(ના ગઈ) – લિપિ ઓઝા
રોજની માફક એ આજે ના ગઈ,
સાંજની પળ સાંજ સાથે ના ગઈ.
જાણ થઈ એને ઘણાં વર્ષો પછી,
ટ્રેન ખાલી ગઈ હતી,એ ના ગઈ.
સ્વપ્નમાં ફૂલો બધાં ઊડી ગયાં,
એક કળી રહી ગઈ સવારે, ના ગઈ.
કોઈ અંગત દૂર થઈને થાય ના,
ગઈ પનોતી એમ જાણે ના ગઈ.
સ્ત્રી ખરી ને! એટલે રોકાઈ ગઈ,
‘સ્તબ્ધતા’ સાથે સ્મશાને ના ગઈ.
ભૂલકાનો ભોગ લેવાયો પછી,
તે નદી ક્યારેય કાંઠે ના ગઈ.
અંધતા સીમિત નથી આંખો સુધી,
છે કયું એ અંગ જ્યાં તે ના ગઈ!
– લિપિ ઓઝા
એક સજ્જ કવયિત્રીની સશક્ત રચના આજે મહિલા દિવસના ઉપક્રમે માણીએ…
Sandip Pujara said,
March 8, 2024 @ 12:48 PM
ગઝલ તો આખી સરસ છે..
એક નાનો દોષ છે..વર્ણ દોષ છે એક મિસરામાં..
આવી સુંદર ગઝલમાં ટાળી શકાય તો ઉત્તમ…
કિશોર બારોટ said,
March 8, 2024 @ 5:34 PM
વાહ, બહુજ ઉમદા ગઝલ.
DILIPKUMAR CHAVDA said,
March 8, 2024 @ 7:29 PM
વાહ ખૂબ સરસ રચનાં
ટ્રેન કા જવાબ નહીં
પ્રભાકર ધોળકિયા.સુરત said,
March 8, 2024 @ 9:48 PM
સ્ત્રી ખરીને એટલે રોકાઈ ગઇ…
સરસ ઋજુ ભાવ વાળી ગઝલ
Chetna Bhatt said,
March 9, 2024 @ 3:41 PM
Gazab lakhe chhe Lipi..!!👌👌