(શતતંતી જંતર આ જીવતર) – સંજુ વાળા
જાતાં પૂજ્યાં ડુંગર – કોતર
વળતાં ઝાંખર- ઝાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી
શતતંતી જંતર આ જીવતર
મેળ મળે ના સ્હેજે
તું ચીંધાડે કળ કોઈ તો
તરીએ એના તેજે
લુખ્ખા સુક્કા જીવને બીજું
કોણ લડાવે લાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી
વિના કારણે મારા પર હું
રીંસ કરું ને લડું
કોઈ ના જાણે એવા ખૂણે
જઇ જઇને હું રડું
મારામાં આ શું ઊગ્યું જે
ભીતર પાડે ધાડ જી
તારે આંગણ આવીને મેં
માણ્યો મનનો ઉઘાડ જી
-સંજુ વાળા
સંજુ વાળા ક્યારેક દુર્બોધ લાગે પરંતુ એ સમર્થ કવિ છે ને શબ્દો સમર્થ કવિને વશવર્તી હોય છે એ અહીં જોઈ શકાય છે. રવીન્દ્રનાથ ટાગોરની ગીતાંજલિ જેવો સૂર ગીતમાંથી ઊઠતો સંભળાય છે. ઈશ્વરને આંગણે આવ્યા પછી, શરણે ગયા પછી જ મનનો ઉઘાડ પામી શકાય છે, એ પહેલાંનું મન ગોરંભાયેલું, અસ્પષ્ટ જ હોવાનું. પ્રભુશરણમાં જઈ જીવતરનો અર્થ પામવાની સ્વીકૃતિની આ કવિતા છે.
બીજું કંઈ જ ન લખતાં માત્ર શતતંતી જંતર જ લખ્યું હોય તોય કવિને ફૂલ માર્ક્સ આપવા પડે એમ મને લાગે છે… આ એક જ શબ્દપ્રયોગ પરથી સમજી શકાય છે કે આ કવિએ ભાષાને આજીવન પ્રાણવાયુની જેમ શ્વસી છે. આવા સશક્ત કવિઓ આજે આપણી ભાષામાં કેટલા? શતતંતી જંતર એટલે સો તંતુઓવાળું વાજિંત્ર. જીવતરને શતતંતી જંતર કહીને કવિ ઓછામાં ઓછા શબ્દોમાં જીવનની કેવી અદભુત વ્યાખ્યા કરે છે! એક-બે તાર હોય તો વગાડવા સહેલાં પડે પણ સો-સો તાર?! સો-સો તારવાળા વાજિંત્રને સૂરમાં વગાડવામાં જો એ કોઈ કળ ન આપે તો આપણો મેળ પડે ખરો? એ જ આવું સંકુલ વાજિંત્ર બનાવે અપણા જીવતરને, એ જ સૂર-લયમાં વગાડવા માટેની ચાવી આપે ને એ જ લાડ લડાવે…
બીજા અંતરામાં પણ નરસિંહ-મીરા જેવી પ્રેમલક્ષણા ભક્તિ અહીં નજરે ચડે છે. કાવ્યનાયક ભાવવશ અકારણ પોતાની જાત સાથે જ રિસામણા-મનામણા કરે છે. માણસને એકાંત ખૂણામાં જઈને દુનિયાથી છૂપાઈને રડવાની ચાહ કદી હોતી નથી. ખરે તો માણસને રડવાની ચાહ જ મૂળે હોતી નથી પણ પોતાની અંદર આ કંઈક ઊગ્યું છે જેણે પોતાના હોંશહવાસ, પોતાના મન-આત્મા બધાંને જાણે કે ધાડ પાડીને એવા લૂટી લીધાં છે કે નાયક પોતાના કાબૂમાં રહ્યો નથી… પોતાની સાથે જ ન કરવા જેવું કરે છે-લડે-ઝઘડે-રડે છે. આ જે ઊગ્યું છે એ ઈશ્વરીય ચેતના હોઈ શકે, ભક્તિની ચરમસીમા હોઈ શકે યા સમર્પણ પણ હોઈ શકે પણ એણે નાયકના અસ્તિત્વ પર સર્વાંગ કબ્જો જમાવી દીધો છે…
જગદીશ કરંગીયા ‘સમય’ said,
February 27, 2018 @ 10:44 PM
સુંદર મજાનું ગીત, કવિશ્રી સંજુ વાળાની કવિતાઓની વાત જ કાંઈક અનેરી છે.
Jagdish Karangiya ‘Samay’
https://jagdishkarangiya.wordpress.com
Hitesh Parmar said,
February 28, 2018 @ 1:41 AM
શતતંતી જંતર…વાહ ખુબ સુંદર
સંજુ વાળા said,
February 28, 2018 @ 2:17 AM
અરે વાહ
લયસ્તરોની આજ તો ખાસિયત છે કે ત્યાંથી સારી કવિતા બહુ ઓછી છટકે.
આભાર
શતતંતી જંતર આ જીવતર ના પાંચ ‘ત’ વાળા પંચમહાભૂતમાં છઠ્ઠો લયસ્તરોનો ‘ત’ ઓતપ્રોત.
નિનાદ અધ્યારુ said,
February 28, 2018 @ 2:21 AM
છેક આઘે આઘે ‘આઓ બચ્ચો તુમ્હે દિખાયે ઝાન્ખી હિન્દુસ્તાનકી’ ફિલ્મ ગીતના લયની લિંક મળે છે.
મજા આવી.
‘તું ચિંધાડે કળ કોઈ તો તરીએ એના તેજે !’
ખૂબ ગમ્યું …!
શબનમ ખોજા said,
February 28, 2018 @ 2:48 AM
Ahaaaaaaaa…
Khub gamyu.. 🌷🌷🌷
રાજુલ said,
February 28, 2018 @ 4:16 AM
સુંદર કૃતિનો સુંદર આસ્વાદ.. સમજ.. બંને સર્જકોને __/|\__
તુરી રાહુલ એમ ઝીલ said,
February 28, 2018 @ 6:34 AM
મજ્જા આવી….
સંજુ વાળા said,
March 4, 2018 @ 1:26 AM
સૌ મિત્રોનો ખૂબ ખૂબ આભાર
વિવેક said,
March 4, 2018 @ 1:35 AM
“શતતંતી જંતર આ જીવતર”માંના પાંચ ‘ત’ની વર્ણસગાઈ (Alliteration) શી રીતે ધ્યાન બહાર રહી ગઈ હશે?
સંજુ વાળા said,
March 12, 2018 @ 3:22 AM
વિવેકજી..
કેટલીક પંક્તિઓ સીધીજ ચેતાતંત્ર સાથે જોડાઈ જતી હોય છે. એ પ્રથમ વાંચને જ એના ભાવરસાયણમાં ચિત્તને જોડી દે. પછી એમાં રહેલો વિશેષ દેખાતો નથી.
અને જ્યાં આખી વાત પ્રત્યાયિત થઈ જ ચૂકી હોય ત્યાં એની જરૂર પણ નથી રહેતી.
તમે બંને અંતરાને કાવ્યગત્ પામ્યા જ છો.
તો છો ને રહી ગયું.
વિવેક said,
March 12, 2018 @ 8:17 AM
જી, સંજુભાઈ…
ખૂબ ખૂબ આભાર…