એમ નથી, છાંયો ભાળીને આગળ જઈએ,
તડકાને પણ સ્વીકારીને આગળ જઈએ.
– સુનીલ શાહ

લયસ્તરો બ્લોગનું આ નવું સ્વરૂપ છે. આ બ્લોગને  વધારે સારી રીતે માણી શકો એ માટે આ નિર્દેશિકા જોઈ જવાનું ચૂકશો નહીં.

Archive for કવિ રાવલ

કવિ રાવલ શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.




ગઝલ – કુ. કવિ રાવલ

ભવ્યતા લાગે ભયાનક શક્ય છે
શક્યતા સામે પરાજય શક્ય છે.

સ્પષ્ટતા કરવી ઘણીએ હોય પણ –
સાવ થઈ જાઓ અવાચક શક્ય છે.

પ્રેમની પેચીદગીને તો જુઓ –
કારણો એના અકારણ શક્ય છે.

ખુશ છે ભૂલી જઈને એ બધું –
ઢોંગ કરતા હો મહાશય શક્ય છે…

બોલવાની રીત બદલે અર્થને
શબ્દમાં ના હો તફાવત શકય છે.

માર્ગમાં છુટ્ટા પડેલાં હોય જે –
તે મળે સામે અચાનક શક્ય છે.

જિંદગીભર માનતા હો જે ગલત,
અંતમાં લાગે બરાબર શક્ય છે.

– કુ. કવિ રાવલ

સવાર સવારમાં આવી ગઝલ વાંચવામાં આવે તો આખો દિવસ સુધરી જાય એ ‘શક્ય છે’.

Comments (14)

ગઝલ – કવિ રાવલ

ઘર છે જ નહિ – તો બોલ, ક્યાંથી હોય સરનામું ? !
આ સ્પષ્ટતા મારી – બની ગઈ એક ઉખાણું…

આંખોં જરા પહોળી કરી – પાછા જુવે સામું –
વણઝારને હોતું હશે ક્યારેય ઠેકાણું ? !…

જીવન ગતિ છે – ચાલ તેની માપતા લોકો..
જાણે કરે ધંધો, હિસાબો ને લખે નામુ…

મારી ફકીરી જાતનો સૌ ધર્મ પૂછે છે…
મન થાય તે કરવાનું ને હરવાનું, ફરવાનું..

અટકળ અને પ્રશ્નાર્થ ને આશ્ચર્યની વચ્ચે –
વ્યાખ્યા કરી – “મારાપણું” હું કેમ સમજાવું ? ! ? !

– કવિ રાવલ

જીવન પરત્વે પારદર્શક કાચ જેવો સ્પષ્ટ અને સાફ અભિગમ ધરાવતા સીધી લીટી જેવા લોકો ક્યારેક સમાજ માટે એક કોયડો બની રહે છે. કવિની એક જ હથેળીની પાંચ આંગળી સમા આ ગઝલના પાંચેય શેરમાંથી આ જ વાત ટપકી રહી છે…

Comments (14)

અનુભવ – કવિ રાવલ

ઝાડ કરતું નથી પ્રયુક્તિ
ડાળ – ફૂટી હશે અમસ્તી

એક કલ્પન, નશો ને મસ્તી
થાય ઝળહળ જરાક હસ્તી

ચેતનાની ખરી અસર છે
આ નશો ને નશાપરસ્તી

કોણ છે તું કબીર જેવો ?
પૂછ્યું મેં તો કહે: “વિરક્તિ”

જેમ મસ્તી બને અનુભવ
તેમ અનુભવ થયો છે મસ્તી

– કવિ રાવલ

આપણી ભીતર કશુંક ભર્યું પડ્યું હોય તો એને બહાર લાવવા માટે આપણે કોઈ યુક્તિ-પ્રયુક્તિ કરવી પડતી નથી. માંહ્ય હીર હોય તો કથીરને કંચન થતું કોણ રોકી શકે ? ભીતર પાણી હોય અને વેગ હોય તો ઝરણું પથ્થર કોતરીને પણ માર્ગ કરી લે છે અને અવરોધ નડે તોય ઝાડને પણ ડાળ ફૂટી જ નીકળે છે… આખરી શેર પણ આવો જ ભર્યોભાદર્યો થયો છે…

Comments (16)

ગઝલ – કવિ રાવલ

વિચારો કરેલાં રજૂ રોષપૂર્વક
નથી બસ કશું પણ નથી દોષપૂર્વક

ગયેલું હતું મોજુ આક્રોશપૂર્વક
કિનારો કહે એ જ અફસોસપૂર્વક

ઉભા શુષ્ક ગ્રીવા લઈ શોષપૂર્વક
કરો સ્નિગ્ધ એને પરિતોષપૂર્વક

કહો શબ્દ આજે પ્રતિઘોષપૂર્વક
ગઝલ પણ લખો તો લખો હોંશપૂર્વક

હૃદયમાં ઉમળકા હતા જોશપૂર્વક
થઈ આંખ ભીની જરા ઓસપૂર્વક

-કવિ રાવલ

કવિની એક સુંદર મત્લા ગઝલ.વળી આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ પણ છે.’ લગાગા’ના આવર્તન ગઝલની મૌસિકી વધારે છે અને એકધારા આવ્યા કરતા મત્લા એમાં ચાર ચાંદ લગાવે છે. એક જ શબ્દના અડધિયા ‘પૂર્વક’ને રદીફની જેમ વાપરીને કવિ જે રીતે નવા શબ્દો ‘કોઈન’ કરે છે એ જોવા જેવું છે ! 

Comments (14)

हिन्दी गजल – कु. कवि रावल

ख़ुद का ख़ुद से हो गया था सामना
और उसने फ़ोड डाला आईना |

मार कर सच को की उसने ख़ुदकुशी
फिर बचा बस खुद से ख़ुद का भागना |

गुफ्तगू होती रही चुपचाप बस
साथ तारों के हुआ था जागना |

छु रहा था कुछ हवाओं सा मुझे
नाम उसका क्या कहा था साजना ?

बस सितारों से भरा था आसमाँ
रातभर जायज्ञ था मेरा जागना |

-कु. कवि रावल

‘ફોર અ ચેઇન્જ’ આજે કુ. કવિ રાવલની એક હિન્દી ગઝલ…

Comments (12)

ઝાકળબુંદ : _૧૧ : ‍પડઘો – કવિ રાવલ

મૌનનો અતિરેક પડઘો
સાંભળો ક્યારેક પડઘો

સૂર્ય ડૂબીને બને છે
રોજ સાંજે એક પડઘો

નભ બનીને વિસ્તરે છે
ક્ષિતિજ લગ છેક પડઘો

કેમ પડઘાતો રહે છે ???
એકલો પ્રત્યેક પડઘો

જો લગોલગ પાસ આવી
સ્પર્શતો હળવેક પડઘો

કવિ રાવલ

કવિ રાવલની કૃતિઓ લયસ્તરો પર આપણે અગાઉ પણ માણી ચૂક્યા છીએ. આજે એક ટૂંકી બહેરની ફિલસૂફીસભર રચના વાંચીએ. પહેલા શેરની ફક્ત પહેલી જ લીટી (ઉલા મિસરો) વાંચો અને…

Comments (11)

પ્રેમ જેવી બાબત – કવિ રાવલ

હાસ્ય એનું તીખ્ખું અને નમકીન છે,
એમ લાગે છે આજ એ ગમગીન છે.

વાત ચોખ્ખી ને સ્પષ્ટ છે એ સાવ પણ
મામલો પેચીદા અને સંગીન છે.

પ્રશ્ન નાજુક છે એમ લાગે છે હવે,
એ વિચારોમાં કેટલાં તલ્લીન છે.

પ્રેમ જેવી બાબત બની ગઈ વારતા,
લાગણીઓની એ જ તો તોહીન છે.

સ્વપ્ન જેવું જોયા કરે છે એ ય પણ –
એટલે આંખો એમની રંગીન છે.

– કવિ રાવલ

“ગાલગાગા ગાગાલગા ગાગાલગા” ના છંદબંધારણને અનુસરીને લખાયેલી કવિતાના છંદ માટે કવિ “મિશ્ર છંદ” શબ્દ પ્રયોજે છે. આ છંદ ગઝલશાસ્ત્રમાં “બહરે હમીમ મુસદસ” (21 માત્રા) તરીકે ઓળખાય છે. આના જેવા જ બંધારણ ધરાવતા અન્ય છંદો પણ છે-

ગાલગાગા ગાગાલગા ગાલગાગા – બહરે ખફીફ મુસદસ સાલિમ
ગાલગાગા ગાગાલગા ગાગાગા – બહરે ખફીફ મુસદસ મુશઅસ
ગાલગાગા ગાગાલગા ગાલગા – બહરે ખફીફ મુસદસ અરૂઝ વ જર્બ મહઝૂફ
ગાલગાગા ગાગાલગા  – બહરે ખફીફ મરબ્બઅ સાલિમ

-પણ છંદની પળોજણોને બાજુએ મૂકીને પણ આ ગઝલ આખી માણવા લાયક છે. કવિનો મારે એ રીતે આભાર માનવો પડે કે એણે આ નવો છંદ મારી સામે મૂકી મને છંદશાસ્ત્રનો વિગતે અભ્યાસ કરવા મજબૂર કર્યો…

Comments (13)

એક ખૂણો…. -કવિ રાવલ

એકલો, અવ્વાવરૂ ને સાવ સૂનો,
આપણાં ઘરમાં રહે છે એક ખૂણો.

એ મને લાગે ઢળેલી સાંજ જેવો…
કેટલાંયે આથમે છે ત્યાં અરૂણો

હૂંફ જેવું છે કશુંક એની કને પણ,
આમ છે તડકા સમો ને તો’ય કૂણો.

ત્યાં જ ખરતો હોય છે ક્યારેક ડૂમો,
યાદ આવી જાય છે સંબંધ જૂનો.

આપણે તો એ જ તીરથ, એ જ યાત્રા,
“કવિ” ધખાવી બેસ અહીંયા એ જ ધૂણો.

-કવિ રાવલ

મૂળ નામ (કુમારી) કવિતા રાવલ, પણ કવિતા લખે કવિના નામથી. મૂળ રાજકોટના, પણ રહે છે અમદાવાદ. મૂળે કૉમર્સના સ્નાતક, પણ પનારો પાડે છે આર્ટ્સ (શબ્દો) સાથે! મૂળે શબ્દોની ગલીઓના ભોમિયા, પણ સરકાર માન્ય ટુરિસ્ટ ગાઈડનું લાઈસન્સ પણ ધરાવે. કવિની ગઝલોમાં બળકટ તાજગી અને છંદોની સફાઈ ઊડીને આંખે ચડે છે. ગઝલના છંદો સાથે રમત કરી સતત નવું નિપજાવવાની એમની ચેષ્ટા એમની સંનિષ્ઠતાની સૂચક છે. પ્રસ્તુત ગઝલમાં તડકાની હૂંફ અને કૂણાશ કેવી સંજિદી હળવાશથી આપણને સ્પર્શે છે !

Comments (23)