વસ્ત્ર માફક ગઝલ વણાતી ગઈ
શબ્દ ઉતરે છે સાળ પર જાણે
નયન દેસાઈ

ભીના સમયની આણ – ચિનુ મોદી

આપણી વચ્ચે અબાધિત કાળનાં પોલાણ છે
આપને પણ જાણ છે ને હા, મને પણ જાણ છે.

છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ
આપણી વાણીનું પ્હાડોમાં જરી રોકાણ છે.

દૂર સાથે ચાલીને પાછો વળું છું એકલો
આપણી વાટે ગરમ વંટોળનાં મંડાણ છે.

ધૂળની ડમરી થઇ પગલાં બધાં ઊડી ગયાં
આપણી વીતી ક્ષણોનું આ નવું પરિમાણ છે.

હું સમયથી પર થવાનાં યત્ન પણ કરતો નથી
આપણે માથે હજી ભીના સમયની આણ છે.

– ચિનુ મોદી

શુદ્ધ પ્રેમની વાત છે….’દર્શક’ પ્રેમને કાલાતીત કહે છે. પણ કવિ કૈંક જુદી વાત કરે છે. કાળ તો પોતાનું કામ કરતો જ રહે છે-આપણે તેને કઈ રીતે react કરીએ તે આપણા હાથમાં છે. પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!

3 Comments »

  1. જગદીશ કરંગીયા ‘સમય’ said,

    March 6, 2018 @ 4:38 AM

    સુંદર ગઝલ,
    કાળને લગતું મારું એક મુકતક

    તું જે પણ કાંઈ છે એણે સ્વીકારતા શીખ,
    ‘સમય’, સ્થળ સંજોગ સાથે બદલાતા શીખ;
    બદલી નથી શક્યું હજુ કોઈ અતીતને ઓ ‘જગદીશ’,
    તું મોજ માણ વર્તમાનની ને ભવિષ્ય ઘડતા શીખ.

    Jagdish Karangiya ‘Samay’
    https://jagdishkarangiya.wordpress.com

  2. SARYU PARIKH said,

    March 6, 2018 @ 9:43 AM

    ્વાહ!

  3. LaKant Thakkar said,

    March 8, 2018 @ 12:36 AM

    “પ્રથમ અછડતા સ્પર્શની ઘડી દાબડીમાં બંધ કરીને સાચવી રાખતી હોય તો કેવું અદભૂત……!!!”
    એ તો ઓટોમેટીક! અંકાઈ-કોતરાઈજાય તે ‘તત્ત્વ’ !
    “છિન્ન પડઘાઓ થઈને મૌનમાં ઢળતાં પ્રથમ” અને આવું થવું એય સહજ ઘટના …
    ભીતરનું પોત કેવું ને કેટલું સજ્જ તેના પર આધાર …

    “આપણે માથે હજી ભીના સમયની આણ છે.”- આ પણ સ્વ-સંવેદન શીલતાની વાત અંગત,વ્યક્તિગત પણ, બંધન તો આપણા પોતાના મનનાં જ !

    -લા કાન્ત / ૮.૩.૧૮ ડોમ્બીવલી-મુંબઈ]

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment