જો હદયની આગ વધી ‘ગની’, તો ખુદ ઇશ્વરે જ કૃપા કરી,
કોઇ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય ગગન સુધી.
ગની દહીંવાલા

હું મળીશ જ – રાજેન્દ્ર શુક્લ

પુકારો ગમે તે સ્વરે, હું મળીશ જ
સમયના કોઇ પણ થરે હું મળીશ જ

ન ખૂલે ન તૂટે કટાયેલું તાળું
કોઇ હિજરતીના ઘરે હું મળીશ જ

હતો હું સુદર્શન સરોવર છલોછલ
હવે કુંડ દામોદરે હું મળીશ જ

નગારે પડે ઘા પહેલો કે ચોરે
સમીસાંજની ઝાલરે હું મળીશ જ

બપોરે ઉપરકોટની સુની રાંગે
અટૂલા કોઇ કાંગરે હું મળીશ જ

તળેટી સુધી કોઇ વહેલી સવારે
જશો તો પ્રભાતી સ્વરે હું મળીશ જ

કોઇ પણ ટૂકે જઇ જરા સાદ દેજો
સુસવતા પવનના સ્તરે હું મળીશ જ

શિખર પર ચટકતી હશે ચાખડી ને
ધરીને કમંડળ કરે હું મળીશ જ

છતા યાદ આવે તો કેદાર ગાજો
તરત આવીને ભીતરે હું મળીશ જ

શમે મૌનમાં શબ્દ મારા પછી પણ
કોઇ સોરઠે-દોહરે હું મળીશ જ

હશે, કોક જણ તો ઉકેલી ય શકશે
શિલાલેખના અક્ષરે હું મળીશ જ

મને ગોતવામાં જ ખોવાયો છું આ
પત્યે પરકમ્મા આખરે હું મળીશ જ

જૂનાગઢ, તને તો ખબર છે, અહીં હર
ઝરે, ઝાંખરે, કાંકરે હું મળીશ જ

-રાજેન્દ્ર શુક્લ

અંગત રીતે મને આ પ્રકારની રચના આકર્ષતી નથી. પણ આ રચનામાં એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

4 Comments »

  1. BHADRESHKUMAR P JOSHI said,

    April 25, 2018 @ 5:00 PM

    એક નખશીખ સચ્ચાઈ છલકે છે. કવિ ખરેખર ગિરનારમાં ઓતપ્રોત છે…..એકરૂપ છે…..

    That’s it and nothing else. A lot was expected of My Fav Kavi.

  2. Girish Parikh said,

    April 25, 2018 @ 9:02 PM

    ધવલભાઈ, શાથી આ રચના નથી ગમતી? આમાં ન ગમવા જેવું શું છે?

  3. Shivani Shah said,

    April 26, 2018 @ 6:56 AM

    સરસ રચના..પહેલી બે પંક્તિઓ ખૂબ સરસ..

  4. Sunil Upadhyay said,

    July 16, 2024 @ 10:52 AM

    છતાં યાદ આવે તો કેદાર ગાજો
    તરત આવીનેભીતર હું મળીશ જ
    વાહ શું રેફરન્સ લીધો છે
    અદભુત!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment