તું ગરીબી આટલી, ક્યારેય ના દેતો ખુદા
આંગણે આવેલ પંખીને ઉડાડું ચણ વગર.
હિતેન આનંદપરા

ચર્ચમાં – આર. એસ. થોમસ (અનુ. વિવેક મનહર ટેલર)

ઘણીવાર હું મથું છું
એની ચુપકીઓની ગુણવત્તાનું
વિશ્લેષણ કરવા. શું અહીં જ ભગવાન છુપાયો છે
મારી શોધખોળથી? મેં સાંભળવી બંધ કરી છે,
કેટલાક લોકોના ચાલી ગયા પછી,
એ હવાઓને જે પુનર્ગઠિત કરે છે પોતાને
નિગરાની માટે. એણે આ જ રીતે પ્રતીક્ષા કરી છે
પથ્થરો એની ફરતે ટોળું બનાવી બેઠા છે ત્યારથી.
આ છે કઠણ પાંસળીઓ
એક શરીરની જેને આપણી પ્રાર્થનાઓ જીવંત કરવામાં
નિષ્ફળ નીવડી છે. પડછાયાઓ આગેકૂચ કરી રહ્યા છે
તેમના ખૂણાઓમાંથી, એ જગ્યાઓનો કબ્જો મેળવવા માટે
જે પ્રકાશે બાનમાં રાખ્યો છે
એક કલાક સુધી. ચામાચીડિયાઓ
એમના ધંધે લાગી ગયાં છે. બાંકડાઓની બેચેની
શમી ગઈ છે. બીજો કોઈ જ અવાજ નથી
અંધારામાં સિવાય કે એક માણસના
શ્વસનનો, એના વિશ્વાસને ચકાસતો
આ ખાલીપે, એના પ્રશ્નોને એક પછી એક
ખીલે ઠોકતો એક ભાડૂતવિહોણી શૂળી પર.

– આર. એસ. થોમસ
(અનુ. વિવેક મનહર ટેલર)

*
ઈશ્વર. શું છે ઈશ્વર? સત્ય કે અસત્ય? વાસ્તવ કે કલ્પના? સધિયારો કે ડર? જગન્નિયંતા કે કથપૂતળી માત્ર? આપણે એનું સર્જન છીએ કે એ આપણું? કોઈએ જોયો નથી, કોઈએ અનુભવ્યો નથી, કોઈએ જોયાનો દાવો કર્યોય હોય તો એ દાવાની સત્યાનૃતતા કોઈએ કરી નથી ને તોય માનવજાતે આજસુધીના ઇતિહાસમાં સૌથી વધુ વિશ્વાસ આ સંપૂર્ણતઃ ઇન્દ્રીયાતીત વિભાવનામાં જ મૂક્યો છે, ને મૂકતી રહેવાની છે. માણસે જે દિવસે પહેલવહેલીવાર ડર અનુભવ્યો હશે એ દિવસે કદાચ ઈશ્વરનો જન્મ થયો હશે.

ચર્ચનો ધર્મનાદ ટાઢો પડી ગયો છે. લોકો ચાલ્યા ગયા છે. સ્થગિત હવા ત્યાંને ત્યાં ઘુમરાઈ રહી છે. પથ્થરો વધુ નિર્જીવ ભાસી રહ્યા છે. ઘડી પહેલાં જે સ્થાન પ્રકાશના તાબામાં હતું એને હડપવા ખૂણાઓના અંધારા આગેકૂચ કરી રહ્યાં છે. અંધારામાં બધું જ ઓગળી ગયું છે, અવાજ સુદ્ધાં. એકમાત્ર માણસના શ્વસનનો અવાજ એકમાત્ર અપવાદ છે. આ એક માણસ કવિનો આભ્યંતર અહમ્ (Alter ego)પણ હોઈ શકે છે. પથ્થરોની નિર્જીવ વસ્તીમાં ખાલી ક્રોસની ઉપર એ એક માણસ પોતાના શ્વાસોચ્છ્વાસ વડે પોતાના પ્રશ્નો, પોતાની શંકાઓ, પોતાની શ્રદ્ધાઓને એક પછી એક ખીલે ઠોકી રહ્યો છે. આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે. તમે ખોબામાં જે અંજલિ ભરી છે, એ શ્રદ્ધા હશે તો સાક્ષાત્ ગંગાજળ છે, ને શ્રદ્ધા ન હોય તો નકરું પાણી…

*
In Church

Often I try
To analyse the quality
Of its silences. Is this where God hides
From my searching? I have stopped to listen,
After the few people have gone,
To the air recomposing itself
For vigil. It has waited like this
Since the stones grouped themselves about it.
These are the hard ribs
Of a body that our prayers have failed
To animate. Shadows advance
From their corners to take possession
Of places the light held
For an hour. The bats resume
Their business. The uneasiness of the pews
Ceases. There is no other sound
In the darkness but the sound of a man
Breathing, testing his faith
On emptiness, nailing his questions
One by one to an untenanted cross.

– R S Thomas

2 Comments »

  1. La Kant Thakkar said,

    April 1, 2018 @ 2:51 AM

    {તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
    કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી. – વિવેક મનહર ટેલર}
    સરસ. આભાર .{ અહીં ‘તું’ નારી જાતી કલ્પી છે ,હકીકતમાં, “જેની તલાશ”
    અસ્તિત્વના/ભગવાનના રહસ્ય અંગે શોધ-ખોળ જ,ઉર્ધ્વ-ગતિ જ મૂળ મકસદ -હેતું-ઉદેશ્ય માનવ-જન્મનો …. તે સર્વ-વ્યાપી “ચૈતન્ય-પ્રાણ-શક્તિ”,જે આ સમસ્ત સૃષ્ટિનું ચાલકબળ ,એના સ્પર્શ માત્રથી સર્જકતા પમરે-મ્હોરે છે,એ હકીકત છે ,પણ એ કઈ દિશામાંથી આવે છે એ કળાતું નથી !તે ” એ જ “તું” જ ,પણ કાલ-પુરુષ=પ્રેરક-સર્જનહાર એમ પણ કહી જ શકાય .
    ***
    મૂળ તો “દ્વંદ્વ” ના પાયા પર આસીન આપણું અસ્તિત્વ ! વિરોધાભાસી તત્વોનું ફેબ્રિક “હા અને ના” એક સાથે જ હોય ! અંધકાર અને પ્રકાશનું અસ્તિત્વ એકમેકમાં ઓટ=પ્રોત,ઓળઘોળ છે એમજ્સ્તો !
    {આ કવિતાને તમે નાસ્તિકતાનું રણશિંગુ પણ કહી શકો અને આસ્તિકતાનો શંખનાદ પણ; કેમકે ગ્લાસ અડધો ભરેલો છે કે અડધો ખાલી છે એ માત્ર ને માત્ર જોનારાની નજર ઉપર જ અવલંબિત હોઈ શકે.}
    સાચું જ =દૃષ્ટિ તેવી સૃષ્ટિ ” શબ્દ-પામીને બોલનારનો,લખનારનો ,પણ અર્થ તો વાંચક-ભાવ-મૂલવનારનો જ,તેની નિજી કક્ષા-લેવલ-સમજણ -પહોંચ મુજબ જ હોવાનો.
    ફરી એક વાર આસ્વાદકશ્રીની જય હો- આભાર .

  2. વિવેક said,

    April 1, 2018 @ 3:05 AM

    aabhaar…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment