બાકી છે – રીનલ પટેલ
હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.
હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.
અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.
મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.
કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.
– રીનલ પટેલ
ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’”
Rinal said,
March 9, 2024 @ 4:13 PM
મારી ગઝલને અહીં ટાંકવા માટે લયસ્તરોનો ખૂબ ખૂબ આભાર🙏
પ્રભાકર ધોળકિયા.સુરત said,
March 9, 2024 @ 6:24 PM
હજીએ મૌનમા એક ચીસ બાકી છે.
સરસ ગઝલ.અભિનંદન
Aasifkhan aasir said,
March 10, 2024 @ 6:55 PM
વાહ સરસ ગઝલ