સુરેશ દલાલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
June 13, 2013 at 2:20 am by વિવેક · Filed under અછાંદસ, જયા પ્રભા, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
કિનારા પરની રેતીમાં
ખોવાઈ ગયેલી વીંટી જેવો
છે પ્રેમ.
મળશે એની આશામાં ને આશામાં
તમે શોધ્યા જ કરો
વીંટી કેમેય કરી મળતી નથી.
આશા મરતી નથી.
જીવનની આસપાસ કંટાળો
પથરાય છે રેતીની જેમ.
- જયા પ્રભા (તેલુગુ)
(અનુ. સુરેશ દલાલ)
પ્રેમ નામની લાગણી પર તો ગ્રંથોના ગ્રંથો લખાઈ ચૂક્યા છે ને લખાતા રહેશે. પણ ક્યારેક વાસ્તવિક્તાને અડતી આવી અભિવ્યક્તિ જડી જાય છે…
Permalink
October 16, 2012 at 12:30 am by ધવલ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
જ્યારે એણે પોતાના રૂમની બત્તી બુઝાવી નાખી’તી, ત્યારે
તરત જ એ જાણી ગયો’તો કે આ એ પોતે જ હતો
પોતાના અવકાશમાં, રાત્રિની અનંતતાથી
અને લાંબી ડાળીઓથી વિખૂટો પડેલો. એ
ઊભો’તો અરીસાની સામે પોતાની સાબિતી માટે
પણ એના ગળામાં ગંદી
દોરીએ ગંઠાયેલી આ લટકતી ચાવીઓનું
શું ?
- યાનિસ રિતસોસ
(અનુવાદ – સુરેશ દલાલ)
ઊછીના પ્રકાશનું અવલંબન છૂટે એ રાતની વાત છે. બાહ્ય આવરણોથી નિરપેક્ષ એ રાત્રિમાં પ્રવેશતા જ ખ્યાલ આવે છે – હા, આ જ ખરો હું છું. સઘન અંધકારમાં ઓગળતી જાત, પોતાની સામે, પોતાની ઓળખાણ પામે એ રાતની વાત છે. અવકાશમાં છૂટ્ટો પડેલો, સિમાઓથી જ નહીં પણ અનંતતાથી પણ વિખૂટો પડી ગયેલો માણસ, પોતાની નાળ(લાંબી ડાળીઓ)થી વિભક્ત માણસ જ પોતાની જાતની સામે પ્રગટ થવાની હિંમત કરી શકે છે. એ ક્ષણે, આ જો સામાન્ય કવિતા હોય તો, માણસને જ્ઞાન અને મુક્તિનો અનુભવ થાય. પણ અહીં ? અહીં તો એને પોતાના ગળે ગંદી દોરીથી લટકતી ચાવીઓનો લોહકણિકા જેવો ભાર ઘેરી વળે છે. ચાવીઓનો સંબંધ તાળાઓ સાથે છે, ચાવીનો સંબંધ બંધ દરવાજાઓ સાથે છે, ચાવીઓનો સંબંધ સંકિર્ણ ને અભેદ્ય વાસ્તવિકતા સાથે છે. એની સામે, આત્મદર્શની ક્ષણે પણ, માણસ સર્વથા અસમર્થ છે.
Permalink
September 8, 2012 at 7:30 am by તીર્થેશ · Filed under અછાંદસ, સુરેશ દલાલ
ચિતાનાં
લાકડાં ગોઠવ્યાં હોય એમ
ઓશીકાં
મારી પથારી પર….
તારું સ્મરણ
મને અગ્નિદાહ આપે
અને ભડભડ બળે મારી રાત
સવારે હું રાખ, રાખ….
-સુરેશ દલાલ
Permalink
August 25, 2012 at 12:30 am by વિવેક · Filed under પ્રાર્થના, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

*
*
મને ઘૂઘવતા જળે ખડકનું પ્રભુ ! મૌન દો !
- સુરેશ દલાલ
*
*
જે રીતે સુંદરમે દોઢ લીટીમાં -તને મેં ઝંખી છે, યુગોથી ધીખેલા પ્રખર સહરાની તરસથી- પ્રેમનો આખો ઉપનિષદ લખી નાંખ્યો એમ સુ.દ.ની આ એક લીટીની પ્રાર્થના પણ જગતભરની પ્રાર્થનાઓમાં મોખરાનું સ્થાન મેળવી શકે એવી અદભુત છે…
Permalink
August 18, 2012 at 6:00 am by વિવેક · Filed under ગીત, સુ.દ. પર્વ, સુરેશ દલાલ
(સુરેશ દલાલ…. ….ચિરયુવાન)
*
આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.
શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.
સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.
નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.
પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.
- સુરેશ દલાલ
પંખી તો ઊડી ગયું પણ ડાળ સતત કંપતી રહેશે. સુ.દ.ના જવાથી ગુજરાતી સાહિત્યજગતમાં સર્જાયેલો ખાલીપો લાંબા સમય સુધી અનુભવાતો રહેશે. આ સાથે સાત દિવસથી ચાલી રહેલો અને ચૌદ કવિતાઓ મઢેલ "સુ.દ. પર્વ" અહીં પૂર્ણ કરીએ છીએ. કવિના પોતાના શબ્દોમાં કહીએ તો: "મૃત્યુથી મોટું પૂર્ણવિરામ અન્ય કોઈ નથી".
*
(સુ.દ.પર્વ તસ્વીર સૌજન્ય: શ્રી હિતેન આનંદપરા, શ્રી સંદિપ ભાટિયા)
Permalink
August 18, 2012 at 12:30 am by વિવેક · Filed under મુક્ત સૉનેટ, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.
ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને જોઉં છું ત્યારે
એના જળને કાચની દીવાલ બહાર પણ જોઈ શકું છું
સરોવરના જળરૂપે કે વાદળના ગર્ભમાં પણ.
ચાર દીવાલની બહાર જગત છે –
પણ જગતની બજારમાં ઊભા રહેવાનો કોઈ નશો નથી.
બધી દીવાલોને વીંધીને નીકળી જવું છે ક્યાંક
નીરવ શાંતિના લયબદ્ધ કોઈ તટ ઉપર.
હું ઘડિયાળને જોઉં છું ત્યારે કેવળ આંકડા કે કાંટાઓને જોતો નથી.
વર્તુળાકાર ગતિને ભેદીને નીકળી જવાની મારી ઝંખના છે.
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ.
શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ?
- સુરેશ દલાલ
કવિના પોતાના શબ્દોમાં:
"હકીકત અને સત્ય વચ્ચે એક સૂક્ષ્મ રેખા છે. કેટલીક હકીકતો તમને વળગેલી હોય છે. દા.ત. જન્મ, બચપણ, સંસ્કાર, સમગ્ર વાતાવરણ, સ્મૃતિ વગેરે. હકીકત એ પ્રથમ પગથિયું છે. એ પગથિયા પર ફસડાઈ પડવામાં મને રસ નથી. લોકો જ્યારે જ્યારે હકીકતને ઓળંગી શકે છે ત્યારે ત્યારે એટલા પૂરતા ખુશનસીબ છે. પાણી એ કદાચ હકીકતથી ગૂંગળાતો મારો જીવ છે. જળનું વાદળના ગર્ભમાં રહેવું એ એની સ્વાભાવિક્તા છે. જળનું સરોવરનું રૂપ એ એનું સૌંદર્ય છે. જળનું પાણીના ગ્લાસમાં રહેવું એ નકરી વાસ્તવિક હકીકત છે. હકીકતનો આપણે કાંકરો કાઢી શકતા નથી, કારણ કે તરસ લાગી હોય ત્યારે પેલો પાણીનો ગ્લાસ જ મદદે આવે છે. મારું જીવન એ બાહ્ય દૃષ્ટિએ હકીકત છે; પણ મારું કાવ્ય એ સત્ય છે. શરીર એ હકીકત છે. હું મારા શરીરથી અન્યના શરીર સુધી અને એ દ્વારા અન્યના આત્મા લગી પહોંચી શકું તો એ ક્ષણ કદાચ કાવ્ય હોય તો હોય.
"ગદ્યમાં લખાયેલું આ સૉનેટ છે. એની ચૌદ પંક્તિની હકીકતને સાચવી છે પણ છંદની હકીકતને તથા અન્ય કેટલાંક લક્ષણોને ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્યમાં આ ઓળંગવાનો પ્રયત્ન કરી શક્યો, એ જો જીવનમાં કરી શક્યો હોત તો આ મૂંઝવણ, વ્યથા કે વ્યથાનું કાવ્ય ન રહેત."
Permalink
August 17, 2012 at 6:00 am by વિવેક · Filed under સુ.દ. પર્વ, સુરેશ દલાલ, સોનેટ

(મંદક્રાન્તા)
ત્હારું પ્હેલું રુદન સ્મિતની છોળ થૈને છવાયું !
ચ્હેરોમ્હોરો ધવલ તન ને ઓષ્ઠની પાંદડીઓ,
બિડાયેલાં નયન નમણાં : પોપચાંની સુવાસ;
ત્હારા પ્હેલા પરિચય થકી અંતરે લાગણી શી !
જાણે મારું બચપણ અહીં પારણામાં પધાર્યું !
ઓચિંતાનું વદન ભરીને હાસ્ય તારું સુહાય,
ને તું વ્હેતા પવન મહીં શા પાય ત્હારા ઉછાળે;
આક્રન્દોથી પલકભરમાં ખંડ ક્યારેક ગાજે
આશંકાનાં મનગગનમાં વાદળાંઓ છવાય !
ટીકી ટીકી કાશી નીરખતી શ્યામળી કીકીઓ બે;
કાલીઘેલી કદિક સરતી વાણી તારી અગમ્ય.
(લીલા તારી અભિનવ નિહાળી થતાં નેણ ધન્ય)
ધીમે ધીમે ડગ લથડતા ધારતા સ્થૈર્ય તેમાં
જોઉં છું હું નજર ભરીને મ્હાલતું ભાવિ મારું !
-સુરેશ દલાલ
રખે કોઈ સુ.દ.ને ગીત અને અછાંદસના કવિ ગણી લે. એમણે છંદોબદ્ધ સોનેટ અને મુક્તસોનેટમાં પણ ઘણું ખેડાણ કર્યું છે. મરાઠી કવિ વિંદા કરંદીકરના ઘણા બધા મુક્તસોનેતનો એમણે અનુવાદ પણ આપણને આપ્યો છે. એમના કહેવા પ્રમાણે એમને શિખરિણી છંદ વધુ ફાવે છે પણ પ્રસ્તુત સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. કવિની છંદ પરની પકડ જોતાં જ એમના અછાંદસ કાવ્યોમાં સંભળાતો આંતરલય ક્યાંથી પ્રગટ્યો છે એનું રહસ્ય હાથ આવે છે.
Permalink
August 17, 2012 at 12:30 am by વિવેક · Filed under ગીત, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

રાત દિવસનો રસ્તો વ્હાલમ નહીં તો ખૂટે કેમ ?
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.
તમે રેતી કે હથેલી ઉપર લખો તમારું નામ,
અમે એટલાં ઘેલા, ઘાયલ : નહીં નામ કે ઠામ.
તમને તો કોઈ કારણ અમને નહીં બહાનાં નહીં વ્હેમ
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.,
તમને વાદળ, ધુમ્મસ વહાલાં અમને ઊજળી રાત,
અમે તમારાં ચરણ ચૂમશું થઈને પારિજાત.
અહો આંખથી ગંગાયમુના વહે એમ ને એમ,
તમે પ્રેમની વાતો કરજો : અમે કરીશું પ્રેમ.
-સુરેશ દલાલ
સરળતાનું સૌંદર્ય એ સુ.દ.ની કવિતાઓનું મુખ્ય ઘરેણું છે. અઘરી કવિતાઓથી ભાવકને ગુંચવી મારી પોતાની પંડિતાઈ સાબિત કરવાને બદલે સુ.દ. હંમેશા સરળ બાનીથી આમ આદમીના દિલ સુધી જવાનો પ્રયત્ન કરતા. એટલે જ એમના ગીતોમાં સહજ માધુર્ય અનુભવાય છે. Genuine poetry can communicate before it is understood. (T. S. Eliot). આ વાતની સાબિતી સુ.દ.ના ગીતોમાં સતત મળતી રહે છે.
Permalink
August 16, 2012 at 6:30 am by ઊર્મિ · Filed under ગીત, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

સ્વર : ઉદિત નારાયણ
સ્વરકાર : શ્યામલ – સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
પ્રેમ અમારે કરવો અને આ રીત તમારી,
બાજી રમીએ અમે અને હા, જીત તમારી.
તમે સ્મિતને રહો સાચવી અને અમે અહીં આંસું,
તમે વસંતના કોકિલ, અમે ચાતક ને ચોમાસું;
અમે બારણાં ખુલ્લાં અને આ ભીંત તમારી.
સાવ અચાનક તમને ક્યારેક ખોટું માઠું લાગે,
પત્થર જેવા અમને તો નહીં ક્યાંય કશુંયે વાગે;
તીર મારો ને તોય અમારે કહેવાનું કે ફૂલ જેવી છે પ્રીત તમારી.
- સુરેશ દલાલ
આજે ફરી માણીએ ‘હસ્તાક્ષર’ આલ્બમનું જ સુ.દ.નું બીજું એક હળવું પ્રણયગીત…
એક અંગત વાત… (પ્રજ્ઞાઆંટીએ આ મજાનું યાદ કરાવ્યું!) 2007માં સુ.દ.ની 75મી વર્ષગાંઠ નિમિત્તે યોજાયેલા ‘ઉત્સવ સ્વજનોનો’ કાર્યક્રમમાં સુ.દ. સહિત ઘણા કવિઓને પ્રથમવાર મળવાનું સદભાગ્ય પ્રાપ્ત થયેલું… અને એ કાર્યક્રમનાં બે દિવસો મારે માટે ખૂબ જ યાદગાર રહ્યા હતા. ‘ઉત્સવ સ્વજનોનો‘ કાર્યક્રમ વિશે લખેલો લેખ અહીં વાંચી શકો છો.
Permalink
August 16, 2012 at 1:30 am by ઊર્મિ · Filed under ગીત, સુ.દ. પર્વ, સુરેશ દલાલ

સ્વર : નીરજ પાઠક
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.
ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !
નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.
કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.
ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.
- સુરેશ દલાલ
આજે સુ.દ. જેવા હળવા મિજાજનાં કવિની શ્રદ્ધાંજલિ પણ એક હળવા મિજાજમાં… ગઈકાલે ધવલે મૂકેલી ડોસા-ડોસીનું ગીત વાંચીને મને ખૂબ ગમતું ડોસા-ડોસીનું આ ગીત યાદ આવ્યું. પ્રસન્ન દાંપત્યજીવનને મજાની હળવાશથી બખૂબી રીતે આલેખતું ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત મને ઘણું ગમે છે. મને લાગે છે કે આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે…
Permalink