આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન-
બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના !
મરીઝ

મિલન – નિરંજન ભગત

વર્ષોથી આપણે ન મળ્યા, ન કશું કર્યું,
વર્ષોથી આપણે તો માત્ર મૌન જ ધર્યું.
મળ્યાં ત્યારે કેવું મળ્યાં,
વચ્ચે કાળ જાણે થંભ્યો હોય એવું મળ્યાં.
બોલ્યાં ત્યારે કેવું બોલ્યાં,
ક્ષણેકમાં પરસ્પરનાં હ્રદય ખોલ્યાં,
વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

– નિરંજન ભગત

મિલનની ઘડીની અદભૂત શબ્દ-છબિ !

3 Comments »

  1. pragnaju said,

    January 19, 2010 @ 12:59 AM

    વિરહમાં કેટલું સુખ હોય તે આજે માણ્યું,
    મૌન કેવું મુખર હોય તે આજે જાણ્યું.

    અ દ ભૂ ત

    સાથે જ અમારો પ્રિય વિષય વિરહ પર ગુંજ્યા…

    જાગું છું વિરહની રાતોમાં, એ વાત તમે તો જાણો છો,
    બોલો ઓ ગગનના તારાઓ, કે હાલ અવરના કેવા છે?

    તારા વિરહની કેવી ચરમ સીમા એ હશે –
    જ્યાં હું મિલનને માર્ગ જવું ટાળતો રહ્યો!

    જે જે હતી મિલનની વ્યથાઓ સહી લીધી,
    ચાલો, હવે વિરહને સમજાવો કે હું નથી.

    શબ્દોમાં ઘૂંટતો રહું તારા વિરહનો કેફ,
    ચકચૂર જો બનું તો મુલાકાત થૈ જશે.

    ના મિલનનો કોલ છે કે ના વિરહની વેદના,
    આ તે કેવું છે કે હું કારણ વગર જાગ્યા કરું.

    આ વિરહની રાતે હસનારા તારાઓ બુઝાવી નાખું પણ,
    એક રાત નિભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે?
    અને
    કલ્પના જગતમા ખળભળાટ મચાવનાર કદી ન બનેલો
    વિવેકનો ત્રીજો કિનારો.
    વિરહમાં સળગે છે તારા, આ તારો ત્રીજો કિનારો,
    તને પરણીને બેઠો છે, કુંવારો ત્રીજો કિનારો.

  2. વિવેક said,

    January 19, 2010 @ 2:08 AM

    સુંદર મજાનું પ્રણયકાવ્ય… વિરહની તીવ્રતા અને મિલનનો મૌન આવેગ કેવો સરસ હોય છે ! આવો જ ભાવ ધરાવતું સુન્દરમ્ નું એક ન ચૂકી શકાય એવું કાવ્ય આ સાથે જ માણવા જેવું છે:

    મળ્યાં – સુન્દરમ્

  3. P Shah said,

    January 19, 2010 @ 9:37 AM

    જ્યારે વિરહ અને મિલન એક જ ડાળે ખીલી ઊઠે
    ત્યારે નીચે વેરાતા ટહુકાઓ સદીઓ સુધી ગુંજ્યા કરે છે.
    બોલ-અબોલની બાહુઓમાં પાંગરતા પ્રેમની સુંદર અભિવ્યક્તિ !
    આભાર ધવલભાઈ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment