વરસાદ થાય રોજ સમંદર ઉપર અને
કોઈ નદી એ જોઈને પાછી નહીં વળે !
ભરત વિંઝુડા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

સ્વચ્છ આકાશ – મનીષા જોષી

કોઈક સુસ્ત સાંજે

આકાશમાં અચાનક દેખાઈ જતા

મેઘધનુષને જોઈને

સહેજ ચીડ ચડે છે.

શું હવે આ મેઘધનુષ પર

લપસણીની જેમ સરકવાનું ?

કે આ રંગોને ઓળખવાનો ઢોંગ કરવાનો ?

રંગ સાપેક્ષ કે નિરપેક્ષ,

એ વિચાર પણ હવે વ્યર્થ લાગે છે.

અત્યારે તો હું માત્ર એટલું જ ઈચ્છું છું કે

મારી બારીની બહાર મને દેખાય

એક કોરું, સ્વચ્છ, ખાલી આકાશ.

એટલું ખાલી એટલું સફેદ

કે મારી આંખો એમાં શોધી શકે

વર્ષો પહેલાં

મારી સાવ પાસેથી થઈને

ઊડી ગયેલા

એ સફેદ પક્ષીને.

.

-મનીષા જોષી

ખૂબીપૂર્વક રૂપક વાપર્યા છે અહીં. મેઘધનુષ્ય એટલે સફેદ પ્રકાશનું સંતાન. સફેદ પ્રકાશ શાશ્વત છે,મેઘધનુષ્ય ક્ષણજીવી છે.

આ ચાવી વાપરીને કાવ્યને વિવિધ રીતે માણી શકાય…..મેઘધનુષ્ય એટલે ક્ષણજીવી સંબંધો, સફેદ પ્રકાશ એટલે એક દિલનો સંબંધ. વળી કવિયત્રીની આંખો શોધે છે સફેદ આકાશમાં ઊડી ગયેલું સફેદ પક્ષી – અહીં એક વધુ ચમત્કૃતિ છે. કોઈક કારણોસર ભૂતકાળનો એક અતિસંવેદનશીલ સંબંધ કે જેમાં ક્યાંક કોઈક કારણોસર વાચા દગો આપી ગઈ હતી, હૈયાની વાત હોઠે આવી શકી નહોતી, અને એ અમૂલ્ય ક્ષણ હંમેશ માટે લુપ્ત થઇ ગઈ હતી – તે પાત્રને,તે ક્ષણને આ તરસી આંખો શોધ્યા કરે છે…..સતત…..

Comments (2)

જળનાં ઝાડ – યોસેફ મેકવાન

આભમાં મ્હોર્યાં જળનાં મોટાં ઝાડ !
ક્યાંય નહીં કો નદી અને ક્યાંય નહીં કો પ્હાડ !
ઘૂમરી લેતા વાયરા સાથે ફરતાં એનાં મૂલ,
સહજ લહર ઠરતાં સુગંધ ઝરતાં ઝીણાં ફૂલ,
ધરતી સાથે પ્રીત એવી કે
.               ખરતાં થોડાં, ખરતાં ક્યારેક ગાઢ !
.                                                    – આભમાં૦

ડાળ ભરેલાં પાન એવાં ત્યાં કોઈ રહે ના પંખી,
એટલે સકલ સૃષ્ટિ એણે ઉરથી ઝાંઝી ઝંખી !
ઝંખના મારી એટલી કે એ
.           ફાળ ભરે ને તોય તે મને ડગલું લાગે માંડ !
.                     આભમાં ફોર્યાં જળનાં વિશાળ ઝાડ !

– યોસેફ મેકવાન

વાદળને જળનાં મોટાં ઝાડની સાવ નવીનતર ઉપમા આપ્યા પછી કવિ આકાશમાં વરસાદનું એક નવું જ દૃશ્ય દોરી આપે છે.

Comments (1)

(કોશિશ) – ડૉ. રાધિકા ટિક્કુ

સ્નેહવેલને
નવપલ્લવિત કરવા
જેવું હું
જળ ઉમેરું છું
ત્યાં જ
તારા
અપારદર્શક ચહેરા
ઉપર
બગાસું ઊગે છે.

– ડૉ. રાધિકા ટિક્કુ

સાવ એક જ લીટીની પણ સીધી જ મર્મભાગે ઘા કરે એવી ધારદાર કવિતા. ‘અપારદર્શક ચહેરા’ અને ‘બગાસું’માં જે સ્ત્રી-પુરુષના સંબંધની કડવી વાસ્તવિક્તા છે એ આ એક લીટીની વાતને કવિતાની કક્ષાએ લઈ જાય છે.

Comments (3)

હરી ગયો – નિરંજન ભગત

હરિવર મુજને હરી ગયો !
મેં તો વ્હાલ કીધું ન્હોતું ને તોયે મુજને વરી ગયો !

અબુધ અંતરની હું નારી,
હું શું જાણું પ્રીતિ ?
હું શું જાણું કામણગારી
મુજ હૈયે છે ગીતિ ?
એ તો મુજ કંઠે નિજ કરથી વરમાળા રે ધરી ગયો !

સપનામાંયે જે ના દીઠું
એ જાગીને જોવું !
આ તે સુખ છે કે દુ:ખ મીઠું ?
રે હસવું કે રોવું ?
ના સમજું તોયે સ્હેવાતું એવું કંઈ એ કરી ગયો !
હરિવર મુજને હરી ગયો !

– નિરંજન ભગત

કેવું મજાનું પ્રણયગીત ! સરળ બાનીમાં કેવી મજાની કેફિયત !

Comments (3)

બદલવાથી – હિતેન આનંદપરા

દશાઓ એમ સુધરતી નથી ઈશ્વર બદલવાથી
સવાલો ક્યાં કદી બદલાય છે ઉત્તર બદલવાથી.

નથી નિષ્ઠા વિષે શંકા પરંતુ રીત ખોટી છે
નહીં પામી શકે તુ ફૂલને અત્તર બદલવાથી.

જરૂરી છે એ લય ને તાલ છે, જે લોહીમાં મળશે
નથી કંઈ ફાયદો ઓ નર્તકી, ઝાંઝર બદલવાથી.

નહીં આવી શકે તારા ઘરે, તું જીદ છોડી દે
સંબંધો એમ બંધાતા નથી અવસર બદલવાથી.

ત્વચા બીજા કોઈની આપણે ઓઢી ન હો જાણે
અજુગતું એમ કંઈ લાગ્યા કરે ચાદર બદલવાથી.

– હિતેન આનંદપરા

Comments (11)

કિનારા પર – ગની દહીંવાળા

સદા ચાલ્યા કરેછે શ્વાસ કોઈના ઇશારા પર,
જીવન જીવી રહ્યો છું કેટલા નાજુક સહારા પર !

મળ્યું વ્યાકુળ હ્રદય તેમાંય ચિનગારી મહોબ્બતની,
જીવનદાતા ! મૂકી દીધી ખરેખર આગ પારા પર.

કવિ છું, વિશ્વની સાથે રહ્યો સબંધ એ મારો,
હસે છે એ સદા મુજ પર,રડું છું, એ બિચારા પર.

હ્રદય સમ રાહબર આગળ ને પાછળ કૂચ જીવનની,
તમન્નાઓ મને ઠરવા નથી દેતી ઉતારા પર.

અષાઢી વાદળો ! મુજ આંગણે વરસો ન આ વરસે,
વરસવું હોય તો વરસો મને તરસાવનારા પર.

જીવન-સાગરમાં તોફાનોની મોજ માણો ભરદરિયે,
‘ગની’, ડૂબી જશે, અગર નૌકા આવી કિનારા પર.

******

બહુ સહેલાઈથી કષ્ટો મને આપ્યાં છે દુનિયાએ,
બહુ મુશ્કેલીએ તારી નિકટ આવી શક્યો છું હું.

– ‘ગની’ દહીંવાળા

એક સરળ હ્રદયની વાણી છે આ…..એક સંવેદનશીલ દિલની કથની છે. ગનીચાચાની ખૂબી જ એ હતી કે તેઓના કવનમાં દર્શન સહજ હતું.

Comments (5)

આવવું – મનહર મોદી

આંખમાં આવવા નથી આવ્યો,
સાવ દરિયો થવા નથી આવ્યો.

ડાળખી ડોલવું નથી ભૂલી,
એમ દેખાડવા નથી આવ્યો.

હોય ચોખ્ખો તો મારે જોવો છે,
કાચને કાપવા નથી આવ્યો.

પાંપણે પટપટું તો પૂરતું છે,
છેક ઊંડે જવા નથી આવ્યો.

જાતને ખોલવા ઊભો છું હું,
બારણું વાસવા નથી આવ્યો.

– મનહર મોદી

મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ ગઝલના શેરને હળવેથી ખોલીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી…

 

Comments (1)

(વેદના) – નેહા પુરોહિત

મન મૂકીને માણવાની હોય છે,
વેદના કેવી મજાની હોય છે.

વેદના સત્વો જે રગરગમાં ભરે,
વેદના એણે વખાણી હોય છે.

શબ્દ શણગારે, પ્રભાવે મૌનને,
વેદનાની જાત શાણી હોય છે.

નીતરે જ્યારે ગઝલ થઈ વેદના,
એ સ્તરે એ રાજરાણી હોય છે.

વેદના બ્રહ્માંડમાં પણ વિસ્તરે,
ગાલગામાં પણ સમાણી હોય છે.

– નેહા પુરોહિત

એક-એક શેર પાણીદાર… ગઝલ જાણે વેદનાનો વેદ ના હોય !

Comments (9)

વિદાયઘડી – સાબિર વટવા

ચંદ્ર ઝાંખો થાય છે, ‘રોકાઈ જાવ’ !
હમણાં વા’ણું વાય છે, રોકાઈ જાવ !

એક ઘડીભર રાતની છે શી વિસાત ?
વર્ષો વીતી જાય છે, રોકાઈ જાવ !

અપશુકન છે રોકવામાં, શું કરું ?
મારું દિલ ગભરાય છે, રોકાઈ જાવ !

ચીબરી બોલી રહી છે આંગણે,
વનમાં ઘુવડ ગાય છે, રોકાઈ જાવ !

વાટમારુ છે નિરાશા માર્ગમાં –
કાફલા લૂંટાય છે, રોકાઈ જાવ !

હોઠ ઉપર છે ‘ખુદા હાફિઝ !’ છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ !

આજ ‘સાબિર’ વારે વારે શું કહું ?
હોઠે આવી જાય છે, રોકાઈ જાવ !

– સાબિર વટવા

જરા રોકાઈ જવા જેવી ગઝલ…

Comments (4)

અમે કાગળ લખ્યો તો – મુકેશ જોશી

અમે કાગળ લખ્યો તો પહેલ વહેલો
છાનોછપનો કાગળ લખ્યો તો પહેલો વહેલો.
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળ્યા તા
ફાગણીયો મલક્યો જ્યાં પહેલો.

સંબોધન જાણે કે દરિયાના મોજાંઓ,
આવી આવીને જાય તૂટી;
તો સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે,
કાગળમાં એક ચીજ ખૂટી.
નામ જાપ કરવાની માળા લઈ બેઠો
ને પહેલો મણકો જ ના ફરેલો.

પહેલાં ફકરાની એ પહેલી લીટી
તો અમે જાણીબુજીને લખી ખાલી,
બીજામાં પગરણ જ્યાં માંડ્યા
તો લજ્જાએ પાંચે આંગળીઓને ઝાલી.
કોરોકટાક મારો કાગળ વહી જાય,
બે એક લાગણીનાં ટીપાં તરસેલો.

ત્રીજામાં એમ થયું લાવ લખી નાખીએ
અહીયાં મજામાં સૌ ઠીક છે;
અંદરથી ચુંટી ખણી કોઈ બોલ્યું કે
સાચું બોલવામાં શું બીક છે?
હોઠ ઉપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની
ને ચોકિયાત એક ત્યાં ઉભેલો.

લિખિતંગ લખવાની જગ્યાએ ઓચિંતું
આંખેથી ટપક્યું રે બિંદુ;
પળમાં તો કાગળ પર માય નહીં
એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ.
મોગરાનું ફૂલ એક મૂકીને મહેકંતા
શ્વાસ સાથ કાગળ બીડેલો.

– મુકેશ જોશી

કવિની ઊંચાઈનો ખ્યાલ તેઓ દ્વારા થયેલી વિષયની માવજત આપે છે. પરંપરાગત વિષયને કેટલી અદભૂત તાજગી બક્ષી છે !!!

Comments (10)

Page 1 of 347123...Last »