ઘટ ફૂટ્યો, માટીમાં માટી તો મળી, એક ફેર છે
જે હતું આકાશ ઘટમાં, એ હવે ઘટમાં નથી
– જવાહર બક્ષી

ના ખપે – ‘કાયમ’ હજારી

પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
એક ખુરશી કાજ આખા વૃક્ષને જે  વેતરે !

ભગ્ન ચૂડી, ખાલી ખોળો ને બળેલી રાખડી
જડ બનેલી જિંદગી કઈ વાતનું માતમ કરે ?

જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
બાળકો મોટા થવાના ભયથી આજે થરથરે !

લાખ યત્નો આદરી આ આગને તો ઠારશું
પણ, ધુમાડો જે થયો એ કઈ રીતે પાછો ફરે ?

હોય આનાથી વધુ સંતાનનું બીજું પતન ?
ભરબજારે માતનાં વસ્ત્રો હરી ગૌરવ કરે !

માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !

– ‘કાયમ’ હજારી

આકરા આક્રોશથી અવતરેલી આ ગઝલના સંદેશને મારે કેવી રીતે સમજાવવો ? જે સમય નથી સમજાવી શક્યો, એ સમજાવવાનું મારું શું ગજુ ?

17 Comments »

  1. dr.jagdip nanavati said,

    February 8, 2010 @ 10:11 PM

    સમય આપણને સમજાવે તેની રાહ ક્યાં સુધી
    જોઈશું…?

    સમયે છે અમલ કરવાનો…..

    સમય આવ્યો ધજા ફરકાવવાનો
    વતનની આબરૂ સંતાડવાનો

    હતાશા, મોંઘવારી ને ગરીબી
    ભર્યો માહોલ આ શણગારવાનો

    કરો મજબુત પાયા દેશના સહુ
    ન તો ખુરશી તણા, સમજાવવાનો

    ધરાની ધૂળને નામે જે દિલમાં
    ચડી પરદેશની, ખંખેરવાનો

    પસાર્યા હાથ જે પીઠે સતત એ
    પડોશી પર હવે ઉગામવાનો

  2. રાકેશ ઠક્કર, વાપી said,

    February 9, 2010 @ 12:09 AM

    ચોટદાર ગઝલ. નીચેના શેરમાં ભયથી ના આવે?

    જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
    બાળકો મોટા થવાના ભયની આજે થરથરે !

  3. વિવેક said,

    February 9, 2010 @ 1:05 AM

    સરસ !

  4. 'marmi' said,

    February 9, 2010 @ 6:00 AM

    જોઈને મોટાઓનાં આ સાવ હીણાં કરતૂતો !
    બાળકો મોટા થવાના ભયની આજે થરથરે !

    આ શેરનાં સાની મિસરામાં ભયની//ની જગ્યાએ ભયથી હોવું જોઇએ…..

    આખી ગઝલ સરસ છે……..કવિને ધન્યવાદ

  5. Pushpakant Talati said,

    February 9, 2010 @ 7:44 AM

    આ દરેકના દિલની વાત છે
    પણ એ દરેક નુ ગજુ નથી કે આ વાત કહી શકે.
    બહુ જ સ્પષ્ટ રીતે આ વાત રજુ કરી છે.
    આમ રજુઆત કરવા માટે ઘણી જ આવડત જોઇએ
    કવિને ખુબ-ખુબ અભિનન્દન આ ચોટદાર રજુઆત માટે
    ફરીથી આભાર – અને – સલામ .

  6. kankshit said,

    February 9, 2010 @ 7:45 AM

    मेरे दिल के कीसी कोनेमे एक मासुम सा बच्चा,

    बडो की देख कर दुनिया बडा होने से डरता हें.

    ઘણાં સમય પ હેલા સાંભળેલી ગઝલ યાદ આવી ગઇ…

    કદચ નિદા ફાઝ્લી સાહેબ નો શેર છે…

  7. urvashi parekh said,

    February 9, 2010 @ 8:25 AM

    આખી જ રચના ઘણી જ સરસ અને માર્મીક છે.
    ઘણી વાતો ઘણી જ સરસ રીતે કહેવાણી છે.
    અભીનંદન..

  8. ધવલ said,

    February 9, 2010 @ 8:29 AM

    રાકેશ, ‘થી’ જ આવે. સુધારી લીધું છે.

  9. best contemptotary said,

    February 9, 2010 @ 8:53 AM

    best expression of common man’s feelings with patrioc background with a humble submission to society

  10. mita said,

    February 9, 2010 @ 8:56 AM

    exellent, very touchy.

  11. avani aal said,

    February 9, 2010 @ 11:05 AM

    ખુબ ..સરસ..! જગદિપ નાનાવટિ નિ વાત માર્મિક….! અભિનન્દન!

  12. Girish Parikh said,

    February 9, 2010 @ 4:12 PM

    ના ખપે, એ રામ અલ્લાહ ના ખપે, હા ના ખપે
    નામ માનવતાનું જેના નામથી ‘કાયમ’ મરે !

    ‘મુખમેં રામ બગલમેં છુરી’ કહેવત યાદ આવી.

    આ ગઝલ વાંચીને નવી કહેવત લખું છું:
    ‘મુખમેં અલ્લાહ બગલમેં છુરી.’

  13. Girish Parikh said,

    February 9, 2010 @ 5:38 PM

    પાંદડાઓની વ્યથા એ કઈ રીતે કાને ધરે ?
    એક ખુરશી કાજ આખા વૃક્ષને જે વેતરે !

    વૃક્ષને પણ કપાતી વખતે વેદના થાય છે. વૃક્ષ કપાતી વખતે ચીસ પાડતું નથી, પણ એની એ વખતની વ્યથા સાચા કવિ જેવા લાગણીશીલ આત્માઓ જ સમજી શકે; અને જરૂરત કરતાં એક પાન પણ વધુ ન કાપે.

    મને એક બીજી વાત આ શેરમાં લાગે છેઃ એ છે કુદરતે આપેલી (અને માનવસર્જીત) કોઈ પણ ચીજનો જરા પણ બગાડ ન કરવાની. હું અમેરિકામાં રહું છું અને અહીં થતા અનહદ બગાડને જોઈને અકળાવાય છે. અને વધુ ગમગીન કરતી વાત તો એ છે કે કેટલાક બગાડ કરનારા એમ કરવામાં ગૌરવ અનુભવતા હોય છે! (આમાં ઘણા ઈન્ડિયન-અમેરિકનો પણ છે!) આ કેવી ગેરસમજ.

    માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
    મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

    સાચો ધર્મ માનવતાનો છે. મંદિરો અને મસ્જિદો અને બીજાં ધર્મસ્થાનો જો માનવતા જાગૃત ન કરી શકે તો એ મકાનોની દીવાલો હીબકાં જ ભરે ને!

    – – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoo.com

  14. pragnaju said,

    February 10, 2010 @ 1:01 AM

    સુંદર

  15. shashikant vanikar said,

    February 11, 2010 @ 2:19 AM

    ચોટદાર ગઝલ. આખી ગઝલ સરસ છે……..કવિને ધન્યવાદ.

  16. Pinki said,

    February 11, 2010 @ 5:29 AM

    સરસ ગઝલ … !

    માનવીની પાશવી-ખૂની લીલાઓ જોઈને
    મંદિરો ને મસ્જિદોના પથ્થરો હીબકાં ભરે !

    મક્તામાં તખલ્લુસનો સરસ ઉપયોગ… !

  17. Jaydeep chotaliya said,

    September 4, 2019 @ 1:16 PM

    આ જ અંદાજ જલન સાહેબ નો છે….

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment