તું આવે જો સાથે
એકલતા આ હલેસીએ હોવાને પેલે કાંઠે…
વિવેક મનહર ટેલર

સુ.દ. પર્વ :૦૯: કમાલ કરે છે, કમાલ કરે છે – સુરેશ દલાલ

Suresh Dalal03

સ્વર : નીરજ પાઠક
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

[audio:http://urmisaagar.com/saagar/audio/kamaal kare chhe-SureshDalal.mp3]

કમાલ કરે છે, કમાલ કરે છે,
એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે.

ડોસો જાગે ત્યારે ચશ્માં આપે અને બ્રશ ઉપર પેસ્ટને લગાડે,
લોકોનું કહેવું છે કે ડોસી તો આમ કરી ડોસાને શાને બગાડે ?
મસાલા ચા અને ગરમ ગરમ નાસ્તો, ડોસી ડોસાનો કેવો ખ્યાલ કરે છે !

નિયમ પ્રમાણે દવા આપે છે રોજ અને રાખે છે ઝીણું ઝીણું ધ્યાન,
બન્નેનો સંબંધ તો એવો રહ્યો છે જાણે તલવાર અને મ્યાન.
દરમ્યાનમાં બન્ને જણ મૂંગાં મૂંગાં એકમેકને તો એવાં ન્યાલ કરે છે.

કાનમાં આપે એ એવાં ઈન્જેકશન કે સિગરેટ શરાબ હવે છોડો,
ડોસો તો પોતાના તાનમાં જીવે કયારેક વહેલો આવે કે ક્યારેક મોડો.
બન્નેની વચ્ચે વહે આછું સંગીત પણ બહારથી ધાંધલધમાલ કરે છે.

ડોસો વાંચે અને ડોસીને મોતિયો બન્ને જણ વચ્ચે આવો છે પ્રેમ,
લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે.

– સુરેશ દલાલ

આજે સુ.દ. જેવા હળવા મિજાજનાં કવિની શ્રદ્ધાંજલિ પણ એક હળવા મિજાજમાં… ગઈકાલે ધવલે મૂકેલી ડોસા-ડોસીનું ગીત વાંચીને મને ખૂબ ગમતું ડોસા-ડોસીનું આ ગીત યાદ આવ્યું.  પ્રસન્ન દાંપત્યજીવનને મજાની હળવાશથી બખૂબી રીતે આલેખતું ‘હસ્તાક્ષર’ આલ્બમનું આ ગીત મને ઘણું ગમે છે.  મને લાગે છે કે આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે… 🙂

6 Comments »

  1. Rina said,

    August 16, 2012 @ 2:07 AM

    beautiful……. આ ગીત જો એકવાર સાંભળી લે તો ડોસા-ડોસીની કક્ષા તરફ જતા વડીલોને કદાચ ડોસા-ડોસી બની જવાનો બિલકુલ વાંધો નઈં આવે… :):)…very true….:)

  2. La' KANT said,

    August 16, 2012 @ 3:17 AM

    “લડે છે, ઝગડે છે, હસે છે, રડે છે, જીવન તો જળની જેમ વહેતું જાય એમ.
    દોસ્ત જેવી દીકરીની હાજરીમાં બન્ને જણ ઘરની દિવાલને ગુલાલ કરે છે. ”

    હજુ થોડી વાર પહેલાં , { આપના પ્રતિભાવ માં મુકેલી કોમેન્ટ્સ …નું વસ્તુ અહીં ઉપર પ્રતિબિમ્બિત થયું….છે La’ KANT on સુરેશ દલાલ પર્વ : ૦૮ : ડોસાએ ડોસીને જીદ કરી કહ્યુ }
    આભાર …’શેરિંગ’ બદ્દલ…’ જેના દ્વારા કંઈક તો પમાતું હોય છે…
    આલા’ કાન્ત / ૧૬-૮-૧૨

  3. pragnaju said,

    August 16, 2012 @ 8:33 AM

    આમલેટમાંથી ઈંડુ બનાવી મરઘીનો જન્મદિવસ ઉજવે એનું નામ સુરેશ દલાલ !‘ ની ૭૫ મી વર્ષગાંઠ વખતે ઊર્મિ એ નોંધેલી વાત…
    એમનાં વક્તવ્યની એક વાત યાદ છે તે ટૂંકમાં કહું… શ્રી સુ.દ.એ એમની પ્રખ્યાત કવિતા ‘કમાલ કરે છે, કમાલ કરે છે… એક ડોસી ડોસાને હજુ વ્હાલ કરે છે‘ વિશેની એક હાસ્યજનક વાત કરી… એમણે કાવ્ય લખ્યું પછી એમનાં સાસરેવાળાઓ આ કાવ્ય વાંચીને ખુબ જ ખુશ થયા હતા કે વાહ, અમારી દીકરી તો એમનું કેટલું બધું ધ્યાન રાખે છે… કે રોજ સવારે એમનાં ‘બ્રશ ઉપર પેસ્ટ’ને પણ લગાડી આપે… અને જ્યારે એમની પત્નિને આ વાત પૂછવામાં આવી તો એમણે કહ્યું કે એ તો પેસ્ટ બહુ બગાડે એટલે પછી મારે લગાડી જ આપવું પડેને..?!! આવી વાતોથી એમણે શ્રોતાઓને ઘણા હસાવ્યા પણ હતા…અને આવા ગીતોની કરતા પણ આપણા લોકગીતમાં છોછ વિનાનું હાસ્ય વાળા ગીતો જેવા કે
    ‘ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો સૂંઠ.’
    અઢાર અંગે વાંકું આવ્યું, આપણા ઘરમાં ઊંટ,
    કાથીના આ ખાટલા હેઠે
    ઇંટનો તાતો તાપ.
    ડોસીની કમ્મરના મણકે
    નવા જીવનો જાપ.
    ઢગલો થઇને ડોસો બેઠો, ડોસીને કહે ઊઠ.
    ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો સૂંઠ.
    છોરાની છઠ્ઠી ઊજવવા
    પાડોશીઓ ઘાંઘા,
    કુંડળીમાં તો કૂંડાળા
    ને વિધાતાને વાંધા.
    વાંધાવચકા આઘા મેલી, લૂંટાય એટલું લૂંટ.
    ડોસીની સુવાવડ આવી, ડોસો લાવ્યો સૂંઠ.નો ઉલ્લેખ થયો હતો

  4. સુનીલ શાહ said,

    August 16, 2012 @ 8:50 AM

    🙂

  5. r said,

    August 16, 2012 @ 9:38 AM

    કમાલ કરે છે, કમાલ કરે છે,
    એક ડોસી ડોસાને હજી વ્હાલ કરે છે. liked

  6. Maheshchandra Naik said,

    August 17, 2012 @ 4:14 PM

    સરસ વૃધ્ધત્વને ઉજાગર કરતુ સરસ ગીત
    શ્રી સુરેશ દલાલને લાખ લાખ સલામ………………………

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment