નિર્મિશાંજલિ :૦૨: ત્રણ ટ્રાયોલેટ – નિર્મિશ ઠાકર
૧. ઇતિહાસને પાને
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
ભૂતકાળે હું ન જીવું, હોય ના મારી કડી
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
હું ભૂલાઉં એ જ સારું! કેમ હું આવું જડી?
હોય જો અનિવાર્યતા તો પૃષ્ઠ કોરું રાખજે
કેદ જેવું થઈ જશે ઇતિહાસને પાને ચડી
નામ મારું થઈ જતું યશવંત, ભૂંસી નાંખજે
૨. રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
મળ્યા કલ્પનાને રૂપાળા સહારા
બધા હાલ પૂછી લીધા મેં તમારા
હતા કાફલા મ્હેકના એકધારા
હતી દૃશ્યમાં રૂપની કેં સભાઓ
બધા હાલ પૂછી લીધા મેં તમારા
મને રાહમાં જ્યાં મળી ગઈ હવાઓ
૩. તેજરેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
સૌંદર્ય શું હૃદયમોહક એ વિદાયે
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
મૃત્યુ પછી ઘડીક હોઈશ હુંય પાસે,
અશ્રુ મહીં પ્રિય જરીક જ દૈશ દેખા
સૂર્યાસ્ત તો થઈ જશે, જળમાં છતાંયે
રોકાય છે મૃદુલ બે ક્ષણ તેજરેખા.
– નિર્મિશ ઠાકર
ગુજરાતી ભાષામાં ટ્રાયોલેટ લાવવાનું અને આખેઆખો સંગ્રહ આપવાનું શ્રેય કવિશ્રી નિર્મિશ ઠાકરને જાય છે. ગુજરાતી સાહિત્ય આ પ્રયાસ બદલ પણ એમને સદાકાળ યાદ રાખશે. ટ્રાયોલેટ વિશે સમજૂતિ આપતા કવિ કહે છે: “કાવ્યસ્વરૂપ ટ્રાયોલેટ એની વિશિષ્ટ પ્રાસરચનાને કારણે ધ્યાનાકર્ષક બને છે. એમાં કુલ આઠ પંક્તિઓ હોય છે. એની મુખ્ય એટલે કે પ્રથમ પંક્તિ કાવ્યમાં ત્રણ વાર આવે છે, એટલે કદાચ ‘ટ્રાયોલેટ’ નામ પડ્યું હોઈ શકે. એની પ્રથમ પંક્તિ ચોથા અને સાતમા સ્થાને પુનરાવર્તિત થાય છે, એ જ રીતે બીજી પંક્તિ આઠમા સ્થાને ફરીથી આવે છે. ટ્રાયોલેટની વિશિષ્ટ પ્રાસરચના આ રીતે મૂકી શકાય- 1. cat 2. dog 3. bat 4. cat 5. fat 6. hog 7. cat 8. dog.”