મધ્યવર્ગીય ગાર્ગી – ઇન્દિરા સંત
એક પથ્થર દુઃખનો.
એક પથ્થર કાળનો.
એક પથ્થર ત્યાગનો.
વાત્સલ્યના થર ઘાટ માટે વાપરવાના.
આવો સુરેખ ચૂલો ઘરે ઘરે હોય.
ઘર સંભાળનારી… ઘર સાચવનારી.
તેનું જ નામ ગૃહસ્વામિની… ગૃહલક્ષ્મી. ઘરધણિયાણી
આમ ઘરબારથી વીંટલાયેલી. બંધાયેલી.
ઘર આખામાં ફરતી ભમરડાની જેમ.
ઓતપ્રોત અને અતૃપ્ત.
ક્યાંક ક્યાંક કે ઘણુંખરું ઘરમાં જ સિઝાતી
વાનગીઓની ફરસી વરાળ બહાર ફેલાય છે.
દૂર દૂર પ્રસરે છે અને કોઈક તે સ્વાદિષ્ટ વરાળનાં વાક્યો
બનાવે છે,
મથાળાં બાંધે છે :
આધિનિક સ્વતંત્ર સ્ત્રી. સ્ત્રીનો વિકાસ.
પ્રગતિપથ પર સ્ત્રીની હિલચાલ. વગેર વગેરે.
કાનને મનને વાક્યો મીઠાં લાગે.
આંકડાઓની પ્રગતિ તો સૂર્ય સુધી પહોંચે.
સાંજે થાકેલી હારેલી જમણાડાબા હાથમાં
પર્સ પડીકાં ને ઝોળી સંભાળતી ઘરે પાછી આવતી તે.
તે ગાર્ગી. મધ્યવર્ગી તે
પેલાં મથાળાંની માલિક
પર્સના હોદ્દાની સાથે જ સંભાળીને આણેલાં પેલાં
વાક્યોનાં લાકડાં ચૂલામાં મૂકે છે,
બહુ જલ્દી ચા કરવા માટે.
ચાના નશામાં જ પાંખો સંકેલી લેવી જોઈએ.
અને પછી કૂકર. પછી રોટલી. પછી વઘાર.
મોટાંનાનાં સૌનાં મન સાચવવાનાં. નોકરોની જડતા
કેટલાયે દોર ઘટ્ટ જકડી રાખનારા.
બધું જ કંટાળા ભરેલું. સીઝવનાર પણ તે જ.
અને સીઝનાર પણ તે જ.
– ઇન્દિરા સંત (મરાઠી)
(અનુ. જયા મહેતા)
ગાર્ગી નામ કાને પડતાં જ આપણા મનોચક્ષુ સમક્ષ ભરી રાજ્યસભામાં ભલભલા વિદ્વાનોનું ગુમાન ઉતારી દેતી વિદૂષી આવી ઊભે છે. અહીં કાવ્યનાયિકા ગાર્ગી આજના મધ્યમવર્ગની સ્ત્રીની પ્રતિનિધિ છે.
ત્રણ પથ્થર મૂકીને છાણ-માટીના ગારાથી એને ઘાટ આપી તૈયાર થતા ચૂલાથી શરૂ થઈ કવિતા કેરિયર-વુમન સુધી જઈ ફરી ચૂલા અને રસોઈ સુધી પહોંચે છે ત્યારે આપણી અંદર કશુંક હચમચી જતું અનુભવાય છે.
આ ગાર્ગી એના સંસારમાં ઓતપ્રોત થઈ ભલે જીવતી હોય, અતૃપ્ત છે. મોટા ભાગે ઘરની ચાર દીવાલો વચ્ચે જ સ્ત્રીનું જીવન પૂરું થાય છે. ક્યાંક આ “ફરસી વરાળ” બહાર પણ ફેલાય છે અને અખબારોમાં મોટા મથાળાં આવે છે કે આજની સ્ત્રી પુરુષ-સમોવડી બની ચૂકી છે. સૂર્યને આંબી જાય એવા સ્ત્રીઓની પ્રગતિના આંકડા અંતે તો ચૂલો અને ઘરની જવાબદારીઓમાં જ સિઝાઈ જતા હોય છે. સ્ત્રી સ્ત્રી જ રહે છે. એની સાચી પ્રગતિ ન એ ગાર્ગીના સમયમાં થઈ હતી, ન આજની આ ગાર્ગીના સમયમાં…