(તમે કરી’તી-અમે વિતાવી) – ભરત વાઘેલા
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી,
અમે વિતાવી ભીની ભીની ઝાકળવરણી રાતો જી.
એક ખીલેલું ફૂલ અમે તો ડાળીએથી તોડ્યું જી,
નામ તમારું લઈને એને ખુદની સાથે જોડ્યું જી.
શું ખબર એ સુગંધ સાથે વિખશે એની ભાતો જી,
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.
એમ હતું કે વસંત આવે ખીલશે એને પત્તા જી,
એક નવી ડાળીને ઉગવા કરશે થડમાં વત્તા જી.
શું ખબર એ થડે કર્યો છે ઉધઈ સાથે નાતો જી.
તમે કરી’તી સૂક્કી સૂક્કી મિલન કેરી વાતો જી.
– ભરત વાઘેલા
ગીત પુરુષે લખ્યું છે પણ સંવેદના એક સ્ત્રીની છે અને સ્ત્રીના ઋજુ મનોભાવ કવિ સુપેરે ઝીલી શક્યા છે. પુરુષને માત્ર મિલનમાં રસ છે, પણ મિલનનો સ્વાર્થ અને ગરજ હોવા છતાંય પણ એ એની વાતોમાં ભીનાશ લાવી શકતો નથી. સ્ત્રી આ સમજે છે એટલે એની રાતો આંસુથી ભીની ભીની વીતે છે. પિયરની ડાળીએ ખીલેલું ફૂલ સાસરે આવે છે ને પતિના નામ સાથે જાતને જોડે છે. ફૂલ બિચારું ખુશબૂ વેરવા ને વહેંચવામાં જોતરાઈ ગયું છે પણ સાસરાની સૂકી આબોહવામાં એની ભાત વિંખાવા માંડી છે, કરમાવા માંડ્યું છે. હવે જીવનમાં નવી વસંત, પરિવારમાં નવા સદસ્યનું આગમન જ એની એકમાત્ર આશા છે. નવોઢા વિચારે છે કે પરિવારવૃક્ષનો પાયો યાને કે પતિ નામના થડમાં નવી ડાળીનો સરવાળો થશે તો વૃક્ષ ફરી લીલુંછમ થઈ જશે પણ એને ખબર નથી કે જેની પાસે એને નવજીવનની આશા છે એ થડ ઉધઈ (સૌતન?/ખરાબ સોબત?/ખોટી આદતો?) સાથે નાતો જોડી બેઠું છે…