ગઝલ – શબ્દપ્રીત
નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે
ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે
લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે
જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે
જે મને ઉદગાર થઈ ભેટયા હતા
એ હવે પ્રશ્નાર્થ થઈ પરખાય છે
– શબ્દપ્રીત
ટેરવાં સાંભળે અને હથેળી અમૂર્તને અનુભવે એ વાત કેવી મજાની છે અને કવિએ કેવી સરસ રીતે કરી છે ! સંબંધોના અલગ-અલગ સમીકરણોને તાગવા મથતી ખૂબસુરત ગઝલ…
Girish Parikh said,
February 5, 2010 @ 1:16 AM
જે નથી વાંચી શકાતું શબ્દમાં
એ જ તારી આંખમાં વંચાય છે
આ શેર વાંચતાં મને મારું મુક્તકાવ્ય (અછાંદસ નહીં કહું!) “મૌન” યાદ આવ્યું. અહીં આપવાની ઈચ્છા તો થઈ ગઈ હતી પણ એને રોકું છું.
આદિલના એક મુક્તકનો શેર યાદ આવે છેઃ
ઓછો છે સમય, આંખને વાચા આપી,
‘આદિલ’ આ મિલન કેફમાં ડોલી લઈએ.
ગઝલ તો ગમી જ, પણ કવિનું ‘શબ્દ પ્રીત’ તકલ્લુસ પણ ગમી ગયું. શબ્દોને કવિએ ખરેખર વાચા આપી છે!
Girish Parikh said,
February 5, 2010 @ 1:23 AM
ઉપરના મારા લખાણમાં ‘તખલ્લુસ’ વાંચવા વિનંતી.
મારું ‘મૌન’ કાવ્ય કોમેન્ટમાં આપતો નથી — માની લો કે હું મૌન લઉં છું, પણ એ કાવ્ય તમને વાંચવા મળી પણ શકે!
– – ગિરીશ પરીખ
Sabeena said,
February 7, 2010 @ 10:47 PM
આ ગઝલ “આદીલ” હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
પંડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે.
pragnaju said,
February 10, 2010 @ 1:08 AM
નામ તારું ટેરવે સંભળાય છે
ને હથેળી સ્પર્શથી છલકાય છે
ઝાડ, માળો, ડાળને છોડ્યા પછી
એ જ પંખી આભનું થઈ જાય છે
લાગણીની લોકશાહી જોઈ લે
પાનખરમાં પર્ણ સૌ મલકાય છે
ખૂબ ગમ્યું