સપનાં વસંતના – સુરેશ દલાલ
એક પાનખરના ઝાડને આવે
આવે છે રોજ સપનાં વસંતના
ક્યારે મારી ડાળીએ ખીલે
ખિલખિલ ફૂલો સુગંધનાં
આજે ભલે ડાળીઓ સુક્કી
પણ કાલ એમાં વહેશે ધબકાર લીલોછમ;
આજ ભલે જાઉં હું ઝૂકી
વિધાતાની સામે : તોયે મને એનો નહીં ગમ.
એક એવી આવશે મોસમ :
કે ગીત મને મળશે કોયલના કંઠના.
માણસ પોતાનાં પોપચાં પંપાળે
એમ વ્હેતી હવા મને પંપાળી રહે
કોની આ માયા છે એ તો હું જાણું નહીં
પણ કોઇ મને કાનમાં વાતો સુંવાળી કહે
બિલોરી કાચ જેવા હૈયામાં એક દિવસ
મઘમઘ થઇ મ્હેકશે સપનાં અનંતના.
– સુરેશ દલાલ
11 ઓક્ટોબરે કવિનો જન્મદિન ગયો. આ કાવ્ય એમનો લાક્ષણિક મિજાજ છતો કરે છે…..સમ્પૂર્ણ આશાવાદ….
સુરેશ જાની said,
October 16, 2017 @ 5:55 PM
પાનખરમાં પણ વસંત આવી શકે. એની ઝંખના શીદ કરીએ ?
MAHESHCHANDRA NAIK said,
October 18, 2017 @ 12:22 AM
કવિશ્રી સુરેશ દલાલને સલામ……….