વૃક્ષની એ વેદના સાચી હતી,
જે ખરી’તી એ કૂંપળ કાચી હતી.
– રાહુલ શ્રીમાળી

(ગીત) – લેનર્ડ કોહેન

એ એટલું સરસ ગાય છે
કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
એ એકલી ગાય છે,
આપણને બધાને કહેવા માટે
કે હજી આપણે આપણને મળ્યા નથી.

– લેનર્ડ કોહેન
(અનુ. સુરેશ દ્લાલ)

સ્ફટીકમય ગીત, નશ્વર ઈચ્છાઓથી ઉપર બીરાજતું ગીત, એકલતાથી સીંચેલુ ગીત : આટલું પવિત્ર ગીત તો અંતર આત્માની સામે ધરેલા અરીસા સમાન હોય છે.

16 Comments »

  1. Girish Parikh said,

    September 8, 2010 @ 12:05 AM

    ધવલભાઈઃ મૂળ સર્જન કઈ ભાષામાં છે? માનું છું કે અંગ્રજીમાં જ હશે. મૂળ કૃતિ જો અંગ્રેજીમાં હોય તો એ આપો અને મૂળ સર્જક વિશે પણ લખો તો સરસ.

  2. milind gadhavi said,

    September 8, 2010 @ 1:00 AM

    સ્પર્શી ગયું..

  3. Kalpana said,

    September 8, 2010 @ 1:50 AM

    સરસ.

    આ તો બધાજ કરતા હોય છે. પણ કોહેનભાઈ આપણને મન ગમતુઁ ગીત ગાતી વખતની આપણી
    મનઃસ્થિતિનુ ભાન કરાવે છે.

    કવિ બે ત્રણ લીટીમા ઘણુ કહી જાય છે.

    આભાર વિવેકભાઈ.

    કલ્પના

  4. વિવેક said,

    September 8, 2010 @ 2:05 AM

    પ્રિય કલ્પનાજી,

    આ રચના અહીં ધવલે પૉસ્ટ કરી છે, મેં નહીં… લયસ્તરોઅ પર સાઇટના મૂળ સ્થાપક ધવલ શાહ ઉપરાંત હું, ઊર્મિ અને તીર્થેશ એમ કુલ ચાર મિત્રો ગમતી રચનાઓ પૉસ્ટ કરીએ છીએ…

  5. pragnaju said,

    September 8, 2010 @ 8:51 AM

    એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.
    એ એકલી ગાય છે,…
    આ આત્માનો અંતરનાદ બ્રહ્મ સુધી પહોંચાડે…
    યાદ્
    કામૂક કોલાહલની વચ્ચે ઘોંઘાટોથી પાક્યા કાન
    પ્યારભર્યા ગીતોનું કરીએ આજે ગુંજન સહિયારું
    સ્મરવા જેવા એક નામ પર નમવા જેવા એક સ્થાન પર
    અંતરના એકતારને સાંધી કરવું કિર્તન સહિયારું

  6. Bharat Trivedi said,

    September 8, 2010 @ 9:19 AM

    લેનર્દ કોહેનની કવિતાનો થોડોક પરિચય છે પણ આ રચના પહેલી વાર વાંચવા મળી ને સાચું કહું તો બહુ મઝાય ના આવી. સુરેશભાઈએ અનુવાદ કર્યો છે એટલે કૈક તો કવિતામાં હશે જ જે મને ના દેખાયું ! આ લૉસ ધવલભાઈ, સુરેશભાઈ, કે કોહેનભાઈનો તો નથી-જ.

    -ભરત ત્રિવેદી

  7. Shefali said,

    September 8, 2010 @ 10:52 AM

    Very well done! still looking for the Frost you’d assigned me all those eons ago!

  8. હેમંત પુણેકર said,

    September 9, 2010 @ 3:51 AM

    સરસ!!

  9. Pushpakant Talati said,

    September 10, 2010 @ 7:43 AM

    શ્રી ભરતભાઈ ત્રિવેદીજી એ જણાવ્યુ તેમ – ” આ રચના પહેલી વાર વાંચવા મળી ને સાચું કહું તો બહુ મઝાય ના આવી. સુરેશભાઈએ અનુવાદ કર્યો છે એટલે કૈક તો કવિતામાં હશે જ જે મને ના દેખાયું !…..”

    ઘણએ આ રચના ના વખાણ કર્યા છે તો તેઓ ચોક્કસ સમજ્યા જ હશે તેમ હુ માનુ છુ અને તેઓ મારા કરતા વધુ જ સમજદાર હોવાનુ હુ સ્વિકારુ છુ – તો તેઓમાથી કોઈ વિરલો આ રચના નો આસ્વાદ આપશે તો મારા જેવા અન્ય મિત્રો તેઓના આભારી થશે.

    શ્રી વિવેકભાઈ, કે ઊર્મિબહેન, કે તીર્થેશભાઈ, કે પછી ધવલભાઈ એમ ચાર માથી કોઈ પણ મિત્ર આ વિષે પ્રકાશ પાડવા કોશિશ કરો તો ઉત્તમ.

    બાકી પછી સુરેશભાઈ ને આ માટે વિનન્તિ કરી શકાય કે કેમ ? – જો તે શક્ય હોય તો કરવા જેવુ ખરુ.

    વળી એક અન્ય વિનન્તિ કે આવી નાની રચના જો અનુવાદિત હોય તો તેની મુળ રચના પણ સાથે આપવાથી કદાચ “થીમ’ પકડવી સહેલી બને. તો મુળ રચના પણ જો શક્ય હોય તો આપવાનુ રાખો. – This Is Only My Humble SUGGESTION Please. ગિરિશભાઈ એ કરેલ અરજ/વિનન્તિ ને હુ Repeat કરુ છુ.

  10. વજેસિંહ પારગી said,

    September 11, 2010 @ 4:38 AM

    આત્માભિમુખ કે આત્મસ્થ થઈ ગયેલી વ્યક્તિનું પ્રાર્થનાની ઊંચાઈએ પહોંચેલું ગીત. ગીત છે પણ એમાં પોતાની જરીકે ઇચ્છા નથી- હું તો આવી છું પ્રભુ ગીત તારાં ગાવાં – ભક્ત કવયિત્રી આંડાલની રચનાનો પડઘો અહીં પડે છે. આવી રચના જાતને- ખુદને મળ્યા વગર જન્મતી નથી. એટલે જ છેલ્લી કડીમાં કવિ કહે છે – કે હજી આપણે આપણને મળ્યા નથી.. નાનકડી પણ મોતી જેવી પાસાદાર રચના.

  11. Pinki said,

    September 11, 2010 @ 7:04 AM

    મીરાં કે નરસિંહનાં ગીત આજે પણ આપણાં હૃદયને એટલે જ સ્પર્શે છે
    તેમનાં શબ્દો એટલે પરાવાણી જ !

    તેમને કોઇ ઇચ્છા રહી જ નથી અને આત્મસાક્ષાત્કારની વેળાએ
    આવી રચનાઓ રચાતી હોય છે.

    એવું જ કંઇક આ કેનેડિયન કવિ અનુભવે છે.
    તેમનાં વિશે વધુ માહિતી અહીં મળી શકશે

    http://en.wikipedia.org/wiki/Leonard_Cohen

  12. Pinki said,

    September 11, 2010 @ 7:14 AM

    She sings so nice /
    there’s no desire in her voice /
    She sings alone /
    to tell us all /
    that we have not been found

    – Leonard Cohen

  13. Pushpakant Talati said,

    September 11, 2010 @ 8:01 AM

    થેન્ક્યુ Pinki-જી
    આપે Original ક્રુતિ આપી તે બદલ.

    (1) She sings so nice / there’s no desire in her voice /
    (૧) એ એટલું સરસ ગાય છે કે એના અવાજમાં કોઈ ઈચ્છા જ નથી.

    (2) She sings alone / to tell us all / that we have not been found
    (૨) એ એકલી ગાય છે, આપણને બધાને કહેવા માટે કે હજી આપણે આપણને મળ્યા નથી.

    આ બીજા sentence મા “એ એકલી ગાય છે,” – તે બરાબર – BUT – “આપણને બધાને કહેવા માટે કે હજી આપણે આપણને મળ્યા નથી.”
    તેને બદલે English ઉપરથી એવુ સમજાય છે કે –
    “આપણ ને તેવુ (ALL) સઘળુ અથવા સમ્પુર્ણ રીતે એવુ કહેવા માટે કે આપણે આપણને મળ્યા નથી Means રચનાકાર Leonard Cohen દર્શાવે છે કે તે ગાવામા એટલા લીન અને તલ્લીન થઈ ગયા છે કે We have not been found – (આપણી હાજરી ની તેને નોન્ધ પણ નથી ) –
    This is my own personal interpretation

  14. ધવલ said,

    September 11, 2010 @ 8:34 AM

    આભાર, હું મૂળ કૃતિ શોધતો’તો …. Leonard Cohenની collected poems ચોપડી મંગાવી પણ તમે શોધી કાઢી, Thanks !

  15. Bharat Trivedi said,

    September 11, 2010 @ 9:29 AM

    અહીં કેવી સરસ વાતો ચાલી રહી છે! અનુવાદ ભલેને ખૂબ સાવધાનીપૂર્વક કર્યો હોય તોય ક્યારેક કશું એવું તો રહી જતું હોય છે જે કવિતાને પૂરેપૂરી પામવામાં નડતર બને. કોઈ ગુજરાતી કવિતાનો અંગ્રેજીમાં અનુવાદ કરવા બેસીએ ત્યારે તો તે એક પડકાર બની જતો હોય છે. એની પાછળ ભાષાકિય કરતાં કલ્ચરલ કારણો વધારે જવાબદાર લાગે છે. અહીં પિન્કીબેન તથા તલાટીભાઈએ જે જહેમત ઉઠાવી છે તેને કારણે કવિતા પામવામાં ઘણી મદદ મળે છે.

    મને આપણા ઉમાશંકરભાઈની એક રચના યાદ આવી જાય છે જેમાં એક વાંસળીવાળો આખો દિવસ તડકામાં શેરી શેરી ભટકતો રહે છે પણ તેની વાંસળી કોઈ પણ ખરીદતું નથી. અંતે તે વાંસળીવાળો- (એક કલાકાર) સસ્તા ભાવે વેચવા કરતાં ( તે ઇધણમાંથી તો નથી જ જવાની એમ ખુમારીપૂર્વક !) વાંસળીના ભારામાંથી એક વાંસળી લઈ સાવ એકલો બેસી બધું જ ભૂલીને વાંસળી વગાડવામાં એવો તો લયલિન થઈ જાય છે કે આપણું હ્રદય દ્રવી જાય. આજેય જ્યારે અનાદર થતો લાગે ત્યારે મને એ રચના અનાયાસ યાદ આવી જાય છે!

    એક આડ વાત. પ્રસ્તુત કવિતાને “વાંસળીવાળો” સાથે મૂકીએ તો લેનાર્ડભાઈની કવિતા કેવી લાગે છે?

    ભરત ત્રિવેદી

  16. vijay joshi said,

    December 29, 2011 @ 2:26 PM

    હું અંગ્રેજી સાહિત્યનો અભ્યાસુ છું અને અંગ્રેજીમાં લેખો
    અને કાવ્યો પણ લખું છું. મારા નમ્ર અભિપ્ર્યાય પ્રમાણે
    શ્રી કોહેન ની આ કવિતાનો અનુવાદ થોડો જુદી રીતે
    કરવાથી કવિની મૂળ કવિતાને વધારે ન્યાય આપી શકાય.
    હું આ કવિતાનો આવી રીતે અનુવાદ કરીશ.

    ગાય છે એ અતિ સુંદર,
    નથી કોઈ અપેક્ષા એના અવાજમાં,
    ગાય છે એ એકલી,
    કહેવા આપણને સહુને કે,
    આપણે શોધાયા નથી

    કવિ કોઈ જગ્યાએ મિત્રો સાથે ખોવાયા છે. એમની એક
    યુવતી ગીતમાં એકલા રહેવાનો, ખોવાઈ રહેવાનો,
    રસ્તો ન મળ્યાનો અને કોઈએ અમને ન ખોળ્યાનો
    આનંદ પ્રદર્શિત કરતી લાગે છે.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment