શબ્દો ખરી ગયા છે, નિઃશબ્દતા ઊગે છે,
તારી ને મારી વચ્ચે એક વારતા ઊગે છે.
- વિવેક મનહર ટેલર

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for March, 2025

વીણેલાં મોતી – પુષ્કરરાય જોષી

કાગળની હોડીમાં બેસી-
સાત સમંદર તરવા બેઠો.

જિંદગીની સેજ કાંટાળી હતી,
ફૂલ માફક તોય સંભાળી હતી.

ચાંદ દેખાયો નહીં તો શું થયું!
તારકોએ રાત અજવાળી હતી.

જિંદગી જામથી છલોછલ છે,
પ્યાસ તોયે રહી અધૂરી છે.

રાહમાં તો પથ્થરો આવ્યા કરે,
કિંતુ ઝરણું ક્યાં કદી રોકાય છે!

વાદળાં ટોળે વળે છે સાંજના,
શૂન્યતા ઘેરી વળે છે સાંજના.

વાત સાદી કિંતુ ક્યાં સમજાય છે?
જે થવાનું તે જ અંતે થાય છે.

કાળ લાગે શબ્દ સામે વામણો,
શોક જ્યારે શ્લોકમાં બદલાય છે.

દોસ્ત! ભરતી-ઓટ શો સંબંધ છે,
રેત પર પગલાં છતાં અકબંધ છે;
આ સમંદર એ નથી બીજું કશું,
આંસુનો તૂટી પડેલો બંધ છે.

– પુષ્કરરાય રેવાશંકર જોષી

લયસ્તરો પર કવિના કાવ્યસંગ્રહ ‘દિવ્યઘોષ’નું સહૃદય સ્વાગત… સંગ્રહમાંથી કેટલાક શેર અને એક મુક્તક અત્રે પ્રસ્તુત કરીએ છીએ…

Comments (6)

અનિલ વિશેષ : ૦૯ : શબ્દાંજલિ – વિવેક મનહર ટેલર

પુણ્ય સ્મરણ:
મનહરની વાંહોવાંહ મનોજ ગયો પછી મનોજની વાંહે રમેશ,
ઊભી બજાર સાવ ખાલીખમ લાગે નથી સરનામું ટકતું હંમેશ.
– અનિલ જોશી

*

નિતનવા વમળોથી રાખતો’તો નીતરું જે, ચાલ્યો ગયો એ અનિલ,
મોઢું વકાસી બેઠું સરવર ગીતોનું, હવે ભાલે લખાશે શું લીલ?

પેલ્લા વરસાદનો છાંટો વાગે તો પછી બંધાવવો કેમ નહીં પાટો?
પાણીની ગાંઠ સમા બરફના પંખીને ટહુકે પીગળવાનો નાતો;
તુલસીનું પાંદડું બિયરમાં નાંખ્યું ત્યાં હોવું જેમ બન્યું મદીલ,
એમ પથ્થરની કાયામાં વેલીના પાંદડા ફરકે એ ઘટના જટિલ.

દરિયાનાં ગીત નથી ગાવાં કહીને ગાયાં દરિયાનાં હજ્જારો ગીત,
ખાલી શકુંતલાની આંગળી છો હોય, રાહ જોવું ન મૂકે એ પ્રીત;
સૂકી જુદાઈની ડાળ તણાં ફૂલ શોધી રહ્યાં છે કાબો વકીલ,
ડાળખીમાં પાંદડા જ હોય ના તો પાનખરેય પડતી મેલે સૌ દલીલ…

– વિવેક મનહર ટેલર
(૨૧-૨૬/૦૩/૨૦૨૫)

કવિશ્રી અનિલ જોશીને શબ્દસુમન અર્પવાના ઉપક્રમમાં આજે આ આખરી પુષ્પ મારા તરફથી… ઉપર પોસ્ટ કરેલ કવિના એક ગીતમાંથી પ્રેરણા લઈ લખેલ ગીત વડે કવિને શ્રદ્ધાંજલિ આપી અનિલ વિશેષ અહીં અટકાવીએ છીએ, કવિની એક એકથી ચડિયાતી રચનાઓ સાથે ભવિષ્યમાં પણ મળતા રહેવાના વચન સાથે…

Comments (7)

અનિલ વિશેષ : ૦૮ : સહિયારી રચના – એક સંયુક્ત ગીત : અનિલ જોશી/રમેશ પારેખ

ચોકમાં જામ્યા રાસડે હું તો એટલું બધું ભાન રે ભૂલી ગઈ,
કે ફળિયે બાંધી ગાય અચાનક ઢોલનું ઝીણું ચામડું બની ગઈ.

ચાંચમાં જેટલું જળ સમાયું એટલું લઈ ચકલી ઊડી ઝાડવે બેઠી જેમ,
રાસમાં જેટલી તાળિયું મળી એટલી લઈ હુંય રે છાની ઉંબરે બેઠી એમ.
તાળિયું કેવળ ખડનો પૂળો હોત તો છૂટી જાત હું એને છાપરે ફેંકી દઈ…

ગીત ગળામાં, પગમાં ઝાંઝર, રાતનો ગજર, ચોકમાં હજી રાસડે ઘૂમે ગામ,
પાંખ વિનાની ચકલી ઉપર કેટલા ઓરા, કેટલાં ઝાઝાં આભ તોળાતાં આમ!
ઢોલને ઝીણે ચામડે ચાંદો સાંભળી મારી કેટલી પૂનમ તોછડી તૂટી ગઈ.

– અનિલ જોશી / રમેશ પારેખ

પૂર્વભૂમિકા (રમેશ પારેખના શબ્દોમાં)

અનિલ (૬-૧૦-૮૫ના દિવસે) અમરેલી આવ્યો, લગભગ વીસ વરસ પછી, અમે એક દિવસમાં વીસ વરસ પહેલાંના સમયને જીવવા બાથોડિયાં માર્યાં. ભાવવિભોર અનિલે કહ્યું–આપણે એક સંયુક્ત ગીત લખ્યાને વીસ વરસ થવા આવ્યાં. એના ઉપલક્ષ્યમાં આ અધૂરું ગીત. લે, પૂરું કર.’

આજે આ ગીત પૂરું કર્યું. અગાઉ લખેલા સંયુક્ત ગીત ‘ડેલીએથી પાછા મ વળજો, હો શ્યામ, મેં તો ઠાલાં દીધાં છે મારાં બારણાં’ ‘સમર્પણ’માં છપાયું હતું.

વીતેલાં વરસોએ મને થોડા રૂપેરી વાળની ભેટ આપી છે, લો, અમે આવી ગયા. મહાયાત્રાની તૈયારી કરો!” એ આદેશ કહેતા, કાનમાં ઝૂકેલા, કાનપટ્ટી પાસે સફેદ વાળ ઉગાડ્યા છે, ચશ્માંના ગ્લાસ જાડા બનાવ્યા છે, ઝીણીઝીણી અસંખ્ય મુગ્ધતાઓ છીનવી લીધી છે, જે કંઈ છીનવાઈ ગયું છે વીસ વરસોમાં તે માટે સમયને માફ કરી દેવાની વૃત્તિય જન્માવી છે. અનિલ ને રમેશની આંખો વચ્ચે મુંબઈ-અમરેલીનો પાંચસો માઈલનો પટ્ટો પાથરી દીધો છે.

અધૂરા ગીતને ટેકે વીસ વરસ પાછા પગે ચાલવાના મારા પ્રયત્નો દુ:ખદ છતાં અનુભવ સુખદ રહ્યા…

શરૂઆતની ચાર લીટીઓ અનિલની, ત્યાર બાદ આગળ વધતી કડીઓ મને સૂઝી.
– રમેશ પારેખ (તા. ૨૮-૧૧-૮૫)

Comments (2)

અનિલ વિશેષ : ૦૭ : ગઝલ – શિકાગો લાઇફલાઇન (૦૧)

શાંતિ પછી તોફાનની વણજાર થઈ શકે,
ધોરી નસોમાં લોહીનો રણકાર થઈ શકે.

એવું નથી કે હાથમાં કરતાલ જોઈએ,
આ નેજવું પણ હાથનો શણગાર થઈ શકે.

દોસ્તો ગયા પછી જ મને એ ખબર પડી,
સાથે હતા જે એ બધા ફરાર થઈ શકે.

કોયલની લાશ સાચવી છે એવી આશથી,
આંબાના વૃક્ષમાં ફરી ટહુકાર થઈ શકે.

એવા ઘણાય હોય છે જે વાતવાતમાં,
પૂરી ગઝલ લખીને ઓમકાર થઈ શકે.

– અનિલ જોશી

પ્રમુખતઃ ગીતકાર અને નિબંધકાર અનિલ જોશીની ગઝલો શોધવા બેસીએ તો બે આંગળીના વેઢા પણ કદાચ વધારે થઈ પડે. પણ જેટલી ગઝલ મળે છે, એ બધી જાનદાર છે. કવિએ શિકાગો લાઇફલાઇન ઉપર ત્રણ ગઝલોનો નાનકડો સંપુટ આપ્યો છે. એમાંની આ પહેલી છે. પાંચ શેરની આ ગઝલ સમજૂતિની મહોતાજ નથી. એને એમ જ આસ્વાદીએ…

ગઝલ પોસ્ટ કરી દીધા બાદ છંદ તરફ ધ્યાન ગયું. ગઝલનો મુખ્ય સૂર ગાગાલગા લગા લલ ગાગાલગા લગા છંદ તરફનો છે, પણ કવિએ ઘણી બધી પંક્તિઓમાં ભૂલ કરી છે. રમેશ પારેખની જેમ અનિલ જોશી પણ વસ્તુતઃ ગીતકાર વધારે હોવાના કારણે ગઝલ પણ લયપ્રવાહમાં દોરાઈને લખતા હોવા જોઈએ, જેના કારણે આવી ક્ષતિઓ જન્મ લે. અન્ય ગઝલકારો પોતાના છંદદોષને છાવરવા માટે આવી રચનાઓનો ઉપયોગ ન કરે એ જ ગુજરાતી ગઝલના હિતમાં છે…

Comments (9)

અનિલ વિશેષ : ૦૬ : છાંદસ – વિમાનમાં સવાર

(વસંતતિલકા)

ઊંચે ચડ્યું ગગનમાં સરતું વિમાન
નીચે હતો ઘૂઘવતો દરિયો અપાર
ઝાંખી હતી ધુમસમાં સઘળી દિશાઓ
ધીમેકથી શિશુ સમો તડકો, અડી ગ્યો.
ઉજાગરા નયનમાં ચમકંત જાણે—
નાઇટલૅમ્પ સળગે હળવા પ્રકાશે!
કૅસેટમાં વગડતી શરણાઈ ધીમે વ્હેલી
સવાર ફરતી પરિચારિકાશી! પંખી નથી,
ઝરણ નૈ, નથી હાડ, કેડી કેવું સવાર પડતું
ઊડતા વિમાને? ભૂમિ વિના ગગનને અહીં
ધોઈ પીવું? બારી ખોલું? કદીય જે ઊઘડી
શકે ના? ચાંપું દબાવી જગનો વ્યવહાર
ચાલે રિમોટ અંકુશ હરિ, તુજ હાથ જોઉં.

– અનિલ જોશી

જે જમાનામાં સૉનેટનું ચક્રવર્તી શાસન હજી અસ્તાચળે નહોતું ગયું એ જમાનામાં અનિલ જોશીએ એકેય સૉનેટ ન લખ્યું એ વાત નવાઈ જન્માવે એવી છે. પ્રસ્તુત છંદોબદ્ધ ઊર્મિકાવ્યમાં એક જ પંક્તિ ઉમેરીને કવિ સૉનેટ રચી શક્યા હોત,પણ પોતે જે કહેવું છે એ તેર પંક્તિઓમાં કહેવાઈ જતાં ચૌદમી પંક્તિના ઉમેરણનો લોભ કરવાથી કવિ દૂર રહી શક્યા છે એ વાત ધ્યાનમાં લેવા જેવી છે. નદી-ઝરણાં, ભૂમિ-રસ્તા, પશુ-પંખી કશુંય નજરે ન ચડતું હોય એવા ખાલીખમ આકાશમાં ઊડતા વિમાનમાંથી કવિ સવાર પડતી જોઈ રહ્યા છે. વિમાનની અંદર-બહારના વાતાવરણનું સજીવ વર્ણન કર્યા બાદ કવિ સવાર પડતી જોઈને બારી ખોલું કે કેમ એ વિચારે વિમાસે છે. વિમાનના સોફેસ્ટિકેટડ વાતાવરણમાં પણ ધરતી વિનાના ગગનને શું ધોઈ પીવું જેવો તળપદી રુઢિપ્રયોગ કવિઉરે જન્મ્યા વિના રહી શક્યો નથી. જે બારી કદી ખૂલી જ નથી એને ખોલવાનો વિચાર કવિની પ્રકૃતિ સાથે તાદાત્મ્ય અનુભવવાની ઉત્કંઠાનું પ્રતીક છે. વિમાનની અંદરનો બધો વ્યવહાર ચાંપ દબાવીને થતો જોઈ કવિને ઈશ્વર યાદ આવે છે. દુનિયાનું રિમોટ કંટ્રોલ ઈશ્વરના હાથમાં રહેલું છે એ સ્મરણ સાથે કવિ સૉનેટા જેવી ચોટ સાથે કાવ્ય પૂર્ણ કરે છે.

 

Comments (4)

અનિલ વિશેષ : ૦૫ : ગદ્યકાવ્ય – એક ક્ષણ

 

બોરસલ્લીના ઝાડ ઉપર બેસીને ઝૂલતા પીળક પંખીમાં સમેટાઈ ઘનીભૂત થતી જતી એક સાંજે મારું કાદવથી ખરડાયેલું શરીર જંગલની ભૂખરી કેડીઓ પાસેથી આડાઅવળા વળાંક ખરીદતું ખરીદતું ડાંગરની ક્યારી પાસે આવીને અટકી પડ્યું. અટક્યું ત્યાં તો મારું આસપાસ બનીને ચક્કર ચક્કર ફરતી સૃષ્ટિ કોઈ રંગીન પતંગિયાની માફક ઊડવા લાગી. અરે, સારા સારા કવિઓને પણ વાચાળ કરી મૂકે એવાં મકાઈનાં લીલ્લાં લીલ્લાં ખેતરો—ધોરિયા વાટે ખળખળ વહેવા લાગ્યાં. ઘાસની પીળચટ્ટી ગંજીઓમાં વેરાઈ પડેલા સાંજના તડકાને ઊંચકવા મથતા રખડું પવનના સુસવાટાઓ તો રમૂજ ઉત્પન્ન કરવા લાગ્યા. અને ખિસ્સામાં ઠાંસીઠાંસીને ભરી લેવાનું મન થાય એવી આ ડાંગરની ક્યારીઓ પાસે મારું હોવું મને પૂરતું લાગ્યું. આ ક્ષણે અચાનક મારા ખમીસ પર આવીને બેસી જતું અટ્ટાપટ્ટા રંગવાળું પતંગિયું જો હિલ્લોળા લેતું તળાવ હોત તો હું નિર્વસ્ત્ર બનીને એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું નાહ્યો હોત… એટલું….

– અનિલ જોશી

બંધન કદી કોઈને રાસ આવતું નથી. વિશ્વની દરેક ભાષામાં કાવ્યસર્જનનો પ્રારંભ છંદોબદ્ધ કવિતાઓથી જ થયો છે. સમયનાં વહેણ સાથે કાવ્યના આકાર અને કદ અવશ્ય બદલાયા, પણ છંદ ટકી રહ્યા. પણ ઇતિહાસ સાક્ષી છે કે સમય સાથે દરેક ભાષાના કવિઓએ છંદ સામે બળવો કરી મુક્તવિહાર કર્યો જ છે. ગુજરાતી ભાષામાં પણ અછાંદસ કાવ્ય અને પરિચ્છેદકાવ્યની પ્રણાલિ સમાંતરે વિકસતી નજરે પડે છે. પંક્તિઓને તોડીને અનિયત આકાર સાથે લખાતા અછાંદસ કાવ્યથી વિપરિત ગદ્યફકરાની જેમ જ આલેખાતા પરિચ્છેદકાવ્ય કે ગદ્યકાવ્ય માટે કોઈ સંજ્ઞા નિયત થઈ છે કે કેમ એ બાબતે જાણકાર મિત્રો પ્રકાશ ફેંકી શકે. સમય સાથે આ રીતે અછાંદસ કવિતા લખવાનો ચાલ ઓસરતો ગયો છે. પણ અનિલ જોશીની કલમે આવાં કેટલાંક કાવ્ય અવતર્યાં છે, જેમાંનું એક અત્રે રજૂ કરીએ છીએ…

Comments (7)

અનિલ વિશેષ : ૦૪ : અછાંદસ – કવિનું અકાળે મૃત્યુ

સમુદ્રના ખારા પવનથી
ચિક્કાર ભરેલા દીવાનખાનામાં
પિયાનોની કાળી અને ધોળી ચાલનાં પગથિયાં ઊતરતી
પીળી આંગળીઓ એકાએક અટકી પડી.

કાનમાં સન્નાટો ભરાઈ ગયો
અમે બે મિનિટની દાબડીમાં
મૌન ગોઠવીને ઊભા રહ્યાં.

પણ શબ્દ સરોવરના હંસ!
તમે ક્યાં ચાલ્યા? બેસો. બેસો.

આ તો રાજાબાઈ ટાવરના કાંટા ઉપર
કબૂતર બેઠું ને સાડા પાંચ વાગ્યા.

– અનિલ જોશી

માછલી જે રીતે પાણીમાંસરકતી હોય એ રીતે કવિની કલમ ગીતોમાં સરતી રહી હોવા છતાં એમણે અછાંદસ અને છંદોબદ્ધ કાવ્યોમાં પણ પ્રમાણમાં ઠીકઠાક કહી શકાય એવું ખેડાણ અને એય અધિકારપૂર્વક કર્યું છે. સારો કવિ એ જે એક શબ્દથી કામ ચાલી જતું હોય ત્યાં સવા શબ્દ પણ ન વાપરે. પ્રસ્તુત રચના એનું એક ઉદાહરણ ગણી શકાય. વાત એક કવિના મૃત્યુની છે અને એનું આલેખન પણ એક કવિ જ કરી રહ્યા છે. બ્લેક એન્ડ વાઇટ જિંદગીના પિયાના પર ખરતા પાન જેવી પીળી આંગળીઓ ફરતી નથી, પણ પગથિયાં ઊતરી રહી છે એટલામાં જ ઘણું સમજાઈ જાય છે. મૃતક પાછળા પળાતું બે મિનિટના મૌનમાં સાહજિકતા ઓછી અને ખોખલો શિષ્ટાચાર વધુ હોય છે એ વાત બે મિનિટની દાબડીમાં મૌન ગોઠવવાના રૂપક વડે કવિએ કેવી સ-રસ રીતે રજૂ કરી છે! શબ્દ સરોવરના હંસ જેવો કવિ અકાળે ચાલ્યો જાય એ વાત હજી ગળે ન ઊતરતી હોવાથી કથક એને ચાલ્યા ન જતાં એમ કહીને બેસવાની તાકીદ કરે છે કે રાજાબાઈ ટાવરના કાંટામાં સાડા પાંચ થવાને આમ તો વાર હતી, પણ કબૂતરના કાંટા પર બેસવાથી સાડા પાંચ થોડા વહેલા વાગી ગયા છે… મુંબઈનો સુપ્રસિદ્ધ રાજાબાઈ ટાવર મુંબઈ વિશ્વવિદ્યાલયના પટાંગણમાં આવ્યો છે. સાડા પાંચે ટકોરા વાગે અને વિદ્યાર્થીઓ ક્લાસ અને કેમ્પસ છોડી પોતાના ઘરે જવા હડી કાઢે એ ઘટનાને કવિએ પ્રાણપંખેરુ ઊડી જવા સાથે આબાદ સાંકળી લીધી છે.

Comments (8)

અનિલ વિશેષ : ૦૩ : ગીત – દરિયાનાં ગીત નથી ગાવાં

દરિયાનાં ગીત નથી ગાવાં,
દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.

લયથી હું રેબઝેબ રેલાતી જાઉં મારા ખૂટે દિવસ નહીં રાત
વાસણની જેમ પડ્યાં હાથમાંથી કામ અને વીસરાતી ચાલી આ જાત!
હું તો રણમાં જોવાતી તારી વાટ રે સજન, તમે આવો તો કૈંક હવે દીપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.

ફળિયામાં ઝૂલે છે ખાખરાની ડાળ, અને ઓસરીમાં હોવાનો ભાર
ઘરની શોભા તો મારા સાજનના બોલ, હું તો કેડીનો રઝળુ શણગાર!
સાજનનાં પગલાંની ભાતને હું ઝીલવા સળીઓનાં નીડ નહીં લીંપું,
દરિયાનાં ગીત નથી ગાવાં, દરિયો તો મારા સાજનની આંખજોયું ટીપું.

– અનિલ જોશી

પાંચમા ધોરણના દિવાળી વેકેશનમાં મેં કવિતા લખવાની શરૂઆત કરી હતી એટલે કવિતા એ પહેલેથી જ મને આકર્ષતી હશે એ વાત તો નક્કી જ, પણ અનિલ જોશીની આ રચના મારા માટે એટલા માટે ખાસ છે કે આ ગીતે મને સાચા અર્થમાં કવિતાના પ્રેમમાં પાડ્યો. આ ગીત મને વરસો સુધી કંઠસ્થ રહ્યું. હજી આજેય મુખડું અને પહેલો બંધ હું અડધી રાતેય આંખ મીંચીને લલકારી શકું એટલું આ ગીત મારા દિલની નિકટ છે. આશ્ચર્ય તો એ છે કે લયસ્તરોની વીસ-વીસ વરસની સુદીર્ઘ યાત્રા દરમિયાન આ ગીત પોસ્ટ કરવાનું મને કદી સૂઝ્યું જ નહીં. મુખડામાં દરિયાની સાપેક્ષે આંસુનું ટીપું મૂકીને કવિએ બિંદુને સિંધુ સમકક્ષ પહોંચાડવાનું જે કવિકર્મ કર્યું છે એણે પહેલી જ બોલે બેટ્સમેન ક્લિન બોલ્ડ થઈ જાય એ રીતે પહેલા વાંચનમાં જ મારી વિકેટ પાડી દીધી હતી. દુનિયાની કોઈ પણ પ્રેમિકા પોતાના પ્રિયજનની આંખમાં આંસુનું ટીપું જોવા તૈયાર ન જ હોય. પ્રિયજનની આંખોમાં આવતું આંસુ દરિયાથીય વિશાળ લાગતું હોવાથી નાયિકા દરિયાનાં ગીત ગાવાં તૈયાર ન થાય એ વિભાવના પૂરી સમજાયા વિના પણ મને સ્પર્શી ગઈ હતી. કામ કરતી વ્યક્તિ પરસેવે રેબઝેબ થાય એ તો સમજાય પણ જેના હાથમાંથી વાસણની જેમ તમામ કામ પડી ગયાં હોય એવી કામધામ અને જાત વિસારે પાડીને બેઠેલ નાયિકા લયથી રેબઝેબ થઈ જાય એ રૂપકના પ્રેમમાંથી હું આજેય મુક્ત થઈ શક્યો નથી… આ ગીત વિશે લખવા બેઠો છું ત્યારે આ ગીતે મારા બાળમાનસ પર પાડેલ પ્રભાવ અને એની આજ દિનપર્યંત જીવંત રહેલ અસર મને સમજાઈ રહી છે… આભાર, અનિલ જોશી! ગીતો સાથે તમે મારું જે સગપણ બાંધી આપ્યું, એ હવે આ જન્મે તો તૂટવાથી રહ્યું…

Comments (11)

અનિલ વિશેષ : ૦૨ : ઊર્મિકાવ્ય – પ્રથમ કાવ્ય (ગરિયો)

(મિશ્ર)

કેવો ગુમાને ગરિયો ચડ્યો છે
આ ભોંય પાડી કમનીય રેખા
ઊભી છ કાયા મુજની પ્રશાંત
બાકી ફરે છે મુજ પાસ માયા
એવું વિચારે—ના જાણતો એ
વીંટાઈ દોરી ચકરે ફગાવ્યો!

– અનિલ જોશી
(પ્રથમ કવિતા, કુમાર ૧૯૬૨)

કવિના સમગ્ર કાવ્યોને આવરી લેતા સંગ્રહ ‘સાગમટે’માં પ્રસ્તુત ઊર્મિકાવ્ય સાથે એ પ્રથમ કવિતા હોવાનો ઉલ્લેખ કરાયો છે. લયસ્તરો પર ‘અનિલ-વિશેષ’ના શ્રીગણેશ એનાથી જ કરીએ. પાછળથી આધુનિક ગુજરાતી ગીતોનો બુલંદ અવાજ બનનાર કવિએ પ્રારંભ સંસ્કૃત વૃત્તથી કરી હતી એ હકીકત પણ નોંધવા જેવી. આજની પેઢીને તો ગરિયો એટલે ભમરડો એય સમજાવવું પડે અને કદાચ હવે તો ભમરડો કોને કહેવાય એય કહેવું પડે એવા દિવસો હવે દૂર નથી. ભમરડો ભોંય પર કમનીય રેખાઓ પાડી રહ્યો છે, મતલબ આ દૃશ્ય શહેરનું નથી… શહેરની સિમેન્ટ અથવા ડામરાચ્છાદિત જમીન પર તો રેખાઓ પડવાથી રહી! ભમરડો ગતિએ ચડ્યો છે એમ કહેવાના બદલે ગુમાને ચડ્યો છે એમ કહી કવિએ કાવ્યારંભ કર્યો છે, અર્થાત્ ભમરડાનું અભિમાન અહીં કેન્દ્રસ્થાને છે. એક જગ્યાએ શાંત ઊભા રહી ભોંય પર રેખાઓ ખેંચતા ભમરડાને લાગે છે કે માયા જેવી પણ માયા પણ એની કાયાની આસપાસ ફૂદરડી ફરે છે, પણ હકીકત એ છે કે કોઈએ દોરીથી વીંટાળ્યા બાદ એને ફગાવ્યો હોવાથી એ ફરી રહ્યો છે. આપણે સહુને પણ ઈશ્વરે પોતાની દોરીથી બાંધ્યા બાદ ઇહલોકમાં ફંગોળ્યા છે. આપણું આ સંસારમાં જે કંઈ પરિભ્રમણ છે, એ બધું પરમેશ્વરની આંગળીઓના ઈશારે જ હોવા છતાં આપણે સહુ મિથ્યાભિમાનમાં જ સદૈવ રાચતા રહીએ છીએ…. કેવી સરસ ગાગરમાં સાગર જેવી રચના!

Comments (10)

અનિલ વિશેષ : ૦૧ : પ્રાસ્તવિક

અનિલ રમાનાથ જોશી
(૨૮ જુલાઇ ૧૯૪૦ – ૨૬ ફેબ્રુઆરી ૨૦૨૫)

ગુજરાતી ગીતકવિતાના સ્તબકોની વાત કરવી હોય તો ઘણાં નામ આંખ સામે તરી આવે, પણ અનિલ જોશીનું નામ આ તમામ નામોમાં ઉફરું તરી આવે છે, કારણ રમેશ પારેખ અને અનિલ જોશીની બેલડી પરંપરિત ગીતકાવ્યના પ્રવાહને નવ્ય વળાંક આપનાર કવિઓમાં પાયાનું અને મોભનું –ઉભય સ્થાન ધરાવે છે. આ જોડી વિશે વાત કરતાં સુરેશ દલાલ લખે છે: “રમેશ અને અનિલનાં કાવ્યો ગુજરાતી કાવ્યસૃષ્ટીમાં એક ‘લીલો’ વળાંક રચી આપે છે.”

સાવ જ અનૂઠા અને એકદમ અત્યાધુનિક કલ્પનસિક્ત વિચારોને અલગ જ માવજત આપીને અનિલ જોશીએ જે રીતે ગીતકાવ્યનું સીંચન અને સંવર્ધન કર્યાં છે એને માટે તો પ્રસંશાના મોટામાં મોટાં વનરાવન પણ વામણાં સિદ્ધ થાય. ગીતના લય સાથે તો એમણે સિદ્ધહસ્ત કવિસહજ ક્રીડાઓ કરી જ છે, પણ ગીતકવિતાને એમણે જે રીતે વણખેડ્યા વિષય-વૈવિધ્યથી નવાજી સમૃદ્ધ કરી છે, એય કાબિલે-તારીફ છે. ચંદ્રકાન્ત ટોપીવાળા લખે છે: “ગીતની બાબતમાં આધુનિક કવિતાનો પહેલો સૂર આ કવિની રચનાઓમાં પ્રગટ્યો છે. ચાલી આવેલા ગીતસ્વરૂપને દ્રઢતર્કમાંથી મુક્ત કરી સંદર્ભો અને સાહચર્યો પર, વાતાવરણના મિજાજ પર તેમ જ અસંબદ્ધ શબ્દભાવજૂથો પર તરતું કરવાનો પ્રયત્ન આથી જ એમના ‘કદાચ’ (૧૯૭૦) કાવ્યસંગ્રહમાં દેખાય છે.”

૮૪ વર્ષનું સુદીર્ઘ આયુષ્ય ભોગવી ક્ષર દેહ ત્યજી તેઓ અ-ક્ષરદેહ મૂકીને તેઓ દિવ્યચેતનામાં લીન થઈ ગયા છે. કોઈ પણ સર્જકને સાચી અંજલિ એના સર્જનની સરાહના કરીને જ આપી શકાય… આવતીકાલથી લયસ્તરો પર થોડા દિવસો સુધી અનિલમય થઈ કવિશ્રીને શબ્દાંજલિ આપીશું… આપના કવિતાપ્રેમી મિત્રોને પણ આ ઉપક્રમમાં જોડાવા નેહનિમંત્રણ પાઠવશોજી… કવિની જે અમર રચનાઓ લયસ્તરો પર અગાઉ પોસ્ટ થઈ ચૂકી છે એ રચનાઓને આ ઉપક્રમમાં ન સમાવવાનું નક્કી કર્યું છે. એ રચનાઓ અને તમામનો ટૂંકો રસાસ્વાદ આપ નીચેની કાવ્યકડીઓ ઉપર ક્લિક કરીને માણી શકશો…

Comments (2)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૪

હોળી-ધૂળેટીના ગીતો તો પરાપૂર્વથી લખાતાં આવ્યાં છે, લખાતાં પણ રહેશે. સમય-સમત પ્રમાણે ફ્લેવર બદલાય એ સાચું, પણ દરેકની આગવી મજા છે. છેલ્લા ત્રણ દિવસથી આપણે ફાગણની રંગછોળો (પ્રથમ, દ્વિતીય અને તૃતીય)માં ભીંજાઈ રહ્યાં છીએ… આજે આ શૃંખલાની ચોથી અને હાલ પૂરતી આખરી કડી રજૂ કરીએ છીએ… જે રચનાઓનો સમાવેશ કરવાનો રહી છે, એની રસછોળો લઈને ફરી ક્યારેક ઉપસ્થિત થઈશું… આજની કાવ્યકણિકાઓને કોઈ પણ પ્રકારની પાદટીપ વિના જ માણીએ-

મસ્તી વધી ગઈ તો વિરક્તિ થઈ ગઈ,
ઘેરો થયો ગુલાલ તો ભગવો થઈ ગયો.
– જવાહર બક્ષી

આ કોણ આવીને બેઠું છે મારી આંખમાં,
ભરું હું મુઠ્ઠી ધૂળની અને ગુલાલ મળે.
– રાજેશ વ્યાસ ‘મિસ્કીન’

કોઈ પણ રંગ દુનિયાનો અસર એને નથી કરતો,
પ્રણયના રંગમાં જેઓ ‘અમર’ રંગાઈ જાયે છે.
– ‘અમર’ પાલનપુરી

કાળની સમજણ વિનાનાં આપણે,
કેસૂડાં ફાગણ વિનાનાં આપણે.
સહેજ હર્ષોલ્લાસ ના નજરે ચડે,
અવસરો તોરણ વિનાનાં આપણે.
– ઉર્વીશ વસાવડા

છોકરી કેરી હથેલીમાંથી ઝરમર ઝરે ગુલાલ
છોકરા કેરી છાતીમાંથી છલ્લક છલકે વ્હાલ
બંને રંગે ને રંગાતાં સઘળું થાતું સરભર-
વાત હતી સંગીન કે એમણે રમવું’તું ઘરઘર-
– તુષાર શુક્લ

વ્હાલમનું વ્હાલ જાણે વરસે ગુલાલ એને કેમ કરી રાખવું છાનું?
સખિરિ, આવ્યું ટહૂકે ટહૂકવાનું ટાણું!
એના રંગમાં આ હૈયું રંગાણું
– તુષાર શુક્લ

રોજેરોજ હું તને રંગતો, ‘હું’ને ગમે તે રંગે,
આવ, આજ તું ‘હું’ રંગી દે, તને ગમે તે રંગે.
– તુષાર શુક્લ

એક મુઠ્ઠી ગુલાલ આપું છું,
લે, ગુલાબી ધમાલ આપું છું.
હાથ ફેલાવ સામટું લઇ લે,
ફાંટ બાંધીને વ્હાલ આપું છું.
– પારૂલ ખખ્ખર

ના કોઈ પિચકારી લીધી, ના કોઈ રંગ ગુલાલ
નખરાળાએ નજરું તાકી રંગ્યા મારા ગાલ.
– વિમલ અગ્રાવત

વૃક્ષોના કોરા કાગળે કરશે વસંત sign
ને ત્યાર બાદ રંગની જુદી જુદી design
– હર્ષદેવ માધવ

ઉપવન ‘વસન્ત’ એવો પાસવર્ડ મોકલે ત્યાં ફાગણની ખુલી ગઈ ફાઇલ,
વૃક્ષોનો સ્ક્રીન આજ એવો રંગીન, જુઓ ડાળીઓની નવી નવી સ્ટાઇલ!
ભમરાઓ રઘવાયા- આપ્યું ઉદારતાથી આંબાની મંજરીએ સ્માઇલ.
પુષ્પોનો એસ.એમ.એસ. વાંચીને કોયલ પણ જોડે છે સામે મોબાઇલ
– હર્ષદેવ માધવ

ફાગણ આવ્યો ફૂલ્યો,
શિશિર તણો પાલવ ખેંચાતાં વૈભવ સઘળો ખૂલ્યો.
કેસૂડલાની કળીએ કેવાં સ્વપ્ન સુનેરી સીંચ્યાં!
આભ તણા અંતરને આંબી હૈયાં હેતે હીંચ્યાં,
કોકિલના ટહુકારે કેવાં બદલી નાંખ્યાં મૂલ્યો!
– ગોવિંદભાઈ પટેલ

સૂરજ સગડો આજ હમચ્યો કૈં આભલે ફૂંચી હોળી,
વાયરે મેલ્યો સગડો ભોડે અંગ ભભૂતી ચોળી;
એક બોકાહે પડતું મેલ્યું ભોળિયા ઓલા હોલે!
કુલહોમને તોળવા બેઠો તરખલાને તોલે!
વાયરો સેસુડા જબરા બોલે!
– ચંદ્ર પરમાર

વસંત કેરી ડાળે ટહુકે, કોકિલ પંચમ ઢાળ કે ફાગણ આયો જી
નટખટ નટવર છેલછબીલો કરે કાંકરીચાળ કે ફાગણ આયો જી
– વર્ષા પ્રજાપતિ ‘ઝરમર’

અમથા અમે જરાક ઈશારે ચડી ગયા,
એના હૃદયના રંગ તો ગાલે ચડી ગયા!
– હરીશ ઠક્કર

રંગમાં ડૂબીને પણ છું સાવ રંગાયા વગર,
હું જગતમાં રહું, જગતથી સહેજે અંજાયા વગર.
– અનિલ ચાવડા

પંખીએ બે ટહુકા વેર્યા,
હવા બધીયે ગુલાલ થઈ ગઈ.
– અનિલ ચાવડા

એના ઘરેથી એક પંખી આવ્યું છે લઈ ટહુકામાં એની ટપાલ,
સહેજ ટહુકામાં ફળિયાની રેતી ગુલાલ
– મયૂર કોલડિયા

ચોતરફ આલિંગનો, આલિંગનો આલિંગનો
સાવ ધુંવાધાર છે ઉપદ્રવ વસંતનો!
– ચંદ્રકાન્ત દત્તાણી

વાત જુદી કંઈ ભીજાવાની તારી સંગે
આવ તને હું રંગી નાખું મારા રંગે!
– હિતેન આનંદપરા

રંગ કાચો તું લગાડીને ગયો,
ભાત હૈયે પાકી પાડીને ગયો.
સ્પર્શ એ આછો અછડતો, ને છતાં;
સ્પંદનો ભીતર જગાડીને ગયો.
– અંજના ભાવસાર ‘અંજુ’

હાથ છે લાલ લાલ લોકોના,
લોહી હો કે ગુલાલ, બીજું શું!
– બી. કે. રાઠોડ ‘બાબુ’

રંગ કોઈ હોય ના તો ચાલશે,
આંગળી મૂકી દે મારા ગાલ પર.
– અર્પણ ક્રિસ્ટી

દિલની મોસમ ફાગણ થઈ છે,
ફૂલો સરખી થાપણ થઈ છે.
– સંગીતા સુનિલ ચૌહાણ ‘તપસ્યા’

સરસ મજાના ઇન્દ્રધનુષી રંગ લગાવું ગાલે,
ફાગણિયાના ફાલે, રમીએ ભીનાંભીનાં વહાલે,
ને તું ના આવે એ ચાલે?
– વિવેક મનહર ટેલર

ઘણાક આવ્યા, ઘણા ગયા પણ ગયું છે કોરુંકટ્ટ કોણ અહીંથી ?
ઢાઈ આખરની પિચકારીથી ચતુરસુજાણ રંગાયા છે.
– વિવેક મનહર ટેલર

ખૂણા-ખાંચરા ખોળીને,
ઇચ્છાઓની ટોળીને
રંગરંગમાં ઘોળીને
ચાલ, ઉજવીએ હોળીને.
– વિવેક મનહર ટેલર

બારી સવારની જ્યાં ખોલી, ત્યાં આવી એક સપનાએ કહ્યું મને, ઓ રી !
તું લાખ બચાવ તારી ચોળી, ભીંજાવું આજે નક્કી પરમાણ તારું ગોરી.
– વિવેક મનહર ટેલર

ફાગણની મોસમનો પહેલો કમાલ જુઓ,
લીલો હતો તે થયો ગુલમોર લાલ, જુઓ.
મોસમની મહેફિલના નોખા સૂરતાલ જુઓ…
હાથ હો કે હૈયું, છે સઘળું ગુલાલ, જુઓ…
– વિવેક મનહર ટેલર

Comments (15)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૩

ગઈકાલે અને પરમદિવસે આપણે ફાગણની પ્રથમ અને દ્વિતીય રંગછોળ માણી… આજે આ શૃંખલાની ત્રીજી કડી… ફાગણ વિષયક કવિતાઓ એકત્ર કરવા બેસીએ તો આખો ગ્રંથ ભરાઈ જાય… આપની પાસે ફાગણ અને હોળી-ધૂળેટીના રંગોની કવિતાઓ હોય તો કમેન્ટ વિભાગમાં પોસ્ટ કરવા અમારું આપને નેહનિમંત્રણ છે… ભવિષ્યમાં આ શૃંખલા આગળ વધારીએ ત્યારે એ કાવ્યકણિકાઓને એમાં સમાવિષ્ટ કરવા અચૂક પ્રયત્ન કરીશું…

પ્રકૃતિ અને સૌંદર્યના કુમાશભર્યા આલેખનના કસબી કવિ પ્રિયકાંત મણિયારનાં મુલાયમ રંગકાવ્યોમાંથી કેટલાકનાં અંશ સાથે આજની રંગછોળના શ્રીગણેશ કરીએ-

છેલછબીલે છાંટી મુજને છેલછબીલે છાંટી…
નિતના શ્યામલ જમુના જલમાં રંગ ગુલાબી વાટી…

વસન્ત આવી રમવા રમાડવા ફાગે!
રસિયા જન તણી ખુલ્લી છાતીએ લાલ લાલ
ફાગણ તણો ગુલાલ લાગે!

યૌવનના રાગને જગાયો!
ફાગણનો વાયરો વાયો,
હો, ધૂળે અવકાશ બધો ન્હાયો!

હરીન્દ્ર દવે મુદ્દાની વાત કરે છે. ઋતુચક્ર તો ફરતું રહે, મોસમ તો આવનજાવન કરતી રહે, પણ પ્રિયજન માટે તો એના પ્રિયપાત્રનો મિજાજ એ જ ખરી મોસમ-

હોઠ હસે તો ફાગુન, ગોરી! આંખ ઝરે તો સાવન,
મોસમ મારી તું જ, કાળની મિથ્યા આવનજાવન.

કઈ અણજાણી લ્હેર મને વ્હાલ કરી ગઈ,
હતું અંધારું આભ, ત્યાં ગુલાલ કરી ગઈ!

કોઈ અગોચર ઈજન દીઠું નયનભૂમિને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યા કામ્ય કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન.
તેં પૂછ્યો પ્રેમનો મર્મ અને હું દઈ બેઠો આલિંગન,

મકરંદ દવેનું ‘વસંત-વર્ષા’ કાવ્ય નખશિખ આસ્વાદ્ય થયું છે… રચનાનો લય રચનાનું જમાપાસું છે.. અન્ય કાવ્યોની જેમ એનો કાવ્યાંશ માણવાના બદલે એને આખેઆખું જ કેમ ન માણીએ?-

ખેલત વસંત આનંદકંદ.
સોહે ગુલાલમય શ્યામ અંગ નીરદ નવીન પર અરુણ રંગ.

પટ પીત વીજ ચમકે અમાપ, શિર મોરપિચ્છ જયમ ઇન્દ્રચાપ.
પિચકારી કેસુ-જલ રેલછેલ, તરબોળ ગોપ ગોપી છકેલ.
નાચે નિછોરી હસી નંદલાલ, કેસર અબીલ કુંકુમ ગુલાલ.

બાજે મૃદંગ ડફ વેણુ શોર, ગાજે સુઘોષ ઘન ગગન ઘોર.
હરિ બોલ રંગ! હરિ બોલ રાગ! ગાવત ગુણીજન હોરી-ફાગ.
મકરન્દ ધન્ય મંગલ અનંત, વ્રજરાજ આજ વરસે વસંત.

શહેરની ધૂળેટી તો ઝડપભેર બદલાઈ ગઈ… પણ ગામડાંની ધૂળેટીમાં હજીય થોડી કુમાશ અને નૈસર્ગિકતા બચી ગઈ છે… શહેરોમાં તો પાલવનો છેડલો દંતકથા બનવાને આરે છે. અવિનાશ વ્યાસના એક સુંદર ગીતનો આખરી બંધ માણીએ…

પાલવનો છેડલો કેટલોયે ઢાંક્યો
તોયે ગુલાલ મારે કાળજડે વાગ્યો
મારુ કાળજડું તોડીને એ તો હાલ્યો રે…
રસિયાએ મારગડો રોકીને રંગ ઢાળ્યો..

રાજેન્દ્ર શુક્લની આ ગઝલમાંથી કયા શેર પસંદ કરવા અને કયા નહીં એ કાર્ય એટલું તો દુભર છે કે આખી ગઝલ માણ્યે જ છૂટકો. આપણા આખાય અસ્તિત્વને મઘમઘ કરી દે એવી આ ગઝલ લવિંગની જેમ ધીમે ધીમે મમળાવવા જેવી છે…

અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી !
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી !
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી !
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી !
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી !

ગઝલની વાત નીકળે અને ગઝલસમ્રાટ મનોજ ખંડેરિયાને ન સ્મરીએ એ કંઈ ચાલે? માણીએ એમની સદાબહાર ગઝલનો એક યાદગાર શેર-

ઊડી રહ્યાં છે યાદનાં અબીલ ને ગુલાલ
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના

નિત અબીલે-ગુલાલે લેટી છે,
આપણી જિંદગી ધૂળેટી છે.

ગઝલકારોની મહેફિલ જામી હોય તો અમૃત ઘાયલ શીદ બાકી રહી જાય?

એક રસનું ઘોયું એમ મને ટચ કરી ગયું
ખંજરો હૃદયમાં જાણે કોઈ ખચ કરી ગયું!
એ સૂર્યનેય આજ તો સૂરજમુખીનું ફૂલ
બહુ ઢીલોઢફ, ને છેક પીળોપચ કરી ગયું!

મનોજ ખંડેરિયાની ગઝલનો રણકાર ઝીલી લઈ આગળ વધારતી હોય એવી કરસનદાસ લુહારની ગઝલના બે શેર પણ આ ક્ષણે આસ્વાદવા જેવા છે:

આ પાંદપાંદમાં છે ઉમંગો વસંતના,
છલકી રહ્યા છે ફૂલમાં રંગો વસંતના.
આભાસ ગ્રીષ્મનોય પણ સ્પર્શી શકે નહીં,
ઊતરી ગયા છે લોહીમાં રંગો વસંતના.

લોહીમાં વસંતના રંગો ઊતરી જાય ત્યારે રક્તવાહિની વસંતવાહિની-રંગવાહિની બની જાય અને હૈયું કેસૂડાઈ જાય… વસંતમાં રંગનો જ મહિમા છે. આ જ કવિ બીજી એક ગઝલમાં કહે છે:

આવું થવાને પાપ કહેવું એ જ પાપ છે,
ગેરુઆ વસ્ત્રમાં પડ્યો ડાઘો વસંતનો.

ગનીચાચાની તો વાત જ નિરાળી… કહે છે:

ઉદ્યાનમાં જઈને કર્યા મેં તમોને યાદ, (કેમ ભાઈ? તો કે..)
ફૂલોને જોઈતી હતી ફોરમ વસંતમાં.
પાપી હશે એ કોણ જે ગૂંગળાવે ગીતને,
કોકિલને કોણ શીખવે સંયમ વસંતમાં!

આ ઇન્દ્રધનુષની પિચકારી કાં સપ્ત રંગમાં ઝબકોળી?
ફાગણ નહિ આ તો શ્રાવણ છે, એમાંયે રમી લીધી હોળી?
છંટાઈ ગયા ખુદ, વ્યોમ સમું પોતાનું વસ્તર ભીંજાણું?
નવલું નીલાંબર ભીંજાણું.

પુરુરાજ જોશી બહુ જ ઓછા શબ્દોમાં જે વાત કહી શક્યા છે, એ કહેવા માટે પાનાનાં પાનાં ઓછાં પડે… સારી અને સાચી કવિતાની આ જ તો ખરી ખૂબી છે, ખરું ને?-

ફાગણમાં હોળી પ્રગટાવી !
ખુદને આપણે ખોયાં સાજન !

ગામમાં ફાગણ અને હોળીની ખરી મજા એના ફટાણામાં છે… ફાગણની વાત જ અલગ અને એય વળી જો ફટાણું હોય તો એમાં ગોળથીય મીઠ્ઠી લાગે એવી ગાળ પણ આવવાની જ. ફટાણાં ગાઈને સામી વ્યક્તિને અપશબ્દોથી નવાજવાની જે આઝાદી આપણા સાહિત્યમાં છે એ ખૂબ મજાની છે… કારણ આ રીતે આપવામાં આવેલી ગાળ પણ ગાળ નહીં, પ્રેમની પ્રસાદી જ લાગે છે… ખાખરાના કેસરી રંગમાં ર.પા.ને રંગભરી પીચકારીઓ નજરેચડે છે. આખું ગીત ફાગણનો ફાટ-ફાટ વૈભવ અને યૌવનના ઉંબરે ઊભેલાછોકરા-છોકરીની પ્રણયાસિક્ત સંવેદનાઓને એવી રમતિયાળ ઢબે રજૂ કરે છે કે વાંચતા-વાંચતા જ રમવા દોડી જવાનું મન થાય…

એન્ની માનું કોરું નહીં જાય કોઈ બાકી
કે ખાખરાએ ડાળીઓની પીચકારી તાકી
ને ઢોલ હાળા ધકામૂકી ધકામૂકી થાય…

ફળિયે પલાશ ફૂલ નીતરતું ઝાડ
અને હું રે વેરાઈ જઉં રાનમાં
મારી હથેળીમાંય એવી રેખાઓ
જેવી રેખાઓ ખાખરાના પાનમાં
લીંબોળી વાવીને છાંયડા ઊછેરું પણ ચોમાસું કેમ કરી વાવવું?
ફાગણની કાળઝાળ બળતી વેળામાં તારું પહેલા વરસાદ સમું આવવું
હવે આંખોને કેમ રે ભુલાવવું.

જ્યારે શબ્દકોશ અને શરીરકોષની સીમા વળોટીને આપણે પર્વ ઉજવીએ છીએ ત્યારે જીવન નંદનવન બને છે

આંખની તો વાત ના પૂછો કે એને શું થયું
દૃશ્ય સૌ ગાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે
શબ્દકોશો ને શરીરકોષોની પેલે પારનાં –
પર્વ ઉજવાતાં થયાં ગુલમ્હોર મ્હોર્યા એટલે

સુરેશ દલાલ અંબોડામાં કેસૂડો પરોવીને આંખોમાં ફાગણનો કેફ આંજી રમવા માટે જે ઈજન આપે છે એને કોઈ કઈ રીતે ઠુકરાવી શકે?

આંખ્યુંના આંજણમાં ફાગણનો કેફ અને અંબોડે કેસૂડો લાલ;
રંગ ને સુગંધના સરવરિયે સંગ સંગ સાંવરિયા રમવાને ચાલ !

અમે તલવાર ને ઢાલ છીએ ઘેરૈયા
અમે આજ અને કાલ છીએ ઘેરૈયા
અમે હોળીનો ગુલાલ છીએ ઘેરૈયા
અમે ફાગણનો ફાલ છીએ ઘેરૈયા

આજ મારા હૈયામાં ફાગણનો ફોરમતો ફાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …
રાધિકાનો રંગ એક, તારુ તે વ્હાલ રે…
પિચકારી મારો નહીં ગિરીધારીલાલ રે …

અંતે સુ.દ.ના સાંવરિયા રમવાને ચાલનો પડઘો ન પાડતા હોય એ રીતે કવિ મેઘબિંદુ જે વાત રજૂ કરે છે એને રંગપૂર્વક માણીને આવતીકાલની રંગછોળની પ્રતીક્ષામાં રત થઈ જઈએ-

ફાગણનો ફાગ અને ટહુકાનો સાદ
પછી મલક્યા વિના તે કેમ રહીયે
કામણ કીધા અહીં કેસુડે એવા
કે મહેક્યા વિના તે કેમ રહીયે

Comments (12)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૨

ગઈકાલે આપણે ફાગણવિષયક કાવ્યકડીઓની પ્રથમ રંગછોળથી રંગાયા… આજે ધૂળેટીના દિવસે વારો છે બીજી રંગછોળથી ભીંજાવાનો-રંગાવાનો…

ફાગણમાં પ્રકૃતિ તો અવનવા રંગે રંગાય જ છે, મનુષ્યો પણ હોળી-ધૂળેટીના બહાને રંગોથી રંગાવાનું ચૂકતા નથી. કહો કે, માનવ આ રીતે કુદરત સાથે બે’ક ઘડી તાદાત્મ્ય સાધી લે છે. ઝવેરચંદ મેઘાણીના બે કાવ્યોના અંશ માણીએ-

આજ ફાગણને ફાગ, રુમઝૂમતી રમવા નીસરી;
આજ ગલ ને ગુલાલ છાંટન્તી રમવા નીસરી;
રમવા નીસરી, મુખ રાતાં કરી રે.

ફાગણ આયો, ફાગણ આયો, ફાગણ આયો રે!
ઋતુઓ કેરો રાજન આયો- ફાગણ આયો રે!

દેશળજી પરમાર જેવા કવિ પણ વસંતની હોરીથી કિનારો કરી શક્યા નથી-

પિય, આવી વસંતની હોરી;
નિજ લાવી અધર-કટોરી.

બધા તહેવારોમાં હોળીનો તહેવાર શ્રેષ્ઠ છે એ વાત રા. વિ. પાઠક હોળીના રમતિયાળ હળવા હાસ્યવિનોદ સાથે કેવી સરસ રીતે સમજાવે છે! કાવ્યાંશ માણીએ-

બ્રાહ્મણ ગાતા વેદ, બળેવને દિન નાહી ધોઈ;
પણ નાતજાતના ભેદ: હોળીથી હેઠા બધા!
સૌ સૌએ તહેવાર, એક લાલ ટપકું ભાલે ધરે,
આ તો રેલે અબીલ ગુલાલ : હોળીથી હેઠા બધા!

બાલમુકુંદ દવેના ગીતોમાં ફાગણ સોળે કળાએ ખીલતો દેખાય છે. એક કાવ્યમાં વહેલા-મોડા બધા જ આ રંગોમાં રંગાયા વિના રહી શકવાના જ નથીનો કુદરતનો કાનૂન આલેખે છે તો બીજા કાવ્યમાં જરા બારી ઉઘાડી નથી કે ફાગણવાયુના કમાલનો શિકાર થયા નથીની ચીમકી એ આપે છે-

ફાગણ ફટાયો આયો, કેસરિયા પાઘ સજાયો
વરણાગી મન લુભાયો, રંગ છાયો રંગ છાયો રે.
કો રંગ ઊડે પિચકારીએ, કેસૂડે કામણ ઘોળ્યા
કોઈ ના કોરૂ રહી જશે, જી કોઈ મોડા કોઈ વ્હેલા!

દિલદડૂલો સમાલજે ગોરી!
ફાગણવાયુ કમાલ છે હોરી!
બા’ર જો ડોકાશે બારી ઉઘાડી,
વાગશે કો’કના નેણની ગેડી!’

નિનુ મજમુદારની રચનામાં પોતાને છોડીને અન્ય સ્ત્રીના રંગે રંગાતા દિલફેંક પિયુની વાત કેવી નજાકતથી રજૂ થઈ છે એ જોવા જેવું છે-

સઘળા રંગો મેં રોળ્યા દિલના રંગની સાથ
તોય પીયુની પાઘડીએ પડી કોઈ અનોખી ભાત

બધા જ કવિ ફાગણના રંગે રંગાતા હોય તો ઉમાશંકર જોશી કંઈ બાકાત રહે? જુઓ આ-

ગોરી મોરી, ફાગણ ફાલ્યો જાય કે ચૈતર કોણે દીઠો રે લોલ;
વ્હાલા મોરા, જોબન ઝોલાં ખાય કે ઝૂલણો લાગે મીઠો રે લોલ.

બહેકે જૂઈ ચમેલડી, બહેકે મલયસમીર
ફરકે મઘમય મ્હેંકતા વનદેવીના ચીર
પલાશ પુષ્પિત શોભતો જાણે દવની ઝાળ
વન વન આંચ લગાડતો ફાગણ ભરતો ફાળ

‘ફાગ ખેલો! રાગ રેલો! આજ આવી ફાગણી!’
હવા ગાતી ફરે ઘર ઘર મઘુરમદીલી રાગણી

વિશ્વનો આનંદ ઢૂંઢતી જોગણ ફાગણી આવી
ચાંદની એનો અંચળો શોભન ફાગણી આવી

ફાગણ ફૂલ્યો ફુલડે, જાણે સુહાગી ફાગ
કંઠે આવી ઉછળે હરદમ ભર્યો જે રાગ

હવા મહીં કો’ વેરતું આછો અબીલગુલાલ
હસી ઉઠે, છંટાય ત્યાં, હૈયા લાલમલાલ

રાજેન્દ્ર શાહ તો જાણે ફાગણ વેચવા ન નીકળ્યા હોય એમ કોઈ ફાગણ લ્યોની આહલેક જગાવતા નીકળી પડ્યા છે… એમના ત્રણેક કાવ્યોના રસિકાંશ માણીએ-

હે જી ફાગણ આયો ફાંકડો કોઈ ફાગણ લ્યો
એના વાંકડિયો છે લાંક રે કોઈ ફાગણ લ્યો

હો સાંવર થોરી અંખિયનમેં જોબનિયું ઝૂકે લાલ,
મોરી ભીંજે ચુંદરિયા, તું ઐસો રંગ ન ડાલ
હો સાંવર લીની કેસર ઝારી, મૈને લીનો ગુલાલ

દુનિયા કેરા ચોકમાં આજે કોણ છોરી કોણ છેલ?
ગાનમાં ઘેલાં, રંગમાં રોળ્યાં રમતાં રે અલબેલ!
આવી સુખ સુહાગન વેળ, ચારિ ઓર લાલ ઉડાયો રી.
ફાગુન આયો રી!

નિરંજન ભગત જેવા ગંભીર પ્રકૃતિના કવિ પણ વસંતના રંગથી બચી શક્યા નથી-

વસંતરંગ લાગ્યો! કુંજ કુંજ પલ્લવને પુંજ પ્રાણ જાગ્યો!

તો સામા પક્ષે વેણીભાઈ પુરોહિત તો જીવ જ રંગ અને રસના… ફાંકડો ફાગણ એમની કલમે સિરસ્થાન ન પામે તો જ નવાઈ કહેવાય, ખરું ને?

ફાગણ લાવ્યો ફૂલડાં ને વસંત લાવી રંગ:
ફાગણ ફાંકડો.
લડાવે પિચકારીના પેચ,
કરે છે લોચનિયાં લે-વેચ,
ખુશીની ચાલે ખેંચા-ખેંચ-
રંગમાં રંગ મટોડી
રમે રૂદિયામાં હોળી!
ફાગણ ફાંકડો.

સુન્દરમ્ સંતોષી જીવ છે. એમને આખી દુનિયાનો ખપ જ નથી…. કામણગારા કેસૂડાનું એક જ ફૂલ મળે એટલામાંય એમનું ચિત્ત તો રાજી રાજી…

મને ફાગણનું એક ફૂલ આપો, કે લાલ મોરા
કેસૂડો કામણગારો જી લોલ.

જયન્ત પાઠકના એક ખૂબ મજાના ગીતનો ઉપાડ જોવા જેવો છે:

વસંતને ક્હેજો કે એકલી ના’વે:
પલ્લવના પાલવમાં મઘમઘતી એકબે
મંજરીઓ લીમડાની લાવે
કે એકલા હૈયાને ઓછું ના આવે!

હોળીમાં રંગ લઈને નીકળતા ઘેરૈયા હવે તો આપણી લોકસંસ્કૃતિનો ભૂતકાળ બનવા આવ્યા છે. ગામડાંઓમાં હજી આ પ્રથા ક્યાંક ક્યાંક જોવા મળે છે. હોળીના ઘેરૈયાની અડોઅડ સૃષ્ટિના ઘેરૈયાને મૂકીને કવિ પ્રહલાદ પારેખના ઉત્તમ સર્જન ‘ઘેરૈયા’ની આખરી બે પંક્તિઓ જોઈએ-

અમે ઘેરૈયા સૌ બહુ બહુ ઘૂમી શોધ કરતા,
કહીં ઘેરૈયો એ, કહીં છૂપવિયો રંગનિધિ આ?

જગદીશ ધનેશ્વર ભટ્ટની મજાની રચનાનો અંશ પણ પ્રમાણવા જેવો છે-

શો ફાગણ કેરો લટકો!
મઘમઘતી કળીઓની સંગે રમતો અડકો દડકો
ખળખળ વહેતા મૌન વચાળે કોણ ભરે રે ચટકો!
શો ફાગણ કેરો લટકો!

રંગ અવધૂત જેવા સંત પણ ફાગણમાં વિરહી નારનું પ્રતીક લઈને ઈશ્વર માટેની આરત પ્રગટ કરવાથી બચ્યા નથી. ફુલ્લકુસુમિત કેસુડાથી બગીચો ખીલી ઊઠ્યો હોય અને સખીસહેલી હોળી રમવામાં મગ્ન હોય તોય જેના મનમાં વિરહની હોળી સળગે છે એને તો તન ખાખ થઈ રહ્યું હોવાની અનુભૂતિ જ થાય ને! પ્રેમની ભભૂતિ અંગે ચોળીને એ પિયુ પિયુની માળા જપી રહી છે.

કુસુમાકર કેસૂડે ખીલ્યો, ભર પિચકારી માર;
સખી સાહેલી હોળી ખેલે, એકલડી હું નાર!
ઘર ઘર હોળી કાષ્ઠ જલાવે, મન હોળી તન ખાખ,
પ્રેમ-ભભૂતી ચોળી અંગે, ‘પિયુ પિયુ’ ફેરું માળ.

Comments (16)

ફાગણ ફોરમતો આવ્યો રે…. રંગછોળ : ૦૧

વસંતપંચમીએ પંચમસ્વરે છડી પોકારી નથી કે પાનખરમાં આખેઆખી કાયા ખંખેરી દઈ ખાલી થઈ ગયેલાં વૃક્ષોના હાડપિંજરમાં લીલો ગરમાટો છવાવો શરૂ થઈ જાય… વસંતનો આ રાગ ફાગણના ફાગ સુધી પહોંચતા સુધીમાં તો કેસૂડે કેસરિયાળાં કામણ દેખા દેવા માંડે છે અને થોડા જ દિવસોમાં ગુલમહોર અને સોનમહોર પણ લાલ-પીળા વાઘે સજી ધૂળેટીની તૈયારી આદરે છે… હોળી જાય અને તાપ સોળે કળાએ ખીલે ત્યારે ગરમાળો પણ મંચપ્રવેશ કરે છે પણ અત્યારે આપણી વાતનું કેન્દ્રબિંદુ ફાગણ અને હોળી-ધૂળેટીને લગતી કાવ્યકૃતિઓ હોવાથી આપણે એ દિશામાં આગળ વધીએ…

શરૂઆત પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસથી કરીએ. છસોએક વર્ષ પહેલાં કોઈક અનામી કવિએ રચેલ આ કૃતિ તમામ ફાગકાવ્યોના બ્રાન્ડ એમ્બેસડર જેવી છે.

નવયૌવન અભિરામ તિ રામતિ કરઈ સુરંગિ |
સ્વર્ગિ જિસ્યા સુર ભાસુર રાસુ રમઈ મન રંગિ ||
નવયૌવનથી અભિરામ (યુવકો) રંગથી રમે છે. સ્વર્ગના તેજસ્વી દેવો જેવા તેઓ અંતરના ઉલ્લાસથી રાસ રમે છે.

મુનિજનનાં મન ભેદઈ, છેદઈ માનિની માન |
કામીય મનહ આણંદએ કંદએ પથિકપરાણ ||
(વાસંતી વાયરા) મુનિજનોના મનને ભેદે છે, માનુનીઓનાં માન છેદે છે, કામીના મનને આનંદિત કરે છે, અને પથિકજનોના પ્રાણને પીડે છે.

કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ |
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ ||
કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

આદિકવિ નરસિંહ મહેતાના ખજાનામાં પણ ફાગણના અનેક રત્નો ભર્યાં પડ્યાં છે… બેએકનો ચળકાટ માણીએ-

કેસરભીના કહાનજી, કસુંબે ભીની નાર,
લોચન ભીનાં ભાવ–શું, ઊભાં કુંજને દ્વાર.
વેગે કુંજ પધારિયા, લચકે થઈ ઝકઝોળ,
નરસૈયાચો સ્વામી ભલે મળિયો, રંગ તણા બહુરોળ.

ચાલ રમીએ સહિ ! મેલ મથવું મહી,વસંત આવ્યો વનવેલ ફૂલી;
રસિક મુખ ચુંબીએ, વળગીએ, ઝુંબીએ,આજ તો લાજની દુહાઈ છૂટી.
નરસૈંયો રંગમાં અંગ ઉન્મત થયો,ખોયેલા દિવસનો ખંગ વળશે.

મીરાંબાઈના તો અનેક પદ… કિયા તે નામે લખવી કંકોતરી જેવો ઘાટ થાય, એટલે ચાંગલુક આચમન કરી ભીનાં થઈએ-

અબીલ ગુલાલકી ધુમ મચાઈ, ડારત પિચકારી રંગ,
લાલ ભયો વૃંદાવન જમુના, કેસર ચુવત અનંગ.
(આખેઆખું વૃંદાવન અને યમુનાના જળ લાલઘૂમ બની જાય, કામ ટપકતો હોય એવી અબીલગુલાલની ધૂમ એટલે હોળી.)

હોલી પિય બિન લાગૈ ખારી, સુનો રી સખી મેરી પ્યારી! ગિણતા ગિણતા ઘિસ ગઈં રેખા, આઁગરિયાઁ કી સારી! અજહૂઁ નહિં આયે મુરારી!
(પ્રિયજન વિનાની હોળી અકારી છે. પ્રતીક્ષાના દિવસો ગણતાં ગણતાં આંગળીઓના વેઢા ઘસાઈ ગયા પણ મુરારી આવ્યા નહીં.)

જાને ક્યા પિલાયા તૂને, બડા મજા આયા,
ઝૂમ ઊઠી રે મૈં મસ્તાની દીવાની।
(દિપીકા-રણવીરની ફિલ્મનુંગીત યાદ આવ્યું?)

કેનૂ સંગ ખેલૂ હોલી?
પિયા ત્યજ ગયે હૈં અકેલી…

હની હો ચૂવા ચંદન ઘોળિયાં, કેસર ચંદન છીરકત ગોરી હો,
હની વનરા તે વનની કુંજગલનમાં, રાધા મોહન ખેલે હોળી હો.
(અગરના વૃક્ષનો અર્ક ઘોળ્યો છે, ને સુંદરી ચંદન છાંટે છે, આમ વનરાવનની કુંજગલીમાં રાધા-મોહન હોળી રમે છે)

ચાલો, સખી! વનરાવન જઇયે, મોહન ખેલે હોળી,
સરખી સમાણી તેવતેવડી મળી છે ભમર-ભોળી.
ચૂવા ચંદન ઓર અરગજા ગુલાલ લિયે ભર ઝોળી,
બાઈ મીરાં કે પ્રભુ ગિરિધર નાગર, મળી ભાવતી ટોળી.
(ચાલો સખી, વનમાં જઈએ. શ્રીકૃષ્ણ હોળી રમે છે. બધી (સખીઓ) સરખી જ ભલી-ભોળી મળી છે. ઝોળી ભરીને અગર, ચંદન અને પીળો સુગંધી ગુલાલ લઈને ગમતી ટોળી આવી મળી છે)

આજથી ત્રણેક સદી પૂર્વે ધ્રાંગધ્રા તરફના ગઢવી જીવણ રોહડિયાની ‘બારમાસી’માંથી ફાગણનો એક અંશ પણ સાંભળવા જેવો છે-

અંબા મોરિયા જી કે કેસુ કોરિયા,
ચિત્ત ચકોરિયા જી કે ફાગણ ફોરિયા.
ગલ્લાલ ઝોળી, રમત હોળી, ગોપ રમાવણાં,
આખંટ રાધા, નેહ બાધા! વ્રજ્જ માધા આવણાં!
(આંબા મહોર્યાં છે ને કેસૂડા કોળ્યાં છે, ચિત્ત ચકોર જેવા ચંચળ બન્યાં છે, કારણ કે ફાગણ ફોર્યો છે. ઝોળીમાં ગુલાલ ભરી હોળી રમાય છે ત્યારે હે ગોવાળોને રમાડનાર, સ્નેહથી બંધાયેલ કૃષ્ણ! રાધા કહી રહી છે કે વ્રજમાં આવો.)

અઢારમી સદીમાં થઈ ગયેલ રણછોડ લખે છે-

કેસર કેસુ લાલ ગુલાલા, ઉરણ ભયો આકાશ ફૂલ્યો હે ફાગણ માસ.

એ જ સદીમાં થઈ ગયેલ રત્નો સંસ્કૃત સાહિત્ય કે જૈનાચાર્યોના યુગથી ચાલતી ફાગુ કાવ્યોની પરંપરામાં ઉમેરો કરતાં કહે છે –

ફાગણ આવ્યો હે સખી, કેસૂ ફુલ્યાં રસાળ, હૃદે ફુલી ન રાધિકા, ભ્રમર કનૈયાલાલ
સઘળો શિયાળો વહી ગયો, આવ્યો ફાગણ માસ, અંતરમાં અતિ ઉપજે, હોળી રમવાની આશ

ફાગણનાં ફૂલ ખીલી ઊઠ્યાં છે આવામાં એનો સાથ સોહામણો લાગે પણ કપટી કૃષ્ણ ગોકુળ પરત આવ્યા નથી. હે સોહામણા રંગવાળા શ્યામ ! ફાગણ ફોરી ઊઠયો છે.આવામાં તો અંગ ઉપર રંગ હોય તોજ શોભે પણ હે નંદજીના લાલ ! તને તો મૂળથી જ અમારી માયા નથી રહી. આવો ગુસ્સો તો કંસ ઉપર જ કરાય, ભરપૂર જોબનવંતી રાધા ટોળીમાં હોળી રમતાં રમતાં કૃષ્ણને આમ કહે છે. અંત્યપ્રાસ અને આંતર્પ્રાસની અદભુત રચનાના કારણે આ ચારણી કૃતિ સાદ્યંત સંતર્પક થઈ છે. મેઘાણી લખે છે એમ આ રચનાકારનું નામ મોટા ભાગે ભૂરો છે. કદાચ ઉપલેટાના રહીશ ભૂરો રાવળ અથવા ભૂરો મીર પણ હોઈ શકે…

કપટી ના’વ્યા કાનજી, ગિરધારી ગોકૂલ,
સાથ લાગ્યો સોહામણો, ફાગણ ખીલ્યાં ફૂલ.
ફાગણ ફુરંગા, શામ સુરંગા ! અંગ રંગા ઓપીએ,
મુળગી ન માયા, નંદજાયા ! કંસ ઉપર કોપીએ,
ભામન ભોળી, રમે હોળી, તેમ ટોળી તાનને,
ભરપૂર જોબનમાંય ભામન, કહે રાધા કાનને.
જી ! કહે રાધા કાનને.
– ?ભૂરો

ભાવનગરના રાજકવિ પીંગળશીભાઈ પાતાભાઈની રાધાકૃષ્ણની આધુનિક બારમાસીમાંથી ‘ફાગણ’નો વૈભવ પ્રમાણીએ-

ફાગુન પ્રફુલિત, બેલ લલિતં, કીર કલિતં કોકિલં,
ગાવત રસગીતં, વસંત વજીતં, દન દરસીતં દુખ દિલં;
પહેલી કર પ્રીતં, કરત કરીતં, નાથ! અનીતં નહિ સારી,
કહે રાધે પ્યારી, હું બલિહારી, ગોકુલ આવો ગિરધારી!
(ફાગણ ખીલતાં વેલીઓ લલિત લાગે છે, પોપટ ને કોયલો કિલકિલાટ કરતાં રસગીતો ગાય છે, પણ વસંતના આવા દિવસોમાં મારું દિલ દુઃખાય છે. પ્રથમ પ્રીત કર્યા બાદ આવી કુરીતિ કરવાની અનીતિ સારી નથી…)

Comments (9)

સપનું – નેહા પુરોહિત

રાત્રિના છેલ્લા પહોરે એક સપનું આવ્યું
ને
સપનામાં આવ્યો સૂરજ!
મધરો મધરો મલકે મારી સામે.
કહેઃ
‘ચાલ, મારું ચિત્ર બનાવ.’
મેં કહ્યું, ‘પહેલા સવારની ચા તો બનાવી લઉં..’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર પછી કહે,
‘આપણી મુલાકાત પર એક કવિતા લખ.’
મેં કહ્યું, ‘નાસ્તો તૈયાર કરું છું. એમને ઓફિસ મોકલી દઉં પછી…’
કહે – ‘તથાસ્તુ!’
થોડીવાર રાહ જોઈ કહે:
‘મંડલા આર્ટ તો ફટાફટ થઈ જાય ને! એમાં મારું ચિત્ર કરી દે તો?’
મેં કહ્યું: ‘સાસુ-સસરાને ભૂખ લાગી હશે. રસોઈ કરી દઉં?’
એની માંગણી તો ચાલુ ને ચાલુ.
પણ બપોરે પહેલાં સફાઈ યાદ આવી, ને પછી વાસણ.
પછી આવ્યો કપડાંનો વારો ને પછી કચરાંપોતાંનો ને ફરી સાંજની ચાનો ને ફરી રાતની રસોઈનો.
એ તો કેવળ મધરો મધરો મલકાતો જ રહ્યો,
ને કહેતો રહ્યો,
તથાસ્તુ!
આજે જરા સમય મળ્યો તો થયું,
લાવ, કવિતાય બનાવી દઉં ને ચિત્ર પણ.
દેવતા કહેવાય એ તો.
ક્યાં સુધી વાટ જોવરાવવી?
બહુ કોશિશ કરી,
ઊભી થવા ગઈ
તો ધ્રુજતા હાથથી
લાકડી પણ છટકી ગઈ
ને…

– નેહા પુરોહિત

આજે વિશ્વ મહિલા દિવસ. આમ તો અંગત રીતે હું આ દિવસનો પ્રખર વિરોધી છું, કારણ કે વરસની ત્રણસો ચોંસઠ ચોકલેટ પોતાના ખિસ્સામાં રાખી સ્ત્રીઓને એક ચોકલેટ આપી રાજી રાખવાની પુરુષોની આ ચાલ મને પસંદ નથી. સ્ત્રી-પુરુષ સમાનતા તો રામાયણ-મહાભારતમાં પણ જોવા નથી મળતાં. લક્ષ્મણરેખા-અગ્નિપરીક્ષા-ઘરનિકાલ અને વસ્ત્રાહરણ ત્યારે પણ પુરુષો માટે નહોતાં અને આજે પણ નથી. પ્રસ્તુત રચના સીધી રીતે તો સ્ત્રી-પુરુષ અસમાનતાની વાત નથી કરતી, પણ બહુ સરસ અને વેધક રીતે ઘરમાં સ્ત્રીના નીચલા સ્થાનને ચાક્ષુષ કરે છે. રાતના છેલ્લા પહોરે જોયેલું સપનું કવયિત્રી આપણને બતાવે છે. કહે છે કે વહેલી સવારનું સપનું સાચું પડતું હોય છે. આપણને પણ સમજાય છે કે જે છે, એ નક્કર હકીકતથી જરાય ઓછું નથી.

નાનકડી માંગણીના બદલામાં સૂરજદાદા વરદાન આપવા તત્પર થયા છે, પણ સ્ત્રીનો આખો જન્મારો ઘરનું વૈતરું કરવામાં જ પસાર થઈ જાય છે. મોટા શહેરોમાં કંઈક અંશે પરિસ્થિતિ બદલાઈ છે એની ના નહીં, પણ હજી આજે પણ મોટાભાગના ભારતીય સમાજમાં પુરુષોની તુલનાએ સ્ત્રીઓએ જ ઘર સંભાળવું પડતું હોય છે. કવિતાના અંતે અચાનક ઘડપણનો અણસાર આપી ધ્રુજતા હાથમાંથી છટકે જતી લાકડી સાથે ‘ને…’ કહીને કવયિત્રીએ કાવ્ય અધૂરું છોડી દઈ સ્ત્રીની વેદનામાં સમભાગી થવા ઈજન આપ્યું છે…

Comments (11)

મોજ – નીતિન વડગામા

જેવી જેની મોજ.
કોઈ કરે છે ખાંખાંખોળાં, કોઈ કરે છે ખોજ.

કોઈ હજી હાંકે છે જાણે એમ હવામાં હોડી.
પાર ઊતરવા કરતાં કેવી ફોગટ દોડાદોડી!

મનથી માણસ ગાંગો તેલી, મનથી રાજા ભોજ.
જેવી જેની મોજ.

કોઈ જુએ છે પરપોટાના મૂળમાં રહેતું પાણી,
કાળમીંઢ પથ્થરમાં વહેતી દેખે છે સરવાણી.

દિલનો દીવો દિવાળી ઊજવતો રોજેરોજ.
જેવી જેની મોજ.

– નીતિન વડગામા

તુંડે તુંડે મતિ ભિન્ના:। હાથની બે આંગળી સરખી ન હોય એમ બે માણસ અને બે માણસની પસંદગી પણ એકસમાન ન જ હોય એ સ્વાભાવિક છે. કોઈને કેવળ ખાંખાખોળા કરવામાં, વ્યર્થ ઉત્પાત મચાવવામાં મોજ પડતી હોય તો કોઈકને સાચી ખોજ કરવામાં મજા પડતી હોય એ બનવાજોગ છે. માણસ મનથી જ ગરીબ પણ હોય ને તવંગર પણ. કોઈ પરપોટાના સૌંદર્યને- વજનશૂન્યતા, આકાર, પાણી-પ્રકાશની લીલાથી રચાતા મેઘધનુષનું સૌંદર્ય માણવાના બદલે એના બંધારણના પિષ્ટપેષણમાં રત રહે છે તો કોઈ કાળમીંઢ પથ્થરમાં પણ સરવાણી જુએ છે. આવા માણસ માટે તો રોજેરોજ દિવાળી… ખરું ને!

સાચી ખોજ અને ઉપલક ખાંખાખોળા વચ્ચે ભેદરેખા આંકીને ભીતરી મોજ માટે આહ્વાન આપતું મસ્ત મજાનું ગીત…

Comments (18)

ચપટી ચોખાનું ગીત – નવનીત ઉપાધ્યાય

ચપટી ચોખા ને ચપટી કંકુ રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

ડાળખીને ફૂટું ફૂટું ફાગણનું રૂપ,
જોઈ એને વાયરાનું મન મીઠું ચૂપ,
રુમઝૂમતો પંખીનો છાંયો રે લાવો,
મારી આતુરતાનો દરિયો… વધાવો.

આણીકોર્ય ઓલીકોર્ય બેય કોર્ય હાલું,
ટહુકે છે રસ્તા હું કેમ મને ઝાલું,
ગીતોના મઘમઘ સાથિયા પુરાવો,
મારી આતુરતાનો દરિયો વધાવો.

– નવનીત ઉપાધ્યાય

એવો કવિ તો ક્યાંથી ગોતવો જેણે ફાગણનાં ગીતો ન ગાયાં હોય! ફાગણ માટેની આતુરતા તો દરિયા જેવી અસીમ-અપાર છે. પણ એની વધામણી ચપટીક કંકુચોખાથી ચાલી જશે… વામન અને વિરાટ વચ્ચેના આ વિરોધાભાસ, અને ઉભયને વળી અડખેપડખે રાખી આગળ વધતું હોવાથી ગીત પ્રારંભે જ આપણને ગમી જાય છે. એકદમ લાઘવ સાથે સરળ પ્રતીકો અને સહજ બાનીમાં રજૂ થયું હોવાથી ગીત વાંચી લીધા બાદ પણ લાંબા સમય સુધી આપણી ભીતર ક્યાંક રણઝણતું રહી જાય છે…

Comments (11)

વસંત આ વરણાગી! – પ્રજારામ રાવળ

શિશિર તણે પગલે વૈરાગી,
વસંત આ વરણાગી !

એક ખેરવે વસ્ત્ર પુરાતન
બીજો મખલમ ઓઢે
એક ઊભો અવધૂત દિગંબર,
અન્ય પુષ્પમાં પોઢે!
શીતલ એક હિમાલય સેવી
અન્ય જગત અનુરાગી! વસંત આ વરણાગી!

એક મુનિવ્રત ભજે અવર તો
પંચમ સ્વરથી બોલે;
અરપે એક સમાધિ જગતને,
અન્ય હૃદયદલ ખોલે!
સ્પંદે પૃથિવીહૃદય વળી
વળી રાગી ને વૈરાગી! વસંત આ વરણાગી!

– પ્રજારામ રાવળ

શિશિર અને વસંત – ઋતુચક્રમાં પરસ્પર અડોઅડ હોવા છતાં સાવ ભિન્ન! વૈરાગી શિશિરના પગેરું ચાંપીને વરણાગી વસંત હળુ હળુ પ્રવેશે છે, પણ કવિને કોઈ એકની સ્તુતિ કરવાના બદલે પ્રકૃતિના આ બે અંતિમો વચ્ચેના વિરોધાભાસને ઉપસાવવામાં વિશેષ રસ છે. પ્રવાહી લય અને મસૃણ પ્રતિકોના યથોચિત પ્રયોગના કારણે ગીત વાંચતાવેંત હૃદયને સ્પર્શી જાય છે. શિયાળામાં જૂનાં પાંદડાં ખરી જતાં દિગંબર અવધૂતનો વેશ ધારતાં વૃક્ષો વસંત આવતાં જ જાણે કે મખમલની લીલી ચાદર ઓઢી પુષ્પોથી છલકાવા માંડે છે. શિશિરમાં મૌનવ્રત ધારી લેતાં પંખીઓ વસંત આવતાં જ પંચમ સ્વરે ગાન આલાપે છે. શિશિરમાં સમાધિસ્થ જણાતી વૈરાગી પ્રકૃતિ વસંતમાં પુષ્પોથી લચી પડતાં ઝાડવાંઓથી જાણે હૃદયના પડળો ન ખોલતી હોય એવી રાગી ભાસે છે.

Comments (3)