માંગી શક્યા નહીં… – રઈશ મનીઆર
હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…
– રઈશ મનીઆર
લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.
હું, તું… હતા ને સામે તો સેના ઊભી હતી.
કેવો હતો સમય અને કેવી ઘડી હતી ?
માંગી શક્યા નહીં કોઈ વરદાન, બાકી તો…
તારો જ રથ હતો અને આ આંગળી હતી…
– રઈશ મનીઆર
હવે તે સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે.
ચાલો તેનાં થોડા વખાણ કરીએ
તેની કીર્તિના સ્મારકો રચીએ
તેને માટે પ્રાર્થનાઓ ગાઈએ.
મૃત્યુ પામેલા વીરો ભારે સગવડ કરી આપે છે.
તેમની જિંદગી પરથી આપણે ઘડી કાઢેલી
મૂર્તિઓને પડકારવા તેઓ કદી ઊભા પણ થઈ શકે ?
અને વળી,
વધારે સારી દુનિયા રચવા કરતાં
સ્મરકો બાંધવાં સહેલાં છે.
તો હવે તે સહીસલામત રીતે મૃત્યુ પામ્યો છે ત્યારે
આપણે નિરાંત જીવેથી
આપણાં સંતાનોને શીખવશું
કે તે કેવો મોટો માણસ હતો … જાણીએ છીએ
કે જે કારણ માટે તે જીવ્યો
તે તો હજીયે એમનું એમ જ છે.
જે સ્વપ્ન માટે તે શહીદ થયો
તે હજીયે સ્વપ્ન જ છે,
મરેલા માણસનું સ્વપ્ન.
– કાર્લ વેન્ડેલ હાઈન્સ
( અનુવાદ : જયા મહેતા)
દરેક પ્રજાને પોતાના શહીદો ખૂબ વહાલા હોય છે. ને સ્મારકો પર ફૂલો ચડાવવામાં કોઈ કરતા કોઈ પાછળ પડતું નથી. પણ એ શહીદી પાછળના મૂળ વિચારને કે એ કાર્યને આગળ વધારવા માટે કોઈ તૈયાર થતું નથી. ‘હવે એ સલામતીપૂર્વક મૃત્યુ પામ્યો છે’ એ પહેલી જ લીટીમાં જ કવિએ એવો ફટકો માર્યો છે કે એની કળ છેલ્લે સુધી વળતી નથી.
વધારે સારી દુનિયા રચવાનું આપણું ગજુ નથી, આપણે તો સ્મારકો જ બાંધી શકીએ એમ છીએ.
કવિનું પગલું વામનના પગલાં સમું હોય છે. વામન ત્રણ પગલાંમાં ત્રણ લોક માપી લે છે તો કવિ પણ પગલે-પગલે એક નવું જ લોક, નવું જ બ્રહ્માંડ આંકતો હોયુ છે. ‘મારા હિસ્સાનો સૂરજ’ પછી ‘વહાલ વાવી જોઈએ’ ગૌરાંગ ઠાકરનું બીજું પગલું છે. અને કવિની ગઝલોનો ગ્રાફ વામનના પગલાંની જેમ અહીં પણ વધુ ઊંચે જતો અને વિસ્તરતો હોવાની પ્રતીતિ થાય છે.
(કવિશ્રી ગૌરાંગ ઠાકર એમની લાક્ષણિક અદામાં… )
*
આજે સુરત ખાતે સાંજે ગૌરાંગ ઠાકરના આ બીજા ગઝલ સંગ્રહનું વિમોચન થનાર છે પણ એ પહેલાં ખાસ ‘લયસ્તરો’ અને એ દ્વારા નેટ-ગુર્જરીના તમામ વાચકો માટે આ આગોતરું ઇ-વિમોચન આપણે અત્યારે કરી રહ્યા છીએ… કવિશ્રીને આ ખાસ પ્રસંગે ખાસમખાસ અભિનંદન અને અંતઃકરણપૂર્વકની શુભકામનાઓ.
આ સંગ્રહની કેટલીક ગઝલો આપણે ‘લયસ્તરો’ પર આપણે અગાઉ માણી જ ચૂક્યાં છીએ પણ વહાલ આવી જાય એવા કેટલાક શેર આપણી સંવેદનાની વાડ પર વાવી જોઈએ:
બસ બને તો એક દીકરાને મનાવી જોઈએ,
એ રીતે ઘરડાઘરો ખાલી કરાવી જોઈએ.
મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલી હવે છત્રી ધરો નહીં.
તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.
ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી.
મોભ થઈ માથે સતત રહેતો હતો,
એ જ માણસ ભીંત પર ફોટો થયો.
કોઈને નાનો ગણે તો માનજે,
એટલો તારો અહમ્ મોટો થયો.
અત્તરની પાલખી લઈ, ઊભો હશે પવન, પણ,
તારાથી દોસ્ત કેવળ, બારી સુધી જવાશે ?
દીવાને અમે ટોડલેથી ભીતરે લાવ્યા,
તારાથી હવે થાય તો અંધાર કરી દે.
લ્યો, દીવાની આબરૂ જળવાઈ ગઈ,
દ્વાર પર આવી હવા ફંટાઈ ગઈ.
સોયમાં દોરાને બદલે બા હતી,
ગોદડીમાં હૂંફ પણ સિવાઈ ગઈ.
તારા આ ઉચ્છવાસને સંભાળજે,
ઝાડનો એ પ્રાણવાયુ હોય છે.
તું કલમના હાથથી શોધી શકે,
આડે હાથે જે મૂકાયું હોય છે.
કુકડાની બાંગ થઈ અને ફફડી ગયું જગત,
કેવી રીતે દિવસ જશે સૌને થતું હતું.
આકાશ પછી મેઘધનુષ દોરવા બેસે,
વરસાદ જ્યાં તડકાથી મુલાકાત કરે છે.
જેના પડછાયા વડે છાંયો પડ્યો,
પહેલા એના પર અહીં તડકો પડ્યો.
દીકરા, સાચે જ તું મોટો થયો,
બાપનો આ મહેલ પણ નાનો પડ્યો ?
વાડ તો વેલા તળે ઢંકાઈ ગઈ,
ફૂલ, ડાળી, પાનનો મોભો પડ્યો.
શ્વાસનો ફુગ્ગો લઈ માણસ અહીં,
ટાંકણીના શ્હેરમાં ભૂલો પડ્યો.
દશાને દિશા આપશે, પૂરતું છે,
આ ગઝલો લખી ક્યાં કમાણી કરું છું !
આ કબર શું ફૂલોથી શણગારો,
મ્હેક મૂકી ગયો છે સૂનારો.
સુખની કિંમત માણસે માણસમાં નોખી હોય છે,
ખારવાને માછલી મોતીથી સ્હેજે કમ નથી.
રાત પૂછે આપણી આ દોડ જોઈ,
સૂર્યની શું રાતપાળી જોઈએ ?
જેમ ડાળે વસંત આવે છે,
એમ તારી નજીક આવું છું.
ટોચ માટે પ્રયાસ લાગે છે,
ખીણમાં પણ ઉજાસ લાગે છે.
પર્ણ તાળી પવનને આપે છે,
ઝાડ પર જાણે રાસ લાગે છે.
પાનખરમાં વસંત જેવું કેમ ?
ક્યાંક તું આસપાસ લાગે છે.
(પ્રાપ્તિસ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત-1)
જળની વચ્ચે જગા થવા લાગી,
શું નદી સાવ તૂટવા લાગી?
ટોચ પર સડસડાટ પ્હોચીને,
આ હવા કેમ હાંફવા લાગી?
બાગ પણ પાયમાલ લાગે છે,
પાનખરની જરા હવા લાગી.
દ્વાર જ્યાં બંધ થાય છે કોઈ,
એક બારી ત્યાં ખૂલવા લાગી.
વાત તારી ઉતારી કાગળમાં,
તો ગઝલને એ શ્રી સવા લાગી.
– દિવ્યા મોદી
પાંચ આંગળી સમાન વળે તો એક મુઠ્ઠીની તાકાત થાય… પાંચ એકસમાન મજબૂત શેર વડે બનેલી એક સફળ-સબળ ગઝલ…
ગગન સાથ લઇ ઊતરે એ ફરકતું
વિહગ-પાંખથી જે ખરી જાય પીછું
ફરકતું પડે ત્યારે ભૂરી હવામાં
ઝીણાં શિલ્પ કૈં કોતરી જાય પીછું
હજી એમાં કલશોર ગૂંજે વિહગનો
સૂનું આંગણું આ ભરી જાય પીછું
હ્રદયમાં વસ્યાં પંખીઓ બ્હાર આવે
કદી આંખમાં જો તરી જાય પીછું
ગગનના અકળ શૂન્યમાં જઇ ડૂબે, જે
વિહગને ખર્યું સાંભરી જાય પીછું
– મનોજ ખંડેરિયા
આધુનિક ગઝલના એક યાદગાર મુકામ જેવી આ ગઝલ હજુ લયસ્તરો મૂકવાની રહી જ ગયેલી. પીંછું – એ કોમળ પ્રતિક વાપરીને કવિ એક પછી નકશીદાર શેર ઉતારે છે. બીજો શેર મારો સૌથી પ્રિય છે – હવામાં ગોળગોળ ફરતું પીંછું (યાદના, ગમતા ચહેરાના કે પછી ભાવિના ઈગિંત) ઝીણાં શીલ્પ કોતરતું કોતરતું ઉતરતું જાય એ કલ્પના જ નકરી મધમીઠી છે.
કોમળ છું, કાંટાળો છું; માણસ જેવો માણસ છું.
પોચટ છું, પથરાળો છું; માણસ જેવો માણસ છું.
આકાશે અણથક ઊડવું, આ ધરતી પર તરફડવું;
ઘાયલ છું, પાંખાળો છું; માણસ જેવો માણસ છું.
આંખે અશ્રુની ધારા, હોઠે સ્મિતના ઝબકારા;
ખુલ્લો છું, મર્માળો છું, માણસ જેવો માણસ છું.
ધિક્કારું છું હું પળમાં, પ્રેમ કરું છું હું પળમાં,
આશિક છું, કજિયાળો છું; માણસ જેવો માણસ છું.
ચોમાસે પાણી પાણી; ચૈત્રે લૂ ઝરતી વાણી;
ભેજલ છું, તડકાળો છું; માણસ જેવો માણસ છું.
શ્વાસોની મનભર માયા, મૃત્યુની નિશદિન છાયા;
ક્ષણક્ષણનો તરગાળો છું,માણસ જેવો માણસ છું.
-ભગવતીકુમાર શર્મા
કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સારો નથી અને કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે ખરાબ નથી. જેમ કોઈ પણ માણસ સંપૂર્ણ રીતે સુખી નથી હોતો અને કોઈ પણ માણસ પૂરેપુરો દુ:ખી નથી હોતો. માણસ એટલે જ અધૂરપ. આ અધૂરપની પણ એક મધુરપ છે. વિરોધી તત્વો વચ્ચે એ જીવે છે. ક્યારેક એનામાં હિટલર અને ગાંધીજી બંને હોય છે. યુધિષ્ઠિર અને દુર્યોધન સાથે સાથે હોય છે. એ જેટલો કોમળ હોય છે એટલો કઠોર હોય છે. રજનીશજીએ નમસ્કારનો એક અર્થ એવો આપ્યો કે આપણે બે હાથ જોડીએ છીએ એનો અર્થ એવો કે આપણે આપણી વિરોધીવૃત્તિ સાથે, આ વિરોધીવૃત્તિને શમાવીને કોઈકને નમસ્કાર કરીએ છીએ અને સામાની વિરોધીવૃત્તિનો પણ સ્વીકાર કરીએ છીએ. માણસ એટલે જ દ્વંદ્વ. ક્યારેક એ જીભથી બોલે છે અને ક્યારેક એ જીવથી બોલે. ક્યારેક એ ન પણ બોલે અને ક્યારેક એ ન બોલવાનું પણ બોલે. એ કોમળ છે, કાંટાળો છે, પોચટ છે અને પથરાળો છે. એ ધારે તો મુલાયમ થઈ શકે અને કઠોર અને નઠોર પણ રહી શકે. આકાશમાં ઊડવાનો એને થાક ન લાગે, પણ ધરતી પર તરફડતો હોય. એને ઘાયલ થતાં વાર નથી લાગતી અને પાંખ સાથે ઊડતાં એને મુશ્કેલી નડતી નથી. સુખ અને દુ:ખ બંને એકી સાથે અનુભવી શકે. આંખમાં આંસુ હોય અને છતાં હોઠ પર સ્મિતનો ઝબકારો હોય. (-સુરેશ દલાલ)
દિવ્ય-ભાસ્કરમાં સુ.દ. દ્વારા આ ગઝલનો સંપૂર્ણ આસ્વાદ અહીં વાંચી શકો છો…
સાંજે અમે બે પાછા વળતાં ત્યારે
અમારી પાછળ સૂરજ રહેતો અને આગળ પડછાયા
પડછાયા એકમેકને અડીને ચાલતા
અમે વિચારતા કે આ બે મારા વા’લા પ્રેમમાં લાગે છે
એમની પાછળ જવાથી એમને સંકોચ થતો હશે
એવું અમને લાગેલું, પણ એ અમને ગણકારતા જ નહીં
એમને જોઈને અમે પણ ચૂપચાપ ચાલવું શીખ્યા.
પડછાયાઓ ઐતિહાસિક પાત્રોની જેમ આકર્ષક લાગતા.
આ બે સુંદર પડછાયા એકમેકને મળી આવ્યા
એ અમને વિરલ યોગ જેવું લાગતું.
પડછાયાઓ ઉપરછલ્લી બધી વિગત ભૂંસી નાખતા
અને બે જ બાતમી લઈને રજૂ થતા:
(૧) પ્રેમ કરતો એક પુરુષ (૨ ) પ્રેમ કરતી એક સ્ત્રી
– ઉદયન ઠક્કર
મનમાંથી જરૂર વગરની વિગતોને ભૂંસી નાખો, પ્રેમ ઉપસી આવશે.
ગાઢ નિદ્રામાંથી મને જગાડી
મારા માટે સજાવેલી ચિતામાં
પોઢી ગયેલા, અય દોસ્ત !
મને તારી નિદ્રાની ઈર્ષ્યા નથી.
મારી જાગૃતિનો રંજ છે.
– હરીન્દ્ર દવે
એક ટચૂકડી કવિતા … એમાં કેટલાય અર્થવિભાવો !
રે, આ નયનો કામ ન આવ્યાં !
બે દીવડાઓ નિત્ય પ્રકાશી અંધારા સર્જાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
રંગ જગતના માણ્યા કિન્તુ રંગ ન પૂરી જાણ્યો,
ઝાકઝમાળે અંજાઈને સાથ મને પણ તાણ્યો;
આગળ રહીને ઊંધા પાટા જીવતરને બંધાવ્યાં !
રે, આ નયનો કામ ન આવ્યાં !
ચેતન સાથે વાત કરી પણ જડને ન આપી વાચા,
જોઈ પરિચિત વાટ પરંતુ,પંથ ન ચીંધ્યા સાચા,
ઊંડે જઈને તેજ-તિમિરના ભેદ નહીં સમજાવ્યા,
રે, આ નયનો કામ ન આવ્યાં !
જોયાં દૂરનાં અજવાળાં પણ, અંતર-જ્યોત ન જોઈ,
ઉંબર-ઉંબર ભટકીને પણ ધામ ન દીઠું કોઈ;
ભિક્ષુક થઈને દ્રષ્ટિરૂપે હાથ બધે લંબાવ્યા !
રે,આ નયનો કામ ન આવ્યાં !
– ગની દહીંવાળા
ઉત્તમ ભજન-કાવ્ય…..
એ તે કેવો ગુજરાતી
જે હો કેવળ ગુજરાતી ?
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
મહારાષ્ટ્ર દ્રવિડ બંગાળ બિહાર – બધે અનુકૂલ.
જ્યાં પગ મૂકે ત્યાંનો થઈને રોપાયે દૃઢમૂલ.
સેવાસુવાસ જેની ખ્યાતિ;
તે જ બસ નખશિખ ગુજરાતી.
ના, ના, તે નહિ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી,
ભારતભક્તિ દેશવિદેશ ન જેની ઊભરાતી ?
સાગરપાર આફ્રિકા એડન લંકા સિંગાપુર
મોરિશ્યસ ફિકી ન્યૂઝીલૅન્ડ જાપાન બ્રિટન અતિ દૂર.
કાર્યકૌશલ-આતિથ્ય સુહાતી
બધે ઉર-મઢૂલીઓ ગુજરાતી.
તે નહિ નહીં જ ગુજરાતી,
જે હો કેવળ ગુજરાતી.
એ તે કેવો ગુજરાતી,
હિંદભૂમિના નામે જેની ઊછળે ના છાતી ?
ભારતભક્તિ દેશવિદેશ મ જેની ઊભરાતી,
એ તે કેવો ગુજરાતી ?
– ઉમાશંકર જોશી
(૨૯-૦૪-૧૯૬૦)
અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ એના બે દિવસ પૂર્વે ઉમાશંકર જોશીએ લખેલું કાવ્ય આજે પણ એટલું જ પ્રસ્તુત લાગે છે. ગુજરાત સ્થપાયું એ પહેલાંથી કવિને વિશ્વગુર્જરીની વ્યાખ્યા અભિપ્રેત હતી. જે કેવળ ગુજરાતી હો એ તે વળી કેવો ગુજરાતી? ખરો ગુજરાતી તો ન કેવળ ભારત પણ વિદેશમાંય ક્યાંય જઈ વસે તો ત્યાંય અનુકૂલન સાધીને દૃઢમૂલતાથી રહી શકે. ખરો ગુજરાતી તો એ જ જેના હૃદયની મઢૂલીઓ કાર્યકુશળતા અને આતિથ્યભાવથી જ શોભતી હોય. સાચો ગુજરાતી તો એ જ જેની છાતી દેશપ્રેમથી છલકાતી હોય…
આજે ગુજરાત સ્થાપના દિને વિશ્વભરના ગુજરાતીઓને એમનું ગુજરાતીપણું વધુ ને વધુ વિસ્તરતું રહે એવી શુભકામનાઓ…
યુગો પછીથી આપને મળવાનું મન થયું,
ચાલ્યા ગયેલા વ્હાણને વળવાનું મન થયું !
એવું તે ક્યાં હતું કે તમને ભૂલી ગયો ?
માણસની પૂરી જાતમાં ભળવાનું મન થયું !
પાણી હતાં તે મન થયું, બનીએ ચલો બરફ,
બરફાવતારમાં જ પીગળવાનું મન થયું !
વ્હેલી સવારે તો ભલેને રંગ પાથર્યા,
કિન્તુ ઢળી જો સાંજ તો ઢળવાનું મન થયું !
કુર્નિશ ન આવડી, અક્કડ ઊભા રહ્યા,
તમને જરાક જોઈને લળવાનું મન થયું !
હર્ષદ હજીયે રોજનો ઉકળાટ છે જ છે,
વરસાદમાં અમથાં જ નીકળવાનું મન થયું !
-હર્ષદ ત્રિવેદી
મનની વાત હોય એટલે અસ્થિરતાની વાત હોવાની. ‘મન થયું’ રદીફ વાપરી હોય એ ગઝલના દરેક શેરમાં મનની ચંચળતા અને વિચારોનું અસ્થિર વલણ નજરે ન ચડે તો કદાચ ગઝલ વિફળ નીવડે. પણ સદભાગ્યે અહીં કવિ મનને બખૂબી ઉપસાવી શક્યા છે. દરેકેદરેક શેર સમાનભાવે આસ્વાદ્ય થયો છે…
જીવન માટે સદા પ્રત્યેક ક્ષણ સંદેશ આપે છે,
નથી કાયમ અહીં કોઈ – મરણ સંદેશ આપે છે;
જે જન્મે રમ્યતા લઇને એ વિકસે છે પ્રભા થઇને,
ઉષાનું ઊગતું પહેલું કિરણ સંદેશ આપે છે.
– ઇજન ધોરાજવી
સુખ તો સોહામણું છાયલ, ઓ વાલમા !
દુ:ખ તો ત્રોફેલ ડિલે છૂંદણું,
ઓલ્યું તો વાયરાની ઝાપટમાં ઊડે
આ રૂંવાડે કોર્યુ ભાઈબંધણું !
લિસ્સેરું અડકીને અળગું જે થાય
એની સરતા સમીર જેવી માયા,
અણિયાળું થઈને જે ઊતરતું અંગ અંગ
એના તો પ્રાણ સુધી પાયા !
સોનારે નહીં કોઈ મણિયારે નૈં,
આ તો જનમારે ઘડિયેલું ઝૂમણું.
નાગણના દીધેલા લીલાછમ ડંખ જેવું
જિંદગીની કાયા પર શોભતું,
ભવભવની વાટેથી વળગેલા રજકણની
એંધાણી થઈને એ ઓપતું !
આળખેલી પિયળ શું પળનું મે’માન નથી,
હરદમ ઝિલમિલ થતું ઈંધણું !
– ભાનુપ્રસાદ પંડ્યા
સુખની સ્વીકૃતિનું ગીત તો કેમ હોઈ શકે, સુખ તો આપણને સહજ સ્વીકાર્ય છે. અહીં ગ્રામનાયિકા સુખ અને દુ:ખની લાક્ષણિકતા પોતાની આગવી લઢણમાં દર્શાવે છે. એને મન તો સુખ એક સોહામણા ‘છાયલ’ જેવું છે, જે એના અંગે સ્પર્શે તો છે પરંતુ એ વાયરા જેવું ચંચળ અને લીસ્સું હોઈ ઊડીને અને અડીને અળગું પણ થઈ જાય છે. જ્યારે દુ:ખ તો એને મન અંગે ત્રોફાવેલ એક છૂંદણા જેવું છે, જે માત્ર અંગને અડતું નથી પરંતુ અંગનો એક અવિભાજ્ય ભાગ બની ગયેલ છે – રૂંવાડે કોરાઈ ગયેલ છે – બિલકુલ કોઈ વ્હાલા સ્વજનની જેમ. વળી વાયરો તો ક્ષણજીવી છે. જ્યારે સૌંદર્યના શણગારની જેમ છૂંદણાં ત્રોફાવતી ગ્રામનાયિકાને મન છૂંદણાનો મહિમા અનેક ઘણો મોટો છે, જેને એ ‘ભાઈબંધણું’ કહીને જીવનમાં એની અગત્યતા અને દૃઢતા બતાવે છે. નાયિકાને દુ:ખની સહેજે ફરિયાદ નથી, એને તો એ સહજ સ્વીકાર્ય છે. કારણ કે એ કહે છે કે એનું ‘છૂંદણું’ કોઈ સોનારે કે મણિયારે એને નથી ઘડી આપ્યું, બલ્કે ખુદ એના જનમારાએ જ એને ઘડ્યું છે – જે ઉક્તિ કદાચ એક ગ્રામિણનારીનાં જીવનમાં વણાઈ ગયેલા ‘સહજ દુ:ખ’ને વધુ ઉજાગર કરે છે.
પરમ દિવસે જ ધવલે મૂકેલું વિપિન પારેખનું સુખ-દુ:ખ વિશેનું એક અછાંદસ – સુખ-દુ:ખ – ન માણ્યું હોય તો જરૂરથી માણવું ગમશે.
અંધકારમાં અકથ્ય એકાંતમાં
નીરવ સમયમાં તરફડતું એક પક્ષી છું,
તેવા કથનમાં તો માત્ર અને માત્ર
વાગ્મિક અલંકાર રચાયો.
તે રચનામાં હું નથી તેની મને જાણ છે
પણ હું શું અને ક્યાં છું તેની અને
શા માટે છું તેનીય મને જાણ નથી !
મારા કોઈ ભાષિક કથનમાં
એક વાર પણ મેં મને જોયો નથી,
પ્રચંડ જુઠ્ઠાણાં મારાં છે
પણ રે તેમાંય હું નથી.
-લાભશંકર ઠાકર
વો પૂછતે હૈ હમસે કે ગાલિબ કૌન હૈ ? એ સવાલના જવાબમાં તો ગાલિબે પણ ટોપીમાં હાથ નાખવો પડેલો 🙂
પોતાની જાત વિશે ખરી ખબર તો કોઈને હોવી શક્ય જ નથી. પણ પોતાની જાત વિશે જે કાંઈ ખબર છે એને ખરેખર પોતાના લખાણમાં પ્રગટ થવા દેવાનું કેટલાનું ગજું છે ? જે કાંઈ લખાયું એ આત્મવંચના જ હતી અને છે (અને રહેશે?), એ સત્ય કહેવાવાળા કેટલા ?
સુખ,
ચાલીના નળમાંથી માંડમાંડ ટપકતું પાણી ટીપે ટીપે.
દુ:ખ,
ચર્ચગેટના સ્ટેશન પર
ઊતરતાં ટ્રેનમાંથી એક પછી એક
માણસોના મોજાં…
દરિયો…
– વિપિન પરીખ
ચંદ શબ્દોના લસરકાથી તીણું શબ્દચિત્ર દોરવાની વિપિન પરીખની આવડત અદભૂત છે. મુંબઈના માણસના સુખ-દુ:ખનો હિસાબ એની જ ભાષામાં કવિએ કરી આપ્યો છે.
ધરતી ઓગાળવા મથે છે મને
અગ્નિ સૌ બાળવા મથે છે મને
સામા પૂરે હું ઝંપલાવું તો
વાયુઓ ખાળવા મથે છે મને
ચાકડો આમ શું ફરે ખાલી
કે કોઈ ઢાળવા મથે છે મને
આ સઘન અંધકારની વચ્ચે
કોઈ અજવાળવા મથે છે મને
હું ક્ષણેક્ષણ સતત વિખેરાઉં
ને યુગો ચાળવા મથે છે મને
બૂમ હું તારા નામની પાડું
મૌન ત્યાં વાળવા મથે છે મને
આ કબરની અનંત નિદ્રામાં
સ્વપ્ન પંપાળવા મથે છે મને
– આદિલ મન્સૂરી
પંચમહાભૂતમાં જયારે એક અદૃષ્ટ તત્ત્વ ભળે છે ત્યારે જીવન -ચેતના- સર્જાય છે. આ ચેતના પંચમહાભૂતની કેદને અતિક્રમીને પરમચેતનામાં લીન થવા ઝંખે છે અને પંચમહાભૂત તેને જકડી રાખે છે. પરંતુ પરમચેતના મને ચાહે છે,મારા પ્રત્યે અનુરાગી છે તે ચોક્કસ….તેથી જ જુદા જુદા રૂપે મને તે પોતાના અસ્તિત્વનો આછો અણસાર આપતી રહે છે.
પુસ્તકો સપનામાં આવે અને પૂછે,
‘તેં અમને ઓળખ્યાં કે?’
વાત કરતાં કરતાં પુસ્તકો ઓગળે
અને અથાગ પાણી થઈને છલકાતાં પૂછે,
‘તું ક્યારેય અમારામાં નાહ્યો છે કે ? તર્યો છે કે ?’
પુસ્તકો પછી ઘેઘૂર વૃક્ષ થઈ જાય
અને પૂછે,
‘અમારાં ફળો ક્યારેય ખાધાં છે કે ?
છાયામાં ક્યારેય પોરો ખાધો છે કે ?’
પુસ્તકો ફરફરતો પવન થઈ જાય
અને પૂછે,
‘શ્વાસ સાથે ક્યારેય અમને હૈયામાં ભર્યાં છે કે ?’
પુસ્તકો આવું કશુંક પૂછતાં રહે
એક પછી એક
દરેક પ્રશ્નનો મારી પાસે જવાબ નથી હોતો
બેસી રહું ચૂપચાપ બસ એમની સામે જોતો.
ક્યારેક પુસ્તકો કાચના કબાટમાં જઈને બેસે
અને કહે,
એટલે સરવાળે તો અમારી જિંદગી ફોગટ જ ને
પુસ્તકો મૂંગાંમંતર થઈ જાય
ઝૂર્યે જાય
જાતને ઊધઈને હવાલે કરે એ –
આખરે આત્મહત્યા કરે
ઘરમાં ને ઘરમાં જ
બંધ કબાટના કારાગૃહમાં !
– શંકર વૈદ્ય (મરાઠી)
અનુ. અરુણા જાડેજા
ગઈકાલે પુસ્તકદિન ગયો. આ કવિતા તાજી જ વાંચી હોવાનો ભાસ હતો પણ બે-ત્રણ કલાકોની શોધ-ખોળ પછી પણ એ ન જડી તે ન જ જડી. પિન્કીની ‘વેબમહેફિલ‘ પર અચાનક અરુણા જાડેજાની પુસ્તકો વિશેની જ એક રચના વાંચી અને મનમાં ઝબકારો થયો. કબાટમાં હાથ નાંખ્યો અને ક્ષણાર્ધમાં કવિતા હાથમાં… આભાર, પિન્કી!
આજની આ કવિતા ધ્યાનથી વાંચીએ અને એકાદ પુસ્તકને કબાટના કારાગૃહમાંથી આઝાદ કરવાનો સંકલ્પ કરીએ તોય ઘણું…
એટલું પણ યાદ આવ્યા ના કરો
કે રગે રગ શૂળ થઈને પાંગરો
એક તો ભીનાશ, ને તારી હવા
આંખમાં વાવી દીધો ઉજાગરો
સાત પેઢી દૂરના પાયા અમે
ઓળખે ક્યાંથી બિચારો કાંગરો
એટલું પૂછ્યું કે બીજો ક્યાં મળે
એટલામાં એ ખુદા, કાં થરથરો ?
એક પંખી મોત નામે ફાંસવા
જાળ છેલ્લા શ્વાસ કેરી પાથરો
– ડૉ. જગદીપ નાણાવટી
વેદનાથી વલૂરાયેલી ગઝલ. બધા જ શેર ઘેરા રંગના પણ માણવા ગમે એવા થયા છે. વિરસાસન્ન આંખોમાં તરવર્યા કરતી ભીનાશને પ્રિયતમાની યાદનો પ્રાણવાયુ મળે તો ઉજાગરાનો છોડ જ ઊગી આવે ને? પણ મને પાયા અને કાંગરા વચ્ચેનો સંબંધ અને દૂરતાવાળો શેર અને છેલ્લા શ્વાસની વાતનું નાવીન્ય વધુ સ્પર્શી ગયું…
પળ, પ્રહર ને દિન દરિયો, રાત દરિયો થૈ ગઈ,
જળતણું વળગણ થયું ને જાત દરિયો થૈ ગઈ.
કેટલી ગુમ થૈ જતી રણમાં જ નદીઓ આમ તો,
કેમ મારાં આંસુઓની વાત દરિયો થૈ ગઈ ?!
જાન દેવી પણ અમારી માત્ર નાદારી ઠરી;
એમની ચપટીભરી ખેરાત દરિયો થૈ ગઈ.
મુગ્ધભાવે સાવ કાચી ઉમ્મરે એક છોકરી;
માત્ર બોલી, ‘હુંય દરિયો થાત’, દરિયો થૈ ગઈ.
એ નદી, કે જે પહાડો વીંધતી વહેતી હતી;
કેટલા નાજુક હશે હાલાત, દરિયો થૈ ગઈ.
વેદનાની વાત જ્યારે હોઠ પર આવી ગઈ;
આંખ જેવી આંખ પણ સાક્ષાત્ દરિયો થૈ ગઈ.
એક સહરા-શી હતી મારી ગઝલ તો પણ ‘હનિફ’;
જ્યાં મળી એ કંઠની સોગાત દરિયો થૈ ગઈ.
– હનિફ રાજા
દરિયામાં દરિયો થઈ જઈએ ત્યારે નખશિખ તરબતર થઈ જવાય એવી જ રીતે આ ગઝલ સરાબોળ ભીંજવે છે. રદિયો થૈ ગઈ જેવી રદીફને કવિએ કેટલી બખૂબી નિભાવી છે! નદી અને દરિયાના મિલન વિશે કેટલા બધા કવિઓએ કેટલા બધા આયામથી વિચાર્યું હશે!
આ ખભે શાથી જમેલો રાખીએ ?
સાવ ખાલી ‘હું’નો થેલો રાખીએ.
શી ખબર અંધાર ક્યારે ખાબકે ?
એક દીપક પેટવેલો રાખીએ.
સંત હોવાનો ન રહે મિથ્યા ભરમ
હાથને બસ સ્હેજ મેલો રાખીએ.
શક્ય છે ક્યારેક ઉત્તર પણ મળે,
પત્ર એને પાઠવેલો રાખીએ.
જીવવા એકાદ કારણ જોઈએ,
જીવને ક્યાંક ગૂંચવેલો રાખીએ.
– રાકેશ હાંસલિયા
રાજકોટના કવિ રાકેશની વધુ એક ગઝલ. ગઝલના મોટાભાગના શેરોમાં કહેવાયેલી વાત કદાચ નવી ન લાગે પણ જે તાજગીથી આખી વાત અહીં કહેવામાં આવી છે એની જ ખરી મજા છે. થોડા અરુઢ કાફિયા અને સાફ અને સરળ બયાનીના કારણે શેર વધુ ઉઠાવ પામે છે. પત્રવાળો શેર વાંચીએ ત્યારે મિર્ઝા ગાલિબ જરૂર યાદ આવે: क़ासिद के आते आते ख़त इक और लिख रखूँ , मैं जानता हूँ जो वो लिखेंगे जवाब में |
બે ઘડી તું ઘર બની, ઉંબર બની, આંગણ બની;
કંકણે રણકી ઊઠી, સિંદૂરે સોહાગણ બની.
સ્વપ્ન જેવું યાદ તારું ઘૂંઘટે ઢાંક્યું વદન;
કેડીએથી તું વહી ચાલી ઝીણી રણઝણ બની.
રેતમાં જળના ચરણ કેટલું ચાલી શકે ?
આખરે થાકી નદી રણમાં ઠરી ગૈ રણ બની.
જે કદી સ્વપ્નેભર્યા વિસ્તૃત સમય જેવી હતી,
એ સમેટાતી સમેટાતી હવે એક ક્ષણ બની.
– કિસન સોસા
પહેલા શેરમાં કુમકુમવરણા સૌભાગ્ય-સૌદર્યનું જે સંક્ષિપ્ત પણ મદમદ વર્ણન છે – કહો, બીજે ક્યાંય જોયું છે ? એક જ શેર આજનો આખો દિવસ સોનેરી કરી દેવા પૂરતો છે ! બીજા શેરમાં ચાલનું શ્રાવ્ય વર્ણન અને છેલ્લામાં વિસ્તૃત સ્વપ્ન સંકેલાઈને છેવટે યાદની એક ક્ષણ બની રહેવાની વાત પણ અસરદાર રીતે આવી છે.
આજે વારિસશાહને કહું છું –
કે તમારી કબરમાંથી બોલો !
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !
પંજાબની એક દીકરી રડી હતી
તેં એની લાંબી કહાણી લખી,
આજે લાખો દીકરીઓ રડે છે
વારિસશાહ ! તને એ કહે છે:
એ દીનદુખિયાંના દોસ્ત,
પંજાબની હાલત જુઓ
મેદાનો લાશોથી ખડકાયેલાં છે.
ચિનાબ લોહીથી ભરાઈ ગઈ છે.
કોઈએ પાંચેય નદીઓમાં
ઝેર ભેળવી દીધું છે
અને આ જ પાણી
ધરતીને સીંચવા માંડ્યું છે
આ ફળદ્રુપ ધરતીમાંથી
ઝેર ફૂટી નીકળ્યું છે
જુઓ, લાલાશ ક્યાં સુધી આવી પહોંચી !
અને આફત ક્યાં સુધી આવી પહોંચી.
પછી ઝેરી હવા
જંગલવનમાં વહેવા લાગી
તેણે દરેક વાંસની વાંસળીને
જાણે એક નાગ બનાવી દીધી
આ નાગોએ લોકોના હોઠે ડંખ દીધા
પછી એ ડંખ વધતા ગયા
અને જોતજોતામાં પંજાબનાં
બધાં અંગ ભૂરાં પડી ગયા
દરેક ગળામાંથી ગીત તૂટી ગયું,
દરેક ચરખામાંથી તાર તૂટી ગયો,
સખીઓ એકબીજાથે વિખૂટી પડી ગઈ,
મહેફિલ ઉજ્જડ થઈ ગઈ
નાવિકોએ બધી નાવ
શય્યાની સાથે જ વહાવી દીધી
પીપળાએ બધા ઝૂલા
ડાંખળીઓની સાથે જ તોડી નાખ્યા
જેમાં પ્રેમના ગીતો ગુંજતાં’તાં
એ વાંસળી કોણ જાણે ક્યાં ખોવાઈ ગઈ
અને રાંઝાના બધા ભાઈ
વાંસળી વગાડવાનું ભૂલી ગયા
ધરતી પર લોહી વરસ્યું,
કબરોમાંથી લોહી ટપકવા માંડ્યું
અને પ્રેમની શાહજાદીઓ
દરગાહમાં રડવા લાગી
આજે જાણે બધા કૈદો બની ગયા,
સૌંદર્ય અને પ્રેમના ચોર.
હું ક્યાંથી શોધી લાવું
બીજો એક વારિસશાહ ?
વારિસશાહ ! હું તમને કહું છું
તમારી કબરમાંથી ઊઠો
અને પ્રેમની કિતાબનું
કોઈ નવું પાનું ખોલો !
– અમૃતા પ્રીતમ
(મૂળ પંજાબીમાંથી અનુ. જયા મહેતા)
આ કવિતા મૂળ પંજાબીમાં અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં સાંભળો
[audio:http://dhavalshah.com/audio/varisshah.mp3]
અમૃતા પ્રીતમનું આ સૌથી લોકપ્રિય કાવ્ય કયું એવો સવાલ કરો તો સો ટકા એક જ જવાબ મળે – ‘વારિસશાહને’. ભારતના ભાગલાની લોહીયાળ પ્રસવપીડાને સૌથી વધારે સહન કરવાનું પંજાબના ભાગે જ આવેલું. એ યાતનામાંથી જન્મેલી આ કવિતા આજે ય રુંવાટા ઊભા કરી દે છે.
વારિસશાહ અઢારમી સદીમાં થઈ ગયેલા પંજાબી ભાષાના સૂફી-કવિ હતા. હીર-રાંઝાની લોકવાયકા પંજાબમાં લાંબા સમયથી ચાલી આવતી હતી પણ એ એટલી બધી પ્રખ્યાત નહોતી. જ્વારિસશાહે હીર-રાંઝાની કથાને એક અનુપમ ગીતમાં ઢાળી ત્યારથી એ કથા બહુ પ્રસિદ્ધ થઈ ગઈ. વારિસશાહની કલમે હીરની કથાને કાયમ માટે અમર કરી દીધી.
ભાગલા પછીના સમયમાં પંજાબ ભડકે બળતું હતું, માણસે માણસાઈ ગુમાવી દીધી હતી અને લોહીના વહેવાની કોઈ નવાઈ નહોતી રહી. એ સ્થિતિમાં કવિને પંજાબના દુ:ખને યોગ્ય વાચા આપી શકે એવો એક જ માણસ યાદ આવે છે – વારિસ શાહ. એ કહે છે, “વારિસ શાહ, તું કબરમાંથી ઊભો થા. તે પંજાબની એક દીકરી, હીરના, દુ:ખને ગાયું હતું. આજે તો લાખો દીકરીઓ રડી રહી છે. હવે આના પર કોઈ ગીત લખ જેથી આ યાતનાને લોકો હંમેશ માટે યાદ રાખે.”
અમૃતા પ્રીતમના પોતાના અવાજમાં આ કવિતા સાંભળો તો શબ્દોની ઊંડી ઉદાસી ઘેરી વળ્યા વિના રહેતી નથી. અને પાંચ નદીઓના આ પવિત્ર પ્રદેશ માટે અનાયાસ જ દિલમાંથી એક ચીસ નીકળી જાય છે.
બીજાને શું જીરવશું ? જાતને જીરવી નથી શકતા,
ભીતર સર્જાતા ચક્રાવાતને જીરવી નથી શકતા.
અતિશય જોશમાં આઘાત બીજા પર કરી લઈએ,
પછી ઉદભવતા પ્રત્યાઘાતને જીરવી નથી શકતા.
તરસ કોઠે પડી હો જેમને એવા ઘણા લોકો
ક્દાચિત્ આવતા વરસાદને જીરવી નથી શકતા.
સદા નક્કર હકીકત ને ગણતરીઓમાં જીવ્યા જે
જીવનના અંતમાં આભાસને જીરવી નથી શકતા.
ઘણું તરસ્યા હતા સાંનિધ્ય જેનું પામવા માટે
ખબર નહીં કેમ એના સાથને જીરવી નથી શકતા.
તમે આકાશ પણ ઝંખો ને બાંધો છત દીવાલો પર ?
હકીકતમાં તમે અજવાસને જીરવી નથી શકતા.
નવા સર્જકને ત્રાંસી આંખથી જુએ જૂના સર્જક
ઘણાં વૃક્ષો કૂંપળની વાતને જીરવી નથી શકતા.
– હિતેન આનંદપરા
મનુષ્યનો સ્વભાવ જ એવો છે – સીધા અઢી અક્ષર બોલવાને બદલે અઢી પગલા આડા માંડવામાં જ એને ચેન પડે છે. મનુષ્યસ્વભાવની ઊણપોને ગઝલમાં કવિએ બરાબર ઝીલી લીધી છે. આ બધાને લાગુ પડે એવી ગઝલ છે. બધાને બંધબેસતી પાઘડી પહેરી લેવાની પૂરેપૂરી છૂટ છે !
દઉં પુરાવા કોઈ ભીની યાદના
મોકલું ફોટા તને વરસાદના
ગીત ગાયા મેં ઉદાસીના અને
ચિત્ર દોર્યાં એકલા ઉન્માદના
છે હથેળી મખમલી સૌની ભલે
છે બધાના આંગળા પોલાદના
પત્ર, ફૂલો, મોસમી આબોહવા
છે ઘણાંયે કારણો સંવાદના
સેંકડો લાગી ગયા છે દાવ પર
ભાગ્ય ખૂલે છે અહીં એકાદના !
-દિનેશ કાનાણી
રાજકોટના દિનેશ કાનાણીની ગઝલોમાં તાજપ વર્તાય છે. આમ તો આખી ગઝલ મજાની થઈ છે પણ છેલ્લા બે શેર ખૂબ ગમી ગયા…
હર વખત જીતી જવાની આ શરત મુશ્કેલ છે,
શ્વાસ સાથે હાથતાળીની રમત મુશ્કેલ છે.
માહ્યલા ! તું છોડી દે એવી મમત મુશ્કેલ છે,
રાખવો રાજી તને આખો વખત મુશ્કેલ છે.
ત્યાં સુધી તો થોભ કે થોડી ઘણી તો કળ વળે,
માફ કરવો છે તને પણ એ તરત મુશ્કેલ છે.
કોઈ સામે આવીને લલકારે તો પહોંચી વળું,
આજીવન દુર્ભાગ્ય સાથેની લડત મુશ્કેલ છે.
– હરીશ ઠક્કર
ગઝલ સરલ ભાષામાં લખવી, એ વાંચન કે શ્રવણ – બંને સ્વરૂપે શીઘ્રપ્રત્યાયનક્ષમ હોય, શેરિયત જળવાઈ રહે, શેર બંધ છીપ જેવો રહે અને આખો અર્થ કાફિયા પર જ ઉઘડે, રદીફ બધા જ શેરમાં બરાબર નિભાવી શકાઈ હોય, છંદ એકદમ સાફ હોય – આવી બધી જ મુશ્કેલ શરતોને એક જ ગઝલમાં નિભાવવાની કામગીરી દોરડા પર ચાલવા બરાબર છે પણ સુરતના હરીશ ઠક્કર આ કળામાં પારંગત છે. વ્યવસાયે આયુર્વેદાચાર્ય પણ સ્વભાવે નખશિખ કવિ. કોલેજમાં આયુર્વેદની સાથોસાથ શેરો-શાયરી પણ શીખવાડે. ચરકસંહિતા શુશ્રુતસંહિતા જેવા ત્રણેક ડઝન નાના-મોટા સંસ્કૃત પુસ્તકોનો સરળ ગુજરાતી અનુવાદ પણ એમણે કર્યો છે…
આ ગઝલના બધા જ શેર આફરીન પોકારવા મજબૂર ન કરે તો જ નવાઈ!
સ્વપ્ન ચુંબનથી ય નાનું જોઈએ
ને શરત છે કે મજાનું જોઈએ
ઘર મળ્યું તો ઝંખના સાથે મળી –
ઘરને ઘર કહેવાનું બહાનું જોઈએ
સર્વ ઇતિહાસોનો આ ઇતિહાસ છે :
સૌને સૌનું ખાસ પાનું જોઈએ
જીવ જ્યાં જ્યાં મહાલી આવે એકલો
આંખને ત્યાં ત્યાં જવાનું જોઈએ
એમ સગ્ગા હાથને મરતો દીઠો
જેમ મરવું પારકાનું જોઈએ
ચીંધ આખું વિશ્વ તું એને, રમેશ
જેને સરનામું ર.પા.નું જોઈએ
-રમેશ પારેખ
જે માણસ આખી દુનિયાના સરનામે મળે છે એ માણસની આ ગઝલને કોઈ પૂર્વભૂમિકાની જરૂર ખરી ?
આપણે કાંઈ થોડા ફૂલ છીએ !
કે પતંગિયું
ઊડીને આવતુંક માથે બેસી જાય
ને મન્ન ભરીને ડોલાવી જાય !
આપણે કાંઈ થોડા વૃક્ષ છીએ
કે ખિસકોલી
ખરી પડેલાં પાંદની વાત કરવા
છાતી ઉપરથી
ચઢ-ઊતર કરતી થઈ જાય !
આપણે
કદાચ આકાશ છીએ
કે જેમાં કો’ક સમડી
ચકરાવે ચકરાવે
નિ:શબ્દતાપૂર્વક પાંખથી
ઘૂંટતી જ જાય
ઘૂંટતી જ જાય
ને એને સ્પર્શ માની લેવા પડે !
– મનસુખ લશ્કરી
કવિ કહે છે કે આપણે ફૂલ જેવા નથી જે આજીવન અન્યને સુંગધ આપવા ખાતર જાતને પણ મિટાવી દઈએ. આપણે વૃક્ષ જેવા પણ નથી જે માત્ર અને માત્ર બીજાના સુખને ખાતર જ જીવે છે. આપણે માત્ર આકાશ જેવા છીએ. મતલબ કે આપણને કાંઈ સ્પર્શી જ શકતું નથી એવા… આકાશ જેવા આભાસી.
થોડું ઝળહળ બની આવશે;
શેષ કાજળ બની આવશે.
તું ખીલે જો પ્રથમ ફૂલવત્
શબ્દ ઝાકળ બની આવશે.
*
આમ ક્ષણક્ષણથી લડીને ક્યાં જશે ?
ને પછી તું સમસમીને ક્યાં જશે ?
એક ખૂણો હાંફવાનો રાખજે…
આમ બધ્ધે આથડીને ક્યાં જશે ?
*
અચાનક લગાતાર … બસ ઓગળે છે.
સઘન રાતનું આ તમસ ઓગળે છે.
કરે કો’ ટકોરો સ્મરણના બરફ પર
ને વચ્ચે રહેલા વરસ ઓગળે છે.
– રઈશ મનીઆર
સદા પથ્થરોના જ અશ્વો પલાણ્યા;
રહ્યા એટલે માર્ગ સઘળા અજાણ્યા.
રહી સાવ નિર્લેપ નાટક વચોવચ;
મળ્યાં પાત્ર જે કાંઈ, ભજવી બતાવ્યાં !
તમે સ્થાન લીધું ખરે શ્વાસ જેવું;
અનાયાસ આવ્યા, અનાયાસ ચાલ્યાં !
તણખલા સમા થઈ જવાની તકોમાં;
અમે પ્હાડ જેવા થઈને મહાલ્યા !
– હરેશ લાલ
જ્યારે ભાર ઓછો કરી – તણખલા જેવા – થઈ જવાની તક હોય ત્યારે પણ આપણે કારણ વગરનો બધો ભાર ઊભો કરીને – પહાડ જેવા થઈને – જીવે રાખીએ છીએ.
(બર્ટ્રાંડ રસેલની આત્મકથાનું શ્રીમતી એડિથને અર્પણ કરતું કાવ્ય એમના જ હસ્તાક્ષરમાં)
*
લાંબા વરસો દરમ્યાન
હું ઢુંઢતો’તો શાંતિ.
મને મળી પરમ મુદ્રા,મળી યાતના.
મળ્યું પાગલપણું,
મને મળી એકલતા.
મને મળ્યું એકાકી દર્દ
હૃદયને કોરી ખાતું.
પરંતુ શાંતિ તો ન જ લાધી.
હવે,બુઝુર્ગ,મારા અંતની નજીક
હું તારો પરિચય પામ્યો,
અને તારા પરિચય દ્વારા
મને અંતે લાધ્યા પરમ મુદ્રા અને શાંતિ.
વિશ્રાંતિ એટલે શું તે હું જાણું છું
આટઆટલા એકાકી વરસો પછી
જાણું છું જીવન શું હશે-પ્રેમ શું હશે તેય તે.
હવે નિદ્રા પામું
તો કૃતાર્થ એવો-હું નિદ્રા પામીશ.
– બર્ટ્રાંડ રસેલ
(અસ્તિત્વવાદ અને rationalism ના ભીષ્મપિતામહ સમાન આ લેખક-ચિંતક-ગણિતજ્ઞ-વિશ્વશાંતિ ના પુરસ્કર્તા-ફિલસૂફ-નિરીશ્વરવાદી ઇત્યાદિ શબ્દોને શોભાવનારે ભાગ્યે જ કવિતા લખી છે.)
જીવનનો અર્થ શોધનારની યાત્રા કેવી હોઈ શકે તે હૂબહૂ ચિત્રણ અહી આલેખાયું છે. કોઈ અજાણ્યો માણસ ડુંગળી છોલવા બેસે તો પડળ ઉપર પડળ ઉખેડતો જાય,આંખેથી પાણી વહાવતો જાય અને ડુંગળીના છોડા પૂરા ક્યારે થશે અને અંદરના ગર્ભ સુધી ક્યારે પહોંચાશે તેની વિસ્મયસહ રાહ જોતો જાય….. આખી ડુંગળી પૂરી થતા જે સત્ય સમજાય તે જ કદાચ જીવનના ઉત્તરાર્ધમાં કવિ અનુભવે છે. અંતિમ બે પંક્તિઓ સૌથી સુંદર ભાવ પ્રકટાવે છે-હવે હું કૃતાર્થ થઇ મૃત્યુને આલિંગીશ.
(મુદ્રા= સંતોષ, શાંતિ.)
આજે બે કવિતાઓએ
પ્રગટ થવા યાચના કરી : મારે બંનેને ના પાડવી પડી.
દિલગીર છું પ્રિય, હવે નહીં !
દિલગીર છું વહાલી, હજી નહીં !
– ડબલ્યુ એચ. ઑડેન
(અનુ. હરીન્દ્ર દવે)
કવિતા લખવાની કળા હસ્તગત થાય એટલે બહુધા કવિઓ કવિતાની પાછળ પડી જાય છે. કેટલાક કવિ તો એવા પણ છે જે દિવસમાં ઓછામાં ઓછી એક કવિતા ન લખી નાંખે તો રાત્રે ઊંઘ ન આવે. પણ કવિતા શું માત્ર સ્વરૂપ, છંદ અને શબ્દોની ઠાલી રમત જ છે? ઑડેનની આ ચાર લીટીની કવિતા વાંચી એ દિવસથી મારી ઊંઘ ઊડી ગઈ છે… આ જિંદગીમાં આ ચાર લીટી લોહીમાં ઉતારી શકું તોય ઘણું…
એકની જગ્યાએ બબ્બે કવિતાઓ કવિ પાસે આવે છે અને પાછું પ્રગટ થવા યાચના કરે છે. પણ કવિ જેનું નામ, બંનેને ના પાડે છે. કવિ જાણે છે કે ‘ખરી’ કવિતા કોને કહેવાય અને ‘ખરો’ કવિ એટલે શું. કવિતા અપ્રિય હોવાનો તો પ્રશ્ન જ નથી એટલે કવિ બંનેને પ્રિય અને વહાલી કહીને દિલગીરી પણ વ્યક્ત કરે છે. પણ સમર્થ કવિ જે રસ્તે ચાલી ચૂક્યો છે એનું પુનરાવર્તન કરતો નથી એટલે એ કહે છે, હવે નહીં… હવે એ પ્રકારની કવિતા નહીં. હવે કંઈક અલગ… કંઈક નવું… પણ અતિસમર્થ કવિ જે નવી કેડી કંડારવા માંગે છે એની પૂરી સમજ પૂરી ધીરજથી કાંક્ષે છે. એને મહાકાવ્યની પ્રતીક્ષા છે પણ એ સમજે છે કે સિંહણનું દૂધ પેખવા કનકપાત્ર જોઈએ એટલે એ ક્ષમતા હસ્તગત થાય એ પહેલાં આવી ચડેલી કવિતાને એ પ્રેમપૂર્વક કહી શકે છે, હજી નહીં… હજી વાર છે !
*
(જોગાનુજોગ આજે ‘લયસ્તરો પર આ ૧૮૦૦મી પૉસ્ટ છે !)
શું કહું કે કેટલા સુંદર હતા !
સાવ સાચા હોઠ પર ઉત્તર હતા !
મેં અહમ્ હળવેકથી છોડ્યો અને,
થઈ ગયા આષાઢ, જે ચૈતર હતાં !
હાથ ના પકડે હકીકત તોય શું ?
સ્વપ્ન જન્મ્યા ત્યારથી પગભર હતાં !
આજના સંદર્ભમાં તાજા છતાં –
દર્દના કારણ ઘણાં પડતર હતાં !
ના જવાયું સાવ નજદીક એમની;
એ ઉપર થોડાં, ઘણાં ભીતર હતાં !
– લક્ષ્મી ડોબરિયા
રાજકોટના કવયિત્રીની સરળ બાનીમાં સંતર્પક ગઝલ… સંબંધમાંથી અહમનો સૂર્ય હટી જાય તો ચૈત્રના તાપની જગ્યાએ અષાઢની ભીનપ અનુભવાય. દુઃખ-દર્દના કારણોના મૂળ તો સદીઓથી એના એ જ હોય છે પણ તોય કોઈ દર્દ કદી વાસી લાગતું નથી… ખરું ને?
સાજનો પણ એ ક્યાં છે સાજનો રવ,
છે તો સૌના હૃદયના તારનો રવ.
સાંભળી ચહેકી ઊઠ્યાં પંખીડાં –
ફૂલની શબનમી કુમાશનો રવ.
શું કહું કેટલો એ ગાજે છે –
તારી ચુપચાપ પગની ચાપનો રવ.
જુઓ, બ્રહ્માંડ એક કાન થયું,
સાંભળો સાંભળો પ્રકાશનો રવ.
શબ્દ ભૂલી જશો તો સંભળાશે –
લાગણીનો અને વિચારનો રવ.
– રતિલાલ જોગી
શબ્દને ભૂલી જઈએ તો જ લાગણી અને વિચારના અવાજને સાંભળી શકાય…. કેવી સાચુકલી વાત !
આપણે જેના માટે
માત્ર બે જ મિનિટનું
મૌન પાળીએ છીએ
એ ગાંધી
આપણા સૌના માટે
પાળી રહ્યો છે
કાયમનું મૌન !
ગાંધીજીની પ્રતિમાને
ગુલાબનાં તાજાં ફૂલોનો હાર
આરોપવામાં આવી રહ્યો હતો,
ત્યારે –
ગાંધીજી તો
શીતળ વાયુનું રૂપ ધરીને
એ વેદનાગ્રસ્ત ડાળીઓને
પંપાળી રહ્યા હતા,
જે ડાળીઓ પરથી
પેલા ફૂલહાર માટે તાજાં ગુલાબો
ચૂંટી લેવાયાં હતાં !
– મદનકુમાર અંજારિયા ‘ખ્વાબ’
એક ‘ગાંધી-ભાવના’નું અદભૂત શબ્દચિત્ર… ગાંધીજી પર આ કવિશ્રીનું અન્ય એક લઘુકાવ્ય અહીં માણી શકો છો.
સ્મૃતિઓ અને સ્વપ્નો વચ્ચે
એક નદી.
નદીમાં માછલીનાં પ્રતિબિંબ ઊડે છે,
સૂરજ કાદવમાં ફસડાઈ-તરડાઈ રહ્યો છે.
નદી પાસેના વૃક્ષ પર
પંખીના ઓછાયા માળો બાંધે છે;
માળાને સેવે છે શિકારીની આંખ.
નદી શિયાળામાં થીજી જાય છે
અને ઉનાળામાં સુકાઈ જાય છે :
સદીઓથી જાણે કે
વરસાદ પડ્યો નથી, અને
ઈન્દ્રધનુઓ જળમાં ખીલ્યાં નથી.
સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે
એક નદી…
– જગદીશ જોષી
સૂકી નદી કવિનું અતૃપ્ત જીવન છે. સ્મૃતિઓ અને સ્વપ્નોની વચ્ચે ફસડાઈ પડેલી હકીકતને કવિએ કવિતામાં ઝીલી લીધી છે.
એક વાત વિચારવા જેવી છે – નદીમાં જરાય પાણી ન હોય તો પણ એને નદી જ કહેવાય છે. નદી સૂકી હોય તો પણ એ પાણીની શક્યતાથી તો સભર જ હોય છે !
તેણે મારા નામ સામે નામ પોતાનું મૂક્યું
વ્હાણની સામે મૂક્યો દરિયો ને ડૂબવાનું મૂક્યું.
સ્વપ્ન મારાં તોડીને ફેંકી દીધાં મેં ધૂળમાં
મારી ભોળી આંખને માટે મેં જડવાનું મૂક્યું.
સનસનાટી એ જ ઘટના ચિત્રમાં સર્જાઈ ગઈ
તેણે પીંછીથી કશું મારામાં બનવાનું મૂક્યું.
તેણે દ્રશ્યોની અણી પર મૂક્યું તીણું ખૂંચવું
મેં નજર જ્યાં જ્યાં કરી, તેણે ત્યાં છળવાનું મૂક્યું.
તેણે મારા માર્ગમાં પથ્થર નથી મૂક્યા, રમેશ
આ મને શિલ્પી ગણી મૂર્તિઓ ઘડવાનું મૂક્યું.
ચોકની વચ્ચે પડ્યું’તું ડૂસકું બિનવારસી
આળ મારા પર સહુએ મારું હોવાનું મૂક્યું.
– રમેશ પારેખ
કાર્ય-કારણના સિધ્ધાંતોને હળવેકથી મરોડીને કવિ ‘હોવા’ અને’ થવા’ વચ્ચેના આભાસને છતો કરે છે. છેલ્લો શેર – જેને હું ‘બિનવારસી ડૂસકા’ના શેર તરીકે ઓળખું છું 🙂 – મારો ખાસ પ્રિય શેર છે.
નાની શી હોડલીની લલિત ગતિ રૂંધે લંગરો જંગી જેમ;
ખેંચાયે જેમ ભારી દીપકવજનથી પૃથ્વી પ્રત્યે પતંગો;
ઓચિંતા ને અકાળે અચિર જીવી ખરી જેમ કાળે શમાય
ચિંતાની ઝેરી ફૂંકે સ્વપ્નરુચિર આદર્શ કેરા તરંગો;
વૃત્તિ ગંભીર અંતર્મુખ,હરિણસમા ઉરના તરવરાટો
દાબી,પીડી,રીબાવી,રણભૂમિ કરી દે આત્મ લીલાંગનાનો;
નાની શી બંસરીમાં હઠ કરી કવિ કોઈ મહાકાવ્ય ઠાંસી
બંસીની,કાવ્યની ને નિજ જીવનનીયે વ્યર્થ વ્હોરે ખુવારી !
તેવી ભાસે મને કદીક જીવન સાર્થક્યની સર્વ વાતો:
ડાહી ડાહી સલાહો મથી મથી ગ્રહવા વિશ્વના સૌ પદાર્થો !
ધર્મોની ધાંધલો ને અરથ અવરથા,કીચ્ચડો કામના યે,
પોલી લાગે મને તો-મર સહુ સ્તવતા-મોક્ષની નામના યે !
શાના ઉદ્દેશ,શાની ફરજ ? સરજી સૌ આપદા અર્થહીણી;
જીવો અને જીવવા દ્યો મરણ લગણ આ જિંદગી ચાર દિ’ની !
– કરસનદાસ માણેક
ઘણીવાર સ્પષ્ટ દેખાતું હોય છે કે આદર્શોની વાતો વાસ્તવિકતાથી કેટલી અળગી હોય છે ! અસ્તિત્વવાદ ઘણીવાર મન ઉપર આધિપત્ય જમાવી દેવામાં સફળ થતો લાગે છે ! મોક્ષ જેવું ખરેખર કંઈ છે ખરું કે પછી તે પણ એક વધુ મૃગજળ જ છે ?
આ નીલ વ્યોમ તે હરિવર
ને આ એક તારલી રાધા –
બાવરી,
યુગયુગની મન-વળગાડ.
આ વિસ્તાર ધરાનો ગોવિંદ
ને આ ડાંગરનું ખેતર રાધા –
સ્વચ્છંદ
એ યુગયુગ પ્રિયંવદા.
નિશ્ચલ વહેતું જલ આ કૃષ્ણ,
તટ પર વન ઝૂકે તે રાધા –
વિપ્રશ્ન
યુગયુગની ચિર-તંદ્રા.
– પુ.શિ. રેગે (મરાઠી)
અનુ. સુરેશ દલાલ
રાધાકૃષ્ણના અદ્વૈતભાવનું કાવ્ય. સિંધુ સમ કૃષ્ણમાં બિંદુ સમ રાધાનું વિલીનીકરણ પણ કૃષ્ણ એવો સિંધુ છે જે રાધાના બિંદુ વિના અપૂર્ણ રહે છે… એ આખું ગગન છે પણ એક તારલી વિના એની આભા શી? એ વિશાળ ધરતી છે પણ ડાંગરના ખેતર વિના એની ઉપયોગિતા શી ? એ વહેતું જળ છે પણ એના નિશ્ચલ જળમાં તટ પરનું વન ન ઝુકે તો એની શોભા શી ? રાધા બાવરી છે, એના પ્રેમનો પોતીકો જ છંદ છે અને એની પાસે કોઈ પ્રશ્નો પણ નથી. રાધા શરણાગતિ છે. યુગયુગોથી કૃષ્ણના વળગાડ લઈને જીવે છે… ચિરકાળ એની પ્રિયંવદા છે અને ન જાગૃતિ, ન નિંદ્રા એવી ચિરતંદ્રા છે… આ કવિતા વાંચીએ તો પ્રિયકાન્ત મણિયારનું આ નભ ઝૂક્યું તે કાનજી જરૂર યાદ આવે…
રાતે ધરતી પર
ઢળી પડેલા આકાશને
પ્રભાતે
પંખીઓની પાંખોએ
ઊંચકી લીધું, અધ્ધર !
– જયન્ત પાઠક
કવિતા કોને કહે છે ? થોડા ચબરાકીભર્યા શબ્દોની કોઈક નિયમાનુસાર ગોઠવણી ? પતંજલિએ કહ્યું હતું, एक: शब्दः सम्यगधीतः सम्यक प्रयुक्तः स्वर्गेलोके कामधुग्भवति | એરિસ્ટોટલે કહ્યું હતું, The object of poetry, as of all the fine arts, is to produce an emotional delight, a pure and elevated pleasure. આ લઘુકાવ્ય આ બંને શરતો પર ખરું ઉતરતું જણાય છે. ઓછામાં ઓછા શબ્દપ્રયોગથી કવિએ અહીં આખું શબ્દચિત્ર તાદૃશ કરી આપ્યું છે… દિવસના અજવાળામાં આકાશ ધરતીથી ઉપર અને અલગ નજરે ચડે છે પણ અંધારું ઉપર-નીચે, દૂર-નજીક બધાંયને એક જ રંગે રંગી નાંખે છે. અંધારામાં બધું ઓગળી જાય છે એટલે આકાશ પણ જાણે ધરતીનો જ એક હિસ્સો બની ગયું છે… પ્રભાતે પંખીઓ સહુથી પહેલાં ઊઠીને અજવાળાંની સાથોસાથ જાણે આકાશને અધ્ધર ઊંચકી ન લેતાં હોય !
કે’વાનું જેટલું હો તે સઘળું કહી શકો !
ફરિયાદની જ પ્રેમમાં કેવળ મનાઈ છે !
લાગે છે એમ કોઈની સ્વપ્નસ્થ આંખડી,
જાણે કમળની પાંખડી હમણાં બિડાઈ છે.
નયનોએ નીર સિંચ્યાં છે ઉપવનની આશમાં,
જીવનના રણમાં કેટલી નદીઓ સુકાઈ છે !
તરછોડે છે કાં ધૈર્યને જીવન વિચાર કર !
એના ઉપર તો આખી ઇમારત ચણાઈ છે.
જોઈ શકે છે દિલ મહીં બ્રહ્માંડની કલા,
દ્રષ્ટિમાં ‘શલ્ય’ની એ કરામત સમાઈ છે.
– ‘શલ્ય’ મશહદી
પ્રેમમાં જો સાચે જ ફરિયાદની મનાઈ હોય તો તો પ્રણય સાવ ‘બોરીંગ’ ના થઈ જાય…? ( જો કે અહીં મીઠી ફરિયાદ નહીં પણ કડવી ને તીખી ફરિયાદ કરવાની મનાઈ ફરમાવાઈ છે. ) 🙂 ધૈર્ય ઉપર જીવનની ઇમારત ચણાવાની વાત ખૂબ જ સુંદર રીતે કહેવાઈ છે.
ફેલાવતું ગગન ખુદ શાખો સવાર માટે,
છાતીમાં સૂર્ય ધબકે આખો સવાર માટે.
માદક સુગંધ વેચે છે ફેરિયો પવનનો,
થોડીઘણી ખરીદી રાખો સવાર માટે.
ઊડીને વીંટળાયું આંખોમાં દૃશ્ય નાજુક,
ફફડાવી સાચવેલી પાંખો સવાર માટે.
ફાટીન જાય પોચી ધુમ્મસની શાલ તેથી,
ઉજાસ હો હમેશાં ઝાંખો સવાર માટે.
દીધા વિના ટકોરા નહીં તો જશે એ પાછી,
સઘળાં કમાડ ખોલી નાખો સવાર માટે.
– હેમેન શાહ
સાંજને બધાએ ખૂબ ગાઈ છે, સવારને કોઈ કોઈએ જ સંભારી છે. ગઝલકારો બધામોડા ઉઠનારા હશે કે શું ? 🙂
કોઈ જાણીતો શ્વાસ લાગે છે,
એ અહીં આસપાસ લાગે છે.
સાવ લીલો ઉજાસ લાગે છે,
ઓસની નીચે ઘાસ લાગે છે.
જે દિવસભર રહ્યો છે નિર્જન એ,
રાતરાણીનો વાસ લાગે છે.
ગત જનમમાં કૂવો હશે શું અહીં ?
આવીને કેમ પ્યાસ લાગે છે ?
કોયલોના આ તરબતર ટહુકા,
મારાં કાવ્યોના પ્રાસ લાગે છે.
શાંત ઊંડા નદીના પાણીનો,
સાચું કહું તો રકાસ લાગે છે !
પ્હાડ પર વેરવિખેર તડકો છે,
ખીણ તેથી ઉદાસ લાગે છે.
– શોભિત દેસાઈ
નવીન કલ્પનોથી શોભતી શોભિત દેસાઈની રમતિયાળ ગઝલ.
એક રે ડાળીનાં બેઉ પાંદડાં
એક છોડવાનાં બેઉ ફૂલ,
રે અમે ને તમે ના મળ્યાં !
તમારો માળો વેરીએ પીંખિયો
અમારા માળામાં અમે કેદ,
રે અમે ને તમે ના મળ્યાં !
ફૂલોની વચાળે ઘટતાં બેસણાં
કાંટાથી બિછાયો આખો પંથ,
રે અમે ને તમે ના મળ્યાં !
તમારા આંગણમાં તમે એકલાં,
અમારા આકાશે અમે એક
રે અમે ને તમે ના મળ્યાં !
તમારા હોઠોને તાળાં ચૂપનાં,
અમારી વાચાના ઊડે ધૂપ,
રે અમે ને તમે ના મળ્યાં !
લીલુડાં વને છો તમે પોપટી
અમે પંખી સાગર મોજાર,
રે અમે ને તમે ના મળ્યાં !
– હરીન્દ્ર દવે (૨૫-૭-૭૧)
ક્યારેક ગમે તેટલું ચાલીએ તોપણ બે ડગલાં જેટલું અંતર કપાતું નથી,તો ક્યારેક જોજનોનું અંતર પણ કંઈ વિસાતમાં નથી. એક મિત્રએ સહજ રીતે કીધેલી ગહન વાત યાદ આવે છે- “બહારનું અંતર કપાતું નથી,અંદરનું અંતર સમજાતું નથી !!!”
આ આવી એ જો !
વસ્ત્રવાઘા ?
શિર પરે રહી જીરણ જર્જર કામળી;
કૈં ભૂષણો ?
નહીં કંઠ મણકા વીશ પૂરા
(વાનથી પણ શામળી) –
ને તોય રસીલી મંડળી
મુગ્ધા-પ્રવેશે
ઊઠબેસે
શી બની ગઈ આકળી.
– અનામી (અપભ્રંશ)
અનુ. હરિવલ્લભ ભાયાણી
સ્ત્રીસૈંદર્ય કોઈ પણ ભાષા અને કોઈ પણ સંસ્કૃતિમાં હંમેશા કેન્દ્રસ્થાને રહ્યું છે. અપભ્રંશ ભાષાના કોઈ એક અનામી કવિની શૃંગારરસની કવિતાનો આ અનુવાદ કેટલા ઓછા શબ્દોમાં આ વાત કેવી ઉજાળી આપે છે ! કવિતાની પહેલી પંક્તિમાં માત્ર ચાર શબ્દો અને પાંચ જ અક્ષરોમાં કવિ એક આખું શબ્દચિત્ર ખડું કરી આપે છે. આ શબ્દની શક્તિ છે…
અને આવનારી સ્ત્રી પણ કેવી? વસ્ત્રોના નામે માથે એક જીર્ણ ફાટેલી કામળી અને ગળામાં પૂરા વીસ મણકાંય ન હોય એવી માળા… વાનેય શામળો પણ તોય એની ઊઠબેસ મંડળી પર કેવી અસર છોડી જાય છે!
કીકીમાં કેદ કરી લીધા
. મેં કાનજીને કીકીમાં કેદ કરી લીધા !
ભોળી નથી કે હવે લોચન ઉઘાડું
. છોને વગડામાં વાંસળીઓ વાગે;
મધરાતે કોઈ ભલે બારણાં ધકેલે
. બાઈ, મારે બલારાત જાગે !
જનમના જાણકાર કેદના તે એણે
. છૂટવાનાં છળ ભલાં કીધાં ! – મેં0
જુગજુગ જોગીડા ભલે ગાળે સમાધમાં
. વાળે પલાંઠી, સાસ રોકે;
મેં તો પલકમાં જ પકડ્યા ને પાધરા
. પધરાવ્યા સમણાંના લોકે !
વાંકા તે વેણના ને વાંકા વ્હેવારના
. એમ વના થાય ના સીધા ! – મેં0
-જયન્ત પાઠક
ગોપીની ચરમ કૃષ્ણભક્તિનું એક ચાક્ષુષ ઉદાહરણ. જેને પામવા જોગીઓ યુગોયુઇગો સુધી તપ કરે છે, સમધિમાં બેસે છે, શ્વાસ રોકવાનો હઠાગ્રહ કરે છે એને ગોપિકા પલક ઝપકતામાં જ પકડી લે છે. ભક્તિ કરતાં પ્રેમની શક્તિ કેટલી વધારે છે ! કૃષ્ણનો તો જન્મ જ કારાગારમાં થયો હતો. એ તો જનમથી જ કેદ અને કેદમાંથી છૂતવાનો માહિતગાર છે પણ ગોપી કંઈ ઓછી માયા નથી. ઝપ્પ કરીને કાનજીને કીકીમાં કેદ કરીને પાધરા જ સ્વપ્નલોકની જેલમાં પધરાવી દે છે. કાનજી ભલે વાંસળીઓ વગાડે કે છૂટવા માટે નાનાવિધ છળ કરે પણ હવે આંખ ખોલે એ મારી બલારાત… ગોપી જાગે તો તો કહાનો ભાગે ને!
પલળવાનાં
સ્વપ્નમાં, કોરી રહી
ગઈ જિંદગી.
– માધુરી મ. દેશપાંડે
છ શબ્દોનાં બિંદુમાં આખ્ખો સિંધુ ! જાણે કોઈ લાં…બી જિંદગીની ટૂંકીટચ વાર્તા હોય એવું નથી લાગતું?!
મનવા ! ખોલ તિમિરનાં તાળાં,
તારી આંખોમાં ડોકાતાં અનહદનાં અજવાળાં;
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
વસંત આવી, વેણુ વાગી,
કોયલ બોલી બોલ સુહાગી,
નિમિલિત નેણાં કેમ નિરખશે ખીલ્યાં ફૂલ રૂપાળાં ?
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
અખૂટ ખજાનો છે સાંચવણે,
એની વેદના વેણ શું વરણે ?
મધરાતે મનડાને મળતાં ઝડ ઝરડાં ને જાળાં.
મનવા ! ખોલ તિમિરનાં તાળાં.
કારીગરનો સાથ કરી લે,
ચાવી એની હાથ કરી લે,
તાળાં તૃષ્ણાનાં ખૂલતામાં અજવાળાં અજવાળાં !
મનવા ! ખોલ તિમિરનાં તાળાં
-મનુભાઈ ત્રિવેદી ‘સરોદ’
રામનવમીનાં દિવસે આપણા સૌના મનનાં તિમિરનાં તાળાં ખૂલે અને અંદર અજવાળાં પધારે એવી શુભેચ્છાઓ… 🙂
બે ચાર છાંટાથી છીપે, એવી નથી તરસ,
તારે વરસવું હોય તો આકાશ, મન મૂકી વરસ.
નાંખ છત્રીને ધરામાં, નિર્વસન થૈને નીકળ,
આવું ચોમાસું ભલા ન આવતું વરસોવરસ.
મઘમઘું હું હેમ થઈને, ઝગમગું સૌરભ બની,
તું મને સ્પર્શે તો મિતવા આવ એ રીતે સ્પરશ.
કોઈ મારામાં વસે છે, ને શ્વસે છે રાતદિન,
એ મને જોતું સતત, પણ ના થતાં એના દરશ.
અંગ પરથી વસ્ત્ર જળની જેમ સરતાં જાય છે,
કોણ સામે તીર બજવે બાંસુરી એવી સરસ.
સાંકડે મારગ, મદોન્મત્ત હાથિણી સામે ખડો,
કાં છૂંદી નાંખે મને, કાં મસ્તકે ઢોળે કળશ.
– પુરુરાજ જોષી
મન મૂકીને વરસવા મજબૂર કરી દે એવી મોહક ગઝલ.
એક સંશય આપણી વચ્ચે રહે છે,
ભય વગર ભય આપણી વચ્ચે રહે છે.
તેજ જેવા તેજનો પર્યાય પોતે –
થઇ તમસમય આપણી વચ્ચે રહે છે.
ઉષ્ણ શ્વાસોથી ઊભય સંલગ્ન તેથી –
આર્દ્ર વિસ્મય આપણી વચ્ચે રહે છે.
ગીત બેઉ કંઠથી શેં એક ફૂટે ?
કોઇ ક્યાં લય આપણી વચ્ચે રહે છે !
જે વિજયને બાનમાં રાખી ઊભો છે,
એ પરાજય આપણી વચ્ચે રહે છે.
આથમી ચૂકેલ વચ્ચોવચ્ચતાનો,
કોઇ આશય આપણી વચ્ચે રહે છે.
આપણી વચ્ચે કશું હોતું નથી-નો
ભ્રમ અને ભય આપણી વચ્ચે રહે છે.
– કરસનદાસ લુહાર
જ્યારે બે માણસ સાથે ઊભા રહે તો એમની વચ્ચે એક આખું વિશ્વ રચાતું હોય છે. પણ જો બેનો સૂર પૂરો ન મળે તો બન્ને વચ્ચે ઘેરો રંગ ઝમતો જાય છે. છેલ્લા બે શેર ખાસ ધારદાર થયા છે : વચ્ચેનું બધું આથમી જવા છતાંય એક ઈચ્છા તગતગ્યા કરતી હોય છે. ઘણી વાર કશુંક ખૂટતું હોવાનો ભ્રમ અને ભય જ આપણને કોરી ખાતો હોય છે.
કહું કે ચાહું છું જગ સકલમાં એક જ તને,
રખે માને વ્હાલી ઇતર પ્રણયો ના મુજ ઉરે;
રખે વાંછે,ભોળી,ઇતર પ્રણયો ના ટકી શકે
ઉરે મારે, તારા અનુભવ પછીયે સુમૃદુલ!
બિછાવે છોને સૌ પ્રણયની જગે રમ્ય ભ્રમણા,
અનન્યાસક્તિની વિતથ કરી વાતો પ્રિય કને.
સખી, હૈયાની જે અમિત ધબકો ઊઠી શમતી,
કહે શું ખોટું જો કદીક મળી કોને મહીંથી બે ?
કહું સાચ્ચું વ્હાલી,મુજ હૃદય જાગ્યા અણગણ્યા,
હજી જાગે,જાગ્યા હજીય કરશે કૈંક પ્રણયો,
અજાણી કો બાલા સ્મિત દઈ ગઈ,કો દૃગ મૃદુ,
અમી શબ્દો,સૂરો ક્યમ કરી સહુ એ ભૂલી જવું ?
ગણું સૌનો એવો તું પણ સખી અહેસાન ગણજે,
રહસ્યો તારાં હું લહું પરમ એ સર્વ થકી તો.
– ઉમાશંકર જોશી.
[1937]
પ્રણયની ચરિતાર્થતા શેમાં ? વ્યક્તિનિષ્ઠ પ્રણય એ સમષ્ટિનિષ્ઠ પ્રણય ના માર્ગની બાધા બને તે કવિને રુચતું નથી. શું વ્યક્તિ એક જ પાત્રને ચાહી શકે ? માની લો કે બીજા પાત્ર માટે પ્રણયની તીવ્ર લાગણી થાય તો આત્મવંચના કરી પ્રથમ પાત્ર માટે જ પ્રેમ છે તેવું સેલ્ફ-હિપ્નોસીસ કરવું , કે ખુલ્લા દિલે વાસ્તવિકતાનો સ્વીકાર કરવો ? પ્રશ્નોના સર્વસ્વીકાર્ય ઉત્તર કદાચ ન હોઈ શકે – તુંડે: તુંડે: મતિ: ભિન્ના: …… પરંતુ પ્રશ્ન અત્યંત પ્રસ્તુત છે. જાતને છેતરવાનો આસાન રસ્તો લેવો કે ચીલો ચાતરવાની તૈયારી સાથે road less travelled ઉપર ચાલી નીકળવું તે દરેક વ્યક્તિની ફિતરત ઉપર છોડવાની વાત છે……