રસ્તે રસ્તે શઠ ઊભા છે
મંદિર, મસ્જિદ, મઠ ઊભાં છે.
હેમેન શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

સ્થૈર્ય – દિનેશ મોદી

(પૃથ્વી)

મકાન, ઘર, માણસો સકલ નષ્ટ સૃષ્ટિ જ્યમ!
ભૂકંપ! કશું સ્થિર ના; હલબલે સ્વયં જ્યાં ક્ષણો!
દીસે પ્રકૃતિ-રાજ્ઞી પૂર્ણ-જયી, માનવી પામર-
મહાત? કદી જીતશે મનુજ ઈશ-પ્રકૃતિને?
ભૂકંપ, કરી પૂર્ણ ધ્વંસ, જયી-હાસ્ય સાથે જહીં
દીસે પૂછંત, ‘…કોઈ વા કશું રહ્યું નથી ને બાકી…?!’

– તહીં અકળ અસ્થિરે સ્થિર કશુંક ભાળું જહીં
વિનાશ-તિમિરે રહ્યું ચમકી- કૈં ન જાણે પડી:
પરોપકૃતિ, માણસાઈ, કરુણા અહીં વર્ષતાં!
સહાનુભૂતિ ને ઉદાર-સહકાર રેલાય હ્યાં…
-અહો! અકળ, સર્વશક્ત જ ભૂકંપ છો વ્યાપક-
અબાધિત જ ધ્વંસ-શક્તિ પર આટલો અંકુશ!

ધરા-પ્રકૃતિ ના શકે ધ્રુજવી ભાવના શુભ, તો
અજેય બસ! માનવી; પ્રકૃતિ વિજયી પૂર્ણ ના…

– દિનેશ મોદી

પ્રકૃતિની વિનાશક તાકાત સામે મનુષ્યની હેસિયત શું? ભૂકંપનો એક આંચકો આવે એટલે ઘર-બાર, ઝાડ-પાન, માણસો- બધું જ ધૂળમાં મળી જાય. શું મનુષ્ય કદી ઈશ્વરને, પ્રકૃતિને જીતી શકવા સમર્થ થશે ખરો? પહેલાં ષટકમાં આ પ્રશ્ન ઊભો કરી કવિ બીજા ષટકમાં મનુષ્યમાં રહેલા પરોપકાર, માણસાઈ, કરુણા જેવા સદગુણોની વાત કરે છે, જેને પ્રકૃતિના કોઈ પરિબળ મિટાવી શકતાં નથી. પ્રકૃતિ મનુષ્યની શુભ ભાવનાને ધ્રુજાવી પણ શકતી નથી એ અર્થમાં માનવી અજેય છે અને પ્રકૃતિ પૂર્ણ વિજયી નથી જ નથી…

સૉનેટની પારંપારિક ભારઝલ્લી ગુજરાતી ભાષા અને બિનજરૂરી વિરામચિહ્નોની ભરમાર કવિતાની ગતિમાં ખલેલ પહોંચાડે છે એ ટાળી શકાયું હોત તો કૃતિ વધુ આસ્વાદ્ય બની શકી હોત.

Comments (1)

હાઈકુ – ઉષા મોદી

વૃક્ષ લીલેરું
શોભતું વધુ, પર્ણ
પીળાં બે થકી

પંથે કંટક;
વગડો મ્હેકે- કેમ
પ્હોંચવું ઘરે?

જ્યોત દીવડે
ડોલે; હલે પ્રકાશ;
સ્થિર અંધારું

તડકો પડે,
પાન ખરે; ડાળીઓ
હસે નિસ્તેજ

કોટિ આગિયા
પ્રકાશ મેળવવા
ચાંદાને ગોતે

ડાયરી ભરી
લીટાથી : સરવાળો
માંડ્યો તો શૂન્ય

– ઉષા મોદી

જીવનમાં વચ્ચે વચ્ચે નાનું-મોટું દુઃખ ન આવે તો સુખની કિંમત શી રીતે સમજાય?

જીવનનો રાહ મુસીબતોથી ભર્યો પડ્યો છે ને પ્રલોભનોનો પાર નથી, મંઝિલે પહોંચવું શી રીતે?

અંધારું શાશ્વત છે, સનાતન છે એટલે એ સ્થિર છે. પ્રકાશ હંગામી છે એટલે ચંચળ છે.

ઉનાળાનો તાપ પ્રકૃતિને નિર્વસ્ત્ર કરે ત્યારે ઝાડ પણ બોખા મોઢે હસતું હોય એમ નિસ્તેજ ભાસે છે.

આકાશમાં તારા ભલે કરોડો હોય, અમાસની રાતે ચાંદાની ગેરહાજરીમાં પ્રકાશ પાથરી શકતા નથી.

જીવનની ડાયરીમાં ગમે એટલું લખ-ભૂંસ કરતા રહીએ, સરવાળો તો અંતે શૂન્ય છે.

Comments

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે દાંડી પ્હેલી કે ચૉરે-
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

અંગત રીતે મને આ પ્રકારની રચના આકર્ષતી નથી. પણ આ રચનામાં એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

Comments (4)

– એમાં મારો શું વાંક? – સુરેશ દલાલ

મેં તો આપ્યું’તું તને મોતી
ને તને શંખલા ને છીપલાં વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો માણસની પ્રગટાવી જ્યોતિ
ને તને ઢીંગલી ને ઢીંગલા વ્હાલા લાગે
– એમાં મારો શું વાંક?

મેં તો આંબો આપ્યો ને તને બાવળ ગમે
મેં તો શાંતિ આપી, તને ઉતાવળ ગમે
મેં તો આકાશ આપ્યું ને તને વાદળ ગમે
મેં તો સત્ય આપ્યું,
ને તને સપનાંઓ વાંઝિયા ને ઠાલાં ગમે
– એમાં મારો શું વાંક?

મેં તો રસ્તો આપ્યો તને ચરણો આપ્યાં
પણ ચરણોને બેડી તેં બાંધી દીધી,
મેં તો હોંશે હોંશે એક ઉછેર્યો’તો બાગ
પણ બાગમાં તેં રણ ને આંધી કીધી
મેં તો એક એક દરવાજા ખોલ્યા
પણ દરવાજે દરવાજે તને તાળાં ગમે
– એમાં મારો શું વાંક?

– સુરેશ દલાલ

 

એકદમ મુદ્દાની વાત !!!!!

Comments (3)

પ્રિય મલિસા: – ટીસી ટોલ્બર્ટ (અનુ. વિવેક મનહર ટેલર)

હું ઇચ્છું છું (મારી માએ મને એકવાર કહ્યું હતું—મા મારા બાળ-
પણની—ભલેને પાણી હોય પાણી-થાક્યું —શું છે પ્રાર્થના જો નથી શાંત
જે એણે મને બનાવી છે—કયા હાથ બનો છો તમે જ્યારે તમે સ્પર્શો છો—
કોણે મૂક્યા કોના શરીર પર—કોનો ચહેરો અને કોના ખભા

હલાવવા લાયક છે—હું શું નહીં સાંભળું જ્યારે હું ફરીને જોઈશ
તારા તરફ—જે મા નથી એક દીકરીની—જે મા નથી
એક પુરુષની—આપણે સાચા છીએ આપણા શરીરથી ડરવામાં—પવન
દોરવાય છે જે સીધું ઊભુ છે એનાથી અને તોય હલાવે છે જે) કે તું

(જમીનમાં એટલે ઊંડે દટાયું છે કે મૂળ કહી શકાય—
ક્યારે આ એ દુનિયા બનશે જ્યાં તમે અટકી શકો—જે કંઈ તૂટ્યું છે
તમારી અંદર એ ચીરાઈ ગયું છે સંપર્કથી—ચહેરો પહેરે છે ચહેરો જેને એ જોઈ શકે—
જે જીવંત છે એ ઓળખી શકાય એમ નથી—એમ જ હોવું ઘટે—કોણ છે મારી મા,

મા—કોઈ નહીં—કોણે પોતાની જાતને મારી નથી નાંખી
બીજા કોઈમાં વિકસીને—હું દિલગીર છું કે તું) કદી જન્મી જ ન હોત.

– ટીસી ટોલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

આપણે ભલે ‘મા તે મા, બીજા વગડાના વા’ કેમ કહેતાં ન હોઈએ પણ જીવનમાં સમસ્યાઓના અડાબીડ કળણમાં ખૂંપી ગયેલી મા ક્યારેક પોતાના સંતાનને એમ કહી બેસે છે, કે આના કરતાં તો તને જન્મ જ ન આપ્યો હોત તો સારું હતું કે આના કરતાં તો મારા પેટે પાણો પાક્યો હોત તો સારું થાત. ટીસી ટૉલ્બર્ટ-અમેરિકના આ ટ્રાન્સજેન્ડર અને જેન્ડરક્વિઅર કવિનું જન્મજાત નામ મલિસા હતું. આજે એ પોતાની જાતને S/he કહીને સંબોધે છે. આ કવિતા કૌંસ બહાર આવું-આવું કરતા/તી (ટ્રાન્સજેન્ડર) બાળક/કીની સંવેદના છે. આમ જોઈએ તો આખી કવિતામાં શીર્ષકથી લઈને અંત સુધી એક નાનકડું વાક્ય જ છે: પ્રિય મલિસા, હું ઇચ્છું છું કે તું કદી જન્મી જ ન હોત. બસ! કવિતાનું શીર્ષક કવિતાનો જ એક ભાગ પણ છે શીર્ષકથી જ કવિતાની શરૂઆત થાય છે. પણ આ એક વાક્યની વચ્ચે-વચ્ચે બે વાર કૌંસની વચ્ચે જે સ્વગતોક્તિ આવે છે એ માના આ પ્રલાપની વચ્ચે-વચ્ચે મલિસાએ પોતાની જાતની ટુકડા-ટુકડામાં કરેલી અભિવ્યક્ત છે. મા ખુદ ઊઠીને સંતાનના અસ્તિત્વના આગમન સામે નાદારી નોંધાવે ત્યારે સંતાનના મનમાં કેવા ત્સુનામી ઊઠતા હશે? આ કવિતા આ ત્સુનામીની પહડકાય લહેરો છે, બસ…

Dear Melissa:

I wish you (my mother once told me—mother of my child-
hood—even though water is water-weary—what is prayer if not quiet
who has made me—what hands you become when you touch—
who laid down on whose body—whose face and whose shoulders

worth shaking—what will I not hear when I look back
at you—who is not the mother of a daughter—who is not
the mother of a man—we are right to be afraid of our bodies—wind
is carried by what is upright and still moves what has) had

(been buried deep enough in the ground to be called roots—
when will this be the world where you stop—whatever broke
into you was torn by the contact—a face wears a face it can see—
what is alive is unrecognizable—need it be—who is my mother,

mother—no one—who hasn’t killed herself by
growing into someone—I’m sorry you have) never been born.

– TC Tolbert

Comments (1)

(કાળિયું કાઢીને હવે…) – વિરલ દેસાઈ

કાળિયું કાઢીને હવે પાનેતર પહેરું તો ઊંડા ઊતરી જાશે ઘા,
મને બીજે ઘઘરાવશો ના, બા.

ખીલવાનું આવ્યું ત્યાં ખીલ્યાં’તાં જોડે,
હવે ખરવાનું આવ્યું તો ખરશું;
મારી આ જાત ઉપર ઝાંખપ લાગે,
જો હવે આ ભવમાં બે-બે ભવ કરશું

તડકી ને છાંયડી તો આવે ને જાય, બા! એનાથી ગભરાઈશ ના,
કાળિયું ઓઢીને હવે જીવતર વેંઢારશું, મને બીજે ના ઘરઘાવશો બા..

– વિરલ દેસાઈ

મોટાભાગે ગીતમાં એકાધિક અંતરા જોવા મળે છે એવામાં એક અંતરાના આ ગીતે સહજ આશ્ચર્ય જન્માવ્યું. ઘઘરવું અને ઘરઘરવું શબ્દો સાથે પહેલવહેલો પરિચય થયો. મુખડાની પંક્તિમાં જ નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિમાં ધારી ચોટ જન્માવવાની સફળ પ્રયુક્તિ પણ ગમી. પતિનું છત્ર ગુમાવ્યા પછી એકલી પડી ગયેલી દીકરીને મા પુનર્લગ્ન માટે મનાવે છે પણ દીકરી નસીબમાં જે તડકી-છાંયડી આવી છે એને જે સહજતાથી સ્વીકારે છે અને સ્વીકારવા દેવા માટે માને સમજાવે છે એ વાત એવી મજાની રીતે રજૂ થઈ છે કે એક જ અંતરાનું હોવા છ્તાં ગીત ક્યાંય અધૂરું લાગતું નથી…

વિધવાવિવાહનો વિરોધ કરે છે એટલું ન ગમ્યું બાકી એક કૃતિ તરીકે ખૂબ મજાનો લય, અને નખશિખ સુંદર રચના.

(ઘઘરવું, ઘરઘરવું = નાતરે જવું)

Comments (14)

નથી બારણું ક્યાંય.. – રવીન્દ્ર પારેખ

નથી બારણું ક્યાંય પાછા જવાનું,
સ્મરણને ફક્ત દ્વાર છે આવવાનું.

ન આગળ વધ્યો તે તો તારી શરમથી,
વિચારો તો જાણે જ છે પહોંચવાનું.

અગર જ્યોત પણ નામ જોગી જ હો તો,
રહ્યું ક્યાં પછી દેખવા-દાઝવાનું?

નહીં પાડી શકશે તું બાકોરું એમાં,
રહ્યું છે સિલકમાં ફકત ઘર હવાનું.

ફૂલીને થશે ફાળકો કેમ કરતાં,
કરમમાં તો ફુગ્ગાના છે ફૂટવાનું.

મરણ બેવફાઈ કરે ના કદી પણ,
જીવન છે જે જાણે છે છોડી જવાનું.

ગયું છે જીવન એટલું ઊંઘવામાં,
મરણમાં રહ્યું છે હવે જાગવાનું.

– રવીન્દ્ર પારેખ

આમ તો આખી ગઝલ સરસ છે પણ પહેલો અને છેલ્લો શેર સવિશેષ સ્પર્શી ગયા…

‘લયસ્તરો’ના આંગણે ‘અરસપરસનું’ સંગ્રહ સાથે રવીન્દ્ર પારેખનું ફરી એકવાર સ્વાગત છે…

Comments (2)

ગધેડો – જી. કે. ચેસ્ટરટન (અનુ. વિવેક મનહર ટેલર)

મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
.            અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
.            રક્તિમ ચંદ્રની સાખે.

રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
.            ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
.            ફિરકી લે શેતાન!

ભૂખે-કોરડે મારો,
.            કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
.            રાખું ગૂઢને ગૂઢ

મૂર્ખાઓ! મારોય વખત હતો,
.            મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
.            પગ આગળ તાડપત્ર.

– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)

*

આ કવિતા જી. કે. ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે: વિરોધાભાસ,
વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ.

દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. એ જાતે જ કહે છે કે હું મૂર્ખ છું, ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ સીધું જ આપણને મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. કહે છે કે એનોય સમય હતો. ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. સવારી કરવા માટે પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે.

ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!

કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!

*
The Donkey

When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.

With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.

The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.

Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.

– G. K. Chestorton

Comments (2)

(સૂરજને છળે છે) – કિરણ જોગીદાસ ‘રોશન’

ભરબપોરે કોણ સૂરજને છળે છે?
કાળ થઈ આ વાદળાં તડકો ગળે છે.

ઝાડ પર આવી અગર એકાદ ચકલી
ડાળખીનું જાણે કોઈ વ્રત ફળે છે.

આગ રાખીને હૃદયમા કોઈ જીવે,
તો વળી કોઈ બરફમાં પણ બળે છે.

હોય સુખ કે દુઃખ સદા હાજર હશે એ,
અશ્રુ થઈ અવસર બધે કેવાં ભળે છે!

જોઈને બિન્દાસ ‘રોશન’ને અહીંયા
દર્દ નાકેથી તરત પાછુ વળે છે

– કિરણ જોગીદાસ ‘રોશન’

સાવ સામાન્ય લાગતા દૃશ્ય પર પણ કવિની કલમ ફરે તો એ અભૂતપૂર્વ બની રહે છે. કવિતાની ખરી કમાલ જ એ છે કે એ રોજબરોજની વાતને, હજારો વાર કહેવાઈ ગયેલી વાતોને પણ સાવ નવા જ અંદાજમાં રજૂ કરી શકે છે. આ ગઝલ જુઓ… છે એવી કોઈ વાત જે આપણા માટે નવી હોય? પણ ખરી મજા જ અભિવ્યક્તિની છે. કવિ કઈ રીતે રુઢને અરુઢ બનાવી રજૂ કરે છે એની જ મજા છે. ભરબપોરે સૂરજ વાદળાંમાં ઢંકાઈ જાય અને તડકો ગાયબ થઈ જાય એ કેવી સામાન્ય બીના! પણ કવયિત્રીએ એને અહીં કેવી નવી જ રીતે પેશ કરી છે એ જુઓ…

Comments (3)

તે તમે છો? – હરિહર શુક્લ

સાંજના રંગોની જાજમ આભમાં આખ્ખાય બિછાવી રહ્યા છો, તે તમે છો?
રાતની તનહાઈઓમાં સૂર રેલાવીને બોલાવી રહ્યા છો, તે તમે છો?

વાંસળી વાગી રહી છે વાંસવનમાં, સાંજના ઝાલર બજે મંદિરમાં, ને
રાતરાણીની સુગંધી પાછલા પ્હોરે મહેકાવી રહ્યા છો, તે તમે છો?

રાતભર તારાજડિત આકાશ શીતળ ચંદ્રની સાખે હતું પણ ત્યાં અચાનક
વીજળીના તીરથી વાદળને તાકી ભયને ફેલાવી રહ્યા છો, તે તમે છો?

આંખમાં આંસુંનાં તોરણ ખૂબ મુશ્કેલીથી બાંધીને ઉભો છું રાહમાં હું
રાહ જોઉં કૈંક કલ્પોથી તમારી તે છતાં તાવી રહ્યા છો, તે તમે છો?

આ હું ચાલ્યો ફૂલથી ખાંપણ સજાવી મિત્રોની ખાંધે ચડી મંઝિલ ભણી, ને
ધૂમ્રની સેરોની સાથે સાંઢ ઉપર બેસીને આવી રહ્યા છો, તે તમે છો?

– હરિ શુક્લ

આમ તો આ મુસલસલ ગઝલ છે પણ એની ગલીઓનું સરનામું કવિવર રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિની પાડોશનું હોવાની અનુભૂતિ થાય છે. સાથે જ સુન્દરમની અમર રચના ‘પુષ્પ તણી પાંદડીએ બેસી હસતું કોણ ચિરંતન હાસ? પૃથ્વી ઉરથી ઊઠે કોનો સુરભિત પુલકિત મુખરિત શ્વાસ?’ પણ યાદ આવ્યા વિના ન રહે. લાંબી બહેરની આ ગઝલમાં ગઝલના પારંપારિક શબ્દોની ભરમારથી અલગ ઊઠીને કવિએ નિજી સંવેદનાસભર તાજા કલ્પનો આપીને મનોહર કવિકર્મ કર્યું છે. થોડી મુખર હોવા છતાંય સાવ નોખી જ ભાત ઉપસાવતી હોવાના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

Comments (4)

સખી મને તેં સરોવર કહ્યો – રમેશ પારેખ

સખી મને તેં સરોવર કહ્યો એ ઘટનાને
હું મારાં ગીતકમળથી લે ચાલ, શણગારું.

હવે હું પીળી પડેલી છબીની જેવો છું
તને ગમે તો પ્રણયની દીવાલ શણગારું.

આ મારા હાથમાં ખાલીપણાંના ફૂલો છે
કહે તો આપણો આ આજમ્હાલ શણગારું.

હવે વસંત કે ફૂલની પ્રતીક્ષા કોણ કરે ?
હું મારા વ્હાલથી તારું વ્હાલ શણગારું.

તને આ જિંદગી જેવો જવાબ આપીને
નજીકથી તેં કરેલો સવાલ શણગારું .

– રમેશ પારેખ

Comments

નવા મિત્રો અને જૂના મિત્રો – જોસેફ પેરી (અનુ. વિવેક મનહર ટેલર)

દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.
નવી મિત્રતા નવી શરાબના જેવી જ છે અલબત્તા,
વયની સાથે વધુ ખીલે ને વધે સતત ગુણવત્તા.

ભાઈબંધી જે સમય અને પરિવર્તનની એરણ પર
ટકી શકી છે એ જ બધામાં છે સાચે સર્વોપર;
પડે કરચલી માથે, પળિયા ધોળા થાય ખચિત,
મૈત્રી ક્યારેય સડે નહીં ને થાય નહીં જર્જરિત.

કારણ કે જૂના ને જાણીતા યારોની વચ્ચે,
ફરી એકવાર તાજી થઈને એ જ યુવાની મળશે.
પણ અફસોસ! કે જૂના યારો એક દિવસ તો મરશે;
સ્થાન એમનું નવા નવા ભેરુએ જ ભરવું પડશે.

જૂની યારીનું જતન કરીને રાખો એ અંતરતમ-
નવી તો સારી જ છે પરંતુ જૂની છે સર્વોત્તમ.
દોસ્ત નવા બનાવો કિંતુ ના વિસરો જૂનાને;
પેલાને જો ચાંદી કહો તો સોનું ગણજો આને.

– જોસેફ પેરી
(અનુ. વિવેક મનહર ટેલર)

દોસ્તી એક જ એવો સંબંધ છે જે ભગવાનથીય મૂઠી ઊંચેરો છે કેમકે આ એક જ સંબંધ સંસારમાં સ્વાર્થથી પર હોઈ શકે છે. દોસ્તી એટલે ખજાનાનો એવો પેટારો જેમાં તમે જેટલો હાથ વધુ ઊંડો નાંખો, એટલા તમે તમને જ વધારે મેળવી શકો છો. દોસ્તી તમને સર્વથી સ્વ તરફ દોરી જાય છે. સમયની સાથે માણસ ઘરડો થાય છે, શરીરનો ક્ષય થાય છે પણ દોસ્તીનો ક્ષય થતો નથી. જૂના અને ચકાસેલા દોસ્તોનો સહવાસ જ આપણા ઘડિયાળના કાંટા ઊલટા ફેરવી આપવા સમર્થ છે. દોસ્તી એટલે એવા ખભાનું સરનામું જ્યાં વગર ટિકિટે ટપાલ પોસ્ટ થઇ શકે, અને તોય એ ગેરવલ્લે ન જાય!

New Friends and Old Friends

Make new friends, but keep the old;
Those are silver, these are gold.
New-made friendships, like new wine,
Age will mellow and refine.

Friendships that have stood the test –
Time and change – are surely best;
Brow may wrinkle, hair grow gray,
Friendship never knows decay.

For ‘mid old friends, tried and true,
Once more we our youth renew.
But old friends, alas! may die,
New friends must their place supply.

Cherish friendship in your breast –
New is good, but old is best;
Make new friends, but keep the old;
Those are silver, these are gold.

– Joseph Parry

Comments (2)

અમે આટલે આવ્યાં ધીરે ચાલી – રઘુવીર ચૌધરી

અમે આટલે આવ્યાં ધીરે ચાલી
સવારના અજવાળે અમને ધૂળ ધરાની વહાલી.

શૈશવમાં સાબરનાં જળમાં ગતિ જોઈ હોડીની,
અમે કેળવી માયા રમતાં સારસની જોડીની,
ઝાકળમાં મોતીની આભા તુલસી પર શોધેલી,
પંખીના માળામાં છાયા આંબાની પોઢેલી,
અંધારે તારક સંગી- અમ આભ કદી ના ખાલી, અમે…

અંતરાય આવેલા અગણિત બહારથી અંદરથી,
અમે કોઈને જાકારો ના દીધ નાનકા ઘરથી,
મારું તારું કે ઉધારનું – ખરાખરી ના ગમતી,
દુ:ખની પળમાં સુખની યાદે પાંપણ ભીની નમતી,
આજ આપણી કાલ પ્રભુની એની કૃપા નિરાલી,
અમે આટલે આવ્યાં ધીરે ચાલી.

(સહજીવનની અડધી સદીએ)
– રઘુવીર ચૌધરી

લગ્નજીવનની પચાસમી વર્ષગાંઠે કવિ કેવું મજાનું ગીત આપે છે!

Comments (2)

કોની તમન્ના – શેખાદમ આબુવાલા

જીવી રહ્યો છું કોની તમન્ના ઉપર હજી
આપું જવાબ એવું તો ક્યાં છે જિગર હજી

ભૂલી ગયો છું એમ તો દુનિયાનાં ઘર તમામ
આવી રહ્યું છે યાદ મને એનું ઘર હજી

કેવી રીતે હું લાશ બની નીકળ્યો હતો
શોધી રહ્યો છું એની ગલીમાં કબર હજી

હું જોઉં છું તો જોઉં છું એની જ દૃષ્ટિએ
મારી નજરમાં કેમ છે એની નજર હજી

તરડે છે કેમ આયનો મારા વિચારનો
વરતાય છે આ કોના વદનની અસર હજી

ક્ષણ ક્ષણ કરીને કેટલા યુગ વીતતા રહ્યા
એ બેખબરને ક્યાં છે સમયની ખબર હજી

ગણતા રહો સિતારા તમે ઇંતેજારમાં
આદમ તમારે જાગવું છે રાતભર હજી

– શેખાદમ આબુવાલા

પરંપરાના શાયરોમાં કંઈક એવી વાત હતી જે કારણોસર એમની કૃતિઓ સમયાતીત બની રહી છે… જ્યારે પણ મમળાવીએ, મજા જ આવે.

Comments (1)

ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને – ભગવતીકુમાર શર્મા

અંગત ક્ષણોની મ્હેંકમાં સંભારજે મને
કોઇ અજાણ્યા પુષ્પરૂપે ધારજે મને

હોઇશ કઈ દશામાં – મને પણ ખબર નથી
આવું જો તારે દ્વાર તો સત્કારજે મને

ઝળહળતો થઈ જઇશ પછી હું ક્ષણાર્ધમાં
તારી નજરના સ્પર્શથી શણગારજે મને

ભીની ભીની વિદાયનો કોઈ વસવસો નથી
આંસુ બનાવી આંખથી તું સારજે મને

સુનકાર ચારે કોરથી ભીંસી વળે તને
ટહુકાની જેમ ત્યારે તું પોકારજે મને

તારી જ લાગણી છું; મને વ્યક્ત કર હવે,
શબ્દો મળે કુંવારા તો ઉચ્ચારજે મને

તારે ઝરૂખે વ્યોમ થઈ વેરાયો છું હવે
વરસાદી કો’ક સાંજે તું મલ્હારજે મને

– ભગવતીકુમાર શર્મા

જો દેવદાસ positive thinking ધરાવતી વ્યક્તિ હોતે તો તેણે આ ગઝલ પારોને સંભળાવી હોતે……

Comments (5)

ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા ! – ભરત વિંઝુડા

અફસોસ કેટલાય મને આગવા મળ્યા
ગાલિબને મારા શેર નથી વાંચવા મળ્યા !

જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા
ઈશ્વર અહીં બધાને ફકત ધારવા મળ્યા !

પગ પર ઊભાં રહીને જુએ છે બધાં મને
જાણે કે પગ મને જ ફકત ચાલવા મળ્યા !

આંખો મળી છે દ્રષ્યને ઝીલી બતાવવા
ચશ્મા જરાક એમાં મદદ આપવા મળ્યાં !

ઊંચાઈ બેઉમાંથી વધું કોની હોય છે
ભેટી પડ્યાં ને એવી રીતે માપવા મળ્યાં !

રાતો વિતાવવા જ મળી સાવ એકલા
ને ભીડની વચાળે દિવસ કાપવા મળ્યા !

તસવીરમાં છે હાથ મિલાવેલી એક ક્ષણ
ને એ જ ક્ષણમાં દૂર હંમેશાં જવા મળ્યાં !

– ભરત વિંઝુડા

આ શાયરને સાંભળવા એ એક લ્હાવો છે…..એકદમ expressionless સપાટ ધીમા અવાજે વાંચન કરે અને આપણે કાન એકદમ સરવા રાખીને સાંભળીએ તો જ સંભળાય….સરળ ભાષા એમની લાક્ષણિકતા છે. ઘણીવાર એમની સરળતા છેતરામણી પણ હોય છે….ઉદાહરણ રૂપે બીજો શેર જુઓ !

Comments (7)

શ્યામ! હું તારી ગાયો ચરાવું – પરવીન શાકિર (અનુ. વિવેક મનહર ટેલર)

આંખ દર્પણથી જ્યારે ખસેડી,
.          શ્યામસુંદરને રાધા મળી આવી.
આવ્યા સપનામાં ગોકુળના રાજા,
.          આપવા સહિયરોને વધાઈ.
પ્રેમજળથી ભરું આખી ગાગર,
.          વાદળે આજે માયા લૂંટાવી.
કોને પનઘટ જવાની હતી જિદ્દ?
.          ગાગરે કોને વિનતિ કરાવી?
વહેવા લાગ્યું જો ખોબેથી પાણી!
.          પ્યાસ ગિરધરની શી રીતે છીપી?
જળનો જ આંચલ બનાવી હવે લઉં
.          ઝાડ પર કેમ ચુનરી સૂકાવી?
નીંદ પણ આપશે એ જ બાળક
.          જેણે માથાની બિંદીને ચોરી.
મારો આત્માય રંગી દીધો છે!
.          શી મનોહરને મન વાત આવી?
મેં સખીઓને ક્યારે કહ્યું કંઈ?
.          વેરી પાયલને લૈ વાટ લાગી
ગોપી સંગેય ખેલે કનૈયો,
.          મારી જોડેય મીઠી લડાઈ.
લાગશે કોઈ તો ખુશબૂ સારી!
.          ભરી-ભરી ફૂલ આંચલમાં લાવી.
શ્યામ! હું તારી ગાયો ચરાવું
.          મોલ લઈ લે તું મારી કમાઈ.
કૃષ્ણ ગોપાલ બસ, માર્ગ ભૂલ્યા
.          રાધા પ્યારી તો સૂધ ભૂલી આવી.
સૂર સૌ એક મુરલીની ધૂનમાં
.          આવી રચના ભલા, કોણે ગાઈ?
શ્યામ! બંધાયું આ કેવું બંધન!
.          વાત તારી સમજમાં ન આવી.
હાથ ફૂલથી પહેલાં બન્યા કે
.          ફૂલમાંથી જ ફૂટી કલાઈ!

– પરવીન શાકિર
(અનુ. વિવેક મનહર ટેલર)

પાકિસ્તાનની ધરતી પર જન્મેલી, બેહદ ખૂબસુરત અને અકાળે મૃત્યુ પામેલી મુસલમાન શાયરા પરવીન શાકિરની નખશિખ કૃષ્ણપ્રેમની નઝ્મનો અનુવાદ આજે માજે માણીએ. પહેલો બંધ જ એટલો આકર્ષક છે કે એનાથી આગળ વધીએ જ નહીં તો પણ સાર્થક છે. પરવીન દર્પણમાં પોતાની આંખોને જોઈ રહેલી રાધાની વાત કરે છે. આંખ દર્પણ સામેથી હટાવી લેવાઈ છે એ વાતને પરવીન રાધા કૃષ્ણના મિલનના અંત સાથે કેવી ખૂબસૂરતીથી સાંકળે છે! રાધા અરીસામાં પોતાને જુએ છે. આંખની કીકી શ્યામ રંગની છે એટલે અરીસામાં રાધા પોતાની આંખોને નહીં, શ્યામસુંદરને જ જોઈ રહી છે જાણે. આગળ વધીને એમ પણ કહી શકાય કે રાધા અરીસામાં જુએ છે ત્યારે એને પોતાની જાતને બદલે શ્રીકૃષ્ણ જ નજરે ચડે છે. એટલે એ અરીસામાં પોતાને જ્યાં સુધી જોયા કરે છે ત્યાં સુધી શ્યામ સાથેનું મિલન ચાલુ અને જેવી અરીસા સામેથી શ્યામ આંખો હટાવી નથી કે મિલન પણ પૂરું. અરીસાની સામે કોઈ આજીવન ઊભા રહી શકતું નથી, ભલે સ્વમાં શ્યામ કેમ ન દેખાતા હોય?! ટોચ ગમે એટલી વહાલી કેમ ન હોય માણસ ટોચ પર કાયમી ઘર કરી શકતો નથી એટલે રાધાએ પણ અરીસાથી નજર હટાવીને દુનિયામાં પરત તો આવવું જ પડે છે. મિલન ગમે એવું મધુરું કેમ ન હોય, એ કદી સનાતન હોઈ શકતું નથી. કેવું અદભુત કલ્પન! શ્યામમિલનની આવી ઉત્તમ કલ્પના તો આપણા વ્રજકવિઓએ પણ કદાચ નહીં કરી હોય. દેહથી બહાર નીકળીએ ત્યારે એહની પ્રાપ્તિ થાય એ વાત તો હજારો સંતો ને કવિઓ કરી ગયા છે. પણ સ્વમાં જ સર્વેશ્વરને જોવાની પરવીનની આ વાત યજુર્વેદના अहं ब्रह्मास्मि  અને ભગ્વદગીતામાંના શ્રીકૃષ્ણના ઉચ્ચારણ -सर्वस्य चाहं हृदि सन्निविष्टो (હું બધા પ્રાણીઓના દિલમાં વસું છું)-ની યાદ પણ અપાવે છે. બીજું, પરવીન અહીં શ્યામસુંદર વિશેષણ વાપરે છે, જે કૃષ્ણ માટે જેટલું સાચું છે એટલું જ અરીસા સામે ઊભેલી રાધા માટે પણ સાર્થક છે.

श्याम! मै तोरी गईयाँ चराऊँ

आँख जब आईने से हटाई
.          श्याम सुन्दर से राधा मिल आई
आये सपनो में गोकुल के राजा
.          देने सखियों को बधाई
प्रेम-जल ख़ूब गागर में भर लूँ
.          आज बादल ने माया लुटाई
किसको पनघट पे जाने की ज़िद थी
.          किससे गागर ने विनती कराई
ओक से पानी बहने लगा तो!
.          प्यास गिरधर की कैसे बुझाई
अब तो जल का ही आँचल बना लूँ
.          पेड़ पर क्यों चुनरिया सुखाई
उसी बालक से निन्दिया मिलेगी
.          जिसने माथे की बिन्दिया चुराई
रंग डाली मेरी आत्मा तक!
.          क्या मनोहर के मन में समाई
मैंने सखियों को कब कुछ बताया
.          बैरी पायल ने ही जा लगाई
गोपियों से भी खेले कन्हैया
.          और हमसे भी मीठी लड़ाई
कोई ख़ुशबू तो अच्छी लगेगी!
.          फूल भर-भर के आँचल में लाई
श्याम! मै तोरी गईयाँ चराऊँ
.          मोल ले ले तू मेरी कमाई
कृष्ण गोपाल रास्ता ही भूले
.          राधा प्यारी तो सुध भूल आई
सारे सुर एक मुरली की धुन में
.          ऐसी रचना भला किसने गाई
कैसा बंधन बंधा श्याम मोरे
.          बात तेरी समझ में न आई
हाथ फूलो से पहले बने थे
.          या कि गजरे से फूटी कलाई!

– परवीन शाकिर

Comments (5)

નિસાસો – નેહા પુરોહિત

બળતરા, જરા જેવી કળતર.. નિસાસો,
ગળે શ્વાસને, જાણે અજગર નિસાસો.

ઝરણ જેવું હળવેકથી હું વહું ત્યાં,
ભરે બાથમાં થઈને સમદર નિસાસો.

તમે રોજ આવો ન સ્વપ્નોમાં મારા,
મજાનું મિલન, પણ છે વળતર નિસાસો.

ગળે હાર હીરાનો સૌને દીસે છે,
ન દેખાય ભીતરનું જડતર – નિસાસો.

દિવસભર તો નાચ્યા કરે શહેરભરમાં,
રમે રાસ રાતેય ઘરઘર નિસાસો.

જરા સમતા આંજી કરી આંખ રાતી,
જુઓ, કેવો થાતો ત્યાં થરથર નિસાસો.

ફર્યો શું યયાતિનો કર એના માથે?
જરાયે નથી થાતો જરજર નિસાસો.

– નેહા પુરોહિત

નિસાસો એટલે આર્તનાદ. દુઃખની પરાકાષ્ઠાના સમયે જે નિઃશ્વાસ ઠે..ઠ નાભિમાંથી નીકળે એ નિસાસો. તો નિસાસાની ગઝલ પણ જો ઠે..ઠ નાભિમાંથી ઊઠીને આવી ન હોય તો સ્પર્શે નહીં. આ ગઝલ વાંચતાવેંત એક ડચૂરો ગળે અટકી જતો અનુભવાય, જાણે આપણા શ્વાસોને અજગર ગળતો ન હોય! પ્રિયતમને સ્વપ્નમાં પણ આવવાની કવયિત્રી મનાઈ ફરમાવે છે કેમકે સ્વપ્નમાં થતું મિલન તો મધુરુ લાગે છે પણ આંખ ખુલ્યા પછી એના વળતરરૂપે જે નિસાસા નાંખવા પડે છે એ કેમ સહેવા?! લોકોની નજરે સમૃદ્ધિ તો તરત જ ચડે છે પણ બહારથી નજરે ચડતી એ સાહ્યબીની પાછળ અથવા બીજી રીતે જોઈએ તો એ સાહ્યબી મેળવવા પાછળ જે એકલતા, તકલીફો, સંઘર્ષો વેઠવા પડ્યા છે એ કોણ જુએ જ છે? પોતાના મૃત દીકરાને પુનર્જીવિત કરાવવા બુદ્ધના શરણે આવેલ માને આખા ગામમાં એકે ઘર એવું મળતું નથી જ્યાં કોઈ અવસાન પામ્યું જ ન હોય; દુઃખની આ યુનિવર્સાલિટીને કવયિત્રી નિસાસો શરેઅભરમાં રાત-દિવસ રાસ રમે છે એમ લહીને કેવી સ-રસ રીતે રજૂ કરી શક્યાં છે! દુઃખના માથે અજરામર યયાતિનો હાથ ફર્યો છે કે શું, નિસાસો કદી જર્જરિત થતો જ નથી…

Comments (6)

(તમે કરી’તી-અમે વિતાવી) – ભરત વાઘેલા

તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી,
અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો જી.

એક ખીલેલું ફૂલ અમે તો ડાળીએથી તોડ્યું જી,
નામ તમારું લઈને એને ખુદની સાથે જોડ્યું જી.
શું ખબર એ સુગંધ સાથે વિખશે એની ભાતો જી,
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

એમ હતું કે વસંત આવે ખીલશે એને પત્તા જી,
એક નવી ડાળીને ઉગવા કરશે થડમાં વત્તા જી.
શું ખબર એ થડે કર્યો છે ઉધઈ સાથે નાતો જી.
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.

– ભરત વાઘેલા

ગીત પુરુષે લખ્યું છે પણ સંવેદના એક સ્ત્રીની છે અને સ્ત્રીના ઋજુ મનોભાવ કવિ સુપેરે ઝીલી શક્યા છે. પુરુષને માત્ર મિલનમાં રસ છે, પણ મિલનનો સ્વાર્થ અને ગરજ હોવા છતાંય પણ એ એની વાતોમાં ભીનાશ લાવી શકતો નથી. સ્ત્રી આ સમજે છે એટલે એની રાતો આંસુથી ભીની ભીની વીતે છે. પિયરની ડાળીએ ખીલેલું ફૂલ સાસરે આવે છે ને પતિના નામ સાથે જાતને જોડે છે. ફૂલ બિચારું ખુશબૂ વેરવા ને વહેંચવામાં જોતરાઈ ગયું છે પણ સાસરાની સૂકી આબોહવામાં એની ભાત વિંખાવા માંડી છે, કરમાવા માંડ્યું છે. હવે જીવનમાં નવી વસંત, પરિવારમાં નવા સદસ્યનું આગમન જ એની એકમાત્ર આશા છે. નવોઢા વિચારે છે કે પરિવારવૃક્ષનો પાયો યાને કે પતિ નામના થડમાં નવી ડાળીનો સરવાળો થશે તો વૃક્ષ ફરી લીલુંછમ થઈ જશે પણ એને ખબર નથી કે જેની પાસે એને નવજીવનની આશા છે એ થડ ઉધઈ (સૌતન?/ખરાબ સોબત?/ખોટી આદતો?) સાથે નાતો જોડી બેઠું છે…

Comments (13)

मैं और मेरी तन्हाई – अली सरदार जाफ़री

आवारा हैं गलियों में मैं और मेरी तनहाई
जाएँ तो कहाँ जाएँ हर मोड़ पे रुसवाई

ये फूल से चहरे हैं हँसते हुए गुलदस्ते
कोई भी नहीं अपना बेगाने हैं सब रस्ते
राहें हैं तमाशाई राही भी तमाशाई

मैं और मेरी तन्हाई

अरमान सुलगते हैं सीने में चिता जैसे
कातिल नज़र आती है दुनिया की हवा जैसे
रोती है मेरे दिल पर बजती हुई शहनाई

मैं और मेरी तन्हाई

आकाश के माथे पर तारों का चरागाँ है
पहलू में मगर मेरे जख्मों का गुलिस्तां
है आंखों से लहू टपका दामन में बहार आई

मैं और मेरी तन्हाई

हर रंग में ये दुनिया सौ रंग दिखाती है
रोकर कभी हंसती है हंस कर कभी गाती है
ये प्यार की बाहें हैं या मौत की अंगडाई

मैं और मेरी तन्हाई

– अली सरदार जाफ़री

‘સિલસિલા’ પિક્ચરનું ગીત યાદ આવી જાય શીર્ષક વાંચતા…પણ આખું કાવ્ય અલગ જ છે. આ એક બહુ જ મજબૂત શાયરનો કલામ છે – સરળ હિન્દી છે, અનુવાદની જરૂર નથી લાગતી.

Comments (3)

વર્ષો પછી પ્રેમિકાને મળતાં…- અનિલ ચાવડા

ઓળખ્યોને કોણ છું?
પાંપણ પર ઝૂલતો ‘તો, તમને કબૂલતો ‘તો, આભ જેમ ખૂલતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

ચોપડીના પાનાંમાં સૂક્કું ગુલાબ થઈને રહેવાને આવ્યું ‘તું કોણ?
તમને વણબોલાવ્યે મારી આ શેરીમાં બોલાવી લાવ્યું ‘તું કોણ?
કળી જેમ ફૂટતો ‘તો, તમને જે ઘૂંટતો ‘તો, તોય સ્હેજ ખૂટતો ‘તો એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

લાગતો ‘તો જીવનમાં તમને દુકાળ ત્યારે આવ્યો તો થઈને વરસાદ,
સૂક્કા ભઠ ખેતરમાં ત્યારબાદ મોલ ખૂબ ખીલ્યો ‘તો આવ્યું કંઈ યાદ?
યાદ ન’તો રહેતો જે, આંસુ થઈ વહેતો જે, તોય કંઈક કહેતો જે, એ જ હું;
ઓળખ્યોને કોણ છું?

-અનિલ ચાવડા

Comments (11)

ક્યારેક – શીનાઘ પ્યુ (અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક બદમાંથી ચીજો બદતર નથી બનતી કદી,
ને કંઈક વર્ષો દ્રાક્ષ પણ હંફાવે છે હિમપાતને;
હરિયાળી ફૂલે-ફાલે, નિષ્ફળ પાક પણ જાતો નથી,
ક્યારેક માણસ ઊંચું તાકે, ને બધું સારું બને.

ક્યારેક લોકો પાછી પાની પણ કરે છે યુદ્ધથી;
ચૂંટે છે પ્રામાણિકને, ને કાળજી પૂરતી કરે,
કે કોઈ અણજાણ્યો ગરીબીમાં ન સબડે ભૂલથી.
કેટલાક લોકો જે થવાને જન્મ્યા છે, બસ, એ બને.

ક્યારેક કોશિશ શ્રેષ્ઠતમ એળે ન જાતી આપણી,
ક્યારેક જે કરવા વિચાર્યું હોય એ કરીએ છીએ.
સંતાપનું મેદાન જે થીજ્યું પડ્યું હો કાયમી
પીગાળશે ક્યારેક સૂરજ: આવું તમને પણ ફળે.

– શીનાઘ પ્યુ
(અનુ. વિવેક મનહર ટેલર)

ક્યારેક કવિતા કવિને પણ અતિક્રમી જતી હોય છે. કવિતાના વિરાટસ્વરૂપ સામે સર્જક અને એનું અન્ય તમામ સર્જન વામણા બનીને રહી જતા હોય છે. શીનાઘ પ્યુની આ નાની અમથી કવિતા ‘ક્યારેક’ અભૂતપૂર્વ લોકપ્રિયતા પામી છે અને લોકોએ જીવનના દરેક તબક્કામાં અને દરેક પ્રસંગોમાં, ખાસ કરીને શોકસભાઓમાં તથા શાળાઓએ અભ્યાસક્રમમાં ને પરીક્ષામાં આ કવિતા સેંકડોવાર વાપરી છે, વાપરી રહ્યા છે. હકીકત એ છે કે સર્જક શીનાઘ પ્યુ આ કવિતાને બેહદ નફરત કરે છે. કહે છે કે એ આ કવિતાને એટલા માટે નફરત કરે છે કે એ એમનું પ્રતિનિધિ કાવ્ય નથી. આ કાવ્ય એમની સાચી શૈલી અને સર્ગશક્તિ રજૂ કરતું નથી. પણ આ કવિતાએ નિષ્ફળતાની ચરમસીમા પર ઊભેલા ઢગલાબંધ લોકોનો હાથ ઝાલીને સંજીવની બક્ષી છે. એટલે જ ક્યારેક કળા કળાકાર કરતાં મહાન સિદ્ધ થાય છે. હા, ‘ક્યારેક.’

ક્યારેક’ કાવ્ય મૂળભૂતરીતે કવયિત્રીએ એંસીના દાયકામાં એક ઓળખીતા ખેલાડી માટે લખ્યું હતું. આ ખેલાડીને કોકેનનું વ્યસન હતું અને આ કવિતા એ ખેલાડી ગમે તે ભોગે વ્યસનમુક્ત થઈ શકશે એવી આશા સાથે લખાઈ હતી. શીનાઘની આ કવિતા આશાનો બુસ્ટર ડોઝ છે. એ ‘ક્યારેક’ ‘ક્યારેક’ની આલબેલ પોકારે છે પણ આપણને એમાંથી ‘હંમેશા’ ‘હંમેશા’નો જ પડઘો સંભળાય છે.

*

Sometimes

Sometimes things don’t go, after all,
from bad to worse. Some years, muscadel
faces down frost; green thrives; the crops don’t fail,
sometimes a man aims high, and all goes well.

A people sometimes will step back from war;
elect an honest man, decide they care
enough, that they can’t leave some stranger poor.
Some men become what they were born for.

Sometimes our best efforts do not go
amiss, sometimes we do as we meant to.
The sun will sometimes melt a field of sorrow
that seemed hard frozen: may it happen for you.

– Sheenagh Pugh

Comments (2)

(આ વ્યક્તિ, આ ટોળું) – નયન હ. દેસાઈ

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

હા, એકાંત કણસે છે છાતીમાં ઊંડે,
આ હોઠો આ હસવું ને મૂંગો બરાડો.

લે, પડછાયા, ડાઘુ થૈ બેઠા છે ઘરમાં,
આ પગરવ, આ ઊંબર ને ભાંગ્યાં કમાડો.

તો પોતાનું સરનામું મળવાનું ક્યાંથી?
આ દર્પણ, આ ચહેરા ને ઝાંખા પહાડો.

હું સૂરજનો કોઈ આઠમો અશ્વ છું,
આ રસ્તો, આ ચાબુક ને વાંસો ઉઘાડો.

ને ચપ્પુ તો છાતીમાં ઊતરે, પરંતુ,
આ હાથો, હથેળી ને એમાં તિરાડો.

કે તૂટી પડ્યો છે પુરાણો ચબુતરો,
આ શેરી, આ સંધ્યા ને સંભળાય ત્રાડો

– નયન હ. દેસાઈ

જેમ વિશ્વ કવિતામાં એમ જ ગુજરાતી કવિતામાં સમય સમયાંતરે વહેણ બદલાતાં રહ્યાં છે. ઉર્દૂ-ફારસી બનીમાંથી ક્રમશઃ શુદ્ધ ગુજરાતી તરફ ગઝલનું પ્રયાણ થયું એ પછી વચ્ચે ગઝલ પરંપરાથી કંટાળી અને આધુનિકતા, સરરિઆલિઝમ, મેટાફિઝિકલ, એબ્સર્ડ, પ્રયોગો – આમ ગઝલ અલગ અલગ નવી ફ્લેવર ચાખવાની કોશિશ કરી ચૂકી છે. નયન દેસાઈ એમના જમાનામાં ખાસ્સા પ્રયોગખોર રહ્યા છે. એમણે ઢગલાબંધ એબ્સર્ડ ગઝલો પણ લખી છે. એબ્સર્ડ ગઝલ એટલે એવી ગઝલ જેમાંથી દેખીતો અર્થ તારવવો મુશ્કેલ થઈ પડે પણ એમાંથી પસાર થતી વખતે ભાવકને એક અનૂઠી અનુભૂતિ થાય. આમેય કહ્યું છે ને કે, A poem has to be, not mean. અર્થાત્, કવિતાનું હોવું જ જરૂરી છે, અર્થ નહીં.

આ ગઝલ એબ્સર્ડિટી અને આધુનિકતાના સંધિસ્થળ પર ઊભેલી ગઝલ છે. કવિ આખી ગઝલમાં ક્રિયાપદોનો ભાગ્યે જ પ્રયોગ કરે છે. અને ‘આ’ એકાધિકવાર -૧૭ વાર- વાપરીને અલગ-અલગ ટુકડાઓ આપણને આપે છે અને કહે છે કે આ ટુકડાઓ ગોઠવીને જિગ-સૉ પઝલ પૂરી કરો. આખી ગઝલ એક રીતે જોઈએ તો દૃશ્ય ગઝલ છે. કવિનો કેમેરા અલગ અલગ દૃશ્યોને એક બીજાની અડખે પડખે juxtapose કરીને એક નવું જ દૃશ્ય રચે છે. કેલિડોસ્કૉપને જેટલીવાર ફેરવો, એક નવી જ ડિઝાઇન સામે આવે, એવું જ કંઈક આ ગઝલ વિશે કહી શકાય.

એક જ શેર હાથમાં લઈએ:

આ વ્યક્તિ, આ ટોળું, આ શબ્દો, ધુમાડો,.
આ આંખો, આ દૃશ્યો ને ઊંડી કરાડો.

એક શેરમાં સાત દૃશ્યો એકબીજાની બાજુબાજુમાં મૂકી દેવાયા છે. બધા જ દૃશ્યો સાથે ‘આ’ લગાડાયું છે એટલે જે પણ કંઈ છે એ આપણી આંખોની સામે એકદમ નજીક છે, કદાચ અડી શકાય એટલું નજીક. પહેલું દૃશ્ય આ વ્યક્તિનું છે. બીજું આ ટોળાનું. સમજી શકાય છે કે ‘લોગ સાથ આતે ગયે ઔર કારવાઁ બનતા ગયા’ની વાત કવિને અભિપ્રેત છે. ત્રીજું અને ચોથું દૃશ્ય અનુક્રમે પહેલાં અને બીજા દૃશ્ય સાથે જોડાયેલ છે. વ્યક્તિ બોલે એ શબ્દો છે પણ ટોળું બોલે એ? શબ્દો કે ધુમાડો? ટોળાંનો અવાજ ધુમાડા જેવો છે, એ સાફ નથી, તરત વિખેરાઈ જાય છે, એમાંથી કોઈ નિશ્ચિત અર્થ તારવવો અશક્ય છે. બીજા મિસરામાં કવિ ભાવકને પણ સાંકળી લે છે અને બે સામસામે ઊભેલા દૃશ્યો વચ્ચે એક સંબંધ પ્રસ્થાપિત કરે છે. આપણી આંખો આ દૃશ્યો જુએ છે પણ ટોળું એ અનિર્ણાયકતાનું પ્રતીક છે એટલે આ દૃશ્યોમાં ઊંડી કરાડો પડેલી નજરે ચડે છે… કરાડ એટલે ઊંચી ભેખડની ઊભી કોર, અર્થાત બે ઊંચા પર્વતો વચ્ચે રચાતી ખાઈ… આ ખાઈ અહીં ઊંડી પણ છે… અર્થાત્, ભલે સામેના દૃશ્ય અને ભાવકની વચ્ચે જોવાનાર અને જોનારનો એક સંબંધ કેમ ન બંધાયો હોય, સરવાળે તો ઊંડી ખાઈ છે… ભાવક સામા ટોળાં કે વ્યક્તિનો એક ભાગ બની શકતો નથી… એ તટસ્થતાથી શબ્દોને ધુમાડો થઈ ઊડી જતા જોઈ રહ્યો છે…

આખી ગઝલને આ રીતે ખોલી શકાય…

Comments (3)

(ત્રિપદી પ્રયોગ ગઝલ) – જગદીપ નાણાવટી

મૃગજળમાંથી મૃગજળ પી તું
મૃગજળમાંથી મૃગ જળ પીતું
કેવું અા સૂઝ્યું અોચિંતુ !!

સમજણ સરરર સર સરકી તું
સમજણ સરરર સર સર, કિંતુ
હરદમ અાડો અાવે ‘કિંતુ’

સારેગમ પધનીસા ની ઝણણ ઝટ
સારેગમ પધની શાની ઝંઝટ?
મારે ક્યાં ગાવા છે ગીતુ ??

દર્પણ સામે દર્પણ લાગે
દર્પણ સામે ડર પણ લાગે
માણસ થઈ માણસથી બ્હી તું?

શતરંજોમાં જીવતું પ્યાદું
શત રંજોમાં જીવતું પ્યાદું
હારીને અંતે હું જીતું

– જગદીપ નાણાવટી

અચાનક વૉટ્સ-એપના એક ગ્રુપમાં આ ગઝલ રમતી જડી આવી. કવિ આને ત્રિપદી પ્રયોગ ગઝલ તરીકે ઓળખાવે છે, જેમાં દરેક શેરની પહેલી બે કડી આંતર્પ્રાસ મેળવીને ચાલે છે અને ત્રીજી પંક્તિ હમરદીફ હમકાફિયાનો હાથ ઝાલીને ચાલે છે… પહેલી બે પંક્તિ વાંચતા જ સ્તબ્ધ થઈ જવાયું. ચિત્રકાર રંગોની એમ કવિ શબ્દોની રમત શરૂથી કરતો આવ્યો છે પણ એક જ પંક્તિમાં શબ્દો વચ્ચેના અવકાશની જગ્યાની ફેરબદલી અને નાની અમથી જોડણીની હાથચાલાકી કરીને અર્થસભર શેર નિપજાવવા એ કેટલું મોટું કામ કહેવાય! કુશાગ્ર બુદ્ધિમતા વિના આ કામ શક્ય જ નથી… ગઝલ વાંચતાવેંત હું તો આફરીન-આફરીન પોકારી ગયો… આપણી ભાષામાં આવી ઉત્તમ શબ્દ-ચમત્કૃતિવાળી રચના ભાગ્યે જ જોવા મળશે…

Comments (11)

અંદર અંદર કણસે…- મુકેશ જોષી

કેટકેટલાં વાવાઝોડાં ને વંટોળો પીને માણસ
અંદર અંદર કણસે
છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે

સમય નામનો સાંઢ જ જોને ચાવી જાતો
ફૂલગુલાબી તડકાઓને, છોડી જાતો અંધકાર એ ગાઢ
લીલા છાંયે ભર્યાં સરોવર ગટગટ કરતો પી જાતો ને
માણસ પીતો તરસ નામની થરથરતી કો ટાઢ
એક સામટા સાત ઉનાળા છાતીમાં ધરબાઈ જાય
રે વાદળ જેવા ભીના ભીના સંબંધોય વણસે …છાતી વચ્ચે

જૂની દીવાલોથી ખરતી રેતી જેવું માણસમાંથી
કશું ખરે દરરોજ ને માણસ ચોમેરે કોરાય
ઈશ્વરના સંતાન અરે આ માણસના બે હાથ વચાળે
કલમ છતાંય સુખની રેખા જાતે ના દોરાય
થોકબંધ એ શરદપૂનમને આંખ વચાળે રોપે ને પંપાળે
તોય આંખ ખૂલતાં ધડામ કરતી અમાસ વરસે …

છાતી વચ્ચે ફેલાતું હો ફાટફાટ વેરાન ને
માણસ મહેફિલ માટે તરસે

 

– મુકેશ જોષી

 

કેવી નકરી વાસ્તવિકતા ગવાઈ છે !!!

Comments (4)

ચર્ચમાં – આર. એસ. થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે.

ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

*
In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas

Comments (2)

એક જણ પાસે ગયો – આબિદ ભટ્ટ

હૂંફ હળવી પ્રાપ્ત કરવા એક જણ પાસે ગયો,
પણ મને તો એમ લાગ્યું કેમ રણ પાસે ગયો?

છળ નવું સમજી અને મુખ ફેરવી લીધું તરત,
જળ ખરેખર પ્રેમથી પાવા હરણ પાસે ગયો.

હાથ લાગી છે નિરાશા પર નિરાશા હરવખત,
હું ખુદાને પામવા જ્યારે રટણ પાસે ગયો.

શબ્દ પોલા બોલવાની ના મને આદત નથી,
સિદ્ધ કરવા આ હકીકત આચરણ પાસે ગયો.

ને સદીનું પ્રાપ્ત થાશે મૂળ એના ગર્ભમાં,
હું કલાકો, વર્ષ છોડી માત્ર ક્ષણ પાસે ગયો.

સૂનકારાની પળો જ્યાં ભીંસવા લાગી મને,
થાય રાહત એમ સમજીને સ્મરણ પાસે ગયો.

કામયાબી ના મળી જ્યાં તર્કને તારા વિશે,
એક સીધી દોત મૂકી શાણપણ પાસે ગયો.

– આબિદ ભટ્ટ

મત્લા જ મન મોહી લે એવો મજાનો થયો છે. એ પછીના બધા જ શેર પણ તરત જ ગમી જાય એવા. આખી ગઝલમાંથી પસાર થતી વખતે જો કે એવું પણ લાગ્યું કે મોટાભાગના શેર ભાષાની થોડી વધુ સફાઈ માંગતા હતા, જે થઈ શકી હોત તો ગઝલ વધુ ઉત્તમ થઈ શકી હોત.

Comments (7)

(સમજાઈ ગઈ) – રાહુલ શ્રીમાળી

વાત આખી એ રીતે પલટાઈ ગઈ,
એક ક્ષણમાં જિંદગી બદલાઈ ગઈ.

દોસ્ત અફવા ઊડતી આવી અને,
આગ માફક એ બધે ફેલાઈ ગઈ.

દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.

છે અષાઢી મેઘના દિવસો અહીં,
લો, ગગનમાં વાદળી ઘેરાઈ ગઈ.

શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.

– રાહુલ શ્રીમાળી

બધું જ સમૂસુતરું પાર પડતું હોય કે એક લીટીમાં સીધેસીધું જતું હોય એવામાં અચાનક એક વળાંક આવી ચડે અને એક જ ક્ષણમાં આખી જિંદગી બદલાઈ જાય એવો અનુભવ એક યા બીજી રીતે કદાચ બધાને થયો જ હશે ને! દૃશ્યના દરબારવાળું રૂપક પણ અદભુત છે. અને આખરી શેર તો ઉત્તમોત્તમ. કવિતામાં કવિ જેટલું બોલીને બતાવે છે એથી વધારે બોલ્યા વિના બતાવતો હોય છે. લખાયેલા શબ્દોના અવકાશની વચ્ચે છૂપાયેલી શક્યતા જ ખરી કવિતા હોય છે. આ વાત કવિ કેવી હળવાશથી કહી દે છે! કવિતાની ઉત્તમ વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ કરવો પડે એવો બળકટ શેર…

Comments (3)

રમ્ય શાંતિ – રાવજી પટેલ

એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે !

વૃક્ષ છાંયમાં બળદ ભળી જઈ
લુપ્તકાય વાગોળે….
જાગે સૂર્ય એકલો.

નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જલ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે !
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું
એકમેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી…

– રાવજી પટેલ

અદભૂત શબ્દચિત્ર છે…..પ્રત્યેક શબ્દને કલ્પી જુઓ…..મનોહર સમો બંધાય છે…ખરેખર વિચારો જંપી જશે – સાચું મૌન અનુભવાશે

Comments (1)

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો – શ્યામ સાધુ

ક્યારેક અંધકારે ટહુકો કરી લીધો
ક્યારેક સૂની યાદના દીવા બળી ગયાં

એકેય રંગ આપણે પ્હેરી શક્યા નહીં,
સો વાર પેલા મોરનાં પીંછા મળી ગયાં

આંસુની હર દીવાલે હજુ એના ડાઘ છે
કૈં કેટલાંય મીણનાં પૂતળાં ગળી ગયાં

શોધું છું બારમાસીની ડાળીને ક્યારનો
કોને ખબર છે ફૂલના દિવસો ઢળી ગયાં

બારી બહાર શૂન્યતા ખડખડ હસી પડી,
ઘરમાં ઉદાસ મૌનનાં ટોળાં હળી ગયાં

– શ્યામ સાધુ

Comments (1)

કવિની અનિશ્ચિતતા – વેન્ડી કોપ (અનુ. વિવેક મનહર ટેલર)

(The Uncertainty of the Poet 1913, Giorgio de Chirico)

*

એક કવિ છું.
હું ખૂબ શોખીન છું કેળાંની.

હું કેળાં છું.
હું ખૂબ શોખીન છું એક કવિની.

હું એક કવિ છું કેળાંની.
હું ખૂબ શોખીન છું.

એક શોખીન કવિ ‘હું છું, હું છું’ની-
ખૂબ કેળાં.

શોખીન છું ‘શું હું કેળાં છું?
છું હું?’ની- એક ખૂબ કવિ.

કેળાં એક કવિના!
શું હું શોખીન છું? શું હું ખૂબ?

કવિ કેળાં! હું છું.
હું શોખીન છું ‘ખૂબ’ની.

હું ખૂબ શોખીન છું કેળાંની.
શું હું કવિ છું?

– વેન્ડી કોપ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
તમાચાનો જવાબ તમાચાથી ન આપો તો જીવવું દોહ્યલું થઈ પડે એવા (અ)સમાજમાં આપણે જીવી રહ્યાં છીએ. પણ શું કવિતા આવું કામ કરે ખરી? શું કવિતા એના કપડાં કાઢનારનાં કપડાં ઊતારે ખરી? વેન્ડી કોપની પ્રસ્તુત રચના આનો જવાબ આપે છે.

‘કવિની અનિશ્ચિતતા’ (The Uncertainty of the Poet) શીર્ષક જૉર્જો ડિ કિરિકો (Giorgio de Chirico) નામના ઇટાલિઅન ચિત્રકારે ૧૯૧૩ની સાલમાં ૨૫ વર્ષની નાની વયે બનાવેલા ચિત્રના નામ પરથી લેવામાં આવ્યું છે. ચિત્રમાં હાથ-પગ અને માથું કપાયેલ સ્ત્રીનું ધડ નજરે ચડે છે, જે કમરમાંથી જોનાર તરફ વળેલ છે. માનવામાં આવે છે કે આ પ્રેમ અને કામની દેવી એફ્રૉડાઇટનું ધડ છે. એની બરાબર સામે જ પાકાં મોટા કદના કેળાંઓની એક લૂમ પડી છે, જે શિશ્નનો આભાસ પણ ઊભો કરે છે. જમણી બાજુએ દરવાજા વગરની ત્રણ ગોળ કમાનોવાળી ભીંત નજરે ચડે છે અને એ ભીંત જ્યાં પૂરી થાય છે ત્યાં ચિત્રના મથાળે ચિત્રના આ નાકેથી પેલા નાકા સુધી ખેંચાયેલી ઈંટોની બનેલી નાનકડી દીવાલ છે જેની પેલે બાજુ એક ટ્રેન ધુમાડા છોડતી દોડતી, ચિત્રની છેક ડાબી કિનારી સુધી પહોંચી ગયેલી નજરે ચડે છે. મનાય છે કે સ્ત્રીનું ધડ અને પાકાં કેળાં ની પાછળ કમાનમાંથી નીકળી આગળ ધસતી દેખાતી ટ્રેન ઇન્દ્રિયજન્ય સુખ, એની નશ્વરતા અને બૌદ્ધિક તથા આધ્યાત્મીક મુસાફરી ઈંગિત કરે છે.

અંગ્રેજીમાં જેમ bananas શબ્દને ગાળ તરીકે પણ લેવામાં આવે છે એ જ રીતે ગુજરાતીમાં પણ ‘કેળાં’ શબ્દપ્રયોગ લગભગ એવી જ અર્થચ્છાયા સાથે વપરાતો હોય છે એટલે આ અનુવાદ સંભવ થયો…

 

*
The Uncertainty of the Poet

I am a poet.
I am very fond of bananas.

I am bananas.
I am very fond of a poet.

I am a poet of bananas.
I am very fond.

A fond poet of ‘I am, I am’-
Very bananas.

Fond of ‘Am I bananas?
Am I?’-a very poet.

Bananas of a poet!
Am I fond? Am I very?

Poet bananas! I am.
I am fond of a ‘very.’

I am of very fond bananas.
Am I a poet?

– Wendy Cope

Comments (1)

એક ટોળામાં – મેહુલ ભટ્ટ

ન આદિલ થવાયું, ન ઘાયલ થવાયું,
ફક્ત એક ટોળામાં સામિલ થવાયું.

છે દાનતની બાબતમાં હાલત લટકતી,
ન વલ્કલ થવાયું, ન મલમલ થવાયું !

સદા કશ્મકશમાં રહે માંહ્યલો, દોસ્ત,
ન કાશી થવાયું, ન ચંબલ થવાયું !

ડહાપણનું ટીલું કપાળે કર્યું’તું,
કોઈનીય પાછળ ન પાગલ થવાયું !

સદા એક અફસોસ રહેશે જીવનમાં,
ન ‘હા’ પાડવામાં મુસલસલ થવાયું !

ભર્યું ત્યાં સુધી તો અધૂરા રહ્યા, પણ
કરી મનને ખાલી છલોછલ થવાયું !

આ છાતી વચોવચ છે રજવાડું રણનું,
મળ્યું નામ, ક્યાં તોય ‘મેહુલ’ થવાયું ?

– મેહુલ એ. ભટ્ટ

સાદ્યંત સુંદર ગઝલ… બધા જ શેર પાણીદાર અને મનનીય થયા છે. માત્ર બીજો અને ત્રીજો શેર અર્થની દૃષ્ટિએ એક સરખા છે એ સિવાયના બધા જ શેર મજબૂત છે. જ્યાં સુધી નિતનવા ગઝલકારો પાસેથી આવી તરોતાજા અને સંતર્પક રચનાઓ મળતી રહેશે ત્યાં સુધી તો ગઝલગઢ સલામત જ રહેશે…

Comments (9)

(કંઈ નથી) – મધુમતી મહેતા

સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.

તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.

કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.

જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.

હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.

જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.

– મધુમતી મહેતા

મજાની ગઝલ…

Comments (3)

ઠુમરી – નયન દેસાઈ

ઢળતી બેલા પીળા પાને કાગળ આવ્યા આયે ન બાલમ;
કા કરું સજની હમને દિલનો દીપ જલાવ્યા આયે ન બાલમ.

ચાર દીવાલોની બગિયાંમાં ઝૂલત એકલતાનો ઝૂલો;
બાબુલ મોરા સુખી ડારન પે ફૂલ લગાવ્યા આયે ન બાલમ.

આંખ હમારી ટપટપ ચૂઇ લૈ ઔર બાજી ઊઠે છે પાંપણ;
સાજ કરૈ કા ? સૂર ન અજહૂ સમ પર આવ્યા આયે ન બાલમ.

સંગ હમારે પડછાયો ખેલાત હૈ હમ તો ઊબ ગઈ સજની;
ઈક ઈક પલ દસ્તકમેં હમને દાવ લગાવ્યા આયે ન બાલમ.

સાંજ હૂઈ ઔર કાંચ કા સૂરજ રાત કે આંગન શીશ પછાડે;
છત પૈ જૂઠી ભોર ભઈ ઔર કાગ ઉડાવ્યા આયે ન બાલમ.

શ્વાસની ઠુમરી ગાતાં ગાતાં છેલ્લી થાય હૂઈ હૈયા પર;
ચાર કહારોં કે કંધે પર રાગ સજાવ્યા આયે ન બાલમ.

– નયન દેસાઈ

નવતર પ્રયોગ !!!!!!!

Comments (3)

ભીના સમયની આણ – ચિનુ મોદી

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

– ચિનુ મોદી

શુદ્ધ પ્રેમની વાત છે….’દર્શક’ પ્રેમને કાલાતીત કહે છે. પણ કવિ કૈંક જુદી વાત કરે છે. કાળ તો પોતાનું કામ કરતો જ રહે છે-આપણે તેને કઈ રીતે react કરીએ તે આપણા હાથમાં છે. પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!

Comments (3)

એ દેશની દયા ખાજો – ખલિલ જિબ્રાન (અનુ. વિવેક મનહર ટેલર)

એ દેશની દયા ખાજો જે માન્યતાઓથી ભરેલો અને ધર્મથી ખાલી છે.

એ દેશની દયા ખાજો જે પોતે નથી વણ્યું એ કાપડ પહેરે છે
અને એ રોટલી ખાય છે જે એણે નથી લણી
અને એ શરાબ પીએ છે જે એના શરાબખાનાંમાંથી નથી વહી.

એ દેશની દયા ખાજો જે લફંગાની નાયક તરીકે જયકાર કરે છે,
અને જે ઝાકમઝોળવાળા વિજેતાને ઉદાર સમજે છે.

એ દેશની દયા ખાજો જે પોતાના સ્વપ્નમાં આવેશને તિરસ્કારે છે,
અને જાગૃતિમાં તાબે થઈ જાય છે.

એ દેશની દયા ખાજો જે પોતાનો અવાજ ઊંચો નથી કરતો
સિવાય કે અંતિમયાત્રામાં હોય,
ઇતરાતો નથી સિવાય કે એના ખંડેરોમાં હોય,
અને બળવો નથી કરતો સિવાય કે
એની ગરદન પર તલવાર તોળાઈ હોય.

એ દેશની દયા ખાજો જેનો વેપારી લુચ્ચો હોય,
જેનો ફિલસૂફ કીમિયાગર હોય,
અને જેની કળા થીંગડિયાળ અને નકલચી હોય.

એ દેશની દયા ખાજો જે એના નવા શાસકને વાજતેગાજતે આવકારે,
અને હુરિયો કરીને વિદાય આપે,
ફક્ત બીજાનું ફરીથી વાજતેગાજતે સ્વાગત કરવા માટે.

એ દેશની દયા ખાજો જેના સાધુઓ વર્ષોથી ગૂંગા છે
અને જેના મહારથીઓ હજી પારણાંમાં છે.

એ દેશની દયા ખાજો જે ટુકડાઓમાં વહેંચાયેલો છે,
દરેક ટુકડો પોતાને એક દેશ ગણતો હોય.

– ખલિલ જિબ્રાન
(અનુ. વિવેક મનહર ટેલર)

*
રામરાજ્યની સ્પૃહા કોણે ન હોય? પણ રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એનેય કૈકયી-મંથરા, રાવણ ને અંતે ધોબી નડ્યા હતા. મનુષ્યજાતિને આદર્શ રાજ્ય -‘યુટોપિયા’ (આદર્શ કલ્પદ્વીપ) -ની ખેવના કાયમ રહી છે. ખલિલ જિબ્રાન દેશને આદર્શ બનાવવો હોય, રામરાજ્ય સ્થાપવું હોય તો કઈ કઈ કમજોરીથી બચીને રહેવું જોઈએ એની વાત પ્રસ્તુત રચનામાં કરે છે.

આ ગદ્યકવિતાનો સાછંદ પદ્યાનુવાદ જાણીતા કવિશ્રી મકરંદ દવેએ પણ કર્યો છે, જે લયસ્તરો પર જ આપ અહીં – https://layastaro.com/?p=1911 – માણી શકશો.

*
Pity the nation

Pity the nation that is full of beliefs and empty of religion.

Pity the nation that wears a cloth it does not weave
and eats a bread it does not harvest
and drinks a wine that flows not from its own wine-press.

Pity the nation that acclaims the bully as hero,
and that deems the glittering conqueror bountiful.

Pity a nation that despises a passion in its dream,
yet submits in its awakening.

Pity the nation that raises not its voice
save when it walks in a funeral,
boasts not except among its ruins,
and will rebel not save when
its neck is laid between the sword and the block.

Pity the nation whose statesman is a fox,
whose philosopher is a juggler,
and whose art is the art of patching and mimicking

Pity the nation that welcomes its new ruler with trumpeting,
and farewells him with hooting,
only to welcome another with trumpeting again.

Pity the nation whose sages are dumb with years
and whose strongmen are yet in the cradle.

Pity the nation divided into fragments,
each fragment deeming itself a nation.

― Khalil Gibran

Comments (7)

હોળીથી હેઠા બધા! – રામનારાયણ વિ. પાઠક

(સોરઠા)

બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ : હોળીથી હેઠા બધા!
દિવાળીને તહેવાર, પ્હેરી ઓઢી સૌ ફરે;
પણ ભેદ ગરીબ શાહુકાર : હોળીથી હેઠા બધા!
લે ને આપે પાન, પણ વરસ વધે એક આયખે;
બુઢ્ઢા બને જુવાન : હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!

– રામનારાયણ વિ. પાઠક

બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે!

લયસ્તરોના સહુ વાચક-ચાહક મિત્રોને હોળી-ધૂળેટીની રંગારંગ સ્નેહકામનાઓ…

Comments (4)

મોજું સભાનતાનું – જવાહર બક્ષી

દર્પણ બિચારું કૈં કરી શકતું નથી હવે
અંધારે એના ચ્હેરા બદલતું નથી હવે

આંખોને ઢાળી હું હવે આપું છું આવકાર
શણગાર એટલે કોઈ કરતું નથી હવે

આખો દિવસ હું એ જ ઘરે રહેતો હોઉં છું
આખો દિવસ એ ઘર રહી શકતું નથી હવે

તારા વિચારમાંય કોઈ તડ પડી ગઈ
મોજું સભાનતાનું અટકતું નથી હવે

શ્વાસોમાં વિસ્તરી છે ઘટાદાર સ્તબ્ધતા
શબ્દોનું એક ચકલું ફરકતું નથી હવે

– જવાહર બક્ષી

ઊંડાં ચિંતનની પળે આવું કૈક સર્જાતું હશે……ખાસ તો ત્રીજો અને ચોથો શેર

Comments (5)

પાંખડીમાં – ગની દહીંવાલા

એક સ્વર્ગ સાંપડ્યું છે ઉલ્ફતની જિંદગીમાં,
દુનિયાથી જઈ વસ્યો છું તેઓની આંખડીમાં.

માનવ છું, માનવીનું દુઃખ મારું દુઃખ ગણું છું,
છું પુષ્પ, પ્રાણ મારો છે સર્વ પાંખડીમાં.

ચોંટી છે રૂપ સામે મુજ દૃષ્ટિ એમ જાણે,
મોઢું જુએ ચકોરી ચંદાની આરસીમાં.

મેં તેમના વદન પર જોયા છે કેશ કાળા,
ને ચંદ્રને લપાતો જોયો છે વાદળીમાં.

અંતરની વેદનાઓ એ રીતથી વધી કે,
અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.

આંસુનાં નીર સીંચી પોષી અમે વસંતો,
રંગીન સ્વપ્ન જોયા ગમગીન જિંદગીમાં.

હર રંગમાં ‘ગની’, હું દુનિયાને કામ આવ્યો,
મિત્રોને મિત્રતામાં, દુશ્મને દુશ્મનીમાં.

– ગની દહીંવાલા

ગનીચાચાની ખૂબ શરૂઆતની રચના છે આ….’અંતરની વેદનાઓ એ રીતથી વધી કે, અંતર નથી વધુ કંઈ મૃત્યુ ને જિંદગીમાં.’- ગાલિબની છાંટ દેખાઈ આવે છે…..

Comments (1)

(શતતંતી જંતર આ જીવતર) – સંજુ વાળા

જાતાં પૂજ્યાં ડુંગર – કોતર
વળતાં ઝાંખર- ઝાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

શતતંતી જંતર આ જીવતર
મેળ મળે ના સ્હેજે
તું ચીંધાડે કળ કોઈ તો
તરીએ એના તેજે
લુખ્ખા સુક્કા જીવને બીજું
કોણ લડાવે લાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

વિના કારણે મારા પર હું
રીંસ કરું ને લડું
કોઈ ના જાણે એવા ખૂણે
જઇ જઇને હું રડું
મારામાં આ શું ઊગ્યું જે
ભીતર પાડે ધાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી

-સંજુ વાળા

સંજુ વાળા ક્યારેક દુર્બોધ લાગે પરંતુ એ સમર્થ કવિ છે ને શબ્દો સમર્થ કવિને વશવર્તી હોય છે એ અહીં જોઈ શકાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જેવો સૂર ગીતમાંથી ઊઠતો સંભળાય છે. ઈશ્વરને આંગણે આવ્યા પછી, શરણે ગયા પછી જ મનનો ઉઘાડ પામી શકાય છે, એ પહેલાંનું મન ગોરંભાયેલું, અસ્પષ્ટ જ હોવાનું. પ્રભુશરણમાં જઈ જીવતરનો અર્થ પામવાની સ્વીકૃતિની આ કવિતા છે.

બીજું કંઈ જ ન લખતાં માત્ર શતતંતી જંતર જ લખ્યું હોય તોય કવિને ફૂલ માર્ક્સ આપવા પડે એમ મને લાગે છે… આ એક જ શબ્દપ્રયોગ પરથી સમજી શકાય છે કે આ કવિએ ભાષાને આજીવન પ્રાણવાયુની જેમ શ્વસી છે. આવા સશક્ત કવિઓ આજે આપણી ભાષામાં કેટલા? શતતંતી જંતર એટલે સો તંતુઓવાળું વાજિંત્ર. જીવતરને શતતંતી જંતર કહીને કવિ ઓછામાં ઓછા શબ્દોમાં જીવનની કેવી અદભુત વ્યાખ્યા કરે છે! એક-બે તાર હોય તો વગાડવા સહેલાં પડે પણ સો-સો તાર?! સો-સો તારવાળા વાજિંત્રને સૂરમાં વગાડવામાં જો એ કોઈ કળ ન આપે તો આપણો મેળ પડે ખરો? એ જ આવું સંકુલ વાજિંત્ર બનાવે અપણા જીવતરને, એ જ સૂર-લયમાં વગાડવા માટેની ચાવી આપે ને એ જ લાડ લડાવે…

બીજા અંતરામાં પણ નરસિંહ-મીરા જેવી પ્રેમલક્ષણા ભક્તિ અહીં નજરે ચડે છે. કાવ્યનાયક ભાવવશ અકારણ પોતાની જાત સાથે જ રિસામણા-મનામણા કરે છે. માણસને એકાંત ખૂણામાં જઈને દુનિયાથી છૂપાઈને રડવાની ચાહ કદી હોતી નથી. ખરે તો માણસને રડવાની ચાહ જ મૂળે હોતી નથી પણ પોતાની અંદર આ કંઈક ઊગ્યું છે જેણે પોતાના હોંશહવાસ, પોતાના મન-આત્મા બધાંને જાણે કે ધાડ પાડીને એવા લૂટી લીધાં છે કે નાયક પોતાના કાબૂમાં રહ્યો નથી… પોતાની સાથે જ ન કરવા જેવું કરે છે-લડે-ઝઘડે-રડે છે. આ જે ઊગ્યું છે એ ઈશ્વરીય ચેતના હોઈ શકે, ભક્તિની ચરમસીમા હોઈ શકે યા સમર્પણ પણ હોઈ શકે પણ એણે નાયકના અસ્તિત્વ પર સર્વાંગ કબ્જો જમાવી દીધો છે…

Comments (11)

એની લજ્જાળુ પ્રેયસીને – એન્ડ્રુ માર્વેલ (અનુ. વિવેક મનહર ટેલર)

આપણી પાસે જો હોતે પૂરતાં જગ, ને સમય
તો આ લજ્જા કોઈ રીતે નહોતી, પ્રિય! અપરાધ કંઈ.
ચાલવું, ને કરવો લાંબા પ્રેમનો દહાડો વ્યતિત;
શોધજે માણેક તું ગંગાકિનારા પર ખચિત,
હું કરીશ ફરિયાદ રહી હમ્બરની ભરતીની કને.
ને પ્રલયના દસ વરસ પહેલાંથી હું ચાહીશ તને;
ને તું, જો રુચે તને, તો ત્યાં સુધી કરજે મના
ધર્મપલટો સૌ યહૂદીઓનો જ્યાં લગ થાય ના.
ભાજીમૂળા જેવો મારો પ્રેમ ફૂલશે-ફાલશે
રાજ્યો કરતાં પણ વધુ, ને એકદમ ધીમે ધીમે.
સો વરસ તો લાગશે ગુણગાન જો ગાવાના હો
તારી આંખોના, ને તારી એક્ટક દૃષ્ટિના જો.
લાગશે બસ્સો વરસ અક્કેક સ્તનને ચાહવા,
ને હજારો બાકીના ભાગોની કરવા વાહવા;
એક યુગ તો કમસેકમ ખપશે જ સઘળા ભાગને,
ને પ્રદર્શિત આખરી યુગ કરશે તારા હાર્દને.
કેમકે, વહાલી, અધિકારી તું આની છે ખરી,
ને હું કોઈ કાળે પણ ના ચાહતે ઓછું જરી.

પણ હું મારી પીઠ પાછળ સાંભળું છું હર વખત,
કાળના પાંખાળા રથને આવતો નજદીક ઝટ;
ને ખૂબ જ વિસ્તીર્ણ શાશ્વતતાનાં ફેલાયેલાં રણ
પેલી બાજુ આપણી સામે છે પામ્યાં વિસ્તરણ.
તારું આ સૌંદર્ય પણ ક્યારેય ના જડવું ઘટે,
કે ન તારી કબ્રમાં મુજ ગીતના પડઘા ઊઠે;
કેમકે નહીંતર તો કીડાઓ જ ફોલી કાઢશે
ખૂબ લાંબા કાળથી સચવાયલા કૌમાર્યને,
ધૂળ ભેગું થઈ જશે તારું વિલક્ષણ માન આ
ને સમુચી વાસના મારીય ભળશે રાખમાં.
હા, કબર સુંદર અને છે ખાનગી જગ્યા ભલે,
પણ, મને લાગે છે, કોઈ લાગતું ના ત્યાં ગળે.

તો પછી ચલ, જ્યાં સુધી આ ઝાંય ભરયૌવન તણી
બેઠી છે તારી ત્વચા પર ઓસ પરભાતી બની,
ને રૂંવે-રૂંવેથી તારો રાજી આત્મા જ્યાં સુધી
પ્રગટે છે પ્રસ્વેદરૂપે તાત્ક્ષણિક અગ્નિ થઈ,
ચાલ, ત્યાં લગ આપણે ભેગાં કરી લઈએ ક્રીડા,
ને હવે, કામુક શિકારી પક્ષી પેઠે આપણા
કાળને ચીલઝડપે જઈએ ઝાપટી, એ પૂર્વે કે
એ જ ધીમા-જડબે ચાવી ક્ષીણ આપણને કરે.
ચાલ, સૌ મીઠાશ, શક્તિ આપણાં ભેગાં કરી
દ્વૈતમાંથી રચના કરીએ આપણે અદ્વૈતની.
ને ચીરી દઈએ જીવનના લોહ દ્વારોમાં થઈ
કરકરા સંઘર્ષથી સઘળી ખુશીઓ આપણી.
આમ, છોને આપણે થોભાવી ના શકીએ કદી
સૂર્યને, પણ આપણે દોડાવશું એને નકી.

– એન્ડ્રુ માર્વેલ
(અનુ. વિવેક મનહર ટેલર)

વિશ્વના અમર પ્રેમગીતોમાંનું આ એક. પ્રેમ અને સંભોગમાં રત થવા આતુર નાયકની આનાકાની કરતી નાયિકા સાથેની આ એકોક્તિ છે. જીવનની ક્ષણભંગુરતા અને પારાની જેમ હાથથી સરી જતા સમયની તરલતાની વાત કરીને આજમાં જ જીવી લેવાનું (Carpe Diem) અને ઘડીનોય વિલંબ કર્યા વિના સંભોગરત થઈ જવાનું આહ્વાન આપતી મજાની કવિતા…

To His Coy Mistress

Had we but world enough and time,
This coyness, lady, were no crime.
We would sit down, and think which way
To walk, and pass our long love’s day.
Thou by the Indian Ganges’ side
Shouldst rubies find; I by the tide
Of Humber would complain. I would
Love you ten years before the flood,
And you should, if you please, refuse
Till the conversion of the Jews.
My vegetable love should grow
Vaster than empires and more slow;
An hundred years should go to praise
Thine eyes, and on thy forehead gaze;
Two hundred to adore each breast,
But thirty thousand to the rest;
An age at least to every part,
And the last age should show your heart.
For, lady, you deserve this state,
Nor would I love at lower rate.

But at my back I always hear
Time’s wingèd chariot hurrying near;
And yonder all before us lie
Deserts of vast eternity.
Thy beauty shall no more be found;
Nor, in thy marble vault, shall sound
My echoing song; then worms shall try
That long-preserved virginity,
And your quaint honour turn to dust,
And into ashes all my lust;
The grave’s a fine and private place,
But none, I think, do there embrace.

Now therefore, while the youthful hue
Sits on thy skin like morning dew,
And while thy willing soul transpires
At every pore with instant fires,
Now let us sport us while we may,
And now, like amorous birds of prey,
Rather at once our time devour
Than languish in his slow-chapped power.
Let us roll all our strength and all
Our sweetness up into one ball,
And tear our pleasures with rough strife
Through the iron gates of life:
Thus, though we cannot make our sun
Stand still, yet we will make him run

– Andrew Marvell

Comments (10)

(કાગળ ઉપર) – સ્વાતિ નાયક

ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર

ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર

તું જ તારું “તું”પણુ ગોખ્યા કરે
સૂર્ય તો ઉતરી શકે ઝાકળ ઉપર

મારું શૈશવ ડૂસકે એથી ચડ્યું
જાન આવીને ઉભી ભાગળ ઉપર

રેત, છીપો, શંખ છે તો શું થયું?
મોજનો આધાર તો છે જળ ઉપર

શ્વાસની આ આવજા નિર્જીવ છે
જીવતા હોવું નભે ખળભળ ઉપર

કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર

– સ્વાતિ નાયક

એકદમ સહજ સરળ બાની પણ ગઝલ કેવી સંતર્પક! એક પછી એક બધા જ શેર વિશે વાત કરી શકાય પણ હું માત્ર મત્લાની જ વાત કરીશ. મત્લા વાંચતા જ નર્મદ યાદ આવે: યાહોમ કરીને પડો, ફતેહ છે આગે… કળાકારો માથે કફન બાંધીને જીવતા હોય છે ને એટલે જ સમયનું ડસ્ટર સદીઓના બ્લેકબૉર્ડ પરથી એમનાં નામ ભૂંસી શકતું નથી. અંજામ શું આવશે એની ચિંતા કર્યા વિના કવિએ કાગળ પર ઝંપલાવી દેવાનું છે, ને આ ફનાગીરી વિના કલમ જે હાથમાં ઊપાડે છે એ શબ્દોની રમતથી આગળ કદી વધી પણ શકતો નથી.

Comments (11)

સજન — પારુલ ખખ્ખર

મહેકતી ગુલ્લાબજળની છાંટ જેવી છું સજન,
આવ ડૂબકી માર, ગંગાઘાટ જેવી છું સજન.

ઝળહળાવી ના શકું દીવાનખાનાને છતાં,
ગોખમાં જલતી રહેલી વાટ જેવી છું સજન.

જો તને હો થાક મબલખ, ને વિસામાની કદર,
તો ઘુઘરિયાળી હિંડોળાખાટ જેવી છું સજન.

કેમ જોડી જામશે, તું કિંમતી રેશમ સમો,
હું તો ખરબચડી ને માદરપાટ જેવી છું સજન.

ફક્ત તારા નામના સિક્કા પડે, સોદા પડે,
એ નગરમાં એક નમણી હાટ જેવી છું સજન.

ભલભલા અડધી રમતમાં કેમ હારી જાય છે?
તું કહે ને, હું કોઈ ચોપાટ જેવી છું સજન?

હું જ અંદર જળકમળવત્, હું અંદર જોગણી,
બહારથી હું રૂપ-રસની ફાંટ જેવી છું સજન.

— પારુલ ખખ્ખર

એવો કયો સજન હશે આ વિશ્વમાં જે ગુલાબજળની છાંટ જેવી મહેકતી ને ગંગા જેવી ઊંડી-વિસ્તીર્ણ પ્રેયસી આહ્વાન આપે ને કૂદીને એનામાં સમાઈ ન જાય? બીજો શેર તો એક સ્ત્રી જ લખી શકે. પુરુષની અપેક્ષાએ કદાચ ખરી ન ઊતરે તો પણ સ્ત્રી જાતે બળીને યથાશક્તિ પ્રકાશ રેલાવવાનો ધર્મ કદી મૂકતી કે ચૂકતી નથી. ત્રીજો શેર પણ પરવીન શાકિરના કુળનો જ. પુરુષ થાકેલો હોય ને કદર કરી શકે એવો હોય તો સ્ત્રીથી વધીને કયો વિસામો હોઈ જ શકે?! ‘કદર’ શબ્દ શેરને કવિતાની ઊંચાઈ પર લઈ જાય છે. માદરપાટ જેવો અદભુત કાફિયો ભાગ્યે જ આ પહેલાં કોઈએ આવી સુંદરતાથી પ્રયોજ્યો હશે… સરવાળે નવા જ કાફિયા અને અનૂઠા કલ્પન સાથેની મજાની ગઝલ… એક-એક શેર પાણીદાર…

Comments (5)

એવું લાગે છે – અનિલ ચાવડા

સાવ અણધારી નહીં પણ જોઈ વિચારી વળી ગઈ હોય એવું લાગે છે.
રોજ ઘર લગ આવનારી કેડી પરબારી વળી ગઈ હોય એવું લાગે છે.

એ તમારામાં હજી હમણાં જ તો જન્મી હતી ને વૃદ્ધ પણ થઈ ગઈ તરત?
બાળવયની છે, કમરથી તોય ખુમારી વળી ગઈ હોય એવું લાગે છે.

ક્યાંક ખૂણામાં જઈને જા રડી લે ખારું પાણી સાચવીને રાખ નૈં,
સ્હેજ દર્પણમાં નજર કર આંખમાં છારી વળી ગઈ હોય એવું લાગે છે.

સંભળાશે ચીસ દેખાશે નહીં એ સત્ય બિચારી ભણી ગઈ એટલે,
સ્કૂલ છોડી અન્ય રસ્તે ક્યાંક લાચારી વળી ગઈ હોય એવું લાગે છે.

લોહમાં ઉદારતા આવી કે જાગ્યું શૌર્ય સુંવાળી આ મજબુતાઈનું?
ફૂલની એક પાંદડીને કાપતા આરી વળી ગઈ હોય એવું લાગે છે.

– અનિલ ચાવડા

Comments (4)

પૂર્ણ – ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન (અનુ: વિવેક મનહર ટેલર)

સંધ્યાઓ દિવ્યાનંદની,
પુસ્તક પણ વિસ્મૃત,
કેમકે પ્રશાંતિમાં વીંટળાયેલો
આત્મા પણ ઓગળી જાય છે

સંધ્યાઓ, જ્યારે તમામ
અવાજો નિદ્રાધીન છે.

સંધ્યાઓ, જ્યારે સૂક્ષ્માતિસૂક્ષ્મ
પણ બેહોશ લાગે છે,
બાગના તમામ ફૂલો,
છાંયો વધુ છાંયેદાર ,
અને ખંડેર મકાન વધુ વેરાન.

સંધ્યાઓ, જ્યારે રાચરચીલાંનો
અત્યલ્પ કિચૂડાટ પણ
પ્રદૂષણ લાગે છે
બેતુકી કર્કશતા
અને અપવિત્ર અતિક્રમણનું.

સંધ્યાઓ, જ્યારે ઘરનો
દરવાજો ચસોચસ બંધ છે
અને આત્માનો ખુલ્લો.

સંધ્યાઓ, જ્યારે દેવળના મિનારા પરની
નીરવ પવનચક્કીની પાંખ
ફરતી નથી, નિઃસ્તબ્ધ, જરાયે,
અને, અત્તરની જેમ, સમગ્ર
ચુપકી શ્વસાય છે.

– ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ ડિ લિઓન
(અંગ્રેજી અનુવાદ: સેમ્યુઅલ બ્રેકેટ)
(ગુજરાતી અનુવાદ: વિવેક મનહર ટેલર)

*
દિવસ આથમે અને રાત ઊગે એ વચ્ચેના સંધિકાળ-સંધ્યા- માટે મનુષ્યમનને કાયમ અદમ્ય ખેંચાણ રહ્યું છે. સાંજના રંગો માત્ર આકાશમાં જ નથી ભરાતા, આપણી અંદર પણ ભરાતા હોય છે ને એટલે જ આથમતી સાંજના ઓળાની કાલિમા પણ આપણા લોહીમાં આત્મસાત થતી રહે છે. સાંજ લૌકિકમાંથી અલૌકિક તરફ જવાનો સમય પણ છે. આ સમયે માનવમન મહત્તમ અને ગહનતમ શાંતિ અનુભવી શકે છે. સાંજ મનુષ્યને પ્રકૃતિ અને એ રીતે થઈને ઈશ્વરની વધુ નજીક લઈ આવે છે. સાંજનો સમય જાતની જાતરા કરવાનો અને સ્વયંથી પરિપૂર્ણ થવાનો સમય છે. ફ્રાન્સિસ્કો ગૉન્ઝાલેઝ એની ‘પૂર્ણ’ કવિતામાં સાંજના આવા રંગો જ ઉજાગર કરે છે.

સમીસાંજે છાંયો વધુ ઘેરો લાગે છે અને વેરાન મકાન વધુ વેરાન લાગે છે. એક હાઇલાઇટર ફેરવીને સાંજ બધી જાતની નિષ્ક્રિયતાને વધુ સક્રિય બનાવે છે. આ એવો સમય છે જ્યારે મકાનનો દરવાજો ચસોચસ ભીડાયેલો છે પણ આત્માનો ઊઘડી ગયેલો જણાય છે. દુન્યવી વ્યસ્તતાને ભોગળ ન દઈ દઈએ ત્યાં સુધી જાત સાથે ‘કનેક્ટ’ થવાતું નથી. કશું જ શોરબકોર મચાવતું ન હોય એવી સંપૂર્ણ શાંતિને જ્યારે આપણે શ્વસતાં આવડી જાય ત્યારે જેમ હવામાંથી પ્રાણવાયુ એમ આ ચુપકીદીમાંથી સમાધિ આપણા રક્તકણોમાં ભળે છે.

*
Hours

Evenings of beatitude,
even the book forgotten,
because the soul dissolves
lapped in quietude.

Evenings when every
sound lies sleeping.

Evenings when the least
seem anaesthetised,
all the garden flowers,
shadow more shadowy
and the old manor more deserted.

Evenings when the least
creak of furniture
were a profanation
of absurd cacophony
and impious intrusion.

Evenings when the house’s
door is fast closed
and the soul’s open.

Evenings when the quiet
vane on the steeple
turns, numbed, no more,
and, entire like perfume,
silence is inbreathed.

– Francisco González de León
Eng Translation: Samuel Beckett

Comments (1)

પાર્વતીનું ગીત- વિજય રાજ્યગુરુ

જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…

દર્પણ ફોડી, વળગણ છોડી, સગપણ તોડી, દોડી!
કાચી વયના મત્ત પ્રણયમાં બચપણ છોડી દોડી!
ગ્રીષ્મ તપી છું કરી તાપણી! આગ વિરહની ખાળો-
જોગી ! જોગણનાં તપ ટાળો…

નદિયું માપી, પર્વત કાપી, ખીણ ફલાંગી આવી !
આરત ખાતર, ગાળી ગાતર, ભાગી ભાગી આવી !
ચોમાસે ચાચર સળગી છું ! હવે વધુ ના બાળો-
જોગી ! જોગણનાં તપ ટાળો…

છો ઉત્તમ વર, અવર બધા પર, તાપસ વેશ ઉતારો !
તપને ત્યાગો, આંખ ઉઘાડો, જોગણને સત્કારો !
વસંત લ્હેકે, ઉપવન મ્હેકે, લચી ફૂલથી ડાળો-

જોગણનાં તપ ટાળો, જોગી! જોગણનાં તપ ટાળો…
નીલોત્પલ લોચનદલ ખોલો, કોમળ કાય નિહાળો…

– વિજય રાજ્યગુરુ

ઘણા વરસોથી કાવ્યસાધના કરતા આ કવિ સાથે વૉટ્સ-એપ-ફેસબુકના કારણે પરિચય થયો. ગુજરાતી ભાષામાં બહુ ઓછા કવિઓ વિષયવૈવિધ્ય પર એમના જેટલી પકડ ધરાવે છે. આ ગીત કવિના પોતાના શબ્દોમાં ‘કામદહન પહેલા તપોમગ્ન શિવ માટે તપસ્વિની બનેલી અને શિવને મનામણાં કરતી પાર્વતીનું ગીત’ છે. પંક્તિએ પંક્તિએ આવતા આંતર્પ્રાસ અને રમતિયાળ લયના કારણે ગીત વારંવાર ગણગણવાનું મન થાય એવું મજાનું થયું છે…

ધ્યાનસ્થ શિવ નીલા કમળ જેવા નયન ઊઘાડી સામે જુએ તો પાર્વતીનાં તપ ફળે. દર્પણ એટલે સ્વનું કેન્દ્રબિંદુ. દર્પણમાં ‘દર્પ’ એટલે અભિમાન પણ છૂપાયેલ છે. જાત સાથેનું આકર્ષણ, બધા જ વળગણ, સગપણ ને બાળપણની રમતોના આનંદ ત્યજીને એ વિરહની આગમાં એ તપી છે. નદી-નાળાં, ખીણ-પર્વત ફર્લાંગીને, મનના ઓરતાઓ પૂરા કરવાને ખાતર, ગાત્રો ગાળીને એ ભાગતી-ભાગતી આવી છે. લોકો ચોમાસે ભીંજાય છે, આ વિરહિણી ચાચર ચોકમાં ભરચોમાસે સળગી છે… ઋતુ પણ ખીલી છે આવામાં શંકર તપસ્વીનો વેશ ન ત્યજે તો સતીનો દાહ વધતો ને વધતો જશે…

Comments (1)

કચ્છી ગઝલ – મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

ટાંણે મથે જ આઉં ખબરધાર નતો રાં,
નેં રાંતો ખબરધાર ત હોશિયાર નતો રાં.

ડીંધલ તાં ડિનેં ચસ્મેંજા કાંચ લાટ ચુટા,
તાંય આઉં નજરસેં આરપાર નતો રાં.

હુંધે છતાં કરવેરા ભરે જિતરી શાહુકારી,
કેડી ખબર કુલા આઉં ચીકાર નતો રાં.

મૂંકે જ આય મૂંજી એલર્જી, કુરો ચાં,
રાંતો હિતે જ રાંતો, છતાં યાર, નતો રાં.

સમજાજે નતો, ફિરીસિરી જીરો કીં થીયાં,
કરીયાંતો રોજ પિંઢકે જ ઠાર! નતો રાં.

નેં ખોટ-ચોટ ખાઈ, ડીંયા પ્યાર મુફતમેં,
તાંય જિંધગીમેં ધમધોકાર નતો રાં.

– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’

કચ્છ ગુજરાતનું જ એક અંગ પણ કચ્છી બોલી ગુજરાતીથી કેટલી અલગ છે એ તો જુઓ. આજે લયસ્તરોના વાચકો માટે એક કચ્છી ગઝલ અને સાથે જ ગઝલ સમજવા માટે શ્રી આનંદ મહેતાએ કરેલું ભાષાંતર (અછાંદસ) પણ મૂકીએ… ભાષાંતર વાંચ્યા પછી ફરીથી કચ્છી ગઝલ વાંચીશું તો તરત જ સમજાશે કે જે શબ્દો પહેલીવારમાં પરભાષાના લાગ્યા હતા એ આપણી ભાષાની કેટલા નજીક છે!

ટાંણા ઉપર હું જ ખબરદાર નથી રહેતો,
ને હોંઉં છું તોય હોશિયાર નથી રહેતો.

આપનારે આપ્યા છે ચશ્માનાં કાચ ચોખ્ખા,
તોય હું નજરથી આરપાર નથી રહેતો.

હોવા છતાંય કરવેરા ભરવાની શાહુકારી,
કોને ખબર શા માટે હું ચિક્કાર નથી રહેતો.

મને જ છે મારી જ એલર્જી લો , શું કહું?
રહું અહીં જ રહું છું, છતાં યાર નથી રહેતો.

સમજાતું નથી કેમ ફરી જીવતું થવાતું હશે?
કરું છું રોજ ખુદને જ ઠાર, નથી રહેતો.

નેં ખોટ ચોટ ખાઈ ,આપું પ્યાર મુફ્તમાં,
તોય જિંદગીમાં ધમધોકાર નથી રહેતો..

Comments (6)

કરુણાંત થઈ ચાલ્યા – મુકુલ ચોક્સી

લો આરંભે તમે પોતે જ એક કરુણાંત થઈ ચાલ્યા,
અમે પ્રહસન શરૂ કરવા ગયા ને શાંત થઈ ચાલ્યા.

આ ચહેરાઓને આપોઆપ છળતા જોઈને આજે,
જુઓ, કેવી અદાથી આયના નિર્ભ્રાન્ત થઈ ચાલ્યા !

સહજ કરવું પડ્યું પણ તે ક્ષણે અમને ખબર નહોતી,
કે આ તો આપવા જેવું કોઈ દ્રષ્ટાન્ત થઈ ચાલ્યા.

થયું મટવાને બદલે કેવું મરણોત્તર સ્વરૂપાંતર !
અમે જીવતર મટી જઈને જીવન-વૃત્તાંત થઈ ચાલ્યા.

– મુકુલ ચોક્સી

આ કવિની સિદ્ધહસ્તતા જોઈને કાયમ રંજ થાય કે ગુજરાતી કાવ્યજગતને કેટલું પારાવાર નુકસાન થયું છે તેઓના શસ્ત્રત્યાગથી !!!!!

Comments (5)

ક્ષણ આવે તો ? – અનિલ વાળા

તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?
દરિયા વચ્ચે ઊભા રહો ને તમને મળવા રણ આવે તો ?

રણને નહીં ઓળખવા જેવું કરીને બ્હાનું
આમતેમ કે આડું અવળું તમે જ જોતાં રહો
તમે તમોને છેતરવાને તમે તમારી
જૂઠી વારતા તમને ખુદને કહો…

દરપણમાંથી પ્રતિબિંબ ખોવાય જાય
ને જ્યાં જાવ ત્યાં પાછળ પાછળ એકાદું દરપણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?

‘હવે નથી બચવું’ એ નક્કી કરી
તમે તમારી અકબંધ હોડી તોડી નાખો,
દરપણ ફૂટે એ પહેલાં તો તમે તમારી
જાતને મારી પથ્થર ખુદને ફોડી નાખો !

તમે હજુ તો ફૂટી જવાની અણી ઉપર હો
અને તમોને બચાવવાને કોક અજાણ્યું જણ આવે તો ?
તમે તમોને ગમો નહીં એ ક્ષણ આવે તો ?

– અનિલ વાળા

 

સવાલ ધારદાર છે……..

Comments (5)

પુરાતન ખલાસીની કવિતા – સેમ્યુઅલ ટેઇલર કોલરિજ (અનુ. વિવેક મનહર ટેલર)

હવા વીંઝાતી, ફીણ ઊડતું,
મુક્તમને અનુસરતો ચીલો;
અમે જ પહેલવહેલો ખોડ્યો એ
મૌન સાગરમાં અમારો ખીલો.

The fair breeze blew, the white foam flew,
The furrow followed free;
We were the first that ever burst
Into that silent sea.

પવન પડી ગ્યો, સઢ ઝૂકી ગ્યા,
થાય વધુ શું દુઃખેય દુઃખી?
અને અમે પણ બોલીએ ત્યારે જ
તોડવી હો સાગરની ચુપકી.

Down dropped the breeze, the sails dropped down,
‘Twas sad as sad could be;
And we did speak only to break
The silence of the sea!

વીતે દિવસ પર દિવસ, અમે સ્થિર
ગતિ જરા નહીં, હવા ન ચાલે;
નિષ્ક્રિય ચિત્રિત જહાજ જેવા
ચિત્રિત સાગર ઉપર જાણે.

Day after day, day after day,
We stuck, nor breath nor motion;
As idle as a painted ship
Upon a painted ocean.

પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
પાટિયા સિક્કે ડૂબતા આજે;
પાણી, પાણી, જ્યાં જુઓ ત્યાં
એક ટીપું નહીં પીવા માટે.

Water, water, everywhere,
And all the boards did shrink;
Water, water, everywhere,
Nor any drop to drink.

છેક મૂળથી ચીમળાઈ ગઈ,
દુકાળગ્રસ્ત થઈ, સૌની વાચા;
અમે ન બોલી શકીએ, જાણે
મેંશ વડે ના હો ગૂંગળાયા.

And every tongue, through utter drought,
Was withered at the root;
We could not speak, no more than if
We had been choked with soot.

ઓહ! કેવો દિ’! કેવી ગંદી
નજરે જોતાં, નાનાં-મોટાં!
ક્રોસના બદલે આલ્બાટ્રોસ જ
વીંટળાયું ગરદન ફરતે આ.

Ah! wel-a-day! what evil looks
Had I from old and young!
Instead of the cross, the albatross
About my neck was hung.

– સેમ્યુઅલ ટેઇલર કોલરિજ
(અનુ. વિવેક મનહર ટેલર)

સેમ્યુઅલ ટેઇલર કોલરિજની અમર કવિતા The Rime of the Ancient Marinerની કુલ ૬૨૫ પંક્તિ અને સાત ભાગમાંથી બીજા ભાગમાંથી કેટલાક દૃશ્યચિત્ર અહીં સમાવિષ્ટ કર્યા છે. પ્રકૃતિના ઘટકતત્ત્વોનો સંહાર અને પરિણામે સર્જાતા વિનાશની આ કથા પારલૌકિક ઘટકતત્ત્વોની પાર્શ્વભૂ વચ્ચે રમાતી મિથ્યાભિમાન, પીડા, એકલતા, પરિવર્તન અને પ્રાયશ્ચિતની કથા છે.

લગ્નસમારંભમાં જતા એક અતિથિને અટકાવીને વશીભૂત કરીને ઘરડો ખલાસી પોતાની સમુદ્રયાત્રાની લાંબી વાર્તા સંભળાવે છે. સારા શુકન છતાં જહાજ ઘસડાઈને દક્ષિણમાં પહોંચી જાય છે. એક આલ્બાટ્રોસ પંખી જહાજ સાથે થાય છે જેને પહેલાં બધા શુકનિયાળ ગણે છે પણ ખલાસી એનો શિકાર કરે છે. પહેલાં સાથીઓ શિકાર કરવા માટે એનો તિરસ્કાર કરે છે પણ બીજી જ પળે એને વધાવે છે અને ખલાસીના ગુનામાં ભાગીદાર બને છે. એક ભૂતિયું જહાજ રસ્તે ભટકાય છે જે પર એક હાડપિંજર (‘મૃત્યુ’) અને એક નિઃસ્તેજ વૃદ્ધા (‘મૃત્યુ-માં-જીવન’) જૂગટું રમતા હોય છે. મૃત્યુ તમામ ખલાસીઓનાં જીવન જીતી જાય છે અને ‘મૃત્યુ-માં-જીવન’ ખલાસીની જિંદગી. તમામ સાથીમિત્રો અવસાન પામે છે અને સાત દિવસ અને સાત રાત ખલાસી ભૂખ્યો-તરસ્યો લાશોની અને દરિયાની વચ્ચે કાઢે છે. સમુદ્રી જીવોની કદર કરવા બદલ એ શાપમુક્ત થાય છે, વરસાદ પડે છે, એના ગળામાં ઈશુના ક્રોસની જેમ વીંટાળી દેવાયેલ પક્ષી ખરી પડે છે, પ્રેતાત્માઓ જહાજ હંકારી કાંઠે લાવે છે. એક સાધુ ડૂબતા જહાજ પરથી ખલાસીને ઊગારી લાવે છે. પક્ષીહત્યાના પાપના પ્રાયશ્ચિત માટે માટે ખલાસી સતત ભટકતો રહે છે અને મળનાર લોકોને પકડી-પકડીને પોતાની વાર્તા સંભળાવે છે જેથી સાંભળનાર વધુ ગંભીર અને ડાહ્યો બની શકે.

Comments