આંસુ ઉપર આ કોના નખની થઈ નિશાની ?
ઈચ્છાને હાથ-પગ છે, એ વાત આજે જાણી
ચિનુ મોદી ‘ઈર્શાદ’

(વિ) ચિત્ર – જગદીશ જોષી

વેરાનોમાં તરસ-તરસી ચીસ થીજી,અને આ
વૃક્ષો કેરી હરિત ભ્રમણા : આંખમાં રેત સુક્કી,
મેઘો ગાજે અજલ, વળથી ઊછળીને સમુદ્રો
કાંઠે આવી વ્યરથ પટકે શ્વેત, ફેનિલ મુઠ્ઠી.

ઊગે-ડૂબે અવિરત નભે સૂર્ય આ અંધ, મારો
ઝાંખો-પાંખો સતત કરતો ચંદ્ર આક્રંદ મંદ.
તોયે વૃક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે
ઝૂલે-ખૂલે, ગગન-ધરતીનો કશો આ સંબંધ!

ઊગે લીલી કૂંપળ જડ આ ભીંત ફાડી અચિન્તી,
કંપે એના હલચલ થતી પિંડ-બ્રહ્માંડમાં આ :
આવેગે કે અરવ પગલે આવવાનો ફરીને,
ભીડ્યાં દ્વારો પરિમલ થઇ ખોલવાનો,ઝરીને !

તારી આંખે તગતગ થતા તારલાઓ નિહાળું
કે આ મારું હરણ-સપનું…ચીસ થીજી,અને આ….

-જગદીશ જોષી.

પ્રકૃતિના તત્વોના સ્વ-ભાવને કેટલી સુંદરતાથી કવિએ ઉપયોગમાં લીધા છે ! પ્રચંડ શક્તિશાળી તત્વોની નપુંસકતા એક ઘેરી નિરાશાની લાગણી સૂચવે છે. અચાનક મધ્યકાવ્યમાં સૂર બદલાય છે અને એક કૂંપળ ફૂટે છે-એક શાંત ક્રાંતિ થાય છે જાણે… અંતિમ બે પંક્તિઓ એક અનુત્તર પ્રશ્ન છોડી દે છે… જગદીશ જોષીની વીણાને સામાન્યત: કરુણ ગાન વિશેષ રુચે છે પરંતુ અહીં કંઈક અનોખી છટા ખીલી ઊઠી છે.

8 Comments »

  1. rekha sindhal said,

    January 31, 2010 @ 4:52 PM

    વાહ ! સરસ રચના !

  2. ધવલ said,

    January 31, 2010 @ 10:34 PM

    નિરાશા અને આશા વચ્ચેના ચિર-સંધર્ષનું બળકટ ચિત્રણ.

  3. Pancham Shukla said,

    February 1, 2010 @ 5:26 AM

    સુંદર મંદાક્રાંતા સૉનેટ.

    જોયું ‘તોયે વ્રુક્ષો,ખળખળ વહતી આ નદી,ખેતરોયે’ માં વહતીનું કવિએ લગા માપ લીધું છે !

  4. વિવેક said,

    February 2, 2010 @ 2:05 AM

    વારંવાર વાંચ્યું… સૉનેટ ખરેખર સબળ થયું છે… મોટાભાગના સૉનેટમાં કવિ છેલ્લી બે પંક્તિઓમાં મોટા અવાજે બોલીને ચોટ આપવા મથતો નજરે ચડે છે… જગદીશ જોષી ન બોલીને ધારી ચોટ કરી શક્યા છે…

  5. Pinki said,

    February 2, 2010 @ 3:53 AM

    ઉત્તમ સોનેટ .. !

  6. Kirtikant Purohit said,

    February 2, 2010 @ 11:09 AM

    જાણિતા કવિની એક માતબર સોનેટ રચના માણી.

  7. Atul Sadrani said,

    February 9, 2010 @ 10:35 PM

    શ્રી વિનોદ જોશી ની કવિતા -સખિ મારો સાહ્ય્બો સુતો….. સાઈટ પર મુક્વા વિનંતી છે.

  8. pragnaju said,

    February 10, 2010 @ 1:17 AM

    મંદ મંદ આક્રંદ કરતું સોનેટ્

    ખૂ બ સરસ

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment