બાપ ગઝલ છે, માત ગઝલ છે;
મારી આખી જાત ગઝલ છે
– વિરલ દેસાઈ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for સ્વાતિ નાયક

સ્વાતિ નાયક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




(કાગળ ઉપર) – સ્વાતિ નાયક

ઝંપલાવી જો પ્રથમ કાગળ ઉપર
જે થશે જોયું જશે આગળ ઉપર

ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર

તું જ તારું “તું”પણુ ગોખ્યા કરે
સૂર્ય તો ઉતરી શકે ઝાકળ ઉપર

મારું શૈશવ ડૂસકે એથી ચડ્યું
જાન આવીને ઉભી ભાગળ ઉપર

રેત, છીપો, શંખ છે તો શું થયું?
મોજનો આધાર તો છે જળ ઉપર

શ્વાસની આ આવજા નિર્જીવ છે
જીવતા હોવું નભે ખળભળ ઉપર

કોઈ આવી કહી ગયું એ તૂટશે
ત્યારથી જોયા કરું સાંકળ ઉપર

– સ્વાતિ નાયક

એકદમ સહજ સરળ બાની પણ ગઝલ કેવી સંતર્પક! એક પછી એક બધા જ શેર વિશે વાત કરી શકાય પણ હું માત્ર મત્લાની જ વાત કરીશ. મત્લા વાંચતા જ નર્મદ યાદ આવે: યાહોમ કરીને પડો, ફતેહ છે આગે… કળાકારો માથે કફન બાંધીને જીવતા હોય છે ને એટલે જ સમયનું ડસ્ટર સદીઓના બ્લેકબૉર્ડ પરથી એમનાં નામ ભૂંસી શકતું નથી. અંજામ શું આવશે એની ચિંતા કર્યા વિના કવિએ કાગળ પર ઝંપલાવી દેવાનું છે, ને આ ફનાગીરી વિના કલમ જે હાથમાં ઊપાડે છે એ શબ્દોની રમતથી આગળ કદી વધી પણ શકતો નથી.

Comments (11)