ફૂલ ફૂટ્યાં છે – હરિકૃષ્ણ પાઠક
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
આમ જુઓ તો ઊડતી પીળી પામરી
અને આમ જુઓ તો ઝૂલતી રાતી ઝૂલ;
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
પંચમસૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યાં, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એનાં અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
અરે, કાંઈ ફૂલ ફૂટ્યાં છે ફૂલ !
– હરિકૃષ્ણ પાઠક
વસંતપંચમી આવે રંગબેરંગી ફૂલો અને કોયલનાં ટહુકાઓ જરૂર યાદ આવે, પણ જો વસંતપંચમી આવે એની ખબર હોય તો ! આજે શહેરોમાં કદાચ ઘણાને ખ્યાલ પણ નથી રહેતો કે વસંતપંચમી ક્યારે આવી ને ક્યારે ગઈ. આજે જ ક્યાંક વાંચ્યું કે દીકરાની શાળામાં વસંતપંચમી વિશે ભણવાની વાત આવી ત્યારે મા-બાપને યાદ આવ્યું કે આજે વસંતપંચમી છે. વેસ્ટર્ન વેલેંટાઈંસ ડે માટે કદી આવું નથી થતું. એ હાલત માત્ર એકની જ નહીં, આપણા જેવા અનેકોની છે. અમારે ત્યાં પણ વસંત તો આવે જ છે પણ જરા મોડી આવે છે. અને જ્યારે આવે છે ત્યારે આખું વાતાવરણ ટ્રાંસફોર્મ થઈ જાય છે. ઘરમાંથી બહાર નીકળતા જ રસ્તાની બાજુમાં ઠેર ઠેર રોપવામાં આવતા ચેરી બ્લોસમ્સથી ભરાઈ ગયેલા ઝાડ, બાગ-બગીચા તથા ઘેર ઘેર રોપેલા ખાસ સ્પ્રિંગમાં ઉગતા ફૂલો કદી અમને ભૂલવા જ નથી દેતા કે ‘Spring is here!’ આ વસંતગીતમાં ‘પંચમસૂર રેલાવતો કોકિલ’ શબ્દો વાંચીને મને યાદ આવ્યો તાજેતરમાં જ વાંચેલો ગુ.સ.નો એક લેખ… જેમાં લખ્યું હતું કે– વસંતમાં મીઠા ટહુકા ટુહૂ ટુહૂ ટુહૂ નરકોકિલ કરે છે. કોયલડી તો ગાતી જ નથી. છતાં કવિઓ નરકોકિલને ડોન્ટકેર કરીને કોયલડીની પાછળ જ પડ્યા છે. 🙂
લયસ્તરોનાં વાચકોને વસંતપંચમીની અઢળક વાસંતી-શુભેચ્છાઓ.
Pancham Shukla said,
January 20, 2010 @ 9:36 PM
દેશમાં વસંત બેસી ગઈ પણ આજકાલ બ્રિટનનું હવામાન આવું લખવા પ્રેરે છે…
દેશમાં વસંત ભલે અહીં તો હિમ પ્રપાત છે,
આભથી જમીન લગી શ્વેત રસ નિપાત છે.
રંગ- ગંધ- છોળ- ભ્રમરના અતીત રાગની
નાતાલની સવાર સમી સુસ્ત યાતાયાત છે.
ડાળ ડાળ પંચમ કોકિલ સ્વરની સંજ્ઞામાં
ફિન્ચ, સ્પેરો, રોબિનની ગુપ્ત આંગ્લ વાત છે.
Girish Parikh said,
January 20, 2010 @ 10:31 PM
મોડેસ્ટો, કેલિફોર્નિયામાં રહું છું. અહીંના શ્રી રામ મંદિરના એક કાર્યક્રમમાં જાણવા મળેલું કે જાન્યુઆરી ૨૦, ૨૦૧૦ના રોજ વસંત પંચમી છે. છેલ્લા ત્રણેક દિવસથી અહીં તો વરસાદ પડ્યા કરે છે, અને પવન જોરથી સૂસવાટા માર્યા કરે છે. ટપાલ લેવા થોડો વખત બહાર ગયો તો લગભગ આખું આકાશ પાણીભર્યાં વાદળાંથી ઘેરાએલું જોયું.
પણ હરિકૃષ્ણ પાઠકના ગીતનાં ફૂલોની સુવાસે મનને પ્રફુલ્લિત કરી દીધું.
pragnaju said,
January 20, 2010 @ 10:31 PM
પંચમસૂર રેલાવતો કોકિલ, રંગ રેલાવે રત;
પડદેથી સૌ પટમાં આવ્યાં, ગમ્મતે ચડી ગત…
જોડિયા પાવા જાય ગાળીમાં ગાજતા
એનાં અરસ-પરસ પરખ્યાં કોણે મૂલ ?
વા હ્
જીવનમાં વસંતને ખીલવા દો.
વસંતમાંથી પ્રેરણા લઇ પોતાની જાતને કંડારી
એક સુંદર આકૃતિ નિર્માણ કરી વસંતને વધાવીએ
બે વાત યાદ આવે છે-શંકરે ત્રીજું નેત્ર ખોલી કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો!
પાંડુરાજા કુંતા અને માદ્વી સાથે વાનપ્રસ્થાશ્રમ વ્યતીત કરે છે.માદ્વીએ ઝીણાં વલ્કલ વસ્ત્રો ધારણ કર્યા હોય છે. વસંત ઋતુનું આગમન થયું હોય -કામદેવનો નહિ પણ વસંતનો વિજય થાય છે.
સ્ખલન અને મૃત્યુ..
વસંતપંચમીની -શુભેચ્છાઓ
વિવેક said,
January 21, 2010 @ 12:26 AM
સુંદર ગીત…
Kirtikant Purohit said,
January 23, 2010 @ 10:09 AM
હરિકૃષ્ણભાઇનુ ગીત અને પઁચમભાઇની રચનાઓ મનભરીને માણી.વસઁત એટ્લે ઋતુનો પણ ઋતુકાળ.સમયસરનુઁ પ્રેઝંટેશન.