પાનું કોરું જોઈને કોઈ કબીર,
અક્ષરો વણતો રહ્યો ચાદર ગણી.
અંકિત ત્રિવેદી

ભાગ્યે જ આવે – રીનલ પટેલ

આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.

એમ આવે સટસટાસટ યાદ એની,
જેમ સિગ્નલ આવતાં મેસેજ આવે.

બેઉને, બન્નેની, એ પણ એક સરખી,
હોય લત,સાચી મજા ત્યારે જ આવે.

એટલા હકથી પધારે આપદા કે-
જાણે મામાના ઘરે ભાણેજ આવે.

આમ લાવી ના શકો એને પરાણે,
આ ગઝલ છે, એ તો સ્વેચ્છાએ જ આવે.

– રીનલ પટેલ

વાંચતાવેંત ગમી જાય એવી ગઝલ. કૃષ્ણને મળવા દુર્યોધન વહેલો આવ્યો હતો પણ ઓશિકા પાસેના આસન પર બેઠો. અર્જુન મોડો આવ્યો પણ પગ પાસે ઊભો રહ્યો. કૃષ્ણની આંખ ખુલતાં એને સૌપ્રથમ અર્જુન નજરે ચડ્યો. પણ આંખ ખૂલે અને ગમતી વ્યક્તિ સામે ઊભી હોય એવી ક્ષણો તો જીવનમાં ભાગ્યે જ આવે ને! આવું સદભાગ્ય બધાનું થોડું હોય? અને કાયમનું થોડું હોય? ક્યાંક કશેક અટકી ગયા હોઈએ, વધુ પડતા વ્યસ્ત હોઈએ ત્યારે બની શકે કે પ્રિયજનની યાદ ન આવે, પણ મન જેવું નવરું પડ્યું નથી કે મોબાઇલ આઉટ-ઑફ-રેન્જમાંથી રેન્જમાં આવતાં જ જે રીતે અટકી પડેલા મેસેજિસ એક પછી એક સટાસટ આવવા માંદે એ જ રીતે યાદો પણ ધસમસી આવે. મોબાઇલ-સિગ્નલ અને મેસેજ હવા-પાણી-ખોરાક પછીની ચોથી આવશ્યકતા બની ગયા હોય ત્યારે કવિતા એનો પડઘો ન ઝીલવામાંથી કેમ બાકાત રહી જાય? કવિતા તો સાંપ્રત સમય અને સમાજનો અરીસો છે. ત્રીજો-ચોથો શેર ગઝલના શિરમોર શેર છે. બંને અદભુત થયા છે. કવિતા કઈ વસ્તુને ક્યાં અને કેવી રીતે સાંકળી લે એ આપણી સહજ સમજણની બહાર છે. કદાચ એટલે જ કવિતા બધાનો ‘કપ-ઑફ-ટી’ ન હોવા છતાંય સ્પર્શી જાય છે. ભાણેજ અને વિપત્તિઓને આમ તો સ્નાનસૂતકનોય સંબંધ નથી, પણ કવિતા એ બેને જે અધિકારપૂર્વક સાંકળી લે છે એ જોવા જેવું છે…

કવયિત્રીનું લયસ્તરો પર સહૃદય સ્વાગત!

22 Comments »

  1. Sandip Pujara said,

    March 4, 2021 @ 12:42 AM

    વાહ – ખુબ સરસ ગઝલ 
    ક્યા બાત 

  2. Anjana bhavsar said,

    March 4, 2021 @ 12:56 AM

    મસ્ત ગઝલ..અભિનંદન રિનલ પટેલ…

  3. DILIPKUMAR CHAVDA said,

    March 4, 2021 @ 1:39 AM

    વાહ વાહ ને બસ વાહ
    બધા જ શેર ઉમદા થયા છે
    સિગ્નલ વાળો તો માસા અલ્લાહ

  4. Shah Raxa said,

    March 4, 2021 @ 1:53 AM

    વાહ..વાહ..ખૂબ સરસ ગઝલ

  5. Uma Parmar said,

    March 4, 2021 @ 2:13 AM

    વાહ ! મજાની રચના

  6. Guman said,

    March 4, 2021 @ 2:33 AM

    Saras

  7. કિશોર બારોટ said,

    March 4, 2021 @ 2:49 AM

    સુંદર ગઝલ.
    બેન, રીનલને અભિનંદન.🌹

  8. કિશોર બારોટ said,

    March 4, 2021 @ 2:50 AM

    સુંદર ગઝલ.
    બેન, રીનલને અભિનંદન.🌹

  9. લવ સિંહા said,

    March 4, 2021 @ 2:54 AM

    સરસ ગઝલ છે

  10. તખ્તસિંહ સોલંકી said,

    March 4, 2021 @ 3:07 AM

    વાહ રિનલ ખૂબ જ સુંદર રચના 👌👌

  11. Poonam said,

    March 4, 2021 @ 3:29 AM

    એટલા હકથી પધારે આપદા કે-
    જાણે મામાના ઘરે ભાણેજ આવે… વાહ રે હક !
    – રીનલ પટેલ
    Aaswad Saras

  12. Kajal kanjiya said,

    March 4, 2021 @ 3:48 AM

    ખૂબ સરસ ગઝલ…ખૂબ ખૂબ અભિનંદન વ્હાલી💐🤗

  13. રીનલ પટેલ said,

    March 4, 2021 @ 4:55 AM

    ગઝલનો લયસ્તરોમાં સમાવેશ કરવા બદલ લયસ્તરોનો ખુબ ખુબ આભાર…

    પ્રતિભાવ આપનાર બધાં મિત્રોનો પણ ખુબ ખુબ આભર

  14. Pravin Shah said,

    March 4, 2021 @ 6:49 AM

    ક્યા બાત !
    ખૂબ સરસ !
    અભિન્નદન !

  15. લલિત ત્રિવેદી said,

    March 4, 2021 @ 6:51 AM

    વાહ વાહ… સરસ ગઝલ

  16. pragnajuvyas said,

    March 4, 2021 @ 9:23 AM

    સુંદર ગઝલ.
    સ રસ આસ્વાદ
    આંખ ખુલતાવેંત સામે એ જ આવે,
    એવી ક્ષણ જીવન મહીં ભાગ્યે જ આવે.
    વાહ્

  17. શબનમ said,

    March 4, 2021 @ 12:26 PM

    વાઆહ વાઆહ મસ્ત ગઝલ… અભિનંદન My Dear Rinal

  18. Aasifkhan said,

    March 5, 2021 @ 1:27 AM

    Vaah sundar gazal

  19. Sachin bhagat said,

    March 6, 2021 @ 11:11 PM

    Excellent, 👏👏👏

  20. નિર્મલ ભગત said,

    March 6, 2021 @ 11:12 PM

    ખુબ સરસ સમજુતી સાથેની રજુઆત.

  21. Harihar Shukla said,

    March 7, 2021 @ 11:12 PM

    મામા ભાણેજ પણ ગઝલમાં કેવી સરસ રીતે આવી ગયાં! 👌

  22. Lata Hirani said,

    March 8, 2021 @ 8:50 PM

    સરસ ગઝલ્ અભિનન્દન

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment