રીનલ પટેલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 9, 2024 at 3:28 PM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
હજીયે આ તરફની ભીંત બાકી છે,
હજી થોડી ઘણી ઉમ્મીદ બાકી છે.
હજી રમવાને આવે કહાન ગોકુળમાં,
હજી રાધા-રમણની પ્રીત બાકી છે.
અમે છેડ્યો છે એ આલાપ છે કેવળ,
અમારે ગાવું છે એ ગીત બાકી છે.
મળી છે હાર જીવનમાં અનેકોવાર,
હજી હાર્યા પછીની જીત બાકી છે.
કદી આવેશમા બોલ્યા નથી સામે,
હજીયે મૌનમાં એક ચીસ બાકી છે.
– રીનલ પટેલ
ભીંત હોય તો તૂટવાની શક્યતા પણ હોય. કદાચ એટલે જ વધુ નહીં તોય થોડી ઘણી આશા હજી બચી રહી છે એમ કવયિત્રીને લાગી રહ્યું છે. આલાપ અને ગીતવાળો શેર તો શિરમોર થયો છે. જે ઘડીએ આપણને એમ લાગે કે આપણે આપણું શ્રેષ્ઠ આપી દીધું છે, એ ઘડીએ આપણો વિકાસ સ્થગિત થઈ જાય છે. “લખાવ્યે રાખે છે કાયમ મને બસ, આ જ એક અહેસાસ- ‘જે કહેવું છે એ આજે પણ હું ફરમાવી નથી શક્તો.’”
Permalink
December 21, 2023 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
જિંદગી ગોથું ખાય તો સારું,
એ બહાને શીખાય તો સારું
બસ, અહીંથી એ જાય તો સારું,
ભીડ મનમાં ન થાય તો સારું.
જે ભરોસે ટક્યું છે ધૈર્ય હજી,
એ સમય દે ઉપાય, તો સારું.
હોય એવી, જરાય ફર્ક વગર
છાપ સઘળે છપાય તો સારું
જેના કાજે લખાય છે ગઝલો,
સાંભળી, મુગ્ધ થાય તો સારું.
સાવ પાસે ગયાં પછી લાગ્યું,
થોડું અંતર રખાય તો સારું.
– રીનલ પટેલ
લયસ્તરો પર કવયિત્રીના સંગ્રહ ‘એ તરફ ઢોળાવ’નું સહૃદય સ્વાગત છે.
એકદમ સરળ બાનીમાં સ્વયંસ્પષ્ટ પરંતુ અર્થગહન રચના. દરેક શેર ખરા સોના જેવા.
Permalink
March 4, 2021 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, રીનલ પટેલ
આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.
એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.
બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત,સાચી મજા ત્યારે જ આવે.
એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.
આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.
– રીનલ પટેલ
વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. કૃષ્ણને મળવા દુર્યોધન વહેલો આવ્યો હતો પણ ઓશિકા પાસેના આસન પર બેઠો. અર્જુન મોડો આવ્યો પણ પગ પાસે ઊભો રહ્યો. કૃષ્ણની આંખ ખુલતાં એને સૌપ્રથમ અર્જુન નજરે ચડ્યો. પણ આંખ ખૂલે અને ગમતી વ્યક્તિ સામે ઊભી હોય એવી ક્ષણો તો જીવનમાં ભાગ્યે જ આવે ને! આવું સદભાગ્ય બધાનું થોડું હોય? અને કાયમનું થોડું હોય? ક્યાંક કશેક અટકી ગયા હોઈએ, વધુ પડતા વ્યસ્ત હોઈએ ત્યારે બની શકે કે પ્રિયજનની યાદ ન આવે, પણ મન જેવું નવરું પડ્યું નથી કે મોબાઇલ આઉટ-ઑફ-રેન્જમાંથી રેન્જમાં આવતાં જ જે રીતે અટકી પડેલા મેસેજિસ એક પછી એક સટાસટ આવવા માંદે એ જ રીતે યાદો પણ ધસમસી આવે. મોબાઇલ-સિગ્નલ અને મેસેજ હવા-પાણી-ખોરાક પછીની ચોથી આવશ્યકતા બની ગયા હોય ત્યારે કવિતા એનો પડઘો ન ઝીલવામાંથી કેમ બાકાત રહી જાય? કવિતા તો સાંપ્રત સમય અને સમાજનો અરીસો છે. ત્રીજો-ચોથો શેર ગઝલના શિરમોર શેર છે. બંને અદભુત થયા છે. કવિતા કઈ વસ્તુને ક્યાં અને કેવી રીતે સાંકળી લે એ આપણી સહજ સમજણની બહાર છે. કદાચ એટલે જ કવિતા બધાનો ‘કપ-ઑફ-ટી’ ન હોવા છતાંય સ્પર્શી જાય છે. ભાણેજ અને વિપત્તિઓને આમ તો સ્નાનસૂતકનોય સંબંધ નથી, પણ કવિતા એ બેને જે અધિકારપૂર્વક સાંકળી લે છે એ જોવા જેવું છે…
કવયિત્રીનું લયસ્તરો પર સહૃદય સ્વાગત!
Permalink