ખુશી કેટલી દુશ્મનોને મળે છે?
તમારી કથામાં મને સાંકળે છે.
બી.કે.રાઠોડ 'બાબુ'

કવિનું મૃત્યુ – હસમુખ પાઠક

ચોકની વચ્ચે પડેલા
એક ઉંદરના મરેલા
દેહ પર તીણા ઉઝરડા ન્હોરના
થીજી રહ્યા આજ ઠંડા પહોરના.
જોઉં છું હું, જોઉં છું હું.
જોઉં છું – જોતો નથી.
મારી નજર તો સાવ ખાલી,
આંખ જાણે કાચનો કટકો,
અને હું કાળજે કંપું નહીં
ને આ હૃદયમાં ક્યાંય ના ખટકો!
હવે તો બસ કરું.
જંપું અહીં.

– હસમુખ પાઠક

સારી કવિતા એ જે ઓછામાં ઓછા શબ્દોમાં પોતાની વાત ધારદાર રીતે રજૂ કરે અને જેમાંથી એકેય શબ્દ આમતેમ કે વધઘટ ન શકાય. આ રચના જુઓ. ‘કવિનું મૃત્યુ’ શીર્ષક ઘણું કહી જાય છે અને ગાડીના સીટ-બેલ્ટની જેમ આપણને કવિતાની બમ્પી-રાઇડ માટે તૈયાર પણ કરે છે. વહેલી સવારની ઠંડકમાં એક ઉંદર કોઈક સાથેની ઝપાઝપી બાદ મરણ પામ્યો હશે તે ચોકમાં એનું શબ હજીય પડી રહ્યું છે. કોઈએ એ શબ હટાવવાની તસ્દી લીધી નથી. કવિ પણ ઠંડા પહોરે ઘટેલી આ ઘટનાને ઠંડા કલેજે જોઈ રહ્યા છે. ‘જોઉં છું હું’ની ત્રિરુક્તિ ઘટનાને ‘કેવળ’ સાક્ષીભાવે જોવાની ક્રિયાને દૃઢીભૂત-અધોરેખિત કરે છે, પણ ત્રીજીવાર ‘જોઉં છું’ની વાત કરતી વખતે કવિએ હોંશિયારીપૂર્વક ‘હું’ને તિલાંજલિ આપી દીધી છે એ જોયું? બનેલી બીના વિશે કશું જ કર્યા વિના કેવળ મૂક દર્શક બનીને જોયા કરવાની ક્રિયા એ હદે લંબાય છે કે કર્તાનો લોપ થઈ જાય છે. અને પછી તો આ નપુંસક જોવું પણ લોપ પામે છે, જ્યારે કવિ કહે છે – ‘જોતો નથી.’ સામે પડેલ ઉંદરનો મૃતદેહ સામે જ મંડાયેલ હોવા છતાં નજર સાવ ખાલી થઈ જાય છે. હૃદયમાં કોઈ કંપ કે ખટકો સુદ્ધાં અનુભવાતો નથી. કવિ જ્યાં બસ કરું કહીને જંપવાની વાત કરે છે, ત્યાંથી આપણો અજંપો ન પ્રારંભાય તો સમજવું કે આ મૃત્યુ એ કેવળ કવિનું મૃત્યુ નથી, આપણે પણ મરી જ ચૂક્યા છીએ. હૈયું ફાટી પડવું જોઈએ એવી અનેક (દુર્)ઘટનાઓ આજે સરાજાહેર થતી રહે છે, પણ ઘટનાસ્થળે ઉપસ્થિત લોકો સક્રિય બનીને દુર્ઘટના નિવારવામાં મદદરૂપ થવાના સ્થાને રીલ ઉતારીને ફોરવર્ડ કરવામાં મચ્યા રહે છે… આ મૃત્યુ હકીકતમાં કવિનું નહીં, આખેઆખા સમાજનું મૃત્યુ છે.

આ રચના અછાંદસ નથી, હરિગીતમાં લખાયેલ છે. એનું મોટેથી પઠન કરશો તો વધુ મજા આવશે.

5 Comments »

  1. સુનીલ શાહ said,

    February 10, 2024 @ 1:21 PM

    સચોટ અભિવ્યક્તિ, ખૂબ સુંદર આસ્વાદ.

  2. Bhajman nanavaty said,

    February 10, 2024 @ 6:22 PM

    તમે વિશ્લેષણ ન કર્યું હોત તો સમજવી મુશ્કેલ હતી.

  3. રિયાઝ લાંગડા(મહુવા). said,

    February 11, 2024 @ 7:32 AM

    ખૂબ સરસ આસ્વાદ …👌👌

  4. Bharat Trivedi said,

    February 12, 2024 @ 5:41 AM

    આ કાવ્યના કદાચ બે પાઠ હશે . એકમાં કવિની સાઇકલ નીચે ખિસકોલી આવી જાય છે . કવિ તે દેખે છે પણ ના જોયું કરી આગળ નીકળી જાય છે . હું જોઉં છું , જોઉં છું જોતો નથી ‘ પર કાવ્ય પૂરું થાય છે .

  5. વિવેક said,

    February 12, 2024 @ 10:53 AM

    પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર

    @ભરતભાઈ: સંભવ છે… મારી પાસે કવિનો કોઈ સંગ્રહ નથી. એટલે વિશેષ કશું કહી શકું એમ નથી. આભાર

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment