શ્રીનાથ જોશી શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર), સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.
January 25, 2010 at 10:18 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીનાથ જોશી
દ્રશ્યોનો શાંત સમુદ્ર…
વહેતી નદી, પસાર થતી ટ્રેન
સંભળાતી વ્હિસલ
ક્યાંક સળગતો અગ્નિ
નાનો અમથો આપબળે
ઝઝૂમતો દીવો…
ઝૂમતાં ઝુમ્મરો
આકાશનો ઢાળ ઊતરતી સાંજ
શિખર પર મહાલતી હવા
રાત્રિનો તારાજડિત અંધકાર
સુવાસિત સમય.
દ્રશ્યમાંથી અદ્રશ્ય તરફ જવાની
શાંત, ધીમી, લાવણ્યમય ગતિ.
– શ્રીનાથ જોશી
દ્રશ્યોની આંગળી પકડીને અદ્રશ્ય તરફ જવાની વાત છે. મન દ્રશ્યોથી એવું ભર્યું ભર્યું થઈ જાય કે દ્રશ્યને અતિક્રમી જાય ! બીજી રીતે જુઓ તો આ અવાજોની આંગળી પકડીને મૌન તરફ જવા જેવી વાત છે. યાદ કરો, ધ્યાનમાં મંત્રનો સહારો લઈને જ મનને સમાધિ તરફ લઈ જવાનું હોય છે.
ઓહ ! આ તો સૌંદર્યો પીને ઊઘાડી આંખે સમાધિ પામવાની વાત છે – અને એય શાંત, ધીમી, લાવણ્યમય ગતિએ !
Permalink
December 3, 2008 at 8:48 PM by ધવલ · Filed under અછાંદસ, શ્રીનાથ જોશી
હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:
તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે
અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.
હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.
-શ્રીનાથ જોશી
કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !
Permalink