ચૂમે છે ભૂમિને બંને ય, પણ વૃક્ષો જ કરમાયા,
હવાની જેમ એ અસ્તિત્ત્વ મિટાવી નથી શકતા.
વિવેક મનહર ટેલર

એકલો દરિયો – સુરેશ દલાલ

આટઆટલી પથરાઈ છે રેતી તોયે સાવ એકલો દરિયો;
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

બપોરના સૂરજમાં એની એકલતા અમળાય
અને રાતના અંધારું થઈ એકલતા સંભળાય.
રંગરંગની માછલીઓ ને મોતી તોયે સાવ એકલો દરિયો !
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો !

પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

-સુરેશ દલાલ

ભાગ્યે જ કોઈ કવિએ એકલતા વિષે નહિ લખ્યું હોય….પરંતુ શું ખરેખર એકલતા એ મૂળભૂત સનાતન સત્ય નથી ? એકલતાની પીડાને સાવ નકારી તો ન શકાય પરંતુ જરાક વધુ વિચારતા બુદ્ધની વાત સામે આવ્યા વગર રહેતી નથી- do not be alone to learn but learn to be alone. અત્યંત સમીપનું સ્વજન પણ એક અલાયદું અસ્તિત્વ જ છે-ભલે વીણાના સઘળા તાર એક લયમાં કંપન કરી જીવનને ધન્ય કરતુ સંગીત ઉપજાવતા હોય,પણ પ્રત્યેક તાર શું એકલતાની ફરિયાદ કરતો હશે ? સતત આપણાં મૂળભૂત એકલાપણાના ભાન સાથે જીવનના પ્રવાહોમાં વહેતા રહીએ તો કદાચ જળકમળવત જીવવાનો આદર્શ સાર્થક કરી શકાય. પ્રત્યેક જીવ મૂળભૂત રીતે એકલો જ હોય છે.

11 Comments »

  1. અભિષેક said,

    May 16, 2010 @ 1:49 AM

    એકલતાનું કાવ્ય અદભૂત. સુરેશ દલાલે બહુ સરસ વાત કરી છે.

  2. pragnaju said,

    May 16, 2010 @ 7:54 AM

    પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
    તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.
    ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો
    મોજાંઓની માયા અહીંયાં વહેતી તોયે સાવ એકલો દરિયો.

    કેટલું સુંદર

    લોન્લીનેસમાં દુનિયા માણસ ને અલગ પાડી દે છે,

    ને અલોનનેસમાં માણસ પોતે દુનિયાથી અલગ થઇ જાય છે.

    લોન્લીનેસ માં માણસ ને કોઈકની જરૂર સતત વર્તાયા કરતી હોઈ છે. કોઈક એની પાસે હોઈ,

    કોઈક આવીને એને સહારો આપે એવું અભિવ્યક્ત થયા કરતુ હોઈ છે.

    જયારે અલોનનેસમાં માણસ ને દુનિયાની કે બીજી કોઈ છે, વૃદ્ધાવસ્થાની એકલતાની, સંબંધોની,

    હૂંફની, લાગણીની … અનુભવે વધુ સમજાય.

  3. satish Dholakia said,

    May 16, 2010 @ 10:25 AM

    દરેક સર્જકો એ એકલતા પ્રેમ કર્યો ચ્હે. એકલતા એ સ્થયિ ભાવ ચ્હે.નામ ભુલિ ગયો પન એક કવિ નિ ત્તોલા નિ એકલત નિ વાત કરિ ચ્હે.

  4. sapana said,

    May 16, 2010 @ 11:04 PM

    તિર્થેશભાઈ તમારૂ રસાસ્વાદ ગમ્યુ..બુધ્ધ્ની વાત પણ ગમી દરિયા જેવી એકલતા દરેકના હ્રદયમાં હોય ચે પણ સુરેશભાઈ જેવા કવિ સરસ રીતે દર્શાવી શકે છે..
    સપના

  5. વિવેક said,

    May 17, 2010 @ 1:03 AM

    સુંદર રચના…

    તીર્થેશની કેફિયત માણવી પણ ગમે છે… “do not be alone to learn but learn to be alone” – ક્યા બાત હૈ!!

  6. dhaval soni said,

    May 17, 2010 @ 6:20 AM

    પંખીની છાયામાં દરિયો કણસે ખારું ખારું,
    તરડાયેલા તરંગથી હું ચહેરાને કંડારું.

    વાહ શું પંક્તિ છે…..
    અદભુત્
    …….

  7. Praveen said,

    May 17, 2010 @ 11:30 AM

    એકતા અને અલગતા વચ્ચેના ભેદના રહસ્યનું સુંદર, સાંકેતિક ઉદ્ઘાટન કરતી
    શ્રી સુરેશભાઈની આ સુઘડ કવિતા વાંચતાં, સહેજે રોમાંચ થઈ આવે. આભિનંદન !
    તીર્થેશભાઈના સૂક્ષ્મ, સંવેદનશીલ કાવ્ય-પરિચયમાં, અને અમુક પ્રતિભાવોમાં ‘આપણા મૂળભૂત એકલાપણાં’ નો ઉલ્લેખ વાંચીને, કવિશ્રી
    મકરન્દ દવેની આ કંડિકા સ્મરણમાં આવી ગઈ –
    જાગીને જોઉં તો કોઈ નથી એકલું, / હેઠળ મારે હરિવરનો હાથ !
    કવિશ્રી સુરેશભાઈને પહેલી વાર, વર્ષો પૂર્વે ખારમાં, મારા એ ‘મકરન્દમામા’ની ચીઠ્ઠી લઈને મળવાનું બનેલું તે આજે પણ સાંભરે છે.

  8. Pinki said,

    May 18, 2010 @ 12:29 PM

    ઝીણીઝીણી જાળ નજરની જોતી : મારો સાવ એકલો દરિયો

    વાહ્… દરિયાની એકલતા જાણી અને માણી પણ ! 🙂

  9. jaydev said,

    May 26, 2010 @ 2:46 AM

    very good

  10. malvikasolanki said,

    February 27, 2013 @ 7:52 AM

    અદ્દભૂત્ત

  11. Suresh Shah said,

    December 16, 2014 @ 1:09 PM

    સમી સાંજે દરિયાનો ઘુઘવાટ સાંભળજો. કાંઈ કેટલુય કહેવા મથે છે આ દરિયો.
    જ્યારે મન ઉદાસ થાય અને મન ખાલી કરવૂ હો ત્યારે દરિયાને કહેજો. એ બધુ શાંતિથી સાંભળશે. આ બધુ એના પેટાળમા ભરેલુ તેના ઘુઘ્વાટમાં હોય એવું લાગે. એકલો દરિયૉ, એકલતાનો સાથી દરિયો.

    – સુરેશ શાહ, સિંગાપોર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment