ઘેર બેઠાં ડૂબાડે એવા છે,
તારા વિચાર છે કે રેવા છે?
- વિવેક મનહર ટેલર

કવિતા લખવી હોય તો – સુરેશ દલાલ

કવિતા લખવી હોય તો લખો
.                                       – લખો તમારી ગરજે.
લખશો એટલે કવિતા થશે જ
એની કોઈ બાંયધરી નહીં આપી શકે.
.                                       – પોતે પણ નહીં.

છંદ આવડે કે ન આવડે
કવિતા કોઈ પૂર્વશરતથી આવતી નથી.
એવું પણ બને
કે આવવાની સાથે
એનું કાગળ પર જ બાળમરણ થાય.
પ્રગટ્યા પછી એ તમારાથી છૂટશે.
તમારું નામ ભલે હોય કે ન હોય,
પણ એ શ્વાસ
પોતાના જોર પર જ લેશે.

ખંખેરી નાખશે વિશેષણોની જંજાળ,
જીવનની સરિતા કે મરણનો સમુદ્ર
કે વિષાદનો વડલો – આવાં આવાં
રૂપકોને તો એ ફ્ંગોળીને ફેંકી દેશે
તમારી નજર સમક્ષ જ.
આ બધું જોવાની અને જીરવવાની
તાકાત હોય,
અને ભૂંસવાની તથા નવેસરથી ફરીથી
લખવાની ભીતરી ગરજ હોય તો
.                   – લખવી હોય તો લખજો..
.                   કદાચ, એ કવિતા હોય તો હોય.

– સુરેશ દલાલ

દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…

સુ.દ.ના પોતાના શબ્દોમાં: આપણા ઘણા બધા કવિઓ માને છે કે જાણે પોતે કવિતા લખીને સમાજ પર ઉપકાર કરે છે. એનું ફંકશન થાય ત્યારે કોણ કોણ આવે છે એની હાજરી લે છે. એ પરથી મેં એક કવિતા લખી કે ‘કવિતા લખવી હોય તો લખો તમારી ગરજે…’

4 Comments »

  1. નેહા said,

    February 20, 2020 @ 1:07 AM

    સો ટકા સહમત થવું એ જ આ કવિતાને યોગ્ય રીતે અપાયેલી દાદ છે..

  2. નેહા said,

    February 20, 2020 @ 1:08 AM

    સો ટકા સહમત થવું એ જ આ કવિતાને યોગ્ય રીતે અપાયેલી દાદ છે..
    ધન્યવાદ..

  3. pragnajuvyas said,

    February 20, 2020 @ 8:25 AM

    ગુજરાતી કવિતા નસીબદાર છે કે એને મા સુ દ જેવા કવિ મળ્યા .તેઓ મૂર્ધન્ય અને અસામાન્ય કવિ છે. છંદ અને લય દ્વારા કવિતાને એ સાર્થક કરી શકે છે. સુઘડતા અને સ્વચ્છતા એમના વ્યક્તિત્વમાં અને કવિતાના સ્વત્વમાં દેખાય છે. છંદનું ગણિત સાચવીને છંદને બોલાતી ભાષાના લય-લહેકાઓ વળાંકો આપી શકે છે. અક્ષરમેળ છંદ હોય કે માત્રામેળ. ગતિને પણ એ પ્રાસના સશક્ત કાંઠા વચ્ચે સ્વાભાવિક રીતે વહેતી કરી શકે છે.
    કવિતા લખવી હોય તો જેવી ડૉ.વિવેકના આસ્વાદમા-‘ દરેક કવિના લોહીમાં રસીબસી હોવી જરૂરી કવિતા…’ જેવી તેમની કવિતા
    યાદ આવે છે
    પાનખરની ડાળી હાથમાં ઝાલીને
    વસંતની કવિતા લખતાં આવડે
    તો કદાચ કવિ થવાય
    ફૂલ છલકતી ડાળી હાથમાં ઝાલીને
    પાનખરની ચીસને નરી આંખે વાંચતા
    આવડે તો કદાચ કવિ થવાય
    આંખ સામે હોય વસંતનું વન
    પાનખરનું મન ને બે મોસમમાં સમાઈ ન શકે
    એવું જીવન હોય તો કદાચ कवि થવાય
    સુરેશ દલાલ

  4. Hasmukh Parekh said,

    April 5, 2020 @ 8:03 PM

    કવિતા લખવી છે
    પણ ગમતા શબ્દો મળતા નથી
    શબ્દકોશના પાનામાંથી
    વીણ્યા મોતી ચૂંટીને
    પણ હવે હું લોકોને ગમતો નથી
    અરે, બીજું તો શું કહું?
    મારું હ્રદય પણ નારાજ છે!

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment