પતંગ-ગીત – ભગવતીકુમાર શર્મા
પવનપાતળો કાગળ લઈને નભમાં ઊડે અગાશીજી;
વાંસ-સળીનો કિત્તો લઈને લખતી ગઝલ ઉદાસીજી!
પવન સૂસવે ઘડીક સામટો, ઘડીક ખાતો ખત્તાજી;
શ્વાસ હાવરા-પુલશા થઈને સાચવતા કલકત્તાજી !
ઠાગાઠૈયા, ઠુમકા, ઝૂમખાં હુંકારે અવિનાશીજી…
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કંઈ ગગનમાં તરે માછલી, એકલ મીન પિયાસીજી…
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
– ભગવતીકુમાર શર્મા
પતંગના નામે કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી જાતનું ગીત બનાવે છે. ધરતી પરની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ આકાશમાં પડે છે.
pragnaju said,
October 14, 2009 @ 12:05 AM
વિના અમાસે સૂર્ય ઘેરતા રાહુ બની પતંગાજી;
ધોળે દા’ડે નભમાં આલે અંધકારના દંગાજી!
આ જ ધરાનું પાણીપત ને આ જ ગગનનું પ્લાસીજી!
વાહ્
સાહિત્યકાર ભગવતીકુમાર શર્માની ગુજરાતી સાહિત્ય પરિષદના નવા પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી છે.તે પ્રસંગને અનુરુપ રચના મૂકવા બદલ ધન્યવાદ્ કવિ પોતાની કલ્પનાને છૂટ્ટી દોર આપીને તદ્દન નવી સાહિત્યની આંકાક્ષાઓ અને સપનાઓનું પ્રતિબિંબ પાડશે તેવી અભ્યર્થના
રાકેશ ઠક્કર , વાપી said,
October 14, 2009 @ 12:41 AM
સરસ ગીત
વિવેક said,
October 14, 2009 @ 1:44 AM
વાહ… શું ગીત છે !!
દરેક અંતરા મજાના થયા છે અને લય એવો પાક્કો છે અને કલ્પના એવી અનૂઠી છે કે અગાશીમાં પહોંચીને ઠુમકા મારતાં હોઈએ એમ જ લાગે…
Dr. J. K. Nanavati said,
October 14, 2009 @ 4:09 AM
ભગવતીભઐ ની ઉં…ચે ઉડતી પતંગ ને જોઈ ચાલો હું પણ
નીચે ઉભી બેક ઠુમકા લગાવઈ લઊં…
……….પતંગ…..
…..(જાગને જાદવા……)
સ્નેહને તાતણે વ્હાલને વાયરે
અખિલ બ્રહ્માંડમાં જો ઉડી જાય રે
રંગ માનવ તણો જો પતંગે ચડે
ધ્રુવ તારક સમો સ્થિર થઇ જાય રે
ના ચળે કોઇથી, ના ડૂબે કોઇ દિ’
વિશ્વ માં સર્વદા ઝળહળી જાય રે
ષડરિપુ ક્યાંકથી ઘોર આવી ચડે
પ્રેમની ધાર થી કાપતી જાય રે
દોર જીવન થકી ,કાપ જ્યારે હરિ
દૂર અવકાશમા ઓગળી જાય રે
kanchankumari parmar said,
October 14, 2009 @ 5:22 AM
મન મારુ થૈ ને પતંગ જૈ આવિયુ કલકતા જિ ;દેખિ હાવરા પુલ નાચિયુ અપરમપાર જિ……નાનપણમા કલક્તા નાઘરનિ છત ઉપર ખુબ પતંગ ચગાવતા….ખુબ મઝા આવિ ગૈ……
Kirtikant Purohit said,
October 14, 2009 @ 10:23 AM
સાચેસાચ એક અનૂઠી કવિતા.
manhar mody ('mann' palanpuri) said,
October 14, 2009 @ 11:01 AM
ભગવતીકુમાર સાહેબની રચના માટે કોમેન્ટ કરવાની મારા જેવા અદના શાયરની શું લાયકાત ! બસ, અનાયાસે જ ‘વાહ વાહ’ કહેવાઈ જાય.
Dhwani said,
January 12, 2010 @ 9:48 AM
એક મસ્તીભર્યાં છતાંય સ્નેહાળ રચના માટે બાળસહજ ભાવ સાથે ખૂબ જ અભિનંદન.
Rajendra Namjoshi,Surat said,
January 18, 2010 @ 7:40 AM
પતંગ-ગીત… ખુબ જ ગમ્યું. ખાસ તો આ પંક્તિ વધુ ગમી.
કાગળ પર રેશમના દોરે કન્યા બાંધે કન્નાજી;
પવન ટપાલી થઈ પહોંચાડે કાગળ એ જ તમન્નાજી!
કવિએ ખુબીપુર્વક માનવસહજ લાગણીઓને રમતી મૂકી દીધી છે.
-રાજેન્દ્ર નામજોશી – વૈશાલી વકીલ (સુરત )
…પતંગ થઇને આખો દિવસ ઊડે સૌ ગુજરાતી! - જય વસાવડા | ટહુકો.કોમ said,
January 13, 2011 @ 9:19 PM
[…] વૉટ અ થૉટ! કાઈટ્સ પર એક નેવરબિફોર અંગ્રેજી બૂક લખતાં લખતાં હમણા જ થયું કે રંગબેરંગી તસવીરોમાં ભળે એવા અંગ્રેજી પતંગકાવ્યો અપરંપાર છે. ‘મેરી પોપિન્સ’ કે પેટી ગ્રિફિનના એવરગ્રીન સોંગ્સ આજે ય ઝાંખા થયા નથી. પણ અંગ્રેજી પછી બીજી કઇ ભાષામાં પતંગ પર કવિતાઓ રચાઇ હશે? કદાચ ગુજરાતી! અને એ ય પાછી પતંગો જેવી જ કલરફૂલ વરાયટી વાળી! અંગ્રેજી જોડકણાઓને ટક્કર આપે એવા વૈચારિક ઉંડાણના રંગછાંટણાવાળી! ચાલો, સંક્રાંતિપર્વમાં ચગાવીએ ગુજરાતી કાવ્યપતંગ! જેમ કે, સાહિત્ય પરિષદના પ્રમુખ ભગવતીકુમાર શર્માની આ રંગબેરંગી રચના&#… […]