જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે,
ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે.
આદિલ મન્સૂરી

બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

જીવનના જે વળાંકે આવીને ઊભો છું હું ત્યાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!
ફગાવી દઈ બધા કિંતુ-પરંતુઓની વરણાગી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યા જે પણ મને રસ્તામાં એ હરએક પાસેથી વધારે નહીં તો ઓછું પણ સતત મેં લીધે રાખ્યું છે,
જીવનભર ભેગાં કીધાં એ બધાંયે પોટલાંમાંથી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

કોઈએ ઈર્ષ્યા આપી છે, કોઈએ શંકા ચાંપી છે, કોઈએ દ્રોહ, શ્રદ્ધાભંગ કે અપમાન આપ્યા છે;
કશું નહિ છોડવાની લ્હાયમાં અંતે ગયો થાકી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

મળ્યાં જે માન-કીર્તિ, સાચાં-ખોટાં રામ જાણે પણ, અહમ્ પાશેરથી વાધ્યો, થયો તે શેર-તોલો-મણ;
અખા! હલકાથી ભારીની એ તારી શીખને માની બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

વિતાવી છે ઘણી રાતો ઉઘાડી પાંપણો સાથે, કશું હાંસિલ થયું નહિ, બસ, કરચલીઓ પડી માથે;
ચિતાથી ભૂંડી ચિંતાને બનાવી શાથી મેં સાથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

હવે રહીરહીને સમજાયું રહ્યો છું ઠેરનો ઠેર જ, કશે પહોંચી શકાયું ક્યાં ઉપાડી મનમુટાવોને?
રહે ગજગ્રાહમાં જે વ્યસ્ત એ આગળ વધે ક્યાંથી? બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

ગયાં એને નમન છે, ને જે આવ્યાં એને પણ વંદન; દીધાં હો ફૂલ કે પથ્થર – એ સઘળાંને નમું છું હું;
બધા માટે હૃદયમાં એકસરખી લાગણી રાખી બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

અરીસામાં પ્રથમવાર જ સ્વયં સામે નજર માંડી, કહ્યું એણે, ભીતર તો જો, પછી બનજે જગતકાજી;
સ્વીકાર્યું મેં, નમાવ્યું સિર, કહ્યું, ‘હા જી અરીસાજી! બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!’

તું બાવનબા’રો છે એ વાત લાગે છે હવે સાચી, મને પણ બાવને પહોંચ્યા પછી સાચી સમજ લાધી;
ભલે મોડી તો મોડી પણ સમજ જ્યારે ખરી આવી, બધા ગજગ્રાહ છોડીને હવે આગળ વધું તો બસ!

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૬-૦૮-૨૦૨૩)

તિલક કરતાં ત્રેપન વહ્યાં, તંઈ જંઈ આ બ્રહાજ્ઞાન લાધ્યું, અખા!
બધા ગજગ્રાહ છોડી જીવતાં શીખો એ જ સાચું જીવન, સખા…

3 Comments »

  1. Ami said,

    March 16, 2024 @ 1:12 PM

    Waah!

  2. Pragnya Vyas said,

    March 16, 2024 @ 2:44 PM

    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..
    ખૂબ સરસ વાત કરી છે.. આમ પણ આજીવન આપણે ગજગ્રાહ સાથે જ જીવતા હોય એછે.
    અને આ ઉંમરે જો એ છોડવા નું વિચારી લઈ એ તો ઉત્તમ જ છે.

  3. શૈલા મુન્શા said,

    March 16, 2024 @ 10:49 PM

    વિવેકભાઈ સહુ પ્રથમ જન્મ દિવસની શુભકામના. સહુએ બધા ગજગ્રાહ છોડી આગળ વધવાનું જ છે. જેટલું જલ્દી સમજાય એટલું સારું. વર્ષો પહેલાં આપણે હ્યુસ્ટનમાં મળ્યાં હતાં. અમારી સહિત્યસરિતાની બેઠક પછી તમને તમારા મિત્રને ત્યાં મૂકવા આવ્યા હતા. હવે વડોદરા ખાતે કાયમ માટે આવી ગયા છીએ.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment