મોસમ આ માતબર છે,
ખુશ્બૂની બસ ખબર છે,
ફૂલોય ડાક-ઘર છે!
– હેમેન શાહ

હું તમારી કવિતા વાચું છું ત્યારે – શ્રીનાથ જોશી

હું તમારી કવિતા વાચું છું ત્યારે
મને એમ લાગે છે કે હું સમુદ્રના સાન્નિધ્યમાં છું.
પૃથ્વી પર વસું છું
છતાંય તમારી ધરતી અને આકાશની વચ્ચે
હું અજાણ્યા લય-તાલમાં શ્વસું છું:

તમારી સૃષ્ટિના મુલાયમ પ્હાડ પર મેં
કુમળા બાળક જેવા સૂર્યને ઊગતાં જોયો છે.
ચંદ્રનો ચ્હેરો જોયો છે મેં
તમારા બન્ને હાથની રસાળ ડાળીઓ વચ્ચે

અંધકારના મૌનની વચ્ચે
વહે છે હવા
કોઈ લાવણ્યમય સ્ત્રીની
સહજ, સ્વાભાવિક ગતિ જેવી.

હું તમારી કવિતા વાંચું છું ત્યારે
મને એમ લાગે છે
કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.

-શ્રીનાથ જોશી

કવિતા વાંચતા કેવી અનુભૂતિ થાય છે એને વણી લઈને દુનિયાના બધા કવિઓને એમની કવિતાઓના જવાબમાં આ કાવ્ય લખેલું છે. કવિતાઓનું વાંચન એક નવું વિશ્વ, નવું સંગીત, નવો પ્રકાશ ને  નવી સંવેદના રચી આપે છે. આ બધા માટે આપણે કવિઓના ઋણી છીએ… અને એ ઋણ ચુકવવાનો સાચો રસ્તો ? – એક વધુ કવિતા લખીને આભાર માનવો !

3 Comments »

  1. pragnaju said,

    December 3, 2008 @ 10:25 PM

    અંધકારના મૌનની વચ્ચે
    વહે છે હવા
    કોઈ લાવણ્યમય સ્ત્રીની
    સહજ, સ્વાભાવિક ગતિ જેવી.

    હું તમારી કવિતા વાંચું છું ત્યારે
    મને એમ લાગે છે
    કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.
    સુંદર- આપણા સૌની વાત
    કવિવર રવીન્દ્રનાથ ટાગોરની સુંદર કવિતા અને સૌંદર્યની ફિલસૂફી-સૌંદર્ય એ માત્ર નારીના રૂપનું જ નથી. સૌંદર્ય એક સર્વવ્યાપી શબ્દ છે.કવિ યીટસે તેનું સમગ્ર જીવન પ્રેરણાદાયી કાવ્યો લખીને વિતાવ્યું કે તેઓ માનતા હતા કે કાવ્ય દ્વારા રાષ્ટ્રીય એકતા જળવાય છે.‘ગીતાંજલિ’ને રોજ રોજ વાંચીને કે કવિ કાંત, બોટાદકર, મેઘાણી કે બીજા કવિઓનાં કાવ્ય વાંચીને ઘરમાં સુંદરતાનું અને પ્રેમનું વાતાવરણ બનાવ્યું અંધકારમાં પણ પ્રકાશને જૉવાનું તો આપણા સંસ્કારમાં છે.

  2. Jayshree said,

    December 4, 2008 @ 3:32 PM

    મઝા આવી જાય એવી કવિતા… કવિને એમની પોતાની જ કવિતા પાછી સંભળાવવાનું મન થઇ જાય જાણે..!!

  3. Jayshree said,

    December 4, 2008 @ 5:50 PM

    અને આ જ કવિતા લયસ્તરોને પણ ૧૦૦% લાગુ પડે એવી છે..!

    હું લયસ્તરો પર કવિતા વાંચું છું ત્યારે
    મને એમ લાગે છે
    કે હું સમગ્ર વિશ્વના સાન્નિધ્યમાં છું.

RSS feed for comments on this post · TrackBack URI

Leave a Comment