(કંઈ નથી) – મધુમતી મહેતા
સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
સૂર્યનો આભાસ છે અજવાસ જેવું કંઈ નથી.
તેં નકાર્યું જ્યારથી રંગોભર્યા અસ્તિત્વને,
રક્તની આ દોડમાં ઉલ્લાસ જેવું કંઈ નથી.
કોઈ પણ આવી શકે ને આવીને જઈ પણ શકે,
જિંદગી છે આ દીવાનેખાસ જેવું કંઈ નથી.
જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.
હું નથી દરિયો કે દટ્ટાયેલ મોહેં-જો-દડો,
હું નદીનું વહેણ છું ઇતિહાસ જેવું કંઈ નથી.
જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.
– મધુમતી મહેતા
મજાની ગઝલ…
JAFFER said,
March 8, 2018 @ 8:56 AM
સાથ કાયમનો છતાં સહવાસ જેવું કંઈ નથી,
SARYU PARIKH said,
March 8, 2018 @ 12:31 PM
વાહ! મધુમતીબેન, બહુ સરસ. “જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.” આ ભાવ સાથે મને યાદ આવ્યું…
અંતરાય આવરણ અળગા કરી,
બંધ છોડી હું આગળ વધી ચૂકી.
ખુલ્લા આકાશ તળે નીલા ઉજાસમાં,
મુક્તિના હંસને વરી ચૂકી…સરયૂ પરીખ
Prashant said,
March 17, 2018 @ 7:54 PM
આનું નામ ફકીરી!
“જ્યાં મળ્યો છે આવકારો ત્યાં અમે રોકાઈ ગ્યા,
ગામ ઘર શેરી અને વનવાસ જેવું કંઈ નથી.”
અને,
“જે સજા ગણતો હતો તું તે જ મુક્તિ થઈ જશે,
રહી શક્યો પળમાં તો કારાવાસ જેવું કંઈ નથી.”
વાહ! મધુમતીબેન, બહુ સરસ!
-પ્રશાંત