થઈ આંગળી રથમાં ધરીનું સ્થાન બનીશું,
એ રીતે અમે જીતનું વરદાન બનીશું.

(સમજાઈ ગઈ) – રાહુલ શ્રીમાળી

વાત આખી એ રીતે પલટાઈ ગઈ,
એક ક્ષણમાં જિંદગી બદલાઈ ગઈ.

દોસ્ત અફવા ઊડતી આવી અને,
આગ માફક એ બધે ફેલાઈ ગઈ.

દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
આરસી તૂટી અને વેરાઈ ગઈ.

છે અષાઢી મેઘના દિવસો અહીં,
લો, ગગનમાં વાદળી ઘેરાઈ ગઈ.

શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.

– રાહુલ શ્રીમાળી

બધું જ સમૂસુતરું પાર પડતું હોય કે એક લીટીમાં સીધેસીધું જતું હોય એવામાં અચાનક એક વળાંક આવી ચડે અને એક જ ક્ષણમાં આખી જિંદગી બદલાઈ જાય એવો અનુભવ એક યા બીજી રીતે કદાચ બધાને થયો જ હશે ને! દૃશ્યના દરબારવાળું રૂપક પણ અદભુત છે. અને આખરી શેર તો ઉત્તમોત્તમ. કવિતામાં કવિ જેટલું બોલીને બતાવે છે એથી વધારે બોલ્યા વિના બતાવતો હોય છે. લખાયેલા શબ્દોના અવકાશની વચ્ચે છૂપાયેલી શક્યતા જ ખરી કવિતા હોય છે. આ વાત કવિ કેવી હળવાશથી કહી દે છે! કવિતાની ઉત્તમ વ્યાખ્યાઓમાં સમાવિષ્ટ કરવો પડે એવો બળકટ શેર…

3 Comments »

  1. સુરેશ જાની said,

    March 15, 2018 @ 7:22 PM

    જિંદગીને જીવવાની ફિલસુફી સમજી લીધી
    જે ખુશી આવી જીવનમાં આખરી સમઝી લીધી
    – મરીઝ

  2. Girish Parikh said,

    March 15, 2018 @ 11:53 PM

    ઉત્કૃષ્ટ ગઝલ.
    “શબ્દે શબ્દે મૌન વાણી હોય છે,
    કાવ્યની ભાષા મને સમજાઈ ગઈ.”
    છેલ્લો શેર ગદ્યને પણ લાગુ પડે છે.
    શેર વાંચતાં નીચેનું ચતુર્શબ્દ મુક્તક સ્ફૂર્યું જે http://www.GirishParikh.wordpress.com પર અનૂકુળતાએ પોસ્ટ કરીશ.
    “છે અનોખી મૌનની ભાષા!”

  3. સુનીલ શાહ said,

    March 17, 2018 @ 10:40 AM

    દૃશ્યનો દરબાર સૂનો થઈ ગયો,
    આરસી તૂટી અને વેરાઈ ગઈ.
    ખૂબ સુંદર અભિવ્યક્તિ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment