સુમસામ માર્ગ પર હજી તાજી સુગંધ છે
કોઇ કહો, વસંતની ક્યાં પાલખી ગઈ ?
ભગવતીકુમાર શર્મા

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for નિરંજન યાજ્ઞિક

નિરંજન યાજ્ઞિક શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




હવે – નિરંજન યાજ્ઞિક

ક્યાંક હળવું ક્યાંક મળવું ક્યાંક ઝળહળવું હવે
ક્યાંક ભીની રેતીમાં પગલાંનું ટળવળવું હવે

ક્યારનાં ટાંપી રહ્યાં શબ્દોને માટે ટેરવાં
ક્યાંક લીલા તૃણનું પથ્થર જેમ પાંગરવું હવે…

દૂર ટીંબે સૂર્યના કિરણોનું ડોકાવું જરા
પ્હાડમાં પથરાયેલા ધુમ્મસનું ઓગળવું હવે…

એક બાજુ હાથની નિસ્તેજ આંખો તગતગે
એક બાજુ શબ્દનું બેફામ વિસ્તરવું હવે…

રોજ ઘરની ચાર ભીંતોને ઉદાસી ઘેરતી
રોજ અવસાદી સ્વરોનું ઉંબરે ઢળવું હવે…

– નિરંજન યાજ્ઞિક

અભાવના અનુભવની, ઘેરા રંગને ઘુંટતી ગઝલ.

Comments (9)

ઢૂકડાં લગ્નનું ગીત – નિરંજન યાજ્ઞિક

આંબલિયે હોય એને પોપટનું નામ,
અને આંખોમાં હોય એને ?-બોલ !
સખી, પાદરમાં વાગે છે ઢોલ !

તોરણમાં હોય, મોર એને કે’વાય,
અને ઉમ્બરમાં હોય એને ? -બોલ !
સખી, શેરીમાં વાગે છે ઢોલ !

મારું હોવું તે આજ કમળનું ફૂલ,
અહીં કાલ કોણ ખીલવાનું ? -બોલ !
સખી, આંગણિયે વાગે છે ઢોલ !

ફળિયામાં ઊડે એ લાગે ગુલાલ ,
અને આંખોમાં ત્રબકે એ ? -બોલ !
સખી, હૈડામાં વાગે છે ઢોલ !

-નિરંજન યાજ્ઞિક

લગ્ન જેમ જેમ નજીક આવતા જાય એમ એમ કન્યાના કોડ ગુલાબી બનતા જાય છે. ગામના પાદરે આંબે બેઠેલા પોપટ જેવી પ્રતીક્ષારત્ આંખોને પ્રિયતમના આવણાંના ભણકારા સંભળાય છે. જાન શેરીમાં પ્રવેશે, શેરીમાંથી આંગણામાં આવે અને ત્યાંથી ફળિયામાં આવે ત્યાં સુધીમાં પરણ્યો ઠેઠ હૈયાની અડોઅડ આવી ઊભે છે અને ત્યારે જીવતર ગુલાલ ગુલાલ થઈ જાય છે… નિરંજન યાજ્ઞિકનું આ ગીત નવોઢાના રંગરંગીન ઓરતાઓને વારંવાર ગણગણવાનું મન થાય એવા લય સાથે અનોખો અક્ષરદેહ આપે છે…

Comments (6)