કર્યા સ્હેજ કવિતા સમજવાના યત્નો
દિવસ એટલા બસ મળ્યા જીવવાના
– સંજુ વાળા

(કમાડે) – લિપિ ઓઝા

હવે કેમ વાસો છો તાળા કમાડે
મને મેં જ પૂરી ઉઘાડા કમાડે

ન તકતી,ના શુભ-લાભ,ના કોઈ સ્વસ્તિક
સજાવ્યા હશે ત્યાં સિતારા કમાડે

નિસાસા હવામાં જ્યાં વ્હેતા મૂક્યા મેં
ટકોરા પડ્યા જઈને કોના કમાડે?

ભૂંસાઈ ગયા ક્યારના કંકુથાપા
વધ્યા છે ફક્ત એના ડાઘા કમાડે

કથા રામના રાજ્યની સાંભળીને
બહુ જીવ બાળ્યો બિચારા કમાડે

તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
લખે છે ‘ભલેને પધાર્યા’ કમાડે !

એ પહેરીને સૌ કોઈ ઘરમાં પ્રવેશે
મેં મૂક્યા હો જાણે અજંપા કમાડે

કયા કાળ મુહૂર્તમાં પગલાં કર્યાં’તાં
મરણ પણ નથી આવતું આ કમાડે

– લિપિ ઓઝા

સંઘેડાઉતાર રચના… કમાડ એટલે શક્યતાઓ ઊઘડવાની વાત. અને કવયિત્રીએ અહીં કમાડે જેવી કપરી રદીફ વાપરીને કમાડ સાથે સંકળાયેલી ઘણી બધી શક્યતાઓને નાણી જોઈ છે અને પરિણામસ્વરૂપ આપણને પાણીદાર શેરોવાળી દમદાર ગઝલ સાંપડી છે. તમામ શેર ધ્યાનાર્હ થયા છે…

6 Comments »

  1. Sandip Pujara said,

    February 5, 2020 @ 12:36 AM

    ખુબ સરસ ગઝલ….એક એક શેર જોરદાર…

  2. Rajesh Hingu said,

    February 5, 2020 @ 1:27 AM

    વાહ… બહોત અચ્છે…
    દરેક શેર દમદાર…

  3. Kajal kanjiya said,

    February 5, 2020 @ 4:06 AM

    તું ઉંબરને ડુંગરથી ઊંચા ચણીને
    લખે છે ભલેને પધાર્યા કમાડે

    ખૂબ સરસ વાત કહી છે
    વાહ ખૂબ સરસ ગઝલ

  4. સ્નેહી said,

    February 5, 2020 @ 4:46 AM

    અદભુત ગઝલ

  5. Rekha said,

    February 5, 2020 @ 11:10 AM

    Waah. Saras.

  6. pragnajuvyas said,

    February 5, 2020 @ 1:40 PM

    સુ શ્રી લિપિ ઓઝા ની હવે કેમ વાસો છો તાળા કમાડે સુંદર ગઝલનો ડૉ વિવેકજીનો મઝાનો આસ્વાદ
    આપણે આપણી જાતને ક્યારે પૂરી દઈએ? અને બારણાં ખુલ્લા હોય તો પણ પુરાઈ જઈએ?.. કદાચ કોઈ વાસ્તવિકતા ને અવગણવા માટે આવું કરી એ?કે પછી આપણા જ સવાલો ના જવાબ આપણી પાસે ન હોય ત્યારે…
    અમારા વિચારવમળે..
    ભણકારા નથી થાતા હવે આવી દેશે ટકોરા કોઇ કમાડે
    વાસી કમાડ મેં જ પૂરી દીધી છે મારી ઇચ્છાને…

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment