સુ.દ. પર્વ :૧૩: યાત્રા – સુરેશ દલાલ
મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.
ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને જોઉં છું ત્યારે
એના જળને કાચની દીવાલ બહાર પણ જોઈ શકું છું
સરોવરના જળરૂપે કે વાદળના ગર્ભમાં પણ.
ચાર દીવાલની બહાર જગત છે –
પણ જગતની બજારમાં ઊભા રહેવાનો કોઈ નશો નથી.
બધી દીવાલોને વીંધીને નીકળી જવું છે ક્યાંક
નીરવ શાંતિના લયબદ્ધ કોઈ તટ ઉપર.
હું ઘડિયાળને જોઉં છું ત્યારે કેવળ આંકડા કે કાંટાઓને જોતો નથી.
વર્તુળાકાર ગતિને ભેદીને નીકળી જવાની મારી ઝંખના છે.
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ.
શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ?
– સુરેશ દલાલ
કવિના પોતાના શબ્દોમાં:
"હકીકત અને સત્ય વચ્ચે એક સૂક્ષ્મ રેખા છે. કેટલીક હકીકતો તમને વળગેલી હોય છે. દા.ત. જન્મ, બચપણ, સંસ્કાર, સમગ્ર વાતાવરણ, સ્મૃતિ વગેરે. હકીકત એ પ્રથમ પગથિયું છે. એ પગથિયા પર ફસડાઈ પડવામાં મને રસ નથી. લોકો જ્યારે જ્યારે હકીકતને ઓળંગી શકે છે ત્યારે ત્યારે એટલા પૂરતા ખુશનસીબ છે. પાણી એ કદાચ હકીકતથી ગૂંગળાતો મારો જીવ છે. જળનું વાદળના ગર્ભમાં રહેવું એ એની સ્વાભાવિક્તા છે. જળનું સરોવરનું રૂપ એ એનું સૌંદર્ય છે. જળનું પાણીના ગ્લાસમાં રહેવું એ નકરી વાસ્તવિક હકીકત છે. હકીકતનો આપણે કાંકરો કાઢી શકતા નથી, કારણ કે તરસ લાગી હોય ત્યારે પેલો પાણીનો ગ્લાસ જ મદદે આવે છે. મારું જીવન એ બાહ્ય દૃષ્ટિએ હકીકત છે; પણ મારું કાવ્ય એ સત્ય છે. શરીર એ હકીકત છે. હું મારા શરીરથી અન્યના શરીર સુધી અને એ દ્વારા અન્યના આત્મા લગી પહોંચી શકું તો એ ક્ષણ કદાચ કાવ્ય હોય તો હોય.
"ગદ્યમાં લખાયેલું આ સૉનેટ છે. એની ચૌદ પંક્તિની હકીકતને સાચવી છે પણ છંદની હકીકતને તથા અન્ય કેટલાંક લક્ષણોને ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્યમાં આ ઓળંગવાનો પ્રયત્ન કરી શક્યો, એ જો જીવનમાં કરી શક્યો હોત તો આ મૂંઝવણ, વ્યથા કે વ્યથાનું કાવ્ય ન રહેત."