીતના કાકુ ધરાવતી રદીફો આ સંગ્રહમાં ધ્યાનાર્હ છે. કેટલાક ઉદાહરણ જોઈએ:

યાદ આવે તું જ વારંવાર, હોં,
છે બધું મારી સમજની બ્હાર, હોં.
વય વધે છે એમ વધતી જાય છે,
તન અને મનની જૂની તકરાર, હોં.

આ જ રદીફ પર, આજ મીટરમાં એક બીજી ગઝલના શેર પણ જોઈએ:

છે ધધખતું પણ ઉપરથી શાંત, હોં,
વૃદ્ધ બનતાં પ્રાપ્ત આ એકાંત, હોં.
કંઈક એ જોઈ ગયો છે ત્યારથી,
ચિત્ત-ચક્ષુ બેય સરખાં શાંત, હોં.

બીજી એક એકાક્ષરી રદીફ:

રોજ મારામાં રહીને,
દિનબદિન મોટા થતા ભૈ.

શું ટકોરા માર ખુલ્લા દ્વાર પર ?
તું કરે છે ઠીક શિષ્ટાચાર, લે.

સપનાં આવે, આંસુ લાવે,
આંખોને ક્યાં જાણ છે, વ્હાલા ?
આ કાંઠે વરસોથી હું છું,
સામે કાંઠે વહાણ છે, વ્હાલા.

જેમ ટૂંકીટચરક અને બોલકી રદીફ કવિને માફક આવી છે એમ જ ટૂંકી બહેરની સાંકડી ગલીમાં પણ કવિનો વિહાર અદભુત રહ્યો છે:

અંગને સંકોચ, વહાલા,
આ ગલી તો સાંકડી છે.

થોડા બીજા ઉદાહરણ જોઈએ:

આભની અદૃશ્ય સીડી,
પંખીની નજરે ચડી છે.
– બહેર ટૂંકી પણ કવિની દૃષ્ટિ કેવી વિશાળ !

છેદ કરી હોડીમાં આવ્યું,
એ પાણી, પાણીમાં નાખું ?

કોણ હલેસે હોડીને ?
વાયુ કૈં ઓછો દેખાય ?

ઓછા શબ્દોમાં મોટી વાત કરવાના ખરા કિમિયાગર છે કવિ. જુઓ:

શહેરની શેરી હતી,
સ્તબ્ધતા પહેરી હતી.
બંધ ઘરની બારીઓ,
દૃશ્યની વેરી હતી.

અને આ એક કલ્પન તો ખાસ ધ્યાન આપીને જોવા જેવું છે. એકદમ ઝીણું કાશ્મીરી પશ્મીના જેવું પોત – વીંટીમાંથી આખી સાડી પસાર થઈ જાય એવું અદભુત ! સાંભળો :

કેવળ રહી છે યાદો,
તકદીરનો તકાદો.

આંખનાં પાણી તું પા,
આ ધરા પડતર નથી.
બે ઘડી તો રાજી થા,
છો કશો અવસર નથી.

જોઈ તપાસી શ્વાસો લો,
એ ખોટા સિક્કા પધરાવે.

ચિનુ મોદીની કલમની વાત કરતાં હોઈએ અને મૃત્યુ નજર સામે ન આવે એ બને ? એમના અન્ય તમામ સંગ્રહની જેમ પ્રસ્તુત સંગ્રહમાં પણ મૃત્યુ પાને-પાને જીવતું નજરે ચડે છે. પત્ની હંસાબેનની મૃત્યુતિથિ પર લખાયેલી ગઝલ પરથી જ “ખારાં ઝરણ” નામકરણ કરવામાં આવ્યું છે.

રાતભરનાં જાગરણ તેં ક્યાં મૂક્યાં?
આંખમાં ખારાં ઝરણ તેં ક્યાં મૂક્યાં?

તેલુગુ કવિ ડૉ. એન. ગોપી કહે છે: “To the poets death is poetic. If it were to be touched, would know it is hell.” પણ મૃત્યુનો સાક્ષાત્કાર થયા બાદ કોઈ પરત ફરતું નથી એ કહેવા માટે કે એ પોએટિક છે કે હેલ. એટલે જીવતેજીવ અફર અટળ અને અકળ મૃત્યુને શા માટે રળિયામણું ન કરી રાખીએ? આપણે ત્યાં બરકત વિરાણી ‘બેફામ’ મક્તાના ઉત્તમોત્તમ શેરોમાં મૃત્યુને સતત જીવતાં જોવા મળે છે. મૃત્યુ ચિનુ મોદીનો પણ સર્જન વિશેષ રહ્યું છે. સંગ્રહની પ્રસ્તાવનામાં કવિ કહે છે, “મારી ગઝલોમાં વિચ્છેદની વ્યથા છે, તો, આવનાર નિર્ણિત મૃત્યુ સાથેની બાથ ભીડવાની અનેકવિધ સંવેદનકથા છે.” સંગ્રહમાંની આવી કેટલીક મૃત્યુ વિષયક સંવેદનકથાઓનું આચમન કરીએ:

જાય છે, એ જાય છે, ક્યાં જાય છે ?
આ બધું જાણ્યા વગર મરવું નથી.

કવિ કહે છે કે મને મૃત્યુએ જીવતેજીવત ઓછું દુઃખ નથી દીધું.

શ્વાસને ‘ઇર્શાદ’ એક જ ડર હતો,
મોત પાછું ફાવશે તો શું થશે ?

માંગ તે બધું જ છે, પણ, વ્યર્થ છે,
દેહ શણગારું શું ધબકારા વગર ?

અને આ એક કમાલનું કલ્પન તો માણો, સાહેબ:

રોજ ચલાવી ક્યાં પહોંચ્યો છે ?
અટકાવી દે શ્વાસનો સંચો.

મૃત્યુને છેટું રાખે, ‘ઇર્શાદ’ છે ને દાદો ?!

વરસો જૂની હવેલી ક્યારેક તો પડત, પણ,
તારે લીધે બધુંયે સત્વર બની ગયું છે.

અને આ એક શેર પર તો કુરબાન કુરબાન પોકારી ઊઠાય એમ છે :
જીવ માટે દેહ એ,
પારકી પંચાત છે.

એમને છટકી જવું છે,
શ્વાસ શોધે લાગ, બાળક.
– મૃત્યુની કેવી સરળ પરિભાષા ! બાળકને સંબોધન કરીને કેવી બાળસાહજિકતાથી કવિ જીવનની સૌથી મોટી ફિલસૂફી સાત જ શબ્દોમાં આપી દે છે. આ છે ખરા ચિનુ મોદી ઈર્શાદ…

બધો વૈભવ ત્યજીને આવશું તારે ઘરે, કિંતુ,
મરણના દેવ ! શ્વાસોનો નિકટવર્તી સગો ક્યાં છે ? – નિકટવર્તી સગો જેવો શબ્દપ્રયોગ આટલી સ્વાભાવિક્તાથી ફક્ત ઈર્શાદ જ પ્રયોજી શકે.

ખૂબ જ નિરાંતે દેહમાં બેઠેલ જીવને,
ગાંડું થયેલું શ્વાસનું ટોળું ભગાડતું.

અને છેલ્લે આ શ્વાસના પૂરમાં તણાઈ જતા શરીરની દાસ્તાન તો સાંભળો :
પછી શ્વાસનું પૂર એવું ચઢ્યું,
અમે સાચવેલી મઢૂલી ગઈ.

સિદ્ધહસ્ત કવિ ક્યારેક પોતાને મનગમતા પોતાના જ શેરનું પણ અનુકરણ કરી બેસતા હોય છે. ચિનુ મોદી પણ આમાં અપવાદ નથી. એક શેર જોઈએ:

કોઈ પણ ઇચ્છા હજી બાકી ખરી ?
હોય તો પહેલાં પ્રથમ બાકાત કર.

– કહો તો, કયો શેર યાદ આવ્યો ?
કોઈ ઇચ્છાનું મને વળગણ ન હો,
એ ય ઇચ્છા છે, હવે એ પણ ન હો.

ઇચ્છા વિશેનો જ એક બીજો લાક્ષણિક શેર માણીએ:

અંગ આખું ઝેરથી ‘ઇર્શાદ’ લીલું થાય છે,
સર્વ ઇચ્છાઓ, અરે રે ! સાપની ભારી હતી.

ચિનુ મોદી મિજાજના કવિ છે. ખુમારી એમની બિમારી નથી, સ્વભાવ છે, સહજ ભાવ છે. જો કે એમની દાદાગીરી વહાલી લાગે એવી છે. કડક નારિયેળની અંદર રહેલી મલાઈ જેવી એ નરમ, ભીની અને મીઠી છે. એની એક મજા છે ને એટલે જ આટઆટલા દાયકાઓથી લખતા હોવા છતાં અને આટઆટલી પેઢીઓ સાથે કાર્યરત રહ્યા હોવા છતાં ચિનુ મોદી દરેક દાયકાના લોકપ્રિય અને નોંધનીય કવિ રહ્યા છે. કોઈ પણ પૂર્વભૂમિકા વિના કેટલાક શેરોનું આચમન કરીએ:

એક એવો પણ સમય ક્યારેક હોવો જોઈએ,
જે ક્ષણોનો માત્ર તું માલેક હોવો જોઈએ.

સાવ ખાલીખમ થયો ‘ઇર્શાદ’ તું,
ખાલીને એકાંતથી ભરવું નથી.

તું યાદ આવે એ ક્ષણો,
નમણી છે, ભીનેવાન છે.

તું કહે છે કે હવે હું જાઉં છું,
હું કહું છું, દોસ્ત ! હું ભૂસાઉં છું.
કોઈ છે ‘ઇર્શાદ’ કે જેને લીધે,
છૂટવા ઇચ્છું અને બંધાઉં છું.

મેં લુછેલાં આંસુ સાચકલાં હશે, હાથ જો ને ગંગા ગંગા થૈ ગયાં.

પાંચ જણને પૂછ કે ક્યાં હોય છે ?
સ્વર્ગ ના જડશે તો ક્યાં ફરશો પરત ?

રંગબેરંગી બગીચો, વૃક્ષ, વેલી, પાંદડાં,
કૈંક ખૂટે છે કે બુલબુલ તે છતાં ગાતું નથી.
છેક તળિયે હોય માની ડૂબકી ઊંડે દીધી,
મન છતાં ચાલાક કે ‘ઇર્શાદ’ પકડાતું નથી.

એક તરફ કવિ મનની ચાલાકી અને હાથચાલાકીથી અવગત કરે છે તો બીજી તરફ પવનના સંદર્ભમાં પોતાનું પારાપણું પણ અભિવ્યક્ત કરે છે:

તું પવનની જાત છે ‘ઇર્શાદ’ કે,
મુઠ્ઠી વાળી નાસતો ફરતો રહ્યો ?

ચિનુ મોદી સંભાવનાઓ અને શક્યતાના કવિ છે. ગમે એવી વિપરિત પરિસ્થિતિમાં પણ એ હામ નથી હારતા, નથી હારવા દેતા. જુઓ, થીજીને બરફ થઈ ગયેલી નદીને એ કેવી ઉશ્કેરે-પ્રેરે છે ? –

તું ભલે થીજી ગઈ છે પણ સ્વભાવે છે નદી,
આ બરફ તોડી શકાશે, ચાલ, થોડો યત્ન કર.

અને નદીના જ રૂપકથી સંભાવનાઓની પોઝિટિવિટિને એ આ રીતે હાકલ કરે છે:

પહાડથી છૂટો પડ્યો છે, યાદ છે ?
તું નથી પથ્થર, નદીનો નાદ છે.

આદિલની નદીની રેતમાં રમતું નગર યાદ આવી જાય એવો અને એવો જ ઉત્તમ શેર ચિનુ મોદી પણ આપણને આપે છે:

માત્ર સરનામું નથી ‘ઇર્શાદ’નું, ‘ શ્વાસ ને ઉચ્છ્વાસ અમદાવાદ છે.

આ એક શેર જુઓ. વક્રોક્તિ અને કટાક્ષ અહીં ચરમસીમા પર છે. શેર પર ધ્યાન આપજો. પહેલી નજરે ખુલે છે એના કરતાં એ અનેકગણો વધુ ગહનગંભીર છે:

કૈંક વરસોથી ચલણમાં ના રહ્યું,
સત્યનો ચળકાટ ક્યાંથી કમ પડે ?

સમસામયિકતા પણ કવિને હાથવગી છે. સમયની સાથે એ તાલમાં તાલ મિલાવી જાણે છે. અંગ્રેજી ભાષા આજે આપણા રોજિંદા વ્યવહારમાં દૂધમાં સાકર ભળે એમ ભળી ગઈ છે. ભાષાની આ વેલકમ પ્રવાહિતાને ચિનુ મોદી પણ ખુલ્લા હાથે અને મોકળા મને આવકારે છે. બે’ક ઉદાહરણ જોઈએ:

હાથે ચડી ગયું છે રિમોટનું રમકડું,
એ જણ મનુષ્યમાંથી ઈશ્વર બની ગયું છે.

લાખ સ્ક્રિનિંગ બાદ પત્તો ક્યાં મળે ?
ભલભલાને છેતરે છે, જીવ છે.

અંતે થોડા બીજા ચોટદાર શેરોનો આસ્વાદ લઈએ:

સાંકડું ને સાંકડું ઘર થાય છે વરસોવરસ,
વૃદ્ધ બનતા શ્વાસને લાંબો પટારો જોઈશે. સાવ કોરી આંખની એક જ હતી બસ માંગણી,
છો થવાનું થાય, પણ અશ્રુ વધારો જોઈશે.

– આ અશ્રુવધારો પ્રયોગ જે રીતે કવિએ કોઇન કર્યો છે એ આફરીન પોકારાવી દે છે. પગારવધારો એ સાંપ્રત સમયની સાર્વત્રિક માંગ રહી છે. એને બદલે અશ્રુવધારો સંયોજીને કવિએ જે સંવેદનાની કમાલ કરી છે એ તો બસ, વાહ વાહ ને વાહને જ કાબિલ છે.

થોડા બીજા શેર જોઈએ:

શહેર, શેરી, ઘર તો ઓળંગી ગયા,
પણ, મને આ એક પડછાયો નડ્યો.
સ્વસ્થ મનથી તું વિચારી જો ફરી,
છેક છેલ્લીવાર તું કયારે રડ્યો ?

એમ તો જીવાય છે તારા વગર,
તું હશે ને ક્યાંક તો મારા વગર ?
શ્વાસ ચાલે છે અને છોલાય છે,
પોઠ ચાલી જાય વણઝારા વગર.

અને છેલ્લે બે મક્તા માણીએ:

ઝીણી ઝીણી છાંટ છે વરસાદની,
વહાલની આ રીત છે ‘ઇર્શાદ’ની.

મ્યાન કર ‘ઇર્શાદ’ તું તલવારને,
ક્યારના શિર વાઢીને બેઠા છીએ.

કવિના ભાથામાંનુ ભલે આ બાણ સર્વશ્રેષ્ઠ નથી, પણ નિઃશંક ઉત્તમ તો છે જ. કવિનો કસબ કળા સાથે હાથમાં હાથ મેળવીને નિશાન તો ઊંચુ જ તાકે છે અને આ સંગ્રહ એ વાતની પ્રતીતિ છે કે જીવનની આથમતી સંધ્યાએ પણ કવિ નિવૃત્તિ કરતાં પ્રવૃત્તિને જ પ્રાધાન્ય આપે છે. ભલે ક્યારના શિર વાઢીને બેઠા હોવાની વાત કેમ ન કરતા હોય, કવિએ કલમ હજી મ્યાન કરી નથી. સંગ્રહમાં કવિ કહે છે કે, “મને જાણ છે, મારો હાથ સમય ઓગાળી નાંખશે અને એટલે નાસ્તિ મૂલો, કૃત શાખા? પણ, એથી હું હાથ નહીં ઓગળે ત્યાં સુધી તલવાર મ્યાન કરવાનો નથી.” કવિની અનવરત અનવરુદ્ધ કલમને ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’, ‘ઈર્શાદ’ કહેવાની સાથે આપણે એ જ પ્રાર્થના કરી શકીએ: अल्लाह करे जोरे कलम और ज्यादा|

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૮-૨૦૧૬)

Comments (7)

“શબ્દો છે શ્વાસ મારા”ની અગિયારમી વર્ષગાંઠ પર…

લયસ્તરોની સમાંતર ચાલતી મારી પોતાની વેબસાઇટ પર પધારવા આજે આપ સહુ વાચકમિત્રોને નેહનિમંત્રણ…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ “શબ્દો છે શ્વાસ મારા” આજે નિયમિત બ્લૉગિંગના અગિયાર વર્ષ પૂરાં કરી બારમા વર્ષમાં પ્રવેશે છે… આ પ્રસંગે મારી આ યાત્રામાં ડગલે ને પગલે સાથ અને પ્રોત્સાહન આપતા રહેનાર સૌ સ્નેહીમિત્રોનો હૃદયપૂર્વક આભાર માનું છું. આગળ ઉપર પણ આપ સહુ આ વેબસાઇટની નિયમિત મુલાકાત લેતા રહી ઉત્સાહિત કરતા રહેશો એવી વિનમ્ર અપેક્ષા…

ક્લિક કરો: http://vmtailor.com/archives/4228

બે મિનિટ જેટલો સમય ફાળવીને આપના પ્રતિભાવ વેબસાઇટ ઉપર જ આપશો તો વધુ આનંદ…

આભાર,
વિવેક

Comments (12)

આજે ‘લયસ્તરો’ને બાર વર્ષ પુરા!

layastaro_12

બાર વર્ષ બહુ લાંબો સમય છે. બાર વર્ષમાં તો એક આખી જીંદગી જીવી શકાય.

વર્ષોવર્ષ ગુજરાતી કવિતાને ચાહકો સુધી પહોંચાડવાનુ આ કામ ‘લયસ્તરો’ શરુ કર્યુ ત્યારથી આજ સુધીમાં ગુજરાતી અને ગુજરાતી કવિતા બન્ને ઘણા બદલાયા છે. કવિતા વધારે ને વધારે પ્રસરી રહી છે. ગુજરાતી ભાષાના ભાવિ વિશે ચિંતા સતત ખોટી ઠરી છે. વધુને વધુ ગુજરાતી સાહિત્ય અને કવિતા નેટના માધ્યમથી પ્રસરી રહ્યા છે.આ બધામાં ગુજરાતી કવિતાના સૌથી વિશાળ સંગ્રહ તરીકે ‘લયસ્તરો’ પોતાની ભૂમિકા ભજવી શક્યું છે એ બહુ ગૌરવની વાત છે.

દર વર્ષગાંઠ પર કંઇક નવુ કરવાની પરંપરા આ વખતે પણ આગળ ચલાવવાનો વિચાર છે. આ વખતે મનને ગમી ગયેલા અને દિલમાં વસી ગયેલા મુક્તકો આવનારા દિવસોમાં પ્રસ્તુત કરીશું. તો, આવતી કાલે મળીએ – મુક્તકોના રસથાળ સાથે!

– ધવલ – વિવેક – તીર્થેશ – મોના
ટીમ લયસ્તરો

Comments (51)

અગિયારમી વર્ષગાંઠ… ૩૫૦૦ પૉસ્ટ…

11th Birthday

3500

“લયસ્તરો ડોટ કોમ”ની કાવ્યયાત્રા શરૂ થઈ એ વાતને આજે એક એક કરતાં અગિયાર વર્ષ પૂરાં થયાં. ધવલ શાહે ફુરસદના સમયમાં આદરેલી આ સફરમાં વરસેક પછી હું જોડાયો. વચ્ચે થોડો વખત સુરેશ જાની અને મોના નાયક પણ જોડાયા. હાલ ઘણા સમયથી ઓર્થોપેડિક સર્જન તીર્થેશ મહેતા પણ નિયમિતપણે કાવ્યો-કાવ્યાસ્વાદો પીરસી રહ્યા છે.

જેમ એક એક કરતાં અગિયાર થયાં એમ એક એક કરતાં આજે ૯૦૦થી વધુ કવિઓની ૩૫૦૦થી વધુ રચનાઓ કમ્પ્યુટરની ક્લિક પર આપની સેવામાં હાજર છે. આજે લયસ્તરો ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ હોવાનું ગૌરવ ધરાવે છે એ આપ સહુના અનવરત સ્નેહ વિના શક્ય જ નહોતું.

અગિયાર વર્ષ અને પાંંત્રીસસો રચનાના બેવડા માઇલસ્ટોનને આંબતી વખતે અમે સહુ ગૌરવાન્વિત હર્ષ અનુભવી રહયા છીએ. આપ સહુના એકધારા અપાર પ્રેમ વિના આ કાવ્ય-યાત્રાનું એક પગલું પણ શક્ય નથી એ વાસ્તવિક્તાના સહજ સ્વીકાર સાથે અમે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ અને આવનારા સમયમાં પણ આપ આવા જ સ્નેહાશિષ વરસાવતા રહેશો એ જ અાશા…..

લિ.
ટીમ લયસ્તરો

Comments (39)

ટહુકો.કોમ પર એક નવતર પ્રયોગ

ગુજરાતી કવિતા-સંગીતના ચાહકો માટે ટહુકો.કોમ નામ અજાણ્યું હોય એવું ખબર પડે તો મારા જેવાને કદાચ હાર્ટ-એટેક આવી જાય. ઉત્તમ કવિતાઓ અને ગુજરાતી સંગીતના ખજાનાના એક-એકથી ચડિયાતાં અને દુર્લભ-અણમોલ રત્નો જયશ્રી વરસોથી ટહુકો.કોમ પર પીરસતી આવી છે…

આ વખતે એક સાવ નવતર ખ્યાલ સાથે ટહુકો આપણી સમક્ષ કવિતા અને કાવ્યાસ્વાદને વિડિયો સ્વરૂપમાં લઈને આવે છે. એટલે વાંચવાની ઝંઝટ નહીં. જેમને ગુજરાતી વાંચતા આવડતું ન હોય એવા ગુજરાતીઓ માટે તો આ નવતર પ્રયોગ વરદાન સાબિત થવાનો.

હા, જો કે આ પ્રયોગ નિમિત્તે કેટલાંક સૂચન કરવાનું મન જરૂર થાય.

  • એક જ વ્યક્તિ બધા આસ્વાદ કરાવે એના કરતાં અલગ-અલગ વ્યક્તિઓ આ કામ ઉપાડે તો વૈવિધ્ય જળવાઈ રહે.
  • બધા વિડિયો પોણા કલાકથી બધુ લાંબા છે. વિડિયોની લંબાઈ નોંધનીય રીતે ઓછી કરી શકાય તો પ્રયોગ વધુ આસ્વાદ્ય બની શકે.
  • સાતત્ય જળવાઈ રહે.

વધુ ને વધુ ગુજરાતીઓ આ નવતર પ્રયોગનો લાભ ઉઠાવે એ ઇચ્છનીય છે.

Comments (6)

॥ अथ श्रीमद् गज़ल ॥ – પંકજ વખારિયા

Pankaj_book_cover

પદ, પ્રતિષ્ઠા કે પૈસાની પાઈનીય પરવાહ કર્યા વિના નિતાંત ગઝલપરસ્તિમાં જીવતા અસ્સલ હુરતી પંકજ વખારિયાનો સંગ્રહ આખરે આવ્યો ખરો… ગુજરાતી કાવ્યસંગ્રહ માટેના આ વર્ષના તમામ પુરસ્કારો માટે આનાથી વધુ લાયક બીજો કોઈ સંગ્રહ આ વરસે નહીં જ આવી શકે એવી ઊંડી ખાતરી સાથે પંકજનું સ્વાગત અને શુભકામનાઓ…
*

કેટલાક શેર આપના રસાસ્વાદ માટે…

સપનું ઊડી ગયા પછી બાકીમાં કંઈ નથી
અડધી પથારી ખાલી છે, અડધીમાં કંઈ નથી
હા, પહેલાં જેવું બળ નથી પાણી કે આગમાં
એવું નથી કે આંખ કે છાતીમાં કંઈ નથી

તમન્ના હોય છતાં કંઈ જ થઈ નથી શકતું,
પડી રહ્યા છે પતંગો પવન નથી એથી.
હજીયે ધસમસી આવે છે આંખમાં પાણી,
હજી આ દર્દનું અમને વ્યસન નથી એથી.

ધરતીમાં ઊંડે, આભમાં ઊંચે ગયો હશે
એમ જ તો કોઈ માનવી પુષ્પિત થતો હશે

દ્વારથી પાછા જવાનું મન થતું
એવી એની આવ કહેવાની કળા

એનો કોઈ તો ઘાટ હશે મોક્ષદા જરૂર,
આંસુને આરે આરે રઝળપાટ આપણો.

ક્યાંય બોલાયું નહીં એ નામ આખી વાતમાં,
રીત દુનિયાથી અલગ છે આપણી ગુણગાનની.

રણની તમામ શુષ્કતા આજે ખરી ગઈ,
કેકટસને બેઠું ફૂલ, ને રોનક ફરી ગઈ.
છાતીની વંધ્યા વાવમાં પાણી પ્રગટ થયાં,
બત્રીસલક્ષણા કોઈ પગલાં કરી ગઈ.

જે સમજવા ચાહે તે સમજી શકે,
સત્ય બાકી કોણ સમજાવી શકે ?

કાશ કે ચાલ્યા જનારાની સ્મૃતિ,
કોઈ એની સાથે દફનાવી શકે.

હોય છે હૈયું તો મુઠ્ઠી જેવડું,
થાય ખુલ્લું તો ગગન થઈ જાય છે.

લાગશે એ શહેર બસ, બે પળ નવું,
જાવ હાંસિલપુર મુરાદાબાદથી.

સાંજના સોફે ટીવીનો હાથ મેં
હાથમાં લીધો અને તનહાઈ ગઈ.

તોય વધતું જાય અંધારું સતત,
બત્તી તો લાખો બળે છે શહેરમાં.

ફરી એ જ હત્યા, કરપ્શન, અકસ્માત,
ઊઠે છે સવાલ : આ તે છાપું કે પાછું ?

રહેશે ન માથે છાંયડો કાલે આ વૃક્ષનો,
હા, વારસામાં એક સરસ બાંકડો હશે.

ધીમી તો ધીમી યાદ છે તારી અગન સમી,
ને અખરે આ હોવું બરફનું મકાન છે.

જીરવી પળ પ્રાણઘાતક, પણ પછી,
જિંદગી વીતે છે, જિવાતી નથી.

દૃશ્યનું ફોલ્લું ફોડવા માટે,
આંખ મીંચ્યા વિના ઉપાય નથી.

જિંદગી સાથે કોઈ ઝઘડો નથી,
બસ, હું ઊઠી જાઉં છું, રમતો નથી.

એક-બે વાતો અધૂરી રાખીએ,
બીજી તો શી પાછાં મળવાની કળા ?

– પઁકજ વખારિયા

Comments (17)

નરસિંહ મહેતાની સમગ્ર કવિતા આપને પોકારે છે….

નરસિંહ મહેતાની સમગ્ર કવિતાના આગોતરા ગ્રાહક બનવાની વાત થોડા દિવસો પહેલાં અમે લયસ્તરોના આંગણે લઈ આવ્યા હતા… એ વખતે કેટલાક વાચકમિત્રોએ કેટલાક સવાલ ઊઠાવ્યા હતા. આશા રાખીએ કે આ સાથેની માહિતી આપના પ્રશ્નોનું નિરાકરણ કરવામાં સહાયભૂત થશે…

સ્વાભાવિક રીતે જ આપણા આદિકવિની સમગ્ર કવિતાનો ખજાનો આપણા સહુના ઘરમાં હોવો જ જોઈએ… દરેક ગુજરાતી કાવ્યપ્રેમીને અમારી નમ્ર અપીલ છે કે આ અમૂલ્ય ખજાનો રાહત દરે મેળવવાની તકથી વંચિત ન રહે… મેં મારા માટે પાંચ પ્રત બુક કરાવી છે… આપ કેટલી નકલ મેળવશો?

*

Narsinh Mehta

Comments (1)

ઇ-પુસ્તક : ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો

“ગુજરાતી બ્લૉગજગતનાં કાવ્યપુષ્પો” એ ‘વેબગુર્જરી’ તરફથી પ્રકાશિત થયેલ ત્રીજું ઇ-પુસ્તક છે જેમાં ગુજરાતી બ્લૉગજગતમાં કાર્યરત્ કુલ ૨૮ કવિઓની ૨૮ રચનાઓ હેમંત પુણેકરે સંપાદિત કરી છે અને અશોક મોઢવાડિયાએ આ ઇ-પુસ્તકને ચિત્રો વડે શણગાર્યું છે. આ મજાનું પુસ્તક આપ સહુની પ્રતીક્ષામાં છે…

webgurjari

૧) હિમાંશુ ભટ્ટ – લહરના લહરના પ્રવાહો અલગ છે
૨) પંચમ શુક્લ – વિલાયતી આટીકડું નૈડું, થઈ ઉપાધી
૩) સ્નેહા પટેલ “અક્ષિતારક” – લાંબી મઝલ એ રીતથી કાપી શકાય છે
૪) સાક્ષર ઠક્કર – આપી આપીને તમે પીંછું આપો સજન !
૫) વિવેક ટેલર – ધગધગતી ધરતીના રોમ-રોમ ઠારી દે એવો વરસાદ થઈ આવ
૬) પ્રવિણ શાહ – એટલો મનને દિલાસો છે
૭) કવિ રાવલ – આજ મનમાં કોણ જાણે શો ઉચાટ છે ?
૮) દક્ષેશ કોન્ટ્રાક્ટર “ચાતક” – અધીરી આંખને મળવાં હવે સપનાં નહીં આવે
૯) સુનીલ શાહ – કાંટા વચ્ચે રહો છો, જીવા
૧૦) મોના નાયક “ઊર્મિ” – આજનો અંધાર જો, રળિયાત છે !
૧૧) ગુંજન ગાંધી – શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
૧૨) યશવંત ઠક્કર – રાતનો વિસ્તાર બારેમાસ છે
૧૩) દિલીપ ગજ્જર – હૃદયમાં સાચવી જેને સદા તેં સ્થાન આપ્યું છે
૧૪) દેવીકા ધ્રૂવ – એ કહે છે કંઇ, ને કરે છે કંઇ.
૧૫) સપના વિજાપુરા – આજ મધુકરને સુમન, તારા જ સ્મરણો લાવશે.
૧૬) મહેશ રાવલ – ભૂલને સ્વીકારવામાં આપણે ટૂંકા પડ્યા
૧૭) હેમંત પુણેકર – જેને તું ગણાવે છે ઇબાદતથી વધારે
૧૮) મોહમ્મદઅલી ભૈડુ ‘વફા’ – ભીડના દરબારમાં કોને મળું ?
૧૯) હિમાંશુ પટેલ – અનુવાદ – કોણ કરે છે આ ફેરફાર?
૨૦) જુગલકિશોર વ્યાસ – કહે
૨૧) ધૈવત શુક્લ – અવકાશમાં દીપી રહેલા વૃત્તને હું જોઉ છું !
૨૨) જગદીપ નાણાવટી – ન રમેશ હું, ન મનોજ હું
૨૩) ચેતન ફ્રેમવાલા – શબ્દોનાં સથવારે ચાલ્યો.
૨૪) અમિત ત્રીવેદી – તારું હોવાપણું ક્યાંય અડક્યું મને ?
૨૫) હિમલ પંડ્યા “પાર્થ” – ભીતરે અંકાય એવું લખ હવે
૨૬) રમેશ પટેલ “આકાશદીપ” – સંગ્રામે મુક્તતાના, અમર યશ ધરી, ભેટ દીધી સુભાગી
૨૭) વલીભાઈ મુસા – ચંચુ મહીં તૃણ ગ્રહી
૨૮) વિજય જોશી- જન્મ આપી પ્રભાતને

જોડણીની ભૂલો નિવારી શકાય હોત તો પુસ્તક વધુ મૂલ્યવાન બન્યું હોત…

Comments (14)

નરસિંહ મહેતા તમારા ઘરે ટકોરા મારે છે…

સાક્ષાત્ નરસિંહ મહેતા તમારા ઘરના દરવાજે આવી ઊભા છે. ટકોરા દે છે. શું આપ દરવાજા નહીં ખોલો ?

ગુજરાતી ભાષાના આદિકવિ શ્રી નરસિંહ મહેતાના સમગ્ર પદ "શબ્દવેદ" નામે એક જ ગ્રંથમાં સંકલિત કરીને એમના જ ગામના તબીબ-કવિ શ્રી ઉર્વીશ વસાવડા મીડિયા પબ્લિકેશન્સના સહયોગથી આપના માટે લઈ આવ્યા છે. આગોતરો ઑર્ડર આપશો તો મસમોટું ડિસ્કાઉન્ટ પણ મળશે. જે લોકો પોતાને ગુજરાતી માનતા હોય એ તમામના ઘરમાં આ સંગ્રહ હોવો ઘટે… લયસ્તરોના તમામ વાચકોને આ ગ્રંથનું આગોતરું બુકિંગ કરાવવા માટે નમ્ર અપીલ છે…   

 

Brochure Mail Copy

Comments (15)

ભરબપોરે સૂર્યાસ્ત…. (મૃગેશ શાહ – રીડગુજરાતી.કોમ)

*

ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….

મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ગઈકાલે બપોરે ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…

ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?

મિત્ર મૃગેશને ટીમ લયસ્તરો તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ…

*

મિત્ર મૃગેશના માનમાં લયસ્તરો.કોમ શનિવારે એક દિવસ માટે રજા પાળશે…

*

readgujarati

Comments (31)

ઓન-લાઇન ગુજરાતીની ઝળહળતી મશાલ…

ratilal-p-chandaria-1

ઓન-લાઇન ગુજરાતી ભાષાની એકલહથ્થુ ક્રાંતિસર્જક મશાલ અચાનક ઓલવાઈ ગઈ… ઓલવાઈ ગઈ? ના… આ મશાલ તો જ્યાં સુધી ગુજરાતી ભાષી જીવે છે ત્યાં સુધી ઝળહળતી રહેશે…

રતિલાલ ચંદેરિયા…. ગુજરાતી નેટ-જગતનું એક અદકેરું નામ…

  • વિજયાદશમીના દિવસે જન્મ… વિજયાદશમીના દિવસે જ નિર્વાણ… (૨૪/૧૦/૧૯૨૨-  ૧૩/૧૦/૨૦૧૩)
  • ગુજરાતી લેક્સિકોન.કોમ – ‘મારે મારી માતૃભાષા માટે કંઈક કરવું છે’ બસ આ એક જ લગની માટે તેમણે 25 વર્ષ કરતાં વધુ સમય આપ્યો અને સર્જાયું ગુજરાતીલેક્સિકોન’- ગુજરાતી કોશને હાથ ન અડાડનાર ગુજરાતી, હવે રોજના દસ હજારની સંખ્યામાં આ વેબસાઈટની મુલાકાત લે છે અને તે જ એનું સાર્થક્ય સિદ્ધ કરે છે. સ્પેલ ચેકર, લોકકોશ, ડિજિટલ સાર્થકોશ, અને છેલ્લે છેલ્લે અદભુત કહી શકાય એવું લેક્સિકોનનું મોબાઇલ એપ્લિકેશન
  • ઓનલાઇન ભગ્વદ્ગોમંડલના આદ્ય પ્રણેતા. દસ હજારની કિંમતના અને તમારા ઓરડામાં ત્રણ ફૂટ બાય સવા ફૂટની તોતિંગ જગ્યા રોકી લેનાર ગુજરાતીભાષાના ઐતિહાસિક સીમાસ્તંભ સમાન ભગવદ્ગોમંડલનું ડિજિટાઇઝેશન- કમ્પ્યૂટરની એક ક્લિક પર આખો મહાસાગર અને એ પણ સંપૂર્ણપણે નિઃશુલ્ક  !
  • ‘ઉંઝાજોડણી’ના ખુલ્લા સમર્થક હોવા છતાં સાર્થ જોડણીના બબ્બે ખજાના આપણા માટે ઉલેચી આપનાર.
  • જાણીતા ઉદ્યોગવીર અને દાનવીર
  • વ્યાપારી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ સિવાય છેલ્લાં ૬૫ વર્ષથી આફ્રિકા, એશિયા, ઇન્ડોનેશિયા, ચીન, જાપાન, કેનેડા, યુનાઇટેડ કિંગડમ વગેરે દેશોમાં અનેક સામાજિક પ્રવૃત્તિઓ
  • જ્યાં જ્યાં વસે ગુજરાતી, ત્યાં ત્યાં વસે ગુજરાત,
    જ્યાં જ્યાં વસે ગુજરાતીલેક્સિકોન, ત્યાં ત્યાં વસે રતિકાકા

આખી જિંદગી વિદેશમાં વિતાવવા છતાં પણ સવાયા ગુજરાતી સિદ્ધ થનાર ઓન-લાઇન ગુજરાતી જ્યોતિર્ધર રતિકાકાને ટીમ લયસ્તરો તરફથી શત શત કોટિ સલામ !

*

(સંદર્ભ-માહિતી માટે શ્રી ઉત્તમ ગજ્જરનો આભાર )

Comments (10)

વન-મેન યુનિવર્સિટીનો અંત – “સુ.દ. પર્વ”નો આરંભ

224309_226120937405355_2357499_a

(શ્રી સુરેશ દલાલ…    …૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨)

*

ગુજરાતી કવિતાની યુનિવર્સિટી રાતોરાત પડી ભાંગી… એક તોતિંગ ગઢ… એક આખું આકાશ… ગુજરાતી કવિતાના ઘરનો એક મોભી… એક જ રાતમાં શું શું નથી ગુમાવ્યું ગુજરાતી ભાષાએ? લગભગ એંસી વર્ષનું આયુષ્ય ભોગવીને ગઈ રાત્રે કવિશ્રી સુરેશ પુરુષોત્તમ દલાલે આખરી શ્વાસ લીધા. એની સાથે અસંખ્ય અનુવાદ અને આસ્વાદ આપણે ગુમાવ્યા. ગુજરાતી કવિતા વેચી શકાતી નથીની “ઇમેજ” સુ.દ.એ એકલા હાથે ધોઈ નાંખી. પાંચસો-છસો રૂપિયાની કિંમતના કાવ્યગ્રંથ ‘ઇમેજ’ બહાર પાડે અને ચણા-મમરાની જેમ ઊપડી જાય એવો સુખદ અકસ્માત સુ.દ. સિવાય કોઈ સર્જી ન શકે.

સુરેશભાઈ કવિતા માત્ર જીવ્યા નથી, શ્વસ્યા છે. એમની નસોમાં રક્તકણ નહીં, શબ્દ વહેતા હતા. કવિતા ગમે ત્યાંથી મળે, ગમે એ ભાષા-સંસ્કૃતિમાંથી મળે, એ સદૈવ એને આલિંગવા તત્ત્પર રહેતા. ગુજરાતના કંઈ કેટલાય નાના-મોટા સાહિત્યકારો એમના પારસ-સ્પર્શે પોતાના ગજાથીય વધુ મોટા બની શક્યા.

સુ. દ. (૧૧-૧૦-૧૯૩૨ થી ૧૦-૦૮-૨૦૧૨) શબ્દોના માણસ હતા. અછાંદસ કવિતા, છંદોબદ્ધ કાવ્યો, બાળકાવ્યો, ગીત, ગઝલ, સોનેટ, મુક્ત સોનેટ, દીર્ઘકાવ્ય, ગદ્યકવિતા – કવિતાના કોઈ અંગને એ સ્પર્શ્યા વિના રહ્યા નથી. કવિતા જીવતો આ માણસ ઊંમરની છેલ્લી સંધ્યાએ પણ અવિરત કાર્યરત રહ્યો હતો. કાવ્ય, અનુવાદ, આસ્વાદ, નિબંધ, કટારલેખન, વિવેચન, સંપાદન, વ્યક્તિચિત્ર – શબ્દની એકેય ગલી એવી નથી જ્યાં એમણે સરળતા, સહજતા અને અધિકૃતતાથી પગ ન મૂક્યો હોય. એમનાં નામ સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી લખવા બેસીએ તો પાનાંઓ ઓછા પડી જાય. પચાસની નજીક પહોંચે એટલા તો એમના પોતાના કાવ્યસંગ્રહો જ છે. એમના પોતાના શબ્દમાં કહીએ તો – “આ માણસ લખે છે, ઘણું લખે છે. લખ-વા થયો હોય એમ લખે છે”

મૂળે એ ગીત અને અછાંદસના માણસ. ગઝલ વિશે એ પોતે જ કહે છે: “ગઝલ લખવાનો ચાળો કર્યો છે, પણ ગઝલમાં એનું ગજું નહીં” પણ એમણે આપણને જે અનુવાદો અને કાવ્યાસ્વાદો આપ્યા છે એના વિના આપણું સાહિત્ય પાંગળું લાગત એ હકીકત છે. એમને કોઈ કવિ પારકા કે પરાયા લાગતા નહોતા. એમના માટે કવિ એટલે કવિ. કવિ સાથે એમનો લોહીનો નાતો હતો કેમકે કવિ એમના કાનને ગાતો હોવાનું એ અનુભવતા.  સુ.દ. પ્રણય અને પ્રકૃતિના અનહદ આરાધક હતા. વેદના અને આસ્થા એ જાણે એમની કવિતાના બે બાજુ હતા. જીવન પરત્વેની ચિરંજીવ આશા એમના કાવ્યોમાં સદા ડોકાતી. કૃષ્ણ-રાધા-મીરાંના પ્રણયત્રિકોણનો જાણે એ ચોથો ખૂણો ન હોય એમ કૃષ્ણને આરાધતા. અને જોગાનુજોગ કૃષ્ણજન્મના દિવસે જ પ્રાણ પણ ત્યાગ્યા…

એ રસ્તાના માણસ હતા, નક્શાના નહીં. એમની ગતિમાં પળેપળ પ્રગતિ હતી. શબ્દને અડે ત્યારે એમનો વેગ પ્રવેગમાં પલટાઈ જતો. સુ.દ.ને હકીકતને વળગમાં રસ ન હતો, એ એને ઓળંગવામાં માનતા. કેમકે શરીરથી આત્મા લગી, હકીકતથી સત્ય સુધીની યાત્રાને જ તેઓ કવિતા માનતા હતા. એ હંમેશા શબ્દો સાથે ભૂલા પડવાની મજા માણતા હતા. અઘરી કવિતાના વિરોધી. એમની તમામ રચનાઓ એની સરળ અને સહજ બાનીના કારણે ધ્યાન ખેંચે છે. ક્યારેક વધુ પડતી સરળતા કાવ્યપદાર્થને ખાઈ જતી હોય એમ પણ લાગે. પણ સરવાળે એ સામાન્ય માનવી સુધી કવિતાને લઈ જવાની અનવરત મથામણમાં હોય એમ લાગે છે. શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદીએ એમના વિશે લખ્યું હતું: “ભાઈ દલાલની કવિતાના બે-ત્રણ ઉપલક્ષણ ધ્યાન ખેંચે છે. અર્થાનુસારી કે અર્થપોષક શબ્દને બદલે રવાનુસારી પદ આવે છે અને પછી પદમાંથી અર્થનો ફણગો ફૂટે છે. સમગ્રતયા, ત્વરા તરવરાટ અને તરંગરતિનું પ્રૌઢિમાં, તેમ જ આન્તર આકુલતા, એકલતા, સંમૂઢતા અને વૈશ્વિક વક્રતાનું તીવ્ર સંવેદન સમાધાન અને શ્રદ્ધામાં વિશ્રાન્તિ લે છે, પરિપાક પામે છે.”

જન્મ થાણામાં. ૧૯૪૯માં મેટ્રિક. ૧૯૫૩માં ગુજરાતી વિષય સાથે બી.એ., ૧૯૫૫માં એમ.એ. અને ૧૯૬૯માં પી.એચ.ડી. ૧૯૫૬માં મુંબઈની કે.સી.સાયન્સ કૉલેજમાં ગુજરાતીના અધ્યાપક. ત્યારબાદ ૧૯૬૦થી ૧૯૬૪ સુધી એચ.આર.કૉલેજ ઑફ કોમર્સમાં, ૧૯૬૪થી ૧૯૭૩ સુધી કે.જે.સોમૈયા કૉલેજમાં અને ૧૯૭૩થી એસ.એન.ડી.ટી. વિમેન્સ યુનિવર્સિટીમાં ગુજરાતીના અધ્યક્ષ. ૧૯૯૨માં નિવૃત્ત. ૧૯૮૯માં ‘ઈમેજ પબ્લિકેશન’ વૈયક્તિક સાહસ રૂપે શરૂ કર્યું. ૧૯૬૭થી ‘કવિતા’ દ્વિમાસિકના સંપાદક. ૧૯૮૩નો રણજિતરામ સુવર્ણચંદ્રક. નર્મદ સુવર્ણચંદ્રક પણ મળ્યો. ૨૦૦૫માં સાહિત્ય અકાદમીનો પુરસ્કાર. (આ અંતિમ પરિચ્છેદ ગુજરાતી સાહિત્ય પરિષદની સાઇટ પરથી સાભાર)

– વિવેક મનહર ટેલર

*

આવતીકાલથી લયસ્તરો સુ.દ.પર્વ નિમિત્તે કવિશ્રીના પ્રતિનિધિ કાવ્યોનો પરિચય કરાવશે. કવિશ્રીના પચાસથી વધુ કાવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો: https://layastaro.com/?cat=28

Comments (42)

કવિ V/s કવયિત્રી : ગઝલ V/s ગઝલ

લયસ્તરો પર કોઈ કૃતિ પ્રકાશિત થઈ હોય અને એના અનુસંધાનમાં કોઈ અગત્યની સાહિત્યિક ઘટના બને અને કૃતિના સર્જક સંપાદકો પાસે દાદ માંગે ત્યારે પીછેહઠ કરવાના બદલે એ ઘટનાને યોગ્ય પ્રકાશમાં લાવવું એ લયસ્તરોની નૈતિક ફરજ બની રહે છે… લયસ્તરોના ચારેય સંપાદકમિત્રોએ પરસ્પર સવિસ્તૃત ચર્ચા કર્યા બાદ અમે આ ગઝલોનો જાહેર ઘટનાક્રમ અહીં મૂકીએ છીએ…

ન તારી ન મારી નથી કોઈની પણ,                  ન તારી, ન મારી નથી કોઈની પણ,
સ્થિતિ સાવ સારી નથી કોઈની પણ.               દશા સાવ સારી, નથી કોઈની પણ.

કદી સ્હેજ ઉપર, કદી સ્હેજ નીચે,                              બધા જિન્દગીને ગળે લઈ ફરે છે,
દશા એકધારી નથી કોઈની પણ.                             અને એ ધુતારી, નથી કોઈની પણ.

બિછાને નહીં તો હશે મનમાં કાંટા,                           અધૂરી ખુશીની યે ચૂકવી છે કિંમત,
ફૂલોની પથારી નથી કોઈની પણ.                           અમારે ઉધારી નથી કોઈની પણ.

બધા જિંદગીને ગળે લઈ ફરે છે,                         કરોડો સૂરજથી ઉજાગર છે હૈયું,
અને એ ધુતારી નથી કોઈની પણ.                     અહીં એ ખુમારી નથી કોઈની પણ.

જરા આયના પાસ બેસી વિચારો,                            અહીં સ્વપ્ન તૂટે જ, તેથી જ રાતો
બધી ચીજ પ્યારી નથી કોઈની પણ.                        પ્રભુએ વધારી નથી કોઈની પણ.

– ડૉ. મનોજ એલ. જોશી ‘મન’                                    – દિવ્યા રાજેશ મોદી

આ બે ગઝલમાં હાઇ-લાઇટ કરેલા બે શેરની સમાનતા જોઈ?

ડૉ. મનોજ જોશીની આ ગઝલ લયસ્તરો પર (https://layastaro.com/?p=6842)13 જુલાઈ, 2011ના રોજ મૂકવામાં આવી હતી. એ અગાઉ આ ગઝલ શ્રી રશીદ મીર સંપાદિત ‘ધબક‘ સામયિકમાં ડિસેમ્બર, 2009માં પ્રકાશિત થઈ ચૂકી હતી.  દિવ્યા રાજેશ મોદીની આ ગઝલ શ્રી રાજેશ વ્યાસ મિસ્કીન સંપાદિત ‘ગઝલવિશ્વ‘માં ડિસેમ્બર, 2011ના અંકમાં પ્રકાશિત થઈ.  અને દિવ્યાની આ જ ગઝલ શ્રી પ્રવીણ શાહના બ્લૉગ ‘ગુર્જર કાવ્ય ધારા‘ (http://aasvad.wordpress.com/2012/05/30/d-310/) પર ત્રીસમી મે, 2012ના રોજ પુનઃપ્રકાશિત થઈ.

Comments (60)

યુવા ગૌરવ : ૨૦૧૧ : અંકિત ત્રિવેદી

*

ડાળ પરથી કોક ચૂંટી લો હવે,
એક ભમરો છો પડે ભૂલો હવે.

ક્યાં સુધી અકબંધ રહેવાના તમે?
કોઈ પણ રીતે ફરી ખુલો હવે.

કોણ દે છે ડંખ આપણને વધુ ?
બોલ, કાંટા કે પછી ફૂલો હવે ?

શહેરનો ઇતિહાસ થઈને રહી ગયા,
ગામનો વડલો અને ઝૂલો હવે.

જાતને સળગાવવી એ શક્ય છે,
કેમનો સળગાવવો ચૂલો હવે ?

-અંકિત ત્રિવેદી

આજે બારમી તારીખે કવિ અંકિત ત્રિવેદીને વર્ષ 2011નો યુવા ગૌરવ પુરસ્કાર અર્પણ કરવામાં આવ્યો… આ પ્રસંગે લયસ્તરો તરફથી કવિને ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ…

Comments (20)

યુવાગૌરવ: ૨૦૧૦: અનિલ ચાવડા

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૧૦ માટે અનિલ ચાવડાને આપવામાં આવ્યો. અનિલ ચાવડાને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_anilchavda

છેવટે આ રીતથી ખુદને જ સમજાવી દઈશ,
હું મને તારી પ્રતીક્ષામાં જ વિતાવી દઈશ.

સાચ્ચું પડવું હોય તો તું આવજે નહિતર નહીં,
સ્વપ્નને  મોઢા ઉપર ચોખ્ખું જ પરખાવી દઈશ.

જિંદગીના કાયમી અંધારની આ વાત છે,
બલ્બ કૈં થોડો જ છે કે તર્ત બદલાવી દઈશ ?

તું પવન છે તો અમારે શું ? અમે તો આ ઊભા,
આવ જો મેદાનમાં, ક્ષણમાં જ હંફાવી દઈશ.

તું તને ખુદનેય શોધી ના શકે એ રીતથી,
હું તને મારી કવિતાઓમાં છુપાવી દઈશ.

– અનિલ ચાવડા

અનિલની કવિતા વિશે વાત કરતાં મેં અગાઉ નોંધ્યું હતું કે કોઈ પણ સમયે કવિતા જે તે કાળના સાંપ્રત વહેણને જરૂર ઝીલતી હોય છે. આપણા ગુજલિશ યુગમાં બલ્બ જેવો શબ્દ ગઝલમાં આટલો બખૂબી નહિંતર શી રીતે આવી શક્યો હોય?

Comments (33)

યુવાગૌરવ: ૨૦૦૯: હરદ્વાર ગોસ્વામી

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૯ માટે હરદ્વાર ગોસ્વામીને આપવામાં આવ્યો. હરદ્વાર ગોસ્વામીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_hardwaar

ફૂલ સાથે ડાળ આખી આ ખરી,
પાનખરની છે પરીક્ષા આખરી.

મીણ જેવી એ હતી ને ઓગળી,
સૂર્ય સામે આંગળી ક્ષણભર ધરી.

હું સતત ખેંચાઉં છું, ખેંચાઉં છું,
આ સ્મરણના ચુમ્બકે ભારે કરી.

હું ગગન જેવો જ પ્હોળો થઇ ગયો,
જ્યાં હવા અસ્તિત્વના ફૂગ્ગે ભરી.

મન હશે દરજી મને ન્હોતી ખબર,
ઝંખના હર એક કાયમ વેતરી.

એક અણમાનીતી રાણી શી પીડા,
હર જનમ ‘હરદ્વાર’ સાથે અવતરી.

-હરદ્વાર ગોસ્વામી

સ્મરણનું ચુંબક અને મનરૂપી દરજીનો જવાબ નથી !

Comments (21)

યુવાગૌરવ: ૨૦૦૮: ધ્વનિલ પારેખ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૮ માટે ધ્વનિલ પારેખને આપવામાં આવ્યો. ધ્વનિલ પારેખને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_dhwanil copy

આઠે પ્રહર સમયના અહીં તો પ્રહાર છે,
નાજુક છે એ કદી તો કદી ધારદાર છે.

દરિયો ભલેને માને કે પાણી અપાર છે,
એને ખબર નથી કે નદીનું ઉધાર છે.

સુખમાં છે અંધકાર ને દુઃખમાં સવાર છે,
તું જે રમી રહ્યો છે બધાં આ પ્રકાર છે.

આ પ્રેમ દોસ્ત ! મેઘધનુષની કિનાર છે,
ચાલી શકે તો ચાલ ફક્ત એકવાર છે.

દર્શન થયા ઘડી બે ઘડી તોય સાર છે,
ઈશ્વર વિશે બધાંનો જ સારો વિચાર છે.

– ધ્વનિલ પારેખ

દરિયા અને નદીવાળો ધ્વનિલનો શેર ગુજરાતી ગઝલના ઇતિહાસમાં સુવર્ણાક્ષરે લખાઈ ચૂક્યો છે પણ એ સિવાયના શેર પણ મનનીય થયા છે…

Comments (17)

યુવાગૌરવ: ૨૦૦૭: સૌમ્ય જોશી – વાવ

આ રવિવારે ૨૪મી જુલાઈના રોજ અમદાવાદ ખાતે ગુજરાત રાજ્ય સરકાર તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અપાતો યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ ૨૦૦૭ માટે સૌમ્ય જોશીને આપવામાં આવ્યો. સૌમ્ય જોશીને લયસ્તરો ટીમ તરફથી હાર્દિક અભિનંદન !

1_saumyajoshi

(૧)
એક વાવમાં,
હજાર પગથિયાં ઉતરીને તરસ ભાંગી’તી,
ને બહાર નીકળયો ત્યારે
હજાર પગથિયાં ચઢ્યાના થાકે પાછું સૂકાઈ ગયું ગળુ,
આપડે મળીને છૂટા પડીએ ત્યારે,
યાદ આવે છે એ વાવ.

(૨)
છેક નીચેના માળે ઉતરવાની તારે ચિંતા નઈં,
ગમે ત્યાંથી બેડું ભરી લે,
આ સ્તંભ કોતરણી ને સાત માળ,
પાણી પાણી થઈ જાય છે તને જોઈને.

(૩)
લીલ બાઝી ગઈ છે વાવનાં પાણી પર,
એની માને,
તરસની આળસ તો જો.

(૪)
તને નઈ મળયાની તરસનો વધતો અંધકાર જોઈ હરખાઉં છું.
યાદ કરું છું વાવ,
પાણીવાળા છેક નીચેના માળે,
સૌથી વધુ હોય છે અંધાર.

(૫)
હવે ખાલી પથ્થર, ખાડો, અંધારું ને અવકાશ,
પોતાના જ પગથિયાં ચડીને વાવ તો ક્યારની નીકળી ગઈ બ્હાર.

(૬)
બોલું છું ને બોલેલું જોવા ઉભો રહું છું
વાવ છે ભઈ,
અરીસો છે અવાજનો.

– સૌમ્ય જોશી

સૌમ્ય જોશીની પ્રસ્તુત કવિતામાં આમ તો બાર કલ્પન છે પણ એમાંથી છ કલ્પન અહીં પ્રસ્તુત છે. છ એ છ કલ્પનમાં કવિનો દૃષ્ટિકોણ દાદ માંગી લે એવો છે.

Comments (26)

શબ્દોનું સ્વરનામું – દ્વિતીય કડી

પહેલી કડી: વીએમટેલર.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની સાંજ… મારા જીવનની સહુથી યાદગાર સાંજ… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…

‘શબ્દોનું સ્વરનામું’ કાર્યક્રમ અંતર્ગત વિમોચન-નાટિકાનો પૂર્વાર્ધ આપે ‘શબ્દો છે શ્વાસ મારા’ પર માણ્યો… એ પછીની વિમોચન વિધિ અહીં લયસ્તરો પર…

આદમકદના પુસ્તકનું અનાવરણ કરતી મમ્મી…

179884_1438611343919_1792087610_840485_7553338_n

અને મમ્મી બીજા પુસ્તકનું અનાવરણ કરે એ પહેલાં જ દોડી જઈને અમારા હૈયાના હાર સ્વયમે બીજા પુસ્તકનું અનાવરણ કરી દીધું…

IMG_8519

…અને ઝળહળી ઊઠ્યો મારો ‘ગરમાળો’….

IMG_8520

બે હાથમાં બે સ્વપ્ન લઈને ઊભેલ મારો પરિવાર…

IMG_8523

પણ ઑડિયો સી.ડી. ક્યાં ગઈ? દોડતા આવી મુકુલભાઈએ નાદારી નોંધાવી કે મેહુલ સુરતી ક્યાંય નજરે ચડતા નથી… પણ હાથમાં મોટું સી.ડી. કવર લઈ મેહુલ સુરતી પણ દોડતા આવ્યા…

DS2_4893

..અને આમ થયું ‘અડધી રમતથી’ ઑડિયો સી.ડી.નું વિમોચન…

180982_1841035113853_1479837407_2010080_3496669_n

…નેપથ્યમાં અડધી રમતથી ઊઠવાની છૂટ છે તને ગઝલ વાગવી શરૂ થઈ અને પડદો પડ્યો…

પણ ના… પડદો હજી પડ્યો નથી… આ તો માત્ર મધ્યાંતર છે… કાર્યક્રમનો બીજો ભાગ તો હવે શરૂ થાય છે પણ એ માટે આપે ટહુકો.કોમની મુલાકાત કરવી રહી…

Comments (31)

અતિથિ વિશેષ : આપણે બધા

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો. આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

Comments (6)

ત્રેવીસમી ફેબ્રુઆરી…

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

GarmaaLo

SCSM

Comments (17)

ભારતીય અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને આમંત્રણ…

પ્રિય મિત્રો,

ભારતના અગ્રણી અખબાર ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’ના ઉપક્રમે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાંતિ અને ભાઈચારો પ્રસ્થાપિત થાય એવા ઉજળા હેતુથી બંને દેશના ગઝલકારો માટે એક ઑન-લાઇન તરહી મુશાયરાનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત, પાકિસ્તાન અને વિદેશોમાં વસતા ભારત અને પાકિસ્તાની મૂળના ગઝલકારોને નિમ્નલિખિત પંક્તિ પર પોતાની રચના વીસમી જાન્યુઆરી સુધીમાં મોકલી આપવા વિનંતી છે:

“सरहद की दोनों ओर चहकता चमन रहे |”

– આ પંક્તિ ઉપર હિંદી અથવા ઉર્દૂ ભાષામાં પાદપૂર્તિ કરી વીસમી સુધીમાં dr_vivektailor@yahoo.com અથવા “વિવેક મનહર ટેલર, 47, આયુષ્ય મેડીકેર હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ભટાર રોડ, સુરત-395001, ગુજરાત (ભારત)” પર મોકલી આપવા નમ્ર અનુરોધ છે. પ્રયોગશીલ કવિઓ હિંદી પંક્તિ ઉપર ગુજરાતીમાં ગિરહ બાંધીને રચના મોકલાવી આપે તો એ પણ આવકાર્ય છે…

આપના કવિમિત્રોને, ખાસ કરીને પાકિસ્તાનના કવિમિત્રો જો આપના સંપર્કમાં હોય તો એમને આ ફિલબદીમાં ભાગ લેવા આપ અમારા તરફથી શીઘ્રાતીશીઘ્ર આમંત્રો એવી આપ સહુને અમારી વિનંતી છે…

Comments (9)

‘ત્રિવેણી સંગમ’ : ત્રણ કવિઓની રચનાઓનો સ્વરસંગમ

TRI 2 2-1

[audio:http://tahuko.com/gaagar/layastaro/08 Lahar Lahar Na Pravaho Alag-HimanshuBhatt.mp3]

લહરના લહરના પ્રવાહો અલગ છે, પિગળતો પળેપળ કિનારો અલગ છે
સ્વભાવો અલગ છે, વિચારો અલગ છે, મનુષ્યે મનુષ્યે લલાટો અલગ છે

ગુલોગુલ અલગ છે, બહારો અલગ છે, નજર જ્યાં પડે ત્યાં નજારો અલગ છે
અણુમાંથી સર્જન થયું આ બધું પણ, ગગનમાં સિતારે સિતારો અલગ છે

ક્ષણોની સફરમાં ભલે સાથ હો પણ, રહે યાદ સહુને બનાવો અલગ છે
ઘડી કારમી પણ, વિતાવી હો સાથે, પડે છે જે દિલ પર પ્રભાવો અલગ છે

સખી પ્રેમ મારો, હજુ એનો એ છે, પ્રદર્શિત થવાના પ્રકારો અલગ છે
હવે લાગણી સાથે સમજણ ભળી છે, અને મહેફિલોનો તકાજો અલગ છે

જીત્યો કૌરવોને જે, કાબાથી હાર્યો, પળે પળ વિધીનો ઈરાદો અલગ છે
ક્દી વાંદરો છું, કદી છું મદારી, છે ડમરું તો એકજ તમાશો અલગ છે

– હિમાંશુ ભટ્ટ

ગઈકાલે જ મુંબઈમાં આ ત્રિવેણી સંગમ આલ્બમનું વિમોચન થયું છે. એમાં ત્રણ કવિઓનાં ગીતો અને ગઝલોને સ્વરબદ્ધ કરાયા છે : ડૉ. દિનેશ શાહ, રમેશ પટેલ ‘પ્રેમોર્મિ’ અને હિમાંશુ ભટ્ટ. આ પ્રસંગે હિમાંશુભાઈની ગઝલ સંગીત સાથે માણો .

સંગીત: કર્ણિક શાહ અને કનુભાઈ ભોજક
સ્વર: કર્ણિક શાહ

Comments (13)

ગુજરાતી ગઝલના મોભ આદિલ મન્સૂરીનું નિધન

untitled12

ગુજરાતી ગઝલના વિકાસમાં પાયાનો ફાળો આપનાર આદિલ મન્સૂરીનું આજે ન્યુ જર્સી ખાતે અવસાન થયું છે. છેલ્લા પચાસ વર્ષોમાં એમણે અગણિત ગઝલ રચી છે પણ આજે ય એમને ‘નદીની રેતમાં રમતું નગર મળે ન મળે’ થી લોકો યાદ કરે છે. કવિ હોવા ઉપરાંત એ સારા કેલીગ્રાફર પણ હતા. 1985ની સાલથી એ યુ.એસ.એ.માં સ્થિર થયા હતા. ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર લઈ જનાર કવિ આદિલ મન્સૂરીને કદી કોઈ ગઝલચાહક ભૂલી શકે એમ જ નથી. એમનું નામ ગુજરાતી ગઝલના ઈતિહાસમાં હંમેશા સોનેરી અક્ષરે લખાશે.

Comments (26)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૨

(ગઈકાલે કડી: ૧ આપે વાંચી?)

ગનીચાચાની હાસ્યપ્રવૃત્તિની અને એમની હઝલો (હાસ્ય ગઝલ)ની વાત નીકળી ત્યારે એમની પ્રસિદ્ધ ‘દિવસો જુદાઈના જાય છે’ ગઝલ પરથી રચેલ પ્રતિકાવ્ય શ્રી રવીન્દ્ર પારેખે રજૂ કરી વાતાવરણને હાસ્યના રંગે રંગી દીધું હતું. સંચાલક શ્રી રઈશ મનીઆર કવિગણના સંક્ષિપ્ત પરિચય સાથે ગનીચાચાની બહુઆયામી પ્રતિભાને ઉજાગર કરતી ઘણી બધી અપરિચિત વાતો વડે સભાગણ સાથે સંવાદ સાધતા રહ્યા. અને એક પછી એક કવિ મિત્રોને આવકારતા રહ્યા:

ગૌરાંગ ઠાકર:
આ રાત પડી આડે પડખે, ને ચાંદ કરે ચોકીદારી,
કંઈ લાખ સિતારા ચમકે છે, આ નભનો નજારો શા માટે?

મહેશ દાવડકર:
ન કંઈ આ પાર લાગે છે ન કંઈ ઓ પાર લાગે છે,
અહીં ક્ષણક્ષણને બસ જીવી જવામાં સાર લાગે છે.

ધ્વનિલ પારેખ:
સુરત છૂટ્યું, ગઝલ છૂટી પછી શબ્દો મળ્યા જ્યારે,
વીતેલા દિવસોના ખોળિયામાં મન ગયું પાછું.

કિરણ ચૌહાણ:
કદી ના હાથ જોડે, શિશ પણ તેઓ નમાવે નહીં,
એ સસ્મિત પાંપણો ઢાળે અને મીઠું નમન લાગે.

રઈશ મનીઆર:
અઘટિત ઘણું થયું છે, અલિખિત ઘણું રહ્યું છે,
અજીવિત ઘણું બન્યું છે અને હું મરી ગયો છું.

ganichacha1

(ડાબેથી રૂપિન પચ્ચીગર, હરીશ ઠક્કર, ભગવતીકુમાર શર્મા, પ્રજ્ઞા વશી, રતિલાલ અનિલ, ચંદ્રકાંત પુરોહિત. જમણી બાજુથી નયન દેસાઈ, રવીન્દ્ર પારેખ અને બકુલેશ દેસાઈ)

-સંચાલકે દરેક કવિને આપવામાં આવેલી ગનીચાચાની મૂળ પંક્તિઓથી ભાવકોને પરિચિત કર્યા હતા અને દરેક પંક્તિની ખાસિયત અને છંદની બારીકી પારેખનજરે સમજાવી હતી. ગનીચાચાની ગઝલોનું પરંપરા તથા આધુનિક્તા સાથેનું સંધાન અને સમતુલન પણ મજાના દૃષ્ટાંતો આપી એમણે સમજાવ્યા હતા. સાથેસાથે છેક પીઢ ગઝલકારોથી માંડીને નવોદિત કવિઓ એમના સંનિષ્ઠ સર્જનની સરવાણી રેલાવતાં રહ્યા.

જય નાયક:
પ્રયાસો લાખ કીધાં મેં છતાં ફાવી નથી શક્તો,
સભામાં ભગ્ન હૈયે રંગ રેલાવી નથી શક્તો.

રમેશ ગાંધી:
શૂન્ય, શયદા, મીર, મનહર, હો મરીઝ કે હો ગની,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

દિલીપ ઘાસવાલા
વિશ્વ આખુંયે થયું જુઓ ઝળહળ,
પ્રેમથી જ્યાં સ્મરણ કરી લીધું.

ગુણવંત ઠક્કર:
યાત્રીએ જોયા મજાના તીર્થધામો, દોસ્તો,
ઈશ્વર અલ્લા શોધવામાં ખોયા વરસો, દોસ્તો;

પ્રજ્ઞા વશી:
ચરણ, રસ્તો અને આ આભ પણ છોને તમે લઈ લો,
ફકત ત્યાં પહોંચવાના લક્ષ્યની આરત મને આપો.

સુનિલ શાહ:
નથી સમજાતું કે આ આંસુ છે કે છે કોઈ પથ્થર,
હું મારી પાંપણોનો બોજ ઉઠાવી નથી શક્તો.

પ્રમોદ અહિરે:
ગનીની સાદગી ને નેકદિલનો આ પુરાવો છે,
એ કાગળ પર લખે અક્ષર અને એ લય થવા લાગે.

પ્રફુલ્લ દેસાઈ:
અમે થોભ્યા મિલનની વારતા અડધી સુણાવીને,
ઉઠેલા કેટલા પ્રશ્નો પછી મનમાં સમાવીને.

બકુલેશ દેસાઈ:
તમે ક્યારેય શું સંવેદી છે એવી દશા જેમાં
ઉપરથી હોય અણનમતા, ભીતરથી કરગરે કોઈ.

નયન દેસાઈ:
હાથમાં એના સળગતા બૉમ્બ ને વિસ્ફોટ છે,
હામ હૈયામાં ભલે હો પણ ધીરજની ખોટ છે,

કિસન સોસા:
પણે છાતી કૂટે પાદર અહીં હલકાય હાલરડું,
ગયું અરથી ચડી કોઈ ને કોઈ પારણે આવ્યા.

ganichacha2

(ડાબેથી રૂપિન પચ્ચીગર અને ભગવતીકુમાર શર્મા)

રતિલાલ અનિલ:
હવાને પણ અઢેલી બેસવા દેતી નથી દુનિયા,
મને તું વાંચ, હું શાયર તણા અશઆર જેવો છું.

ભગવતીકુમાર શર્મા:
સરળ ને સીધો છું હું, બે અને બે ચાર જેવો છું,
અતળથી આવતા કો’ ઓમના ઉદગાર જેવો છું.

સળંગ ત્રણ કલાક ચાલેલા આ અદ્વિતીય તરહી મુશાયરાનું જી-ન્યુઝ ચેનલ પરથી લાઈવ પ્રસારણ થયું હતું તથા ઝી-ગુજરાતી ચેનલ માટે પણ રેકૉર્ડિંગ કરાયું હતું. 94.3 માય એફ.એમ. રેડિયો પર પણ આ કાર્યક્રમની ઝલક પ્રસારિત થનાર છે. રાષ્ટ્રીય કળા કેન્દ્ર તરફથી આ સમારોહમાં રજૂ થયેલી તમામ ગઝલોને ગ્રંથસ્થ કરવાનું સૂચન પણ આવકારાયું હતું અને આખા વર્ષને ગનીવર્ષ તરીકે ઉજવવાનો સંકલ્પ વ્યક્ત કરાયો હતો જેને સહુ શ્રોતાજનો તથા કવિમિત્રોએ વધાવી લીધો હતો. ખીચોખીચ ભરેલા રાષ્ટ્રીય કળા કેન્દ્રના ખીચોખીચ ભરેલા હૉલમાં ખુરશી ન મળવાના કારણે ત્રણ-ત્રણ કલાક ખડે પગે આ ગઝલવર્ષામાં ગચકાબોળ થનારા ભાવકમિત્રો એ પણ ઈશારો કરતા હતા કે આવનારા કાર્યક્રમો સમિતિએ આ સભાખંડની સીમા વળોટીને મોટી જગ્યાએ કરવા પડવાના… સુરતની ગઝલપ્રેમી જનતાને સલામ !

-રઈશ મનીઆર, વિવેક ટેલર

Comments (11)

ગનીચાચા જન્મ શતાબ્દી વર્ષ ઉજવણી પર્વ : કડી-૧

હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે

-ગનીચાચાના જન્મશતાબ્દી વર્ષની ઉજવણીનો દબદબાભેર પ્રારંભ-

અહેવાલ: રઈશ મનીઆર, વિવેક ટેલર

કોઈપણ કળાકારને સાચી અંજલિ શી રીતે આપી શકાય આ પ્રશ્નનો ઉત્તર તા. 21મી સપ્ટેમ્બરે, રવિવારે સાંજે રાષ્ટ્રીય કળા કેન્દ્ર હસ્તક સુરતના કળાપ્રેમી શ્રોતાઓને સાંપડ્યો. પ્રસંગ હતો 17 ઑગસ્ટ, 1908ના રોજ જન્મેલા સુરતના શાયર શ્રી ગનીભાઈ દહીંવાલાના શતાબ્દી વર્ષની દબદબાભેર કરાનારી ઉજવણીનું પ્રથમ સોપાન અને ઉજવણીની રીત હતી ગુજરાતભરમાં કદાચ સર્વપ્રથમવાર યોજાયેલ વિશિષ્ટ પ્રકારના તરહી મુશાયરાની. શહેરના 24 જેટલા નામાંકિત અને નવોદિત ગઝલકારો એકસાથે એક જ મંચ પર બિરાજમાન થાય અને ગનીચાચાની ગઝલોની અલગ-અલગ 24 જેટલી પંક્તિઓ પર પાદપૂર્તિ કરીને ગઝલો કહેવા ઉપસ્થિત થયા હોય એવો પ્રસંગ કદાચ ગઝલગુર્જરીના આંગણે પ્રથમવાર આવ્યો હતો…

ganichacha4

તમારા અહીં આજ પગલાં થવાના, ચમનમાં બધાંને ખબર થઈ ગઈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓ ને ફૂલોનીય નીચી નજર થઈ ગઈ છે.

-ગનીચાચાની આ અમર પંક્તિઓ વડે ડૉ. રઈશ મનીઆરે શ્રોતાજનોનું સ્વાગત કર્યું હતું. રાષ્ટ્રીય કળાકેન્દ્રના પ્રમુખ  શ્રી રૂપિન પચ્ચીગરે આવકારવચન કહી ગની જન્મ શતાબ્દિ પ્રસંગ ઉજવણીની આ પહેલી કડીની આલબેલ પોકારી હતી. ભારત સાહિત્ય અકાદમી પુરસ્કૃત જૈફ સાહિત્યકાર શ્રી રતિલાલ અનિલે ગનીચાચા સાથેની પોતાની સ્મૃતિઓ વાગોળી હતી અને છે…ક 1943ની સાલમાં યોજાયેલ ગનીચાચાના સર્વપ્રથમ મુશાયરાને તાદૃશ્ય કર્યો હતો. અને એ મુશાયરામાં ગનીચાચાએ રજૂ કરેલ ગઝલનો શેર 86 વર્ષની ઉંમરે યાદદાસ્તના બળે રજૂ કરી શ્રોતાઓને ચકિત કર્યા હતા:

મારવાને જ્યાં મને કાતિલ ધસ્યો,
લાગણી વળગી પડી તલવારને.

અમર પાલનપુરી, ચંદ્રકાંત પુરોહિત તથા ભગવતીકુમાર શર્માએ પણ ગનીચાચા સાથેના મજાના સંસ્મરણો તાજા કર્યા હતા. મુરબ્બી શ્રી ભગવતીકાકાએ ગનીચાચાના વિનય, પ્રેમબાની અને તરન્નુમથી છલકાતા સમૂચા વ્યક્તિત્વને સુપેરે વ્યક્ત કરતા એમના જ શેર વિશે શ્રોતાજનોને સવિસ્તર સમજાવ્યું હતું:

‘ગની’ ગુજરાત મારો બાગ છે, હું છું ગઝલ બુલબુલ,
વિનયથી સજ્જ એવી પ્રેમબાની લઈને આવ્યો છું.

વિનયથી સજ્જ પ્રેમબાનીથી ગુજરાતને ગૂંજતું કરનાર આ મહાન શાયરને એમની જન્મશતાબ્દિ પર એમની જ ગઝલો પર પાદપૂર્તિ કરી કાવ્યાત્મક અંજલિ આપવાનો  મનોહર ઉપક્રમ શરૂ કર્યો અને ગનીપ્રેમી અને ગઝલપ્રેમી શ્રોતાજનોનુ હૈયું ડોલાવી મૂક્યુ.

ganichacha3
(ડાબેથી વિવેક ટેલર, સંચાલક રઈશ મનીઆર અને ગૌરાંગ ઠાકર)

જિંદગીનો એજ સાચેસાચો પડઘો છે ‘ગની’,
હોય ના વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે.

આ શેર પરથી રચાયેલી ગઝલથી મુશાયરાની શમા ફરતી થઇ અને એક પછી એક શાયર ગનીચાચાની અલગ અલગ છંદ, અલગ અલગ રદીફ-કાફિયાથી બંધાયેલી પંક્તિ ઉપર ગિરહ લગાવીને રચેલી પોતાની ગઝલ રજૂ કરતા ગયા અને શ્રોતાજનોને રસતરબોળ કરતા ગયા: ખાસ કરીને ડૉ. હરીશ ઠક્કર, ડૉ.વિવેક ટેલર અને પંકજ વખારિયાની સાદ્યંત સુન્દર ગઝલો સભાગણ અને પીઢ કવિઓની પ્રશંસા મેળવી ગઇ.

પંકજ વખારિયા:
સરે છે અર્થ શું સગવડથી, કોણ સમજે છે?
ઉજાગરા નથી જોયા, પલંગ જોઈ ગયા.
સ્વયંની રંગછટાને વિશે છે મૌન હવે,
ગગનની રંગલીલાને પતંગ જોઈ ગયા.

વિવેક ટેલર:
જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો,
જગતના વ્યાપને એ રીતે વધારીએ, આવો.
સ્મરણ છુપાયાં છે બે-ચાર મનના કાતરિયે,
પડે જો મેળ તો સાથે ઉતારીએ, આવો.

હરીશ ઠક્કર:
તમે સંભવામિ યુગે યુગે, અમે રોજ મરીએ ક્ષણે ક્ષણે,
હું અબુધ ભક્ત ના જઈ શકું એ વચનના અર્થઘટન સુધી.
તું અધૂરી છે, તું મધુરી છે, તને ચાહવાની પળેપળે,
ઓ હયાતિ ! તું તો કળાકૃતિ, હું મઠારું છેલ્લા શ્વસન સુધી.

મુકુલ ચોક્સી:
નહીં ગવાયેલા સઘળા સ્વરોને હાશ થઈ,
તમારી આંખના બે જલતરંગ જોઈ ગયા.

રવીન્દ્ર પારેખ:
અમારા માર્ગ પર મુશ્કેલીનું વળવું હતું નક્કી,
બધાય માર્ગ ક્યાંક્યાંથી જુઓ, ફંટાઈને આવ્યા.

અમર પાલનપુરી:
અત્તર કહો છો જેને એ ફૂલોનું લોહી છે,
એ કારણે હું લેતો નથી છાંટવાનું નામ.

(ક્રમશઃ)

Comments (15)

ભગવદ્ગોમંડલ ઓન-લાઈન : ગુજરાતી ભાષાની સૌથી મોટી ઐતિહાસિક ઘટના

વ્હાલા મિત્રો,

13 એપ્રિલ, 2008ના રોજ લયસ્તરો પર એક પોસ્ટ મૂકી હતી જેના ઢગલાબંધ મિશ્ર પ્રતિભાવો સાઈટ ઉપર અને ઈ-મેઈલ દ્વારા સાંપડ્યા હતા. પોસ્ટ હતી, “દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…“. વાત હતી ગુજરાતી ભાષાના મહાન જ્ઞાનકોશ ‘ભગવદ્ગોમંડલ’ના પુન: પ્રકાશન અંગેની અને માત્ર એક હજાર નકલો વેચવા માટે પડતી તકલીફની. (એક ખુશીની વાત જોકે એ પણ હતી કે આ પોસ્ટની સહાયથી કુલ્લે દસ નકલો (1%) વેચાવડાવવામાં હું સહાયભૂત બની શક્યો!) આ વાતને હજી પાંચ મહિના પણ માંડ થયા છે અને આ આખ્ખેઆખ્ખો ખજાનો ‘મફત’માં ઓન-લાઈન ઉપલબ્ધ થઈ ગયો છે. છાપેલા ચોપડાઓ માથે પડે એ હકીકતથી જ્ઞાત હોવા છતાં આવું મોટ્ટું સાહસ ખેડનાર પ્રવીણ પ્રકાશન ફરી ફરીને અભિનંદનના અધિકારી બને છે.

Bhagvadgomandal_cover page Bhagvadgomandal_back cover

મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો ધરાવતો આ મહાજ્ઞાનકોશ સ્કૅન કરીને ઓન-લાઈન ઉપલબ્ધ કરાયો છે જે કોઈ પણ શબ્દનો અર્થ તમારા ક્મ્પ્યુટરની એક જ ક્લિક્ પર ક્ષણાર્ધમાં શોધી આણે છે. જેમને યુનિકોડમાં ટાઈપ કરતાં ન ફાવે એમના માટે કી-બૉર્ડ પણ હાજર છે.ઈચ્છિત શબ્દને ટાઈપ કરી Exact word અથવા Anywhere in the word અથવા Start with the word આ ત્રણ વિકલ્પમાંથી કોઈ એક પસંદ કરી સર્ચ ક્લિક્ કરવાથી કી-બૉર્ડની નીચે એ શબ્દ લખાયેલો જોવા મળશે. એ શબ્દ પર ક્લિક્ કરવાથી એ શબ્દ જે પાનાં પર હશે એ આખું સ્કૅન કરેલું પાનું ખૂલશે અને તમને સતત આશ્ચર્યમાં રમમાણ રાખે એવા અર્થોની કદી ન જોઈ હોય એવી અને કદી ન વિચારી હોય એવી એક આખી દુનિયા તમારી સમક્ષ ઉઘડવા માંડશે….

તો મિત્રો, રાહ શાની જુઓ છો? કરવા માંડો ક્લિક્ ક્લિક્ ક્લિક્ :

http://bhagavadgomandalonline.com/

Comments (45)

દિગ્ગજ શાયરોની મનભાવન મહેફિલ…

શનિવાર, 07/06/2008ની સાંજનો સૂર્યાસ્ત યાદગાર રંગો લઈને સૂરતની ક્ષિતિજને અડ્યો… ‘બુક વર્લ્ડ’નામની પુસ્તકોની દુકાન ચલાવતા રિટાયર્ડ પોલીસ ઈન્સ્પેક્ટર શ્રી સરવૈયાના આયોજન હેઠળ ‘પસંદગીના શ્વાસ’ કાર્યક્રમનું ‘સમૃદ્ધિ’ સભાગૃહમાં આયોજન કરવામાં આવ્યું હતું. જનાબ શ્રી આદિલ મન્સૂરી, શ્રી જલન માતરી અને શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’ -એમ ત્રણ પેઢીના ગઝલકારોની ગઝલ ગોષ્ઠી મંડાણી.

કાર્યક્રમની પ્રારંભમાં આદિલભાઈને મળવા ગયો. મને હતું કે મને નામથી તો એ ઓળખતા જ હશે પણ ચહેરાથી તો કેમ કરી ઓળખે? હું મારી ઓળખાણ આપું એ પહેલાં જ મને જોઈને એ જાતે જ આગળ આવ્યા અને કેમ છો વિવેકભાઈ કહી હસ્તધૂનન માટે લંબાવેલા મારા હાથને અતિક્રમીને એમણે મને એક ગાઢ ઉષ્માસભર આલિંગન પણ આપ્યું. આ અણધાર્યું આલિંગન અને મારી બન્ને વેબ સાઈટ્સ – શબ્દો છે શ્વાસ મારા અને લયસ્તરો– વિશે જે ઉમળકાથી એમણે વાત કરી એ મારા માટે કોઈ પણ પુરસ્કારથી વિશેષ હતા.

ગઝલોની આ રંગારંગ મહેફિલમાં એમણે વચ્ચે-વચ્ચે મુકુલ ચોક્સી, એષા દાદાવાલા, ગૌરાંગ ઠાકર અને મને પણ પોતાની ગઝલોનું પઠન કરવા નિમંત્ર્યા. કાર્યક્રમના અંતે ત્રણેય દિગ્ગજ શાયરો, મુકુલભાઈ અને હું અમારા જીવનસાથીઓ સાથે, રઈશભાઈ, એષા, રાજકોટના કુ. કવિ રાવલ હોટલમાં જમવા ગયા. અને ત્યાં રાત્રે દોઢ વાગ્યા સાથે ગઝલોની રમઝટ ચાલી. આશ્ચર્ય તો ત્યારે થયું જ્યારે મોડી રાત્રિના ભોજન બાદ રેસ્ટૉરન્ટના માલિકે બિલ પેટે એક પણ રૂપિયો ન લીધો… આદિલ મન્સૂરીના પગલાં પડે એ ઘટનાને પોતાનું અહોભાગ્ય ગણાવી પોતાનું આખ્ખું બિલ જતું કરનાર હૉટેલિયર્સ પણ જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી ગુજરાતી કવિતા અને ભાષાને વાંધો આવે એવું લાગે છે, ખરું?

P1011107
(ડાબેથી આદિલ મંસૂરી, જલન માતરી, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

P1011138
(દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો…       …મારું ગઝલવાચન)

*

P1011140
(હું, વચ્ચે એષા દાદાવાલા અને આદિલ મન્સૂરી)

*

With Adil mansuri
( જનાબ આદિલ સાહેબ સાથે હું…)

*

P1011153
(ડાબેથી ગુલ અંકલેશ્વરી, એષા દાદાવાલા, મુકુલ ચોક્સી, ગૌરાંગ ઠાકર, આદિલ મન્સૂરી, જલન માતરી, હું, બુક વર્લ્ડવાળા સરવૈયા સાહેબ અને રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

Comments (20)

દાળભાતખાઉં ગુજરાતીપણાને ખુલ્લો પડકાર…

ગુજરાતી ભાષાનો દુર્લભ અને અમૂલ્ય ખજાનો – ભગવદ્ગોમંડલ – ફરી એકવાર ભાષાના સદનસીબે ઉપલબ્ધ થયો છે. જે ભાષા પાસે પોતાનો ‘એન્સાઈક્લોપીડિયા’ નથી એ કેમ જીવી શકે ? ગુજરાતી ભાષાના લલાટે લખાયેલું આ મહેણું ગોંડલના મહારાજા શ્રી ભગવતસિંહજીએ પહેલ-પહેલીવાર તોડ્યું. એક બાજુ દેશભરમાં આઝાદીની લડતનો જુવાળ ફાટી નીકળ્યો હતો ત્યારે આ રાજવીએ શબ્દયજ્ઞ આદર્યો. પહેલી ઓક્ટોબર, ૧૯૨૮ના રોજ એમણે વિશાળ શબ્દકોશ રચવાના ભગીરથ કાર્યના શ્રીગણેશ કર્યા અને લાગલગાટ છવ્વીસ વર્ષોની એકધારી તપશ્ચર્યાના અંતે જ્ઞાનગંગાનું અવતરણ મા ગુર્જરીના ખોળે કરી શક્યા. મોટી ‘જમ્બો’ સાઈઝના નવ-નવ દળદાર ગ્રંથોના ૯૨૭૦ સુવર્ણ પૃષ્ઠોની વચ્ચે આશરે ૨,૮૧,૩૭૭ શબ્દોના ૫,૪૦,૪૫૫ જેટલા અર્થો અને બોનસમાં ૨૮,૧૫૬ જેટલા રૂઢિપ્રયોગો પણ સમાયા છે. ૧૯૪૮માં પ્રથમવાર છપાયેલા આ જ્ઞાનકોશનું પુનર્મુદ્રણ ઠેઠ ૧૯૮૬માં શક્ય બન્યું અને આજે પુનઃપુનર્મુદ્રણ ૨૦૦૭-૦૮માં કરવામાં આવ્યું છે. આ મહાકાય અને લગભગ આકાશકુસુમવત્ ભાસતા, માથે દેવાનો ડુંગર ખડકી શકે એવા ખર્ચાળ સાહસ કરવાનું ગાંડપણ રાજકોટના ‘પ્રવીણ પ્રકાશને’ કર્યું છે એ બદલ ‘લયસ્તરો’ ટીમ તરફથી એમને ખૂબ ખૂબ અભિનંદન…

પરંતુ એક દુઃખની વાત એ પણ છે કે કબાટનું એક આખું ખાનું રોકી લે એવા આ મહાગ્રંથની માત્ર ૧૦૦૦ પ્રત જ છાપવામાં આવી છે. કદાચ પ્રકાશક પણ જાણે છે કે ભાષાને જીવાડવાના બણગાં ફૂંકતી દાળભાતખાઉં પ્રજા કાગળ પરના વાઘની ગર્જનાથી વિશેષ કંઈ નથી. આપણામાંથી ઘણાના ઘરે ‘એન્સાઈક્લોપીડિયા બ્રિટાનિકા’ જરૂર હશે, પણ ભગવદ્ગોમંડલ ખરીદવાનો તો વિચાર પણ નહીં આવે. રૂ. ૧૦૦૦૦ જેવી આજના જમાનામાં મામૂલી ગણાતી રકમમાં વેચાતી આ જ્ઞાનની બહુમૂલ્ય સરિતા 30મી એપ્રિલ સુધીમાં તો માત્ર રૂ. ૭૫૦૦માં જ મળશે.

ગુજરાતમાં, ગુજરાત બહાર અને દૂર દેશાવરોમાં પાણીના રેલાની માફક પથરાઈ ગયેલ કરોડો ગુજરાતીઓની વચ્ચે ૧૦૦૦ પુસ્તકોની સંખ્યા પણ કેમ વધુ પડતી લાગે છે ? રિબોકના ૩૦૦૦-૪૦૦૦ રૂ.ના જોડા પગમાં ઘાલીને કે રેબનના ૨૫૦૦-૩૦૦૦ના ગૉગલ્સ આંખે ચઢાવી થિયેટર-રેસ્ટૉરન્ટની એક મુલાકાતમાં જ ૫૦૦-૧૦૦૦ રૂપરડીની ચટણી કરતી પ્રજાના ખિસ્સામં સાડા-સાત હજાર રૂપરડી પણ નથી? કે મરતી માને પાણી પૂછવાનું પણ હવે આપણે સાવ જ વિસારી દીધું છે ?

(‘રાગ’ શબ્દનો અર્થ ત્રણ-ત્રણ પાનાં ભરીને કેવી રીતે આ ગ્રંથોમાં આપ્યો છે એ આ નમૂનામાં જોઈ શકાય છે. રાગ વિશે કોઈ પણ જાતની જાણકારી ન ધરાવનાર પણ આ પૃષ્ઠોમાંથી પસાર થઈ સંતોષનો ઓડકાર ખાઈ શકે છે. આ એક નમૂનો છે. આપણી ભાષાના કોઈ પણ શબ્દના અર્થની જે વિશદતાથી અને વિસ્તારથી અહીં છણાવટ કરવામાં આવી છે એ અભૂતપૂર્વ છે…) (Click on the photograph to get an enlarged view)

Comments (18)

સુધન – હરનિશ જાની

ઈન્ટરનેટ પર ગુજરાતી સાહિત્યની ખુશ્બૂમાં તરબતર રહેતા નેટ-ગુર્જરો હરનિશ જાનીના નામથી ભાગ્યે જ અપરિચિત હશે. છેલ્લા ચાળીસેક વર્ષથી અમેરિકામાં સ્થિર થયેલા હરનિશ અહર્નિશ હાસ્ય અને વ્યંગ્યના માણસ છે. એમનો પરિચય ન્હોતો ત્યારે શરૂમાં એમના વ્યંગથી હું ખાસ્સો છેતરાયો પણ હતો પણ જેવું હાસ્યનું હાડકું ઊગ્યું કે એમના માટે મને માન વધી ગયું. ગુજરાતી ભાષાના ઘણા સામયિકોમાં એમના હાસ્યલેખો અને વાર્તાઓ અવારનવારપ્રગટ થતા રહે છે. “કુમાર’ જેવા સામયિકના એક જ અંકમાં ત્રણ-ત્રણ જગ્યાએ એમના લેખ અને એમના વિશે છપાયેલું વાંચ્યું ત્યારે અદભુત રોમાંચ થયો હતો. ગુજરાતી લિટરરી અકાદમી ઑફ નૉર્થ અમેરિકાના ઉપક્રમે અમેરિકા-નિવાસી ગુજરાતી સાહિત્યકારોની પુસ્તક-પ્રકાશન યોજના હેઠળ પ્રગટ થનાર સૌપ્રથમ પુસ્તક એટલે હરનિશ જાનીનો વાર્તાસંગ્રહ – “સુધન”. આજની પરિભાષામાં દળદાર કહી શકાય એવા આ વાર્તાસંગ્રહની સૌથી પહેલી ખૂબી એ છે કે એકેય વાર્તા ભારઝલ્લી બની નથી. વાર્તાનો વિષય ગમે તેવો ગંભીર હોય, એક સમર્થ હાસ્યકારની હથોટી દિલને આંચકો આપ્યા વિના જ આખી સફર પાર કરાવે છે. ગંભીર વિષયને હળવાશથી રજુ કરવાની કાબેલિયત હકીકતમાં તો ભાવકને અંદરથી ખૂબ જ ગંભીર કરી દે છે પરંતુ અંતર પર બોજ વર્તાવા દેતી નથી અને એ જ આ વાર્તાઓની ખરી સિદ્ધિ છે. . પુસ્તક હાથમાં લો અને પોણીબસો પાનાં એક જ બેઠકે વાંચી નાંખવાનું મન થાય એવી મજાની ટૂંકી અને ઠેકઠેકાણે હાસ્ય-વ્યંગથી ભરપૂર વાર્તાઓ અને આંખના ખૂણા જરા ભીનાં થઈ જાય એવા બે ચરિત્ર લેખો અહીં સામેલ છે. પિતા સુધનલાલને અંજલિ આપવા એમણે આ સંગ્રહનું નામ “સુધન” રાખ્યું છે, પણ એ સાચા અર્થમાં આપણું સુ-ધન બની રહે એમ લાગે છે.

હરનિશ જાની પોતાની વાર્તા વિશે કહે છે: ” મારી વાર્તાઓ એટલે અમેરિકાની પહેલી પેઢીના ગુજરાતીઓનો ઇતિહાસ”. જ્યારે જાણીતા વાર્તાકાર મધુરાય એમને આમ કહીને સત્કારે છે: “હવે શરૂ થાય છે અમેરિકન ગુજરાતી વાર્તાનો સુવર્ણકાળ.”

લયસ્તરો તરફથી શ્રી હરનિશ જાનીને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ….

(સાભાર સ્વીકાર: “સુધન” – વાર્તા સંગ્રહ. લે.: હરનિશ જાની. પ્રકાશક: રંગદ્વાર પ્રકાશન, 15, યુનિવર્સિટી પ્લાઝા, નવરંગપુરા, અમદાવાદ- 3800009.)

Comments (14)

કવિ રઈશ મનીઆરના અમેરિકામાં કાર્યક્રમો

સુરતના કવિ રઈશ મનીઆર આજકાલ અમેરિકાની મુલાકાત લઈ રહ્યા છે. એમના કાર્યક્રમો આજથી શરૂ થઈ રહ્યા છે. એમના કાર્યક્રમની રૂપરેખા અને સંપર્કની માહિતી આ સાથે છે.

  • હ્યુસ્ટન -15, 16 સપ્ટેમ્બર. દીપ માલી: (832) 265-2026
  • ફિલાડેલ્ફીયા-21 સપ્ટેમ્બર. કિશોર દેસાઇ: (215) 272 0152
  • ડેટ્રોઇટ-22 સપ્ટેમ્બર. ચન્દ્રેશ ઠાકોર : (248) 344-7895
  • ન્યુ જર્સીમાં એક કાર્યક્રમ 6 ઓક્ટોબરે યોજાવાની શક્યતા છે. સંપર્ક: શ્રી આદિલ મંસૂરી (201) 868-6991
  • આ ઉપરાંત કાર્યક્રમો બોસ્ટન અને એટલાંટામાં યોજાવાની શક્યતા છે. એટલાંટા કાર્યક્ર્મ માટે તમે મારો -ધવલ શાહ (mgalib@hotmail.com) – સંપર્ક કરી શકો છો. તારીખ / સ્થળ નક્કી થયે હું અહીં વધુ માહિતી મૂકીશ.

રઈશભાઈનું ઈ-મેલ એડ્રેસ amiraeesh@yahoo.com છે.

Comments

‘શોધ’ના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ

શોધ સંસ્થાના ઉપક્રમે ડલાસમાં યુવા કાવ્ય-સંગીત ઉત્સવ ફ્રેબ્રુઆરી 24ના રોજ યોજાયો છે. આ કાર્યક્રમમાં કવિતા, ગીત કે સંગીત પ્રસ્તુત કરવા માટે 5 થી 18 વર્ષના બાળકો-યુવકો-યુવતીઓને નિમંત્રણ છે. વધુ માહિતી માટે અહીં ક્લીક કરો.

ઈ-મેલ સંપર્ક: હિમાંશુ ભટ્ટ hvbhatt@yahoo.com

 

Comments (1)

રતિલાલ ‘અનિલ’ને ‘આટાનો સૂરજ’ માટે સાહિત્ય અકાદમી પુરસ્કાર

2006ના સાહિત્ય અકાદમી પુરસ્કાર માટે સુરતના રતિલાલ ‘અનિલ’ના નિબંધસંગ્રહ ‘આટાનો સૂરજ’ની પસંદગી થઈ છે. સુરતના માનીતા સાહિત્યકાર એવા શ્રી રતિલાલ ‘અનિલ’ને અભિનંદન ! એ એમના નિબંધો ઉપરાંત ચાંદરણા અને મરકલાથી જાણીતા છે. એમણે સરસ ગઝલો પણ લખી છે. એમનું જ એક મુક્તક આજે માણીએ.

સહજમાં રહ્યો ને બધે વિસ્તર્યો,
રહ્યો જળ ને પાછો હું જળમાં તર્યો !
કે ‘સ્થિતિ’માં મારી રહી છે ‘ગતિ’
નથી હું મર્યો કે નથી અવતર્યો !

એમની વધુ રચનાઓ, ખાસ તો ઢગલાબંધ ચાંદરણાઓ, એમની વેબસાઈટ પર આપ માણી શકો છો.

Comments (3)

રાજેન્દ્ર શુક્લ આપે છે ‘કવિતાના શબ્દ’ની ઓળખાણ

ગુજરાતી ભાષાના સૌથી સમર્થ સર્જકોમાંથી એક એવા શ્રી રાજેન્દ્ર શુક્લએ અમદાવાદમાં યોજાયેલ કાવ્યસંગીત સંમેલનમાં ‘કવિતાનો શબ્દ’ એ વિષય પર વક્તવ્ય આપેલું. જેણે શબ્દની ધૂણી ધખવીને જીંદગી કાઢી હોય એ જ આવું વિરલ પ્રવચન કરી શકે. આ વક્તવ્યને આજે રીડગુજરાતી પર  વાંચવાનું રખે ચૂકતા.

ઉમેરો :  દિવ્ય-ભાસ્કરમાં કવિશ્રી સાથે સંવાદનો અહેવાલ વાંચો.

Comments (1)

ભૂંસાતા જતા ગુજરાતના સાહિત્યલક્ષી સામાયિકો

રીડ ગુજરાતી.કોમ પર મૃગ્રેશે આજે ભૂલાતા જતા ગુજરાતી સામાયિકો વિષે સરસ લેખ પ્રગટ કર્યો છે. ગુજરાતી સાહિત્યના વિકાસમાં પાયાનું કામ કરતા આ સામાયિકો આર્થિક તકલીફોથી સામે સતત ઝઝૂમી રહ્યાં છે. ભારતના સૌથી સંપન્ન રાજ્યોમાંથી એક હોવા છતાં આપણે આપણી ભાષા અને સાહિત્ય માટે કાંઈ કરતા કે કરી શકતા નથી. ગુજરાતી સાહિત્યના મોભ જેવું ‘કુમાર’ પણ થોડા વખત પર બંધ થઈ ગયું હતું એનાથી વધારે ચોંકાવનારી વાત તો કઈ હોય શકે? એ તો સદનસીબે ફરી શરૂ થયું છે પણ બીજા કેટલાય સામાયિકો મરવાના વાંકે જીવી રહ્યાં છે. ‘શું શા પૈસા ચાર’વાળુ મહેંણું આપણે ક્યાં સુધી સાંભળતા રહીશું ?

Comments (3)

ગઝલ ગુર્જરીનો નવો અંક : આદિલ મન્સૂરી સપ્તતિ પર્વ વિશેષ

ગઝલ ગુર્જરીનો નવો અંક પ્રગટ થઈ ગયો છે. નવો અંક શ્રી આદિલ મન્સૂરીના સપ્તતિ પર્વ નિમિત્તે એમની રચનાઓને સમર્પિત છે. આ અંકમાં ગુજરાતના ખ્યાતનામ સર્જકોના આદિલસાહેબના જીવન અને કવન અંગેના રસપ્રદ લેખો છે. મળે ન મળેના કવિને નજીકથી મળવાનો આ મોકો ચૂકશો નહીં.

Comments (1)

બમ્બૈયા ગુજરાતી મ્હોરી રહી છે.

મુંબઈમાં ગુજરાતી સાહિત્યક્ષેત્રે ચાલતા કેટલાક વિશેષ કાર્યક્રમોની ઝલક આપતો કૃષ્ણા શાહ તથા નીલા સંઘવીએ લખેલો બહુ જ સરસ લેખ ગુજરાતી ભાષા આઈસીયુમાં છે? ખાસ વાંચવા જેવો છે. આવી પ્રવૃત્તિઓ ચાલી રહી છે જે જાણીને લાગે છે કે ગુજરાતીને આ સદી તો શું આવતી સદીમાં પણ કોઈ વાંધો આવવાનો નથી !

Comments

ઊર્મિનો સાગર

ઊર્મિનો સાગર એ ઊર્મિની કવિતાઓ બ્લોગ છે.એની પોતાની કવિતાની સાથે જ એ પોતાને ગમતી બીજા કવિઓની કવિતાઓ પણ રજૂ કરે છે. પહેલી કવિતા એણે કવિ કાંતની પ્રસિદ્ધ રચના સાગર અને શશિ આજે મૂકી છે, ખાસ કારણ એ કે આજે કવિની પૂણ્યતિથિ છે. કવિનો પહેલો (અને એકમાત્ર) કાવ્યસંગ્રહ પૂર્વાલાપ જે દિવસે પ્રગટ થયેલો એજ દિવસે એમનું અવસાન થયેલું.

ઊર્મિની પોતાની રચનાઓ પણ સશક્ત છે. એમાંની એક રચના અહીં જુઓ.

ઉજાસને ખોબામાં ભરતા મને જોઇને,
મુઠ્ઠીભર અંધકાર વેરી ગયો સમય. 

રણને તરસથી તરફડતું જોઇને,
ઝાંઝવાનાં જળ પીરસી ગયો સમય.

Comments (1)

મોરપિચ્છ અને ટહુકો

સાન ફ્રાન્સિસ્કોથી જયશ્રીએ બે સરસ ગુજરાતી બ્લોગ શરુ કર્યા છે.બન્નેના નામ પણ મઝાના રાખ્યા છે – મોરપિચ્છ અને ટહુકો.

મોરપિચ્છમાં એ કવિતા, ફોટા, પોતાના વિચારો અને સમાચારો મૂકવાનો વિચાર રાખે છે. જ્યારે ટહુકો બ્લોગમાં માત્ર સંગીત વિષયક વાતો આવશે. શરુઆતના પોસ્ટ પરથી આ બન્ને બ્લોગ ખૂબ રસપ્રદ બની રહેશે એવું લાગે છે. ઓલ ધ બેસ્ટ, જયશ્રી.

Comments (1)

એષા દાદાવાળાને હાર્દિક અભિનંદન…!

લયસ્તરોનું વાંચકવૃંદ એષા દાદાવાળાના નામથી પરિચિત છે જ. એક કુંવારી છોકરીએ લખેલી પિતૃત્વની ભાવવાહી કવિતાઓથી આપણે વહી ગયેલી પળોમાં અઢળક ભીંજાયા છીએ. ‘કવિતા’ના એપ્રિલ-મે 2006ના અંકમાં એષાની લયસ્તરો પર અગાઉ આપણે માણેલી બે રચનાઓ ‘પગફેરો…!’ અને ‘ભ્રુણ હત્યા…!’ પ્રકાશિત થઈ છે. આ ઉપરાંત 4-6-2006ના દિવ્યભાસ્કરની રવિવારીય ‘મહેફીલ’ પૂર્તિમાં સુરેશ દલાલે ‘પગફેરો…!’નો સામી છાતીએ ખંજર ભોંકતી કવિતા કહીને સુંદર આસ્વાદ કરાવ્યો છે. એષા અભિનય ક્ષેત્રે પણ ઝડપભેર આગળ વધતું નામ છે અને થોડા સમય પહેલાં જ શ્રેષ્ઠ અભિનેત્રીનો પુરસ્કાર પણ જીતી હતી. લયસ્તરો તરફથી એષાને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભકામનાઓ….

Comments (2)

છ અક્ષરનું નામ

રમેશ પારેખ ( 27-11-1940 થી 17-05-2006)

રમેશ પારેખ એટલે દોમદોમ કવિતાની સાહ્યબીથી રોમરોમ છલકાતો માણસ. રમેશ પારેખ એટલે નખશિખ ગીતોના મોતીઓથી ફાટફાટ થતો સમંદર. રમેશ પારેખ એટલે ગુજરાતી ભાષાનું અણબોટ્યું સૌન્દર્ય. રમેશ પારેખ એટલે લોહીમાં વહેતી કવિતા. રમેશ પારેખ એટલે ‘છ અક્ષરનું નામ’. આ ‘છ અક્ષરનું નામ’ આજે અચાનક અ-ક્ષર થઈ ગયું. સમયના કોઈ ખંડમાં હિંમત નથી કે એના નામ પાછળ ‘હતાં’ લખી શકે. રમેશ પારેખ ‘છે’ હતાં, ‘છે’ છે અને ‘છે’ જ રહેશે !

અમરેલીમાં જન્મ. મેટ્રિક સુધી અભ્યાસ. કર્મભૂમિ રાજકોટ. પત્ની રસિલાબેન અને નીરજ, નેહા સંતાનો. સરકારી કારકૂની પણ કરી. દુનિયાદારીમાં મન ન લાગે અને કલમ દિશાહીન. સંગીત, ચિત્રકળા, જ્યોતિષ અને કવિતામાં ઊંડો રસ. માંહ્યલો તો શબ્દોથી ફાટફાટ પણ હનુમાનને સાગરલંઘનની ક્ષમતા કયો અંગદ યાદ કરાવે? રજનીકુમાર પંડ્યા અને અનિલ જોશી નામના અંગદ ન મળ્યાં હોત તો રમેશ નામનો હનુમાન શબ્દ-સાગર લાંધી શક્યો હોત કે કેમ એ પ્રશ્ન છે. રજનીકુમાર કવિતા લખવા પ્રેરે અને અનિલ જોશી વાર્તા લખવા માટે. ચિડાઈને એકવાર ર.પા.એ રજનીકુમારને કહી દીધું: ‘ સાલા, તું વાર્તાકાર છે એટલે મને કવિતામાં ધકેલે છે અને પેલો અનિલ કવિ છે એટલે મને વાર્તા લખવા કહે છે. સાલાઓ, તમે બધાં મારાથી ડરો છો’.

સાંઠનો દાયકો પતવા આવ્યો અને ર.પા.એ પોતાની જાત સાથે અનુસંધાન સાધી લીધું. લોહી કવિતા બની કાગળ પર વહેવા માંડ્યું. સોનલકાવ્યો એ એમનો પર્યાય બની ગયાં. સુરેશ દલાલ કહે છે:’ એમની કવિતામાં આવતી સોનલ પૂર્વજન્મની સ્મૃતિ છે, આ જન્મની અટકળ છે અને આવતા જન્મનું આશ્વાસન છે’. આલા ખાચરના કાલ્પનિક પાત્ર વડે કાઠિયાવાડના બાપુઓની મનોદશા અને દશાનું વ્યંગાત્મક અને કરુણ આલેખન આપણી કવિતામાં નોખું જ સ્થાન ધરાવે છે. મીરાંકાવ્યોમાં ર.પા.ની આધ્યાત્મિક્તા એવી તો સહજતાથી ઊઘડે છે કે કૃષ્ણને પણ અદેખાઈ આવે. ચમત્કૃતિથી ભરપૂર કવિતામાં ક્યાંય સસ્તી ચાલાકી કે શબ્દરમત જોવા ન મળે એ ર.પા.ની વિશેષતા. અરૂઢ વિષયોને અરૂઢતાથી, અવનવાં કલ્પનો ને લયઢાળો દ્વારા મૂર્ત કરવાની એમની સહજ ફાવટ એ એમની કવિતાનું ઘરેણું. ગીત, ગઝલ, છંદોબદ્ધ કાવ્યો, સૉનેટ, અછાંદસ- જેને એનો ‘મિડાસ ટચ’ મળે એ ભાષાની ખાણનું સોનું બની જાય. મોરારિબાપુએ કહ્યું હતું: ‘આ કવિ કંઈક ભાળી ગયેલો છે’.

હાથી પર સવારી કાઢી કોઈ શહેરે એના કવિનું સન્માન કર્યું હોય એવી લોકવાયકા ર.પા.ના જીવનમાં જ સાચી પડી શકે. શબ્દો સાથે એવો તો ઘરોબો કે કેટલાંક શબ્દો ને કાવ્યો તો વાંચતાં જ જણાય કે આ તો ‘રમેશ-બ્રાંડ’ છે. બીજો કોઈ કવિ આ સૂર્યના તાપને અડવાનું વિચારી ય ન શકે. ગુજરાતી સાહિત્યના તમામ મોટા પુરસ્કારો જીવતેજીવ મેળવનાર ર.પા. છેવટ સુધી ધરતીને અડીને જ જીવ્યાં. લોકપ્રિયતા કદી માથે ચડીને બોલી હોય તો એ જણ કોઈ અન્ય હોય તો હોય, ર.પા. તો નહીં જ.

હૃદયરોગના જીવલેણ હુમલાએ ર.પા.ના નશ્વર દેહને આજે અકારણ ખૂંચવી લીધો પણ એમનો અ-ક્ષરદેહ સદા શ્વસતો રહેશે આપણી ભાષા અને આપણી સ્મૃતિમાં.

કાવ્યસંગ્રહો: ‘છ અક્ષરનું નામ’ (1991) સમગ્ર કવિતામાં સંગ્રહસ્થ કાવ્યસંગ્રહો: ‘ક્યાં’ (1970), ‘ખડિંગ’ (1980), ‘ત્વ’ (1980), ‘સનનન’ (1981), ‘ખમ્મા, આલા બાપુને!’ (1985), ‘મીરાં સામે પાર’ (1986), ‘વિતાન સુદ બીજ’ (1989), ‘અહીંથી અંત તરફ’ (1991). ત્યાર બાદ ‘છાતીમાં બારસાખ’, ‘લે તિમિરા! સૂર્ય’, ‘ચશ્માંના કાચ પર’ અને ‘સ્વગતપર્વ’.
નવલિકા: ‘સ્તનપૂર્વક’
નાટક: ‘સગપણ એક ઉખાણું’, ‘ ‘સૂરજને પડછયો હોય’, ‘તરખાટ’
લેખો: ‘હોંકારો આપો તો કહું’.
બાળ સાહિત્ય: ‘હાઉક’, ‘દે તાલ્લી’, ‘ચીં’, ‘હફરક લફરક’, ‘દરિયો ઝુલ્લમ ઝુલ્લા’, ‘હસીએ ખુલ્લમ ખુલ્લા’, ‘જંતર મંતર છૂ’.
સંપાદન: ‘ગિરા નદીને તીર’, ‘આ પડખું ફર્યો લે!’.

પારિતોષિકો: કુમાર ચંદ્રક, ગુજ. સાહિત્ય અકાદમી પારિતોષિકો, ગુજ. સાહિત્ય પરિષદ પારિતોષિકો, રણજિતરામ સુવર્ણચંદ્રક, ગિજુભાઈ બધેકા સુવર્ણચંદ્રક, કલાગૌરવ સુવર્ણચંદ્રક, ગુજ. રાજ્ય ફિલ્મ એવોર્ડ, ક્રિટીક્સ એવોર્ડ અને અન્ય ઢગલોક પુરસ્કારો.

Comments (20)

એમના શબ્દોનું સદા ઋણ રહેશે.

ગુજરાતી ભાષાને અનેક લાડ લડાવનાર અને સદાનવીન ઘાટ આપનાર કવિ રમેશ પારેખનું આજે રાજકોટમાં નિધન થયું છે. રમેશ પારેખ, આ છ અક્ષરનું નામ ગુજરાતી ભાષા પર અનરાધાર વરસ્યું છે. એમના વિષે ઘણું લખાયું છે અને હજુ ઘણું લખાશે. મારે તો બસ એટલું જ કહેવાનું કે ગુજરાતી ભાષાનું આવું જાજરમાન રુપ આપણને બતાવનાર કવિના શબ્દોનું સદા ઋણ રહેશે.

કવિની સાચી અંજલી એ તો એના શબ્દોને આપેલી અંજલી જ હોય શકે. સુરેશ દલાલે રમેશ પારેખની આપેલી આ શબ્દાંજલીથી વધારે સારી અંજલી મળવી મુશ્કેલ છે.

રમેશ પારેખના શબ્દો

રમેશ પારેખના શબ્દો
           એ મીરાંની બાવરી આંખ છે;
રમેશ પારેખના શબ્દો
           એ આલા ખાચરને આવેલા મોતિયાની ઝાંખ છે.
ધોધમાર ગુલમ્હોર
           એ રમેશ પારેખના ગીત છે;
સ્તનમાં ટહુકેલા મોર;
           એ રમેશ પારેખની કવિતાનું કુંવારું સ્મિત છે.
રમેશ! તારાં અછાંદસ કાવ્યો
           એ લયના ઝંઝાવતનું નીખરેલું રૂપ છે.
રમેશ! તારા સોનેટ
           એ જળ અને આસવના બિલોરી સ્તૂપ છે.
રમેશ! તારી ગઝલ
           એ રણ પર ઊગેલો ચાંદ છે;
રમેશ! તારી કવિતા
           એ ઝાડને ફૂટેલું લીલેરું પાંદ છે.

-સુરેશ દલાલ

Comments (2)

રમેશ પારેખ હવે નથી રહ્યાં….

ઝાડ એના પાંદડાંને પૂછે છે- કેમ ?
તું મારું નથી એવો શા માટે પડ્યો તને વ્હેમ?

પાંદડાએ પૂછ્યુ કે, મારું નામ પાન છે
તો શા માટે તારું નામ ઝાડ છે?
શા માટે તારી ને મારી વચ્ચાળ
આમ ડાળી ને ડાળખાંની આડ છે?

ઝાડવું કહે કે તારી વહાલુડી લીલપને સાચવું છું, આવડે છે એમ!

પાંદડું કહે કે, મારે અડવું આકાશને
ને તું મને શા માટે બાંધતું ?
ઝાડવું કહે કે, એ તો ધરતીનું વ્હાલ છે…
જે સૌ સાથે આપણને સાંધતું

તૂટવાનો અર્થ તને અડકે નહીં , એને હું કહું મારો પ્રેમ !

રમેશ પારેખ

ગુજરાતી કવિતાનો મોભ આજે અચાનક તૂટી પડ્યો. રમેશ પારેખ ‘છે’માંથી ‘હતાં’ થઈ ગયાં. ‘છ અક્ષરનું નામ’ હવે નથી રહ્યું… લખતી વખતે જાણે લાગે છે કે હાથને લકવો થઈ ગયો છે….

Comments