ગીતને તું સાંભળે પૂરતું નથી?
વાયરા લખતા નથી કાગળ ઉપર
– સ્વાતિ નાયક

( માદળિયામાં) – લિપિ ઓઝા

બેઠો છે દરબાર ભરી ડર માદળિયામાં!
કેમ પ્રવેશે કોઈ ઈશ્વર માદળિયામાં?

હાથ અડાડું ત્યારે થોડું ભીનું લાગે
કોણ રડે બેસીને અંદર માદળિયામાં?

ડચકાં ખાતા પણ મુઠ્ઠીમાં રાખ્યું સજ્જડ
નક્કી જીવ ભરાયો આખર માદળિયામાં

સંજોગોને માફકસર વેતરવા માટે
શુ લાગે છે,હોય છે કાતર માદળિયામાં?

ભૂખ્યા પેટે રસ્તા ઉપર નીંદર આવે!
છે બેઘરનું આલિશાન ઘર માદળિયામાં

રોજ અકારણ થાય કઠણ એ થોડું-થોડું
બનતા જાય અભરખા પથ્થર માદળિયામાં

ગાંઠ ખુલે તો પાછા એ ભૂતાવળ બનશે
ધરબી દીધા છે ઊંડા ડર માદળિયામાં

નક્કર સોનાના આભૂષણ ફિક્કા પાડે
ચમકે શ્રદ્ધાનાં કૈ જડતર માદળિયામાં

એને પહેરી છાતી છપ્પનની લાગે છે
જાણે સંતાડયા હો બખ્તર માદળિયામાં

– લિપિ ઓઝા

આમ તો ઈશ્વરનું સર્જન જ કદાચ મનુષ્યના ડરમાંથી થયું છે પણ માદળિયાને કેન્દ્રસ્થાને રાખીને લખાયેલી આ ગઝલનો મત્લા ડર અને ઈશ્વરને બહુ સરસ રીતે સામસામે મૂકે છે. ગળામાં બંધાયેલું માદળિયું સાબિતી છે એ વાતની કે મનુષ્યને પોતાની જાતમાં શ્રદ્ધા ઓછી છે અને ભાગ્યમાં વધારે છે. સીધી ભાષામાં કહીએ તો માદળિયું એ ડરનું પ્રતીક છે. અને જે માણસ ડર સાથે જીવે છે એને દુનિયાનો કોઈપણ ઈશ્વર ચાહીનેય મદદ કરી શકતો નથી.  કવયિત્રીએ માદળિયાને લગતી સમાજમાં પ્રવર્તતી તમામ વિભાવનાઓ એક પછી એક શેરમાં બખૂબી ઉજાગર કરી છે, પરિણામે નખશિખ સંઘેડાઉતાર રચના આપણને મળે છે.

2 Comments »

  1. Saryu Parikh said,

    August 30, 2019 @ 9:20 AM

    ઉત્ત્તમ રચના. સરયૂ પરીખ.

  2. Rina Manek said,

    August 30, 2019 @ 10:31 AM

    Waaahhhh

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment