બળતાં પાણી – ઉમાશંકર જોશી
(શિખરિણી)
નદી દોડે, સોડે ભડભડ બળે ડુંગરવનો;
પડે ઓળા પાણી મહીં, સરિત હૈયૈ સળગતી,
ઘણું દાઝે દેહે, તપી તપી ઊડે બિંદુ જળનાં.
વરાળો હૈયાંની પણ મદદ કૈં ના દઈ શકે.
જરી થંભી જૈને ઉછળી, દઈ છોળો તટ પરે
પહાડોને છાંટી શીતળ કરવાનું નવ બને.
અરે! જે પ્હાડોએ નિજ સહુ નિચોવી અરપીયું
નવાણોમાં, તેને સમય પર દૈ બુંદ ન શકે.
કિનારાની આંકી જડ કઠણ માઝા ક્યમ કરી
ઉથાપી- લોપીને સ્વજન દુઃખને શાંત કરવું?
નદીને પાસેનાં સળગી મરતાંને અવગણી
જવું સિંધુ કેરા અદીઠ વડવાગ્નિ બૂઝવવા!
પછી ત્યાંથી કો દી જળભર ભલે વાદળ બની,
વહી આવી આંહિ ગિરિદવ શમાવાનું થઈ ર્હે!
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
– ઉમાશંકર જોશી
હજી તો એપ્રિલ માંડ શરૂ થયો છે ને ગરમીએ તો માઝા મૂકી છે. ડુંગરમાંથી જન્મેલી ડુંગરપુત્રી નદી દોડી રહી છે. એની આજુબાજુના ડુંગરો અને વનો તાપમાં ભડભડ શેકાઈ રહ્યાં છે ને ઓળા નદીના પાણીમાં પડે છે. નદીનું હૈયું તો સળગે જ છે, કાયા પણ ગરમીના કારણે દાઝી રહી છે. જે પહાડોએ એને પોતાનું સર્વસ્વ નિચોવીને જન્મ આપ્યો છે, એ પહાડોને તટ ઉપર છોળો ઉછાળી પાણી છાંટી શીતળ કરવાનું નદીના ભાગ્યમાં નથી. કિનારાએ જે જડ મર્યાદામાં એને બાંધી દીધી છે એને ઉથાપી-લોપીને સ્વજનોના દુઃખને એ શાંત કરી શકતી નથી. જે પાસેનાં છે એ સહુને સળગી મરતાં છોડીને એણે જે કદી જોયો નથી એવા દરિયાના પેટાળમાં ભડભડતા અગ્નિને ઠારવા જવું પડે છે. દરિયામાંથી વરાળસ્વરૂપ ધારીને વાદળ બનીને ક્યારેક આ તરફ આવીને પર્વતો પર લાગેલી આગ બૂઝાવવાનું સૌભાગ્ય જ્યારે એને સાંપડશે તો ખરું પણ બધું તાપથી બળીને ખાક થઈ જાય પછી એ સૌભાગ્ય સૌભાગ્ય કહેવાય કે દુર્ભાગ્ય?
એક પંક્તિ ઓછી કરીને કવિ ચૌદ પંક્તિનું સૉનેટ આપી શક્યા હોત, પણ જડ કાંઠાના નિયમોને ઉથાપી ન શકતી નદીથી વિપરિત હૃદયોર્મિના વેગને કાવ્યાકારના કાંઠાઓમાં બાંધવું યોગ્ય ન ગણીને કવિએ કદાચ સૉનેટ કહેવાનો મોહ જતો કર્યો હોઈ શકે. વધુ તો જાણકારો જ કહી શકે.
gaurang thaker said,
April 11, 2024 @ 12:36 PM
વાહ વાહ.. સૉનેટ ને આસ્વાદ ખૂબ સરસ
યોગેશ ગઢવી said,
April 11, 2024 @ 1:30 PM
વર્તમાન સ્થિતિનું તપાવતું… તાદૃશ કાવ્ય… સાથે સુંદર આસ્વાદ🌹🙏🏼
યોગેશ ગઢવી said,
April 11, 2024 @ 1:37 PM
વર્તમાન સ્થિતિનું ધોમધખતું… તાદૃશ કાવ્ય… સાથે સુંદર આસ્વાદ🌹🙏🏼
Poonam said,
April 12, 2024 @ 7:07 PM
અરે! એ તે ક્યારે? ભસમ સહુ થૈ જાય પછીથી?
– ઉમાશંકર જોશી… 🙏🏻
Aaswad sundar sir ji 😊
કલ્પના પાઠક said,
April 24, 2024 @ 8:10 PM
ખૂબ મનોરમ્ય આસ્વાદ.🙏🙏.