લિપિ ઓઝા શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
March 8, 2024 at 12:33 PM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.
જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.
સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.
કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.
સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.
ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.
અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!
– લિપિ ઓઝા
એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…
Permalink
February 9, 2024 at 12:16 PM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
દયાને આવકારો આપવામાં,
ગુમાવ્યું ઘર વિસામો આપવામાં.
પછી જો હાલ સામો એ પૂછે તો?
હતું જોખમ દિલાસો આપવામાં.
કદી લાગે છે કે મરવુંય પડશે,
‘જીવું છું’નો પુરાવો આપવામાં.
પછીથી આંખ આરોપીની વાંચી,
ઉતાવળ થઈ ચુકાદો આપવામાં.
મળ્યો સંતોષ જનસેવા કર્યાનો,
વિનામૂલ્યે તમાશો આપવામાં.
હલેસા એની પાસે રાખશે બસ,
નથી વાંધો તરાપો આપવામાં.
– લિપિ ઓઝા
સંઘેડાઉતાર રચના. દરેક શેર મનનીય.
Permalink
February 5, 2020 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે
ન તકતી,ના શુભ-લાભ,ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે
નિસાસા હવામાં જ્યાં વ્હેતા મૂક્યા મેં
ટકોરા પડ્યા જઈને કોના કમાડે?
ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે
કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે
તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે ‘ભલેને પધાર્યા’ કમાડે !
એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે
કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં’તાં
મરણ પણ નથી આવતું આ કમાડે
– લિપિ ઓઝા
સંઘેડાઉતાર રચના… કમાડ એટલે શક્યતાઓ ઊઘડવાની વાત. અને કવયિત્રીએ અહીં કમાડે જેવી કપરી રદીફ વાપરીને કમાડ સાથે સંકળાયેલી ઘણી બધી શક્યતાઓને નાણી જોઈ છે અને પરિણામસ્વરૂપ આપણને પાણીદાર શેરોવાળી દમદાર ગઝલ સાંપડી છે. તમામ શેર ધ્યાનાર્હ થયા છે…
Permalink
August 30, 2019 at 12:30 AM by વિવેક · Filed under ગઝલ, લિપિ ઓઝા
બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?
હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?
ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં
સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?
ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં
રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં
ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં
નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં
એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં
– લિપિ ઓઝા
આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી. કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.
Permalink