સુ.દ. પર્વ :૧૩: યાત્રા – સુરેશ દલાલ
મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.
ટેબલ પર પડેલા પાણીના ગ્લાસને જોઉં છું ત્યારે
એના જળને કાચની દીવાલ બહાર પણ જોઈ શકું છું
સરોવરના જળરૂપે કે વાદળના ગર્ભમાં પણ.
ચાર દીવાલની બહાર જગત છે –
પણ જગતની બજારમાં ઊભા રહેવાનો કોઈ નશો નથી.
બધી દીવાલોને વીંધીને નીકળી જવું છે ક્યાંક
નીરવ શાંતિના લયબદ્ધ કોઈ તટ ઉપર.
હું ઘડિયાળને જોઉં છું ત્યારે કેવળ આંકડા કે કાંટાઓને જોતો નથી.
વર્તુળાકાર ગતિને ભેદીને નીકળી જવાની મારી ઝંખના છે.
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ.
શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ?
– સુરેશ દલાલ
કવિના પોતાના શબ્દોમાં:
"હકીકત અને સત્ય વચ્ચે એક સૂક્ષ્મ રેખા છે. કેટલીક હકીકતો તમને વળગેલી હોય છે. દા.ત. જન્મ, બચપણ, સંસ્કાર, સમગ્ર વાતાવરણ, સ્મૃતિ વગેરે. હકીકત એ પ્રથમ પગથિયું છે. એ પગથિયા પર ફસડાઈ પડવામાં મને રસ નથી. લોકો જ્યારે જ્યારે હકીકતને ઓળંગી શકે છે ત્યારે ત્યારે એટલા પૂરતા ખુશનસીબ છે. પાણી એ કદાચ હકીકતથી ગૂંગળાતો મારો જીવ છે. જળનું વાદળના ગર્ભમાં રહેવું એ એની સ્વાભાવિક્તા છે. જળનું સરોવરનું રૂપ એ એનું સૌંદર્ય છે. જળનું પાણીના ગ્લાસમાં રહેવું એ નકરી વાસ્તવિક હકીકત છે. હકીકતનો આપણે કાંકરો કાઢી શકતા નથી, કારણ કે તરસ લાગી હોય ત્યારે પેલો પાણીનો ગ્લાસ જ મદદે આવે છે. મારું જીવન એ બાહ્ય દૃષ્ટિએ હકીકત છે; પણ મારું કાવ્ય એ સત્ય છે. શરીર એ હકીકત છે. હું મારા શરીરથી અન્યના શરીર સુધી અને એ દ્વારા અન્યના આત્મા લગી પહોંચી શકું તો એ ક્ષણ કદાચ કાવ્ય હોય તો હોય.
"ગદ્યમાં લખાયેલું આ સૉનેટ છે. એની ચૌદ પંક્તિની હકીકતને સાચવી છે પણ છંદની હકીકતને તથા અન્ય કેટલાંક લક્ષણોને ઓળંગવાનો પ્રયત્ન કર્યો છે. કાવ્યમાં આ ઓળંગવાનો પ્રયત્ન કરી શક્યો, એ જો જીવનમાં કરી શક્યો હોત તો આ મૂંઝવણ, વ્યથા કે વ્યથાનું કાવ્ય ન રહેત."
સુરેશ જાની said,
August 18, 2012 @ 11:00 AM
અદ્ભૂત. અંતરની વાણીની અભિવ્યક્તિનો એક વધુ નિષ્ફળ પ્રયાસ.
———–
આવો જ એક પ્રયાસ – પૂર્ણ ગદ્યમાં …
એ જ પાર્કમાં હું આવ્યો છું , અલબત્ત બાળકોની સાથે. એ જ પાર્ક જ્યાં અનેક ‘ અવલોકનો’ સૂઝ્યાં હતાં.
બાળકો રમવામાં તલ્લીન છે; અને હું બધા વિચારો બાજૂએ મૂકીને માત્ર મારા શ્વાસને આવતો જતો જોઈ રહ્યો છું. શરીરની નસોમાં વહેતા લોહીના પ્રવાહને પણ અનુભવી શકું છું. સામે લીલાંછમ ઝાડની ડાળીઓ મંદ મંદ પવનમાં હળુ હળુ ઝૂલી રહી છે. એમના હોવાપણા સાથે મને પણ ઝૂલનની અનુભૂતિ થઈ રહી છે.
અરે! પણ આ તો અવલોકન છે, વર્ણન છે! દરેક શબ્દ જાણીતો, ભૂતકાળમાં મળેલા જ્ઞાનમાંથી ઉપજેલો છે. દરેક ક્રિયા મનની જાણીતી છે.
બાળકો પાર્કમાં આમ જ રમે, ઝાડની ડાળીઓ આમ જ ઝૂલે. આને ઝાડ કહેવાય; આને બાંકડો કહેવાય; આને રસ્તો કહેવાય. બાજુમાં બેસેલ મેક્સિકન યુગલના મનમાં પણ આમ જ વિચારો ચાલતા હશે. એમના શબ્દો સાવ અલગ હશે – મને સમજ ન પડે તેવા.
અને આ બધા વિચારોમાં ‘વર્તમાનમાં જીવવાનો સંકલ્પ’ ક્યાં સરી ગયો તે તો ખબર જ ન પડી!
————-
અમે આગળ ચાલવા જઈએ છીએ. એક નાનકડા તળાવની પાળે, કોઈ ફિશિંગ કરી રહ્યું છે. બાળકો એમની જાળમાં માછલી પકડાઈ કે નહીં ; તે જોવાના કુતૂહલમાં તલ્લીન ઊભા છે. હું બાંકડે બેસી આ બધી લીલા નિહાળું છું .
ઘડી બે ઘડી ધ્યાન અને ફરી ‘હાલોકન’નું મેટર મેળવવાનો ચાળો ઊપડે છે. અને ફરી એ જ વિચારોની હારમાળા.. એ જ જંજાળ ફરી પાછી મોજૂદ.
અને ફરી વર્તમાનમાંથી વિચારોમાં અવગતિ!
ન લખાય,
ન લખાય,
ન લખાય,
કદી હાલોકન ન લખી શકાય.
એ તો અનુભવી જ શકાય,
એની અભિવ્યક્તિ કદી ન હોય.
પણ એ હકીકત છે કે, એ ઘડી બે ઘડીમાં મારું અને આજુબાજુનું અસ્તિત્વ, સઘળી ચીજોનું હોવાપણું એકરૂપ થયેલું અલપ ઝલપ ભાસી ગયું હતું. કેવો અદ્ભૂત આનંદ; કેવી સુખદ પળો!
આ લખું છું ત્યારે પણ લખવાના આનંદની અનુભૂતિ થઈ રહી છે. આંગળીઓનો કિબોર્ડ પરનો થપકારો, શ્વાસની આવન જાવન, લોહી ફરવાની મધુર ઝણઝણાટી…..
અવર્ણનીય
આનંદ, છતાં કેવો
અનભિવ્યક્ત?
pragnaju said,
August 20, 2012 @ 7:56 AM
શરીરથી આત્મા લગી હકીકતથી સત્ય સુધીની
યાત્રા તે કાવ્ય નહિ હોય ? અનુભૂતિ ની અદભૂત અભિવ્યક્તી.આ અનુભૂતિનું સત્ય દરેક પોતાની રીતે વ્યક્ત કરતું હોય છે.આદરણિય સુરેશભાઇ એ પોતાની રીતે અવલોકનો સ્વરુપ્ર રજુ કરવાનો પ્રયાસ કર્યો.તે માણવાનો આનંદ થયો પણ આ છેવટે તો તે અનુભવવાનું હોય! ત્યારે
જન્મ પહેલાં અને મૃત્યુ પછીના કાળના નિરામય સ્વરૂપનો
સાક્ષાત્કાર થાય છે ક્ષણાર્ધ. આમાં મૃત્યુ પછીના બીજા જીવનના આવા અનુભવો ઘણાને થતા હોય છે. કેટલાકને એ અનુભવોમાં આનંદ આવે છે તો કેટલાક એવા સુક્ષ્મ શરીરધારી સામાન્ય જીવો સાથે સંબંધ બાંધવામાં ગૌરવ માને છે. એવા માનવોએ એક વાત યાદ રાખવા જેવી છે કે શક્તિ હોય તો એનો ઉપયોગ મલિન, હલકા, સાધારણ જીવોની સાથે સંબંધ સ્થાપિત કરવાને બદલે તેને ઉત્તમ કોટિના દૈવી આત્માઓ, સંતો અને સંતોના સ્વામી પરમાત્માની સાથે સંબંધ બાંધવા માટે વાપરવામાં આવે એ જ ઉત્તમ અને હિતાવહ છે.
Nivarozin Rajkumar said,
September 2, 2012 @ 11:08 AM
“મને હકીકતને વળગવામાં રસ નથી, એને ઓળંગવામાં રસ છે.”
સાબિત કરી ગયા….