વિદ્યાપતિ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
August 13, 2012 at 12:30 AM by તીર્થેશ · Filed under ગીત, વિદ્યાપતિ, સુ.દ. પર્વ, સુરેશ દલાલ
સખી ! મારી ઉદાસીનો ક્યાંય નહીં અંત
વરસાદી મોસમમાં વાદળ તો ઝૂક્યાં છે
મારું ઘર નથી: લંબાતો પંથ
ગાજવીજ કરતાં કેવાં જામ્યાં છે વાદળાં
ને ચારેબાજુ વરસે વરસાદ
શ્યામ તો ડૂબ્યો છે મારો પોતાની મસ્તીમાં
અહીં પળેપળે કણસે છે યાદ
વાદળ આ વીંધે મને એના તો તીરથી
ને વીંધાતી જાઉં હું અનંત
આનંદે-આનંદે થનગનતા મોરલા
ને પીધેલા તો કરે છે લવારો
વરસાદી પંખીઓનું એવું આક્રંદ :
મારા હૈયામાં ધગતો અંગારો
વીજળીની બેચેની ઘેરે અંધકારને
ને હું તો ઝબકારે-ઝબકારે અંધ !
-વિદ્યાપતિ – અનુ.-સુરેશ દલાલ
Permalink
July 27, 2012 at 2:33 AM by વિવેક · Filed under અછાંદસ, વિદ્યાપતિ, વિશ્વ-કવિતા, સુરેશ દલાલ
આવતી કાલે પાછો આવીશ એવું મને કહીને ગયો
મેં મારા ઘરની બારી પર
ફરી ફરીને લખ્યા કર્યું, બસ લખ્યા કર્યું
આવતી કાલે, આવતી કાલે…
આ શબ્દોથી ઢાંકી દીધી જમીન.
જયારે સવાર ઊગી ત્યારે તો
બધા મને બસ પૂછ્યા કરે :
સખી ! કહેને…એટલું તો કહેને
આવતી કાલ તારી આવશે ક્યારે?
કાલની મેં તો છોડી દીધી તમામ આશા
મારો પ્રિયતમ પાછો નહીં આવ્યો તે નહીં આવ્યો.
વિદ્યાપતિ કહે : સાંભળ સુંદરી : કટુવચન આ, ક્રૂર
અન્ય સ્ત્રીઓએ લલચાવીને એને રાખ્યો દૂર.
– વિદ્યાપતિ (ભાષા: મૈથિલી)
(અનુવાદ: સુરેશ દલાલ)
(સૌજન્ય: ક્રિષ્ણા તારા નામનો આધાર)
ગયા અઠવાડિયે ચૌદમી સદીમાં મૈથિલિ ભાષાના કવિ વિદ્યાપતિની એક રચના આપણે માણી. આજે એમની વિરહરસભરી એક રચનાનો આનંદ લઈએ. “ઇસ જમીં પે લિખ દૂઁ નામ તેરા, આઅસમાઁ પે લિખ દૂઁ નામ તેરા” જેવા ગીતો આજે આપણે સાંભળીએ છીએ પણ છસો વર્ષ પહેલાંનો આ કવિ તારું નામ લખીને આખી જમીન ઢાંકી દીધી જેવી કલ્પના કરે છે એ જાણીએ ત્યારે કેવું લાગે ! કવિતા પોતે પણ આખી આસ્વાદ્ય છે…
Permalink
July 20, 2012 at 1:48 AM by વિવેક · Filed under ઊર્મિકાવ્ય, પદ, વિદ્યાપતિ, વિવેક મનહર ટેલર, વિશ્વ-કવિતા
ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર દુર્નિર્ધાર્ય ઊડ્યા કરે છે
એમ જ એ મારી ઉપર રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો.
સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !
– વિદ્યાપતિ
(અનુ. વિવેક મનહર ટેલર)
બિહારના મધુબની જિલ્લાના બિષ્પી ગામમાં ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલા મૈથિલિના કોકિલ તરીકે જાણીતા વિદ્યાપતિની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે…
આ કવિતા વાંચો… સાતસો-આઠસો વર્ષ પહેલાંના કોઈ કવિએ લખી હોય એવું સહેજે લાગે છે?!
Permalink