ગધેડો – જી. કે. ચેસ્ટરટન (અનુ. વિવેક મનહર ટેલર)
મત્સ્ય ઊડે ને જંગલ ચાલે,
. અંજીર ઊગે કાંટે,
મારો જનમ થયો છે નક્કી
. રક્તિમ ચંદ્રની સાખે.
રાક્ષી શિર ને ભૂંડી ભૂંક
. ને ભ્રાંત પાંખ સમ કાન,
સૌ ચોપગાઓમાં મારી જ
. ફિરકી લે શેતાન!
ભૂખે-કોરડે મારો,
. કરો ઉપહાસ, હું છું મૂઢ
ધરતીનો ઉતાર છું તોયે
. રાખું ગૂઢને ગૂઢ
મૂર્ખાઓ! મારોય વખત હતો,
. મીઠો ને વળી ઉગ્ર:
કાન આગળ એક શોર હતો ને
. પગ આગળ તાડપત્ર.
– જી. કે. ચેસ્ટરટન
(અનુ. વિવેક મનહર ટેલર)
*
આ કવિતા જી. કે. ચેસ્ટરટનના સૂક્ષ્માતિસૂક્ષ્મ ભાવજગત અને ફિલસૂફીનું સીધું પ્રતિબિંબ છે: વિરોધાભાસ,
વક્રોક્તિ, હાસ્ય, વ્યંગ, આશ્ચર્ય, વિનમ્રતા, સીધાસાદા ગરીબ માણસોનો બચાવ અને દુનિયાદારીથી છલકાતા અને અમીર માણસોને ઉપાલંભ.
દુનિયા આખી તળેઉપર થઈ ગઈ હશે ત્યારે ગધેડાનો જન્મ થયો હશે. એ જાતે જ કહે છે કે હું મૂર્ખ છું, ધરતીનો ઉતાર છું. –આ રીતે ત્રીજા અંતરાની ત્રીજી પંક્તિ સુધી ગધેડો પોતાની જાતને ઊતારી પાડવામાં કંઈ જ બાકી રાખતો નથી. પણ આ ચેસ્ટરટનની કવિતા છે. એ તો વિરોધાભાસના સ્વામી હતા. એ કહે છે કે હું ગામનો ઉતાર કેમ ન હોઉં પણ રહસ્યને રહસ્ય રાખતાં મને બરાબર આવડે છે. (આ સંભળાયું?- જે તમને નથી આવડતું!) પોણી કવિતા સુધી જે પાઘડી એણે પોતાના માથે પહેરી એ તાત્કાલિક અસરથી હવે આપણને પહેરાવે છે. એ સીધું જ આપણને મૂર્ખાઓ કરીને સંબોધન કરે છે. કહે છે કે એનોય સમય હતો. ઈસ્ટર પહેલાંના રવિવારને ખ્રિસ્તીઓ ‘પામ સન્ડે’ તરીકે ઉજવે છે. પામ સન્ડેના આગલા દિવસે ઈસુ ખ્રિસ્તે લેઝારસને પુનર્જીવિત કર્યો હતો એટલે હર્ષઘેલા પ્રજાજનોએ બીજા દિવસે રવિવારે ઈસુની વિજેતા તરીકેની જેરુસલેમમાંની પધરામણીને વધાવી લીધી. સવારી કરવા માટે પોતાની જેમ જ ન્યાતબહાર હોય એવા પ્રાણીને ઈસુ પસંદ કરે છે. લોકો પામવૃક્ષના પાંદડા પાથરીને, હાથમાં રાખીને, હલાવીને ગધેસ્વાર ઈસુનું હર્ષોલ્લાસભર્યું સ્વાગત કરે છે. ઈસુ પોતાને ઈઝરાઈલનો રાજા ઘોષિત કરે છે, બીજા અઠવાડિયે એમને શૂળી પર ચડાવી દેવામાં આવે છે.
ચેસ્ટરટન ગધેડાને માધ્યમથી બનાવીને કહે છે એ વાત આપણે બધા પરાપૂર્વથી જાણતા હોવા છતાં સમાજમાંની અસમાનતા, ઊંચ-નીચ દૂર થતાં નથી અને એ અર્થમાં ચેસ્ટરટનનો ખરો ગધેડો તો આપણે છીએ, આપણો કહેવાતો ભદ્ર સમાજ જ છે!
કોઈને ગધેડો કહેતાં પહેલાં બે ઘડી વિચારી લેજો: શું ખબર એની પીઠ પર ઈસુ ખ્રિસ્ત બેઠા હોય!
*
The Donkey
When fishes flew and forests walked
And figs grew upon thorn,
Some moment when the moon was blood
Then surely I was born.
With monstrous head and sickening cry
And ears like errant wings,
The devil’s walking parody
On all four-footed things.
The tattered outlaw of the earth,
Of ancient crooked will;
Starve, scourge, deride me: I am dumb,
I keep my secret still.
Fools! For I also had my hour;
One far fierce hour and sweet:
There was a shout about my ears,
And palms before my feet.
– G. K. Chestorton
Shivani Shah said,
April 14, 2018 @ 1:46 AM
કોઈ નથી ગધેડુ કે વાઘ કે શિયાળ કે હરણ, કે પછી બધા આ બધું જ છે ? એટલે જ તો ભક્ત નરસિંહે કહ્યું હતું કે,
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જૂજવે રૂપે અનંત ભાસે. ‘
નરસિંહ મહેતાના સમયથી માંડીને આજ સુધી સમાજ તો જેવો હતો એવો જ રહ્યો છે
but who betrayed Jusus – was the betrayer an outsider or a member of his own circle ?
કદાચ એમ કહેવું અતિશયોક્તિ નથી કે જ્યારે જ્યારે બળવાન, દુરાચારી, કપટી રાજ્યકર્તાઓનો જગતમાં અંત આવ્યો ત્યારે ત્યારે કોઇક હિંમતવાન, દૂરંદેશી, મુત્સદ્દી દેશભક્તએ બીડું ઝડપ્યું હશે..
ઇસુ સંત હતા, મુત્સદ્દી નહીં અને ચાણક્ય એક મુત્સદ્દી દેશભક્ત હતા..પ્રજા જ vision વિનાની હતી અને છે …so what is the conclusion? Who knows…
( થોડા વખત પહેલાં લયસ્તરો પર મૂકાયેલ વિદેશી કાવ્યોના અનુવાદ યાદ આવી ગયા, શિર્ષક યાદ નથી..
એક કાવ્ય શતરંજના એક પ્યાદાપર હતું અને બીજું એક monarch ના તૂટેલા પૂતળાપર હતું…They may not have any connection with Lord Jesus and his benevolence but this poem definitely belongs to that category of poems ie the most memorable poems… Thank you.
JAFFER said,
April 14, 2018 @ 5:25 AM
મૂર્ખાઓ! મારોય વખત હતો,