શોધ – પન્ના નાયક
આ મારું ઘર.
એમાં ઘણી હતી
અવરજવર,
દોડધામ.
ધીરે ધીરે ધીરે
બધા અદ્રશ્ય.
ઘર વચ્ચોવચ
હું સાવ એકલી.
આ ઘર
મેં બારીકાઈથી
ક્યારેય જોયું નહોતું.
હવે
મને દેખાઈ એની
ઊંચાઈ, પહોળાઈ, લંબાઈ.
દીવાલનો રંગ
આટલો મેલો હતો પહેલાં ?
અને
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?
હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?
– પન્ના નાયક
એક સન્નાટાની જેમ ત્રાટકતી કવિતા. મૂળસોતા ઊખડેલા મનની વિપદાનું ધારદાર વર્ણન. આ ‘શોધ’ શેની શોધ છે ? પોતાના ઘરની, પોતાના મૂળની કે પોતાની જાતની ?
Girish Parikh said,
February 2, 2010 @ 11:15 PM
અમેરિકામાં વસતાં ગુજરાતી ભાષાનાં અગ્રગણ્ય કવયિત્રી પન્નાબહેનને પણ અશરફ ડબાવાલાએ શિકાગો લેન્ડમાં યોજેલાં કવિ સંમેલનોમાં સાંભળેલાં. આ લખનારનો જીવ સાહિત્યનો છે અને ઊંચી કોટીનાં એ સાહિત્ય સંમેલનો સદા યાદ રહેશે. ઘણાં ખરાં સંમેલનોના અહેવાલો આ લખનારે અખબારોમાં પ્રકાશિત કરાવીને ઊંડો આત્મસંતોષ અનુભવેલો.
આ મુક્તકાવ્ય (અછાંદસ શબ્દ મને ગમતો ન હોવાથી મેં એના માટે ‘મુક્ત્તકાવ્ય’ શબ્દ પ્રયોજ્યો છે) માં કવયિત્રી માનવ દેહની વાત કરતાં લાગે છે. આ દેહમાં એકલા આવ્યા, માયામાં અટવાયા, અને છેવટે એકલા પડીને એકલા જ જવાનું છે.
– – ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા E-mail: girish116@yahoomail.com
(ગિરીશનું સર્જાતું જતું પુસ્તક “આદિલના શેરોનો આનંદ” (tentative title) યોગ્ય પ્રકાશકની શોધમાં છે).
વિવેક said,
February 3, 2010 @ 1:48 AM
સશક્ત અછાંદસ…
ધારી ચોટ ઉપસાવવામાં કવયિત્રી સફળ નિવડ્યાં છે….
SMITA PAREKH said,
February 3, 2010 @ 2:57 AM
અવરજવરથી ભર્યા ભર્યા ઘરમાં જ્યારે એકલા પડી જઇએ ત્યારની સ્થિતીની વેદનાને ખુબ જ ધારદાર રીતે વ્યક્ત કરી છે.
સરસ કાવ્યરચના!!!
shashikant vanikar said,
February 5, 2010 @ 2:06 AM
આદભુત !!! માનસ નિ વેદના નિ કેવિ વાત.
pragnaju said,
February 10, 2010 @ 1:13 AM
દેખાતી ઝીણી ઝીણી તિરાડો
ત્યાં હતી ખરી ?
આ ઓરડાને
બારીબારણાં હતાં ?
હું અંદર આવેલી
એ બારણું ક્યાં છે ?
આદભુત