સમજી જાજે સાનમાં, મન બાંધી લેજે તોલ;
હોય ઈશારા હેતના, એના ના કંઈ વગડે ઢોલ!
-બાલમુકુંદ દવે

(કાળિયું કાઢીને હવે…) – વિરલ દેસાઈ

કાળિયું કાઢીને હવે પાનેતર પહેરું તો ઊંડા ઊતરી જાશે ઘા,
મને બીજે ઘઘરાવશો ના, બા.

ખીલવાનું આવ્યું ત્યાં ખીલ્યાં’તાં જોડે,
હવે ખરવાનું આવ્યું તો ખરશું;
મારી આ જાત ઉપર ઝાંખપ લાગે,
જો હવે આ ભવમાં બે-બે ભવ કરશું

તડકી ને છાંયડી તો આવે ને જાય, બા! એનાથી ગભરાઈશ ના,
કાળિયું ઓઢીને હવે જીવતર વેંઢારશું, મને બીજે ના ઘરઘાવશો બા..

– વિરલ દેસાઈ

મોટાભાગે ગીતમાં એકાધિક અંતરા જોવા મળે છે એવામાં એક અંતરાના આ ગીતે સહજ આશ્ચર્ય જન્માવ્યું. ઘઘરવું અને ઘરઘરવું શબ્દો સાથે પહેલવહેલો પરિચય થયો. મુખડાની પંક્તિમાં જ નજીવા ફેરફાર સાથે અંતિમ પંક્તિમાં ધારી ચોટ જન્માવવાની સફળ પ્રયુક્તિ પણ ગમી. પતિનું છત્ર ગુમાવ્યા પછી એકલી પડી ગયેલી દીકરીને મા પુનર્લગ્ન માટે મનાવે છે પણ દીકરી નસીબમાં જે તડકી-છાંયડી આવી છે એને જે સહજતાથી સ્વીકારે છે અને સ્વીકારવા દેવા માટે માને સમજાવે છે એ વાત એવી મજાની રીતે રજૂ થઈ છે કે એક જ અંતરાનું હોવા છ્તાં ગીત ક્યાંય અધૂરું લાગતું નથી…

વિધવાવિવાહનો વિરોધ કરે છે એટલું ન ગમ્યું બાકી એક કૃતિ તરીકે ખૂબ મજાનો લય, અને નખશિખ સુંદર રચના.

(ઘઘરવું, ઘરઘરવું = નાતરે જવું)

14 Comments »

  1. SANDIP PUJARA said,

    April 20, 2018 @ 2:06 AM

    ખુબ સરસ…. સંવેદના સભર

  2. Bhakti suthar said,

    April 20, 2018 @ 2:51 AM

    ખૂબ સરસ ગીત….
    પોતાની જાતને રીપેઇંટ ન કરવા ઇચ્છતી
    અને પરિસ્થિતિ નો સહજ સામનો કરતી દીકરી નું ગીત…

  3. algotar ratnesh said,

    April 20, 2018 @ 2:53 AM

    વાહ સરસ રચના

  4. મયુર કોલડિયા said,

    April 20, 2018 @ 3:49 AM

    અમારે ત્યાં તો “ઘરઘવું” શબ્દ વપરાય છે.

    રચના સુંદર….

  5. Gunjan Mirani said,

    April 20, 2018 @ 5:15 AM

    વિધવાવિવાહનો વિરોધ ન કહી શકાય કારણકે મા વિધવા દીકરી ને પરણાવવા માંગે છે પણ પોતે જ એક ભવમાં બે ભવ કરવાની ના કહે છે.. ખૂબ સરસ.

  6. Piyush Kaneriya said,

    April 20, 2018 @ 6:01 AM

    ધારદાર.

  7. શબનમ ખોજા said,

    April 20, 2018 @ 6:04 AM

    Waaaaaah viraaaa…

    Khub samvednasabhar geet..

  8. Bharat vaghela said,

    April 20, 2018 @ 6:35 AM

    વાહ વિરલભાઈ….સરસ ગીત👌👌

  9. Rekha Sindhal said,

    April 20, 2018 @ 10:09 AM

    Oposition of custom about remarriage and not be able to ready for remarriage because of pain are two different approches. The expressions are rare in poen. Excellent poem !

  10. શિવમ વાવેચી said,

    April 20, 2018 @ 1:06 PM

    સુંદર ગીત!
    જીઓ દોસ્ત અભિનંદન!

  11. વિવેક said,

    April 21, 2018 @ 1:57 AM

    @ ગુંજન મિરાની:

    આપની વાત સાચી છે… મારી સમજફેર થઈ છે…

  12. Shivani Shah said,

    April 22, 2018 @ 12:05 AM

    વિધવા-વિવાહની વાત આવે ત્યારે સરસ્વતીચંદ્ર અને મળેલા જીવ નવલકથાઓ યાદ આવે. વિધવાનું સ્થાન સમાજમાં કેવું છે એ મા સારી રીતે સમજે છે આથી એ સુધારો કરવા તૈયાર છે જ્યારે દીકરી એકલી રહીને જૂની યાદોના સહારે બાકીનું જીવન વીતાવવા તૈયાર છે. Interesting poem ! ખાલી યાદોના સહારે જીવન સારી રીતે જીવી શકાય ? કેટલા વર્ષો ? જેમને કોઈક આવલંબન કે purpose મળી જાય એ સ્ત્રીઓ એકલતામય જીવનને સફળ બનાવી શકતી હશે.

  13. Shivani Shah said,

    April 22, 2018 @ 12:27 AM

    P.s. સરસ્વતીચંદ્રની નાયિકા કુસુમ અને મળેલા જીવની જીવીનું લગ્ન જીવન સુખ નહોતું. બેઊ traditionally minded, પતિ પરાયણ સ્ત્રીઓ હતી છતાં પણ એવા લગ્નજીવનનો અંત એ કદાચ એમને માટે એક જાતની રાહત હતી એમ કહી શકાય. પણ ઝૂંફા લાહીરીના પુસ્તક Namesake ની નાયિકા ખૂબ સુખી દાંપત્ય જીવન પસાર કરતી હોય છે અને અચાનક પતિનું મૃત્યુ થાય છે ત્યારે જીવનને સુંદર વળાંક આપીને
    Dignity થી વૈધવ્યના વર્ષો વીતાવે છે.
    એટલે જ તો આદિ કવિએ કહ્યું હશે કે ‘ જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું તેહને તે સમે તે જ પહોંચે.’

  14. રાહુલ તુરી said,

    August 9, 2019 @ 2:50 AM

    વીરો

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment