સાવ હળવું લાગવા માંડ્યું છે દુઃખ,
કાખમાં તેડી લીધું છે જ્યારથી.
રાજુલ ભાનુશાલી

અધૂરપ – માધવ આસ્તિક

અહીં, ત્યાં, બધીયે જગામાં અધૂરપ
ઠસોઠસ ભરી છે બધામાં અધૂરપ

બધું આપ્યું છે થોડું અધકચરું અમને
પરંતુ ન આપી વ્યથામાં અધૂરપ

ઘણાં એવાં ફૂલો જે ખુશબૂ ન આપે
એ ફેલાવતાં રહે હવામાં અધૂરપ

છલોછલ કરી ના શકે તો ન પાજે,
મને ફાવશે નહિ નશામાં અધૂરપ

તું દર્શન દે એ પળ છે નક્ષત્ર સ્વાતિ
અમે બેઠા લઈ પોપચામાં અધૂરપ

ચલો એ હિસાબેય હાજર તો છે તું
રહે તારા નામે ઘણામાં અધૂરપ

ફકત એક ખટખટની આશા જીવાડે
કે મરવા પડી બારણામાં અધૂરપ

તું સ્પર્શે એ પહેલાં, તું સ્પર્શે પછી પણ
સતત હોય હાજર ત્વચામાં અધૂરપ

ખૂલે બારી પણ ત્યાંથી પડદો હટે નહિ
તો લાગે કે રહી ગઈ નફામાં અધૂરપ

કરી સહેજ શંકા મે મંજિલ વિશે ને
તરત પેસી ગઈ કાફલામાં અધૂરપ

બધાં એનાં સર્જન એ દાટી જ દેશે
જો કુંભાર જોવે ધરામાં અધૂરપ

સ્વપન મોકલીને એ પૂરી કરે છે
જે એણે મૂકી આંધળામાં અધૂરપ

તને શોધવાનુંય કારણ છે એક જ
ફરી માંગશું આયખામાં અધૂરપ

બધા પાત્ર શોધે છે સર્જકના એને
રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ!

મિલન નહિ ફકત એ મુલાકાત ગણજો
જો ના પાંગરે બે જણામાં અધૂરપ

– માધવ આસ્તિક

ગઝલ તો છે અધૂરપની પણ કવિએ શેર ગૂંથ્યા છે પૂરા પંદર. મજા તો એ છે કે પંદરે-પંદર શેર મજબૂત થયા છે. મત્લામાં જ અત્ર-તત્ર, સર્વત્ર બધામાં બધેબધ ઠસોઠસ અધૂરપ ભરી હોવાની વાતમાં કવિએ ઠસોઠસ અને અધૂરપનો વિરોધાભાસ કેવી સહજતાથી વણી લીધો છે! ક્યાંય કોઈ અઘરા કલ્પન કે મથામણ કરવા મજબૂર કરે એવા રૂપકો નથી. કવિએ તદ્દન સરળ બાનીમાં અધૂરપના દરેક શેરોને પૂર્ણપણે અર્થગાંભીર્ય બક્ષ્યું છે.

5 Comments »

  1. મયૂર કોલડિયા said,

    January 11, 2024 @ 11:27 AM

    સુપર્બ

  2. Aasifkhan said,

    January 11, 2024 @ 11:53 AM

    વાહ વાહ સરસ ગઝલ

  3. Poonam said,

    January 11, 2024 @ 11:56 AM

    બધા પાત્ર શોધે છે સર્જકના એને
    રહી શું ગઈ કલ્પનામાં અધૂરપ! Je baat !
    – માધવ આસ્તિક –

    Aasavad 👌🏻

  4. દીપક પેશવાણી said,

    January 11, 2024 @ 12:52 PM

    બહુ મજાની ગઝલ… બધા શેર સુપર.. કવિને અભિનંદન..

  5. સુનીલ શાહ said,

    January 11, 2024 @ 4:01 PM

    વાહ.. મજાની ગઝલ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment