હા ! પસ્તાવો - વિપુલ ઝરણું સ્વર્ગથી ઊતર્યું છે,
પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.
કલાપી

સુ.દ. પર્વ :૦૮: ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું – સુરેશ દલાલ

Sureshbhai-AD-300x199

ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું:
હવે હાથમાં તું મેંદી મૂકાવ,
કો’કના લગનમાં જઈએ તો લાગે
કે આપણો પણ કેવો લગાવ.

આપણને જોઈ પછી કોઈને પણ થાય
કે પરણી જઈએ તો કેવું સારું,
મંગળફેરા ફરતા જીવોને લાગે કે
જીવન હોય તો આવું સહિયારું;

ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
ઠાઠ અને ઠસ્સો જમાવ.

તારી મેંદીમાં મારું ઉપસશે નામ
અને નામમાં દેખાશે તારો ચહેરો,
હાથમાં હાથ હવે ઝાલીને મ્હાલીએ
ને ફરી લઈએ જીવતરનો ફેરો;

સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
ને બિલોરી આપણું તળાવ!

– સુરેશ દલાલ

સુરેશ દલાલના ઘણા ગીત છે જે ગમી જાય એવા છે. એમાં આ ડોસા-ડોસી ગીતો તો વળી પરાણે મીઠા લાગે એટલા સરસ છે. સમયની કસોટી પર ખરા ઉતરેલા પ્રેમનું એમાં અદભૂત ચિત્રણ છે.

4 Comments »

  1. pragnaju said,

    August 15, 2012 @ 6:27 PM

    અનુભવી રહેલા છીએ આ ગીત
    પાંચ વર્ષ પહેલા અમારી ૫૦મી વૅડીંગ એની,એ
    અમારા જમાઇએ આ ગીત ગાયું હતું
    અને મેં
    ઘેરદાર ઘાઘરો ને ઘરચોળું પ્હેરીને
    ઠાઠ અને ઠસ્સો જમાવ.
    લગ્ન વિધી કરી હતી
    અમારા એ કહે કે સુરેશે અંચાઇ કરી
    લાઇન તોડી જતો રહ્યો..
    ડૂમો

  2. ધવલ said,

    August 15, 2012 @ 7:13 PM

    અંગત યાદને અહીં બધા સાથે વહેંચવા માટે આભાર… જ્યારે કોઈ ગીત આ રીતે જીવન સાથે વણાય જાય છે એ ગીત અમર થઈ જાય છે.

  3. Rina said,

    August 15, 2012 @ 11:14 PM

    Ahaaa…… Awesome…….:):)

  4. La' KANT said,

    August 16, 2012 @ 2:23 AM

    ” ડોસાએ ડોસીને જીદ કરી કહ્યું: “- આ શરૂઆત જ ” લાંબા કાળના ખટ-મીઠા-તૂરા-કડવા “સંબંધની વાતનો અણસારો આપી દે છે! પાકટ ઉમરે આવી વાતો જ તો ,અંતરતમના સ્નેહ,લાગણી ,ખેચાણ-બંધન જે કહો તે, એકબીજાના કોઈ પૂર્વ-શરત વગરના ( વણ-લખ્યા કરાર ,’તું-તું’ ‘મૈ મૈ ‘ ( =નોંક-ઝોંક સાથેનાસ્તો!) સહિતના સંબંધ ની વાત છે.

    “આપણને જોઈ પછી કોઈને પણ થાય
    કે પરણી જઈએ તો કેવું સારું,
    મંગળફેરા ફરતા જીવોને લાગે કે
    જીવન હોય તો આવું સહિયારું;”

    “સોનલ કમળ અને રૂપેરી ભમરો છે
    ને બિલોરી આપણું તળાવ! ”

    “સહિયારું;” અને ” આપણું ” શબ્દો માંની ભાવના સાહેદી પૂરે છે, આપસી ‘ટ્રસ્ટ’-વિશ્વાસ- ખાત્રી
    નજદીકી-પોતાપણું, જે બન્ને સંબંધિત વ્યક્તિઓના સહભાગ=ફાળાની વાત છે ને? હાંસિલ છે નો પૂરાવો છે ! આ એક-પક્ષી હોય તો ચાલે ખરું?
    અને છેલ્લે, “બિલોરી તળાવ” વાળી વાત, એ તો દ્વિપક્ષી નિખાલસતા ની દ્યોતક છે! જે આવા ડોસા-ડોસીના રિશ્તા-નાતા નો પ્રાણ- ‘કોર-સેન્ટર’ના સત્વ-તત્ત્વ !

    -લા’ કાન્ત / ૧૬-૮-૧૨

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment